દસમા ધોરણમાં ભણતી સ્ટુડન્ટે લગ્નના માંડવે જ ફિનાઇલ પીધું

Published: 19th December, 2014 06:12 IST

મોટી બહેનનાં લગ્ન સાથે જ નાની બહેનને પણ પરણાવી દેવાની ગરીબ પિતાની ઇચ્છા અધૂરી રહી


પોતાનાં લગ્નની કેટલીક મિનિટો પહેલાં જ ક્ન્યાએ લગ્નના મંડપમાં જ બાથરૂમમાં જઈને ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ઉલ્હાસનગર ખાતે હીરા મૅરેજ હૉલમાં બની હતી. કન્યાને ભણવું હતું છતાં તેના પિતાએ તેનાં લગ્ન નક્કી કર્યા હોવાથી કન્યાએ આ પગલું ભર્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ઘાટકોપર ખાતે બે સગી બહેનોનાં લગ્ન ઉલ્હાસનગર ખાતે બે યુવકો સાથે નક્કી થયાં હતાં. કાર્યક્રમ પ્રમાણે બે કન્યાઓ, બે વર અને તેમનાં રિલેટિવ્સ હૉલમાં એકઠાં થયાં હતાં. મોટી બહેનની લગ્નવિધિ ચાલુ હતી ત્યારે નાની બહેને એમાં ભાગ લીધો હતો.

મોટી બહેનનાં લગ્ન થઈ ગયા બાદ નાની બહેનનાં લગ્ન શરૂ થવાનાં હતાં ત્યારે કન્યાએ પોતાને બાથરૂમમાં જવું છે એમ જણાવીને તે બાથરૂમમાં ગઈ હતી અને તેણે ફિનાઇલ પી લીધું હતું અને બાથરૂમની બહાર આવતાં જ તે ફસડાઈ પડી હતી. તેને તરત જ સેન્ટ્રલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હૉસ્પિટલમાં સારવાર બાદ તે હોશમાં આવી હતી અને પોતે ટેન્થ સ્ટાન્ડર્ડમાં ભણે છે અને વધુ ભણવા ઇચ્છે છે એમ છતાં તેના પિતા તેનાં લગ્ન જબરદસ્તીથી કરી રહ્યા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું કન્યાએ જણાવ્યું હતું, પરંતુ કન્યાના પિતાનું કહેવું એવું છે કે હું અત્યંત ગરીબ છું અને જેમતેમ કરીને મારા કુટુંબનું ગુજરાન ચલાવું છું. મારી પત્ની મને છોડી ગઈ હતી એથી યુવાન દીકરીઓ એકલી ઘરે હોવાથી તેમનું માગું આવતાં મેં તેમને પૂછ્યું હતું, પરંતુ નાની પુત્રીએ આવું પરાક્રમ કર્યું એને લીધે તેની મોટી બહેનને પણ સાસરિયાં લઈ જવાની ના પાડે છે. પોલીસે આ પ્રકરણે કન્યા સગીર હોવાનું જણાવીને એ બાબતની ખાતરી કરીને કાર્યવાહી કરશે એમ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK