અંતરના ઑડિટરનું સ્મરણ કરીને પહેલો અક્ષર માંડો!

Published: Oct 27, 2019, 16:16 IST | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી | મુંબઈ

પૃથ્વી નામના આપણા આકાશી ઘરે એના ઈષ્ટદેવ સૂર્યનારાયણની વધુ એક પ્રદક્ષિણા આજે પૂરી કરી.

પૃથ્વી નામના આપણા આકાશી ઘરે એના ઈષ્ટદેવ સૂર્યનારાયણની વધુ એક પ્રદક્ષિણા આજે પૂરી કરી. આંકડાથી ઓળખવી હોય તો આજે ૨૦૭૫મી પ્રદક્ષિણા પૂરી કરી, એવું આપણે કહીએ છીએ. આવતી કાલે ૨૦૭૬મી પ્રદક્ષિણાનો પહેલો દિવસ હશે. આ પહેલા દિવસને નવું વરસ અથવા બેસતું વરસ કહેવા પાછળનો મર્મ સમજી શકાય એવો છે પણ આ છેલ્લા દિવસને આપણે દિવાળી નામ કેમ આપ્યું હશે એનો કોઈ બુદ્ધિગમ્ય સંતોષજનક ખુલાસો મેળવી શકાતો નથી. દિવાળી એટલે ૧૪ વરસના વનવાસ પછી રામ અયોધ્યા પાછા ફર્યા, એવી મૌખિક પૌરાણિક પરંપરા આપણને મળે છે ખરી. આ દિવસે રામ અયોધ્યા પાછા ફર્યા એટલે અયોધ્યાવાસીઓએ ઉત્સવ મનાવ્યો, આનંદિત થઈને તોરણ બાંધ્યાં, મીઠાઈ વહેંચી, દીવડા પ્રગટાવ્યા, આ સમજી શકાય એવું છે પણ બીજા દિવસને બેસતું વરસ શી રીતે કહી શકાય? પૃથ્વી આ પહેલાં શું સૂર્યની પ્રદક્ષિણા નહોતી કરતી? આ પૂર્વે પૃથ્વીએ સૂર્ય ફરતી અનેક પ્રદક્ષિણાઓ કરી હશે. આજે આપણે આ પ્રદક્ષિણાને ૨૦૭૫નો આંકડો આપીએ છીએ અને આવતી કાલે ૨૦૭૬ થશે. જ્યારે પૃથ્વી વર્તુળાકારે ફરતી હોય ત્યારે કોઈ ચોક્કસ બિંદુને આરંભ કે અંત શી રીતે કહી શકાય?

આપણે આ આરંભ કે અંતને વિક્રમ સંવંત તરીકે ઓળખીએ છીએ. વિક્રમ નામના અનેક સમ્રાટો ઇતિહાસમાં થઈ ગયા છે. વિક્રમ એટલે પરાક્રમ. પોતાને પરાક્રમી તરીકે ઓળખાવવું પ્રત્યેક રાજાને ગમતું હોય છે. આપણે જેને આ સંવત સાથે સાંકળ્યો છે, એ રાજા વિશે પણ કેટલીય આગળપાછળ માન્યતાઓ છે. જેને આપણે એટલે કે ગુજરાતમાં દિવાળી કહીએ છીએ એને આસો મહિના સાથે સાંકળીએ છીએ. ઉત્તર ભારતમાં આ મહિનો આપણાથી એક મહિનો આગળ હોય છે. એટલું જ નહિ, નવા વરસનો દિવસ પણ શક શાલિવાહન સાથે, ઇશુ ખ્રિસ્ત સાથે, મહમદ પયગંબર સાથે એમ અનેક રીતે પૃથ્વીની આ પ્રદક્ષિણાનો આરંભ ગોઠવી દેવામાં આવ્યો છે. 

આ બધા આરંભ સાથે એક સામાન્ય લક્ષણ સાંકળી શકાય એવું છે. બધા પરસ્પરનાં મૉં મીઠાં કરે છે અને આંગણામાં, ધર્મ સ્થાનકે અથવા અન્યત્ર દીપ પ્રાગટ્ય કરે છે. (અપવાદની ક્ષમાયાચના સાથે.) હકીકતે, રામનું અયોધ્યામાં પુનરાગમન એટલે અયોધ્યાવાસીઓના શોકાકુલ સમયની સમાપ્તિ. શોક એટલે અંધકાર. અંધકારની સમાપ્તિ એટલે આનંદદાયક જ હોય. આ સમાપ્તિને પ્રકાશ પ્રગટાવીને ઊજવીએ. બીજા દિવસથી રામરાજ્ય શરુ થયું એટલે નવા યુગનાં મંડાણ.

નવા યુગના મંડાણ થાય એટલે નવી આશાઓ, આકાંક્ષાઓ, અરમાનો આ બધું પ્રગટ થાય છે, થવું પણ જોઈએ. ગઈ કાલ સુધી જે કરવા જેવું હતું પણ કરી શકાયું નથી, એ બધું હવે નવા દિવસ સાથે કરવાનો સંકલ્પ નવા વરસનો શુભ સંકેત છે. આ શુભ સંકેત માત્ર શબ્દ સાથે જ સંકળાયેલો ન રહે, એની તકેદારી રાખવી પડે. 

અંધકાર અને પ્રકાશ આ બન્ને શબ્દો અજ્ઞાન અને જ્ઞાન સાથે પણ જોડાયેલા છે. અજ્ઞાનને આપણે અંધકાર કહીએ છીએ અને જ્ઞાનને પ્રકાશ સાથે જોડીએ છીએ. અજ્ઞાનને પ્રકાશનો અભાવ કહી શકાય પણ જ્ઞાનને અંધકારનો અભાવ કહી શકાય નહિ. ઇશાવાસ્ય ઉપનિષદે આ અંધકાર અને પ્રકાશ માટે વિદ્યા અને અવિદ્યા એવા શબ્દો પણ પ્રયોજ્યા છે. જે સૂઝ સમજણ અને સામાન્ય જ્ઞાનથી વ્યાવહારિક જીવન સરળતાથી વહેતું રહે એ વિદ્યાને ઉપનિષદ આવકારે છે. આ વિદ્યા નથી અવિદ્યા છે. કેમ કે વ્યાવહારિક જીવનથી પરમ તત્વ સુધી પહોંચાતું નથી અને છતાં આ અવિદ્યા વિના જીવન યાત્રા સુખરૂપ ચાલતી નથી. નરી વિદ્યા એટલે પરમ જ્ઞાન, પણ નર્યા જ્ઞાનના મહાસાગરમાં જ જે તર્યા કરે છે અને જીવનની વાસ્તવિકતાને સ્પર્શ કરતો નથી, એ પ્રકાશ નહિ પણ અંધકારમાં જ છે. વિદ્યાના આ અંધકારને ઉપનિષદના ઋષિએ તમસ્ શબ્દથી ઓળખાવ્યો છે. અંધકારથીય અદકેરો અંધકાર તમસ છે. અંધકાર ઉપરની સપાટી છે. તમસ આ સપાટીની આરપાર ઊતરી જતી વિભાવના છે.

પરમ જ્ઞાનની પ્રાપ્તિ માટે જીવન યાત્રા તો સુખરૂપ રહેવી જોઈએ. આ શી રીતે થાય, એનું માર્ગદર્શન પ્રકાશનું આ પર્વ કરે છે. વિદ્યા એટલે કે સરસ્વતી સમગ્ર જીવન વ્યવહારના પાયામાં રહેલી છે. સરસ્વતીનો સત્કાર અને એનું પૂજન એટલે વાક્ બારસ. સરસ્વતીનું પ્રાગટ્ય અક્ષર દ્વારા થાય અને આ અક્ષરનો ઉચ્ચાર એટલે વાણી. પરસ્પરના વ્યવહારમાં વાણી જે સંબંધ સ્થાપિત કરે છે એ બીજું કોઈ કરી શકતું નથી. વાક્ પૂજનનો અર્થ વાણી વ્યવહારનું ઊંચું શિખર. આમ છતાં માત્ર આ શિખરપ્રાપ્તિથી જીવનની મધુરતા સાંપડતી નથી. લક્ષ્મી એટલે કે સંપત્તિ વિના વ્યવહાર શી રીતે ચાલે? અને સંપત્તિ પ્રાપ્ત થયા પછી પણ એનું રક્ષણ કરવાની શક્તિ જો સાંપડે નહિ તો એ સંપત્તિનો દુરુપયોગ થાય. આમ લક્ષ્મીપૂજન અને શક્તિપૂજન પણ પ્રકાશના આ પર્વ સાથે સંકળાઈ જાય.  

જીવનયાત્રા એક રીતે જોઈએ તો વેપારી પેઢી છે. કોઈ પણ વ્યાપારી પેઢીમાં વરસોવરસ હિસાબકિતાબ કરવા જોઈએ. હવે આધુનિક કોર્પોરેટ સેક્ટરમાં અર્ધ વાર્ષિક, ત્રિમાસિક અને ક્યારેક તો માસિક હિસાબકિતાબ સુધ્ધાં તૈયાર કરે છે. (મ્યુચ્યુઅલ ફંડોની જુદી જુદી સ્કિમો સાંજ પડ્યે રોજેરોજના પોતાના ભાવતાલ આપે છે. વાર્ષિક હિસાબકિતાબ ક્યારે કરવા અને કયા ધોરણે કરવા એ દરેક પેઢી પોતપોતાના ધંધા અનુસાર કરી શકે. વ્યક્તિગત જીવનમાં પણ આ વાત ધ્યાનમાં રાખવા જેવી અને સમજવા જેવી છે. કોઈ પણ એક દિવસને હિસાબકિતાબ માટે મુકરર કરી શકાય. આપણે આવી સગવડ ખાતર દિવાળીનો દિવસ મુકરર કર્યો છે. થોડાં વરસો પહેલાં આપણે આ દિવસે ચોપડાપૂજન કરતા. આ ચોપડા એટલે ધંધાકીય આવકજાવક અને હિસાબકિતાબ, જેમાં રોજેરોજ મંડાતા એ પ્રહરીઓ. કમ્પ્યુટર યુગમાં હવે આ પ્રહરીઓનો દોરદમામ લગભગ નષ્ટ થઈ ગયો છે અને છતાં જીવનયાત્રા પણ જો એક વેપારી પેઢી હોય તો આ પ્રહરીઓની શાખે આપણે ગયા વરસના આંકડા આમાં માંડવા જોઈએ. આ આંકડા કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઑડિટ કરાવવાની જરૂર નથી. ઑડિટનું આ કામ અંતર એકાઉન્ટન્ટ પાસે કરાવી શકાય.

આ ચોપડામાં માત્ર બે જ ખાતાં – જમા અને ઉધારના રાખીશું તો ચાલશે. ખાતાવહી અને રોજમેળ તૈયાર કરીએ તો વધુ વિશુદ્ધિ આવે ખરી પણ એમ.એ. કે એમ.કોમ.ની પરીક્ષા, બી.એ. કે બી.કોમ. પાસ કર્યા પછી જ આપી શકાય અને આ બી.એ. કે બી.કોમ. પણ એસ.એસસી.ની પરીક્ષા પાસ કર્યા વિના આપી શકાતી નથી. આ ચોપડા લખવા માટે કોઈ મહેતાજી કે મુનીમની જરૂર નથી. માત્ર દીવો પ્રગટાવવો પડશે અને આ દીવાના પ્રકાશમાં બીજા જે કોઈ પડછાયા પડતા હોય એને ખસેડીને જમણા હાથની હથેળી અને આંગળીઓ વચ્ચે પકડેલી કલમ આ બેની સાક્ષી ચોપડાના કોરા કાગળમાં અક્ષર માંડવા પડશે.

ચાલો, દીવો પ્રગટાવો, કલમ હાથમાં પકડો, ચોપડો ખોલો અને અંતરના ઑટરનું એક ક્ષણ સ્મરણ કરીને પહેલો અક્ષર માંડો – શ્રી ગણેશાય નમઃ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK