આવતા મહિને પૃથ્વીનો વિનાશ થશે જ એવું માની બ્રિટિશરે એક વર્ષ માટેનો ખોરાક સ્ટોર કર્યો

Published: 30th November, 2012 06:01 IST

માયા કૅલેન્ડરે કરેલી આગાહી મુજબ ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પૃથ્વીનો અંત થશે



અત્યારના લેટિન અમેરિકન દેશોમાં ઇસવી સન પૂર્વે ૨૦૦૦થી ઇસવી સન ૨૫૦ દરમ્યાન માયા જાતિનું અસ્તિત્વ હતું. આ જાતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા કૅલેન્ડરે કરેલી આગાહી મુજબ ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરના દિવસે પૃથ્વીનો અંત થશે. આ આગાહી કેટલી સાચી છે એ તો ચર્ચાનો વિષય છે, પણ દુનિયાભરમાં અનેક લોકો છે, જે આ આગાહીને સાચી માને છે. એટલું જ નહીં, તેમણે વિનાશથી બચવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

બ્રિટનના માન્ચેસ્ટર પાસે આવેલા સ્ટૉકપોર્ટ નામના ટાઉનમાં રહેતા સિમોન ડીલન નામના ૪૭ વર્ષના નિવૃત્ત સોલ્જરને પણ ખાતરી છે કે ૨૧ ડિસેમ્બરે પૃથ્વીના અંતની શરૂઆત થશે અને તેથી જ કોઈ પણ કટોકટી માટે તૈયાર રહેવા માટે તેણે ઘરમાં એક વર્ષ ચાલે એટલો ખોરાકનો પુરવઠો જમા કરી દીધો છે. એટલું જ નહીં, તેણે એક વર્ષ સુધી વીજળી વિના રહેવું પડે તો એ માટેની તૈયારી પણ કરી દીધી છે. આ માટે સિમોને ૨૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૧૭ લાખથી પણ વધારે રૂપિયા)નો ખર્ચ કરી દીધો છે.

પાંચ સંતાનોના પિતા સિમોનનું કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી દરમ્યાન પરિવાર સુરક્ષિત રહે એ માટે તેણે આ તૈયારી કરી છે. થોડા સમય પહેલાં નૅશનલ જિયોગ્રાફિક ચૅનલે વિશ્વના વિનાશથી બચવા માટેની તૈયારી કરી રહેલા લોકો પર ખાસ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો જેમાં સિમોન ડીલનને પણ આવરી લેવામાં આવ્યો હતો.

બ્રિટન, અમરિકા સહિતના અનેક દેશોમાં સેંકડો લોકોએ સંભવિત વિનાશથી બચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

૨૧ ડિસેમ્બરે નહીં થાય પૃથ્વીનો અંત : નાસા

૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પૃથ્વીનો અંત આવશે એવી માયા કૅલેન્ડરની આગાહીને ઘણા લોકો ગંભીરતાથી લઈ રહ્યા છે ત્યારે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે ૨૧ ડિસેમ્બરે પૃથ્વીનો અંત નહીં આવે. નાસાએ તેની વેબસાઇટ પર કહ્યું છે કે છેલ્લાં ૪ અબજ વર્ષોથી પૃથ્વી હેમખેમ છે અને આવનારા દિવસોમાં પણ કોઈ મોટો ખતરો આવવાની શક્યતા નથી. અગાઉ એવી પણ અફવા વહેતી થઈ હતી કે નિબીરુ નામનો ગ્રહ પૃથ્વી તરફ ધસી રહ્યો છે, જે ૨૧ ડિસેમ્બરે ધરતી સાથે ટકરાશે.

નાસા - નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK