Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આવું આમ કેમ અને તેમ કેમ નહીં?

આવું આમ કેમ અને તેમ કેમ નહીં?

29 December, 2019 03:20 PM IST | Mumbai
Dr Dinkar Joshi

આવું આમ કેમ અને તેમ કેમ નહીં?

આવું આમ કેમ અને તેમ કેમ નહીં?


૨૦૧૪માં દેશની ચૂંટણીઓના ઇતિહાસમાં છેલ્લાં ૩૦ વર્ષમાં જે નહોતું બન્યું એ બન્યું. ૩૦ વર્ષથી ભારતીય સંસદ મિશ્ર સંસદ રહી હતી. કોઈ પક્ષને શાસન કરવા માટે સ્પષ્ટ બહુમતી મળી નહોતી અને એટલે મિશ્ર સરકારો દ્વારા દેશ ગાડું ગબડાવ્યે જતો હતો. ૨૦૧૪માં એનો અંત આવ્યો. ભારતીય જનતા પાર્ટીએ ૩૦ વર્ષ પછી પહેલી વાર સ્પષ્ટ બહુમતી મેળવી અને ૨૦૧૪-’૧૯ના સમયગાળામાં નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદ હેઠળ આ સરકારે એની કામગીરી કરી. આ ગાળામાં કૉન્ગ્રેસે વિરોધ પક્ષ તરીકે સ્થાન મેળવવા માટે પૂરી ૧૦ ટકા બેઠકો પણ મેળવી નહોતી.

૨૦૧૯ની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪નાં પરિણામો કરતાં પણ વધુ ઊજળો દેખાવ કરીને ચૂંટાઈ આવી. ૨૦૧૪-’૧૯ના ગાળામાં જે-જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યા બીજેપીએ મેદાન મારી લીધું અને ૨૦૧૯ના આરંભમાં દેશની ૭૮ ટકા વસ્તી પર બીજેપીનું શાસન સ્થપાયું હતુ, પણ ૨૦૧૯માં અને એ પછી પણ સંસદમાં વધુ બહુમતી મેળવવા છતાં જે-જે રાજ્યોમાં ચૂંટણીઓ થઈ ત્યાં-ત્યાં બીજેપીએ સરકાર ગુમાવી અને આજે ૭૮ ટકા વસ્તીને બદલે બીજેપીનું શાસન ૩૬ ટકા પર આવીને અટક્યું છે. આમ કેમ બન્યું?



બીજેપીએ રાજ્યો ગુમાવ્યાં, પણ આ ગુમાવેલાં રાજ્યો કૉન્ગ્રેસે મેળવ્યાં નથી. કૉન્ગ્રેસ જેવા રાષ્ટ્રવ્યાપી પક્ષે બીજેપી જેવા શાસક પક્ષને પરાજિત કરીને વિજય મેળવ્યો હોત તો લોકશાહી પરંપરા પ્રમાણે આપણને ગમ્યું પણ હોત પણ એમ બન્યું નહીં. કૉન્ગ્રેસે એકેય રાજ્ય તો નથી મેળવ્યું, પણ જ્યાં પાંચ-પંદર બેઠકોની સરસાઈ મેળવી છે ત્યાં આ સરસાઈ કોઈ ને કોઈ પ્રાદેશિક પક્ષની આંગળી પકડીને અથવા તો એના ખોળામાં બેસીને મેળવી છે. લોકશાહી માટે આ પરિણામો જોખમી છે. અહીં બને છે એવું કે સ્થાનિક હિતોને લક્ષમાં રાખીને જે પ્રાદેશિક પક્ષો ઊભરી આવે છે તેઓ વ્યાપક રાષ્ટ્રીય હિતના ભોગે બળવાન બને છે અને રાષ્ટ્રવ્યાપી પક્ષો શ્રીમદ ભાગવતની ભક્તિમાતાની જેમ તેમનાં દૂબળાં સંતાનો જ્ઞાન અને વૈરાગ્યને ટકાવી રાખવા દૂધની બૉટલ તેમના મોંમાં મૂકીને નારદઋષિ પાસે કરગરે છે. ૨૦૧૯માં આવેલાં રાજ્યોનાં ચૂંટણીનાં પરિણામો સામે આંખ આડા કાન કરવા જેવું નથી. અહીં બીજેપી હારી છે, પણ કૉન્ગ્રેસ જીતી નથી. પ્રાદેશિક પક્ષોનો વિજય તંદુરસ્ત પ્રણાલિકા નથી.


૨૦૧૯ની શરૂઆતમાં બીજેપીને સંસદ માટે ભવ્ય વિજય અપાવનાર મતદારોએ એ પછીના ૬ મહિનામાં જાકારો કેમ આપ્યો એ પણ વિચારવા જેવું છે. ૨૦૧૯ના બીજા શાસનકાળ દરમ્યાન પોતાના ચૂંટણીઢંઢેરા અનુસાર ચહેરો ઊજળો થાય એવાં કામ કર્યાં છે. ૩૭૦મી કલમની નાબૂદી, ટ્રિપલ તલાકનો કાયદો, નાગરિકતા ધારો, રામમંદિરનો ચુકાદો જેવાં કેટલાંય કામો જે વર્ષોથી લટકતાં રહ્યાં હતાં અને જેને અમલમાં મૂકવાં જરૂરી હતાં એ નરેન્દ્ર મોદીના બીજા શાસનકાળમાં થયાં અને છતાં રાજ્યોમાં બીજેપીનો પરાજય કેમ થયો?

નાના મોઢે મોટી વાત જો કહી શકાતી હોય તો અહીં એક વાત તરફ ધ્યાન દોરવા જેવું છે. શૌચાલય કે સ્વચ્છ ભારત જેવાં પાયાનાં કામ થયાં, પણ એ સાથે જ નોટબંધી, જીએસટી, ઉજ્જ્વલા સ્કીમ અને બીજા સંખ્યાબંધ ફેરફાર ઝડપભેર થયા છે. કોઈ પણ નવું પરિવર્તન ૮૦ કે ૯૦ ટકાને લાભ કરાવતું હોય તો પણ ૧૦ કે ૨૦ ટકાને નુકસાન કરે જ. દા.ત. જીએસટી લાંબા ગાળે એકંદરે દેશને લાભકર્તા છે એ સૌકોઈ સ્વીકારે છે અને છતાં જેઓ બેનંબરનાં નાણાંનો વ્યવહાર કરી રહ્યા છે તેમને હાલ તરત તો નુકસાન થાય જ છે. આ નુકસાનીને કારણે તાત્પૂરતી તેમને માટે મંદી છે. આવી નુકસાની વેઠવી કોને ગમે? તેઓ મંદીની બુમરાણ મચાવે છે. એ જ રીતે ઉજ્જ્વલા સ્કીમમાં કરોડો પરિવારોને ગૅસનું કનેક્શન ઘરબેઠાં મળ્યું છે, પણ આ સ્કીમને કારણે લાખો બેનંબરી વ્યવહારો અટકી ગયા છે. જેમનાં નામ-ઠેકાણાં સુધ્ધાં નહોતાં તેમની સબસિડી સુપેરે સરકારી તિજોરી તરફ વાળવામાં આવી છે. જેમને નુકસાન ગયું છે તેઓ તો વિરોધ કરે જ. આવું લગભગ દરેક સ્કીમમાં થાય. પરિણામે દરેક સ્કીમના વિરોધીઓની સંખ્યા વધતી જાય અને આ વધતી જતી સંખ્યાનો સરવાળો સરકારનો વિરોધી બને અને સ્થાનિક ચૂંટણી ટાણે આ વિરોધ મતદાનમાં પ્રતિઘોષિત થાય.


બીજી એક વાત પણ અહીં વિચારવા જેવી છે. મતદારો એટલા પરિપકવ થઈ ચૂક્યા છે કે કેન્દ્રીય સ્તરે હાલના તબક્કે બીજેપી તો ઠીક નરેન્દ્ર મોદી સિવાય તેમની આંગળી પકડી શકે એટલા કદનું કોઈ નેતૃત્વ હાથવગું નથી એ તેમને સમજાઈ ચૂક્યું છે. આ તંદુરસ્ત પ્રણાલિકા નથી અને વિરોધ પક્ષો જે એવું કહે છે કે દેશના નેતૃત્વ માટે બીજાં સબળ વ્યક્તિત્વો છે તેમને ૧૯૯૦થી ૨૦૦૪ના ગાળાની યાદ અપાવવા જેવું છે. આ ગાળામાં અને ત્યાર પછી ૨૦૦૯થી ૨૦૧૪ સુધી જે સરકારો આવી એમની કામગીરી દેશની પ્રતિષ્ઠા વધારે એવી નથી એ સ્વીકાર્યા વિના ચાલે એવું નથી. પરિણામે કેન્દ્રીય સ્તરે બીજેપીને મત આપ્યા પછી પણ આ મતદારોએ રાજ્યોમાં બીજેપીના મોઢે ચોકડું ખેંચી રાખ્યું છે.

બીજેપીના પરાજયનાં કારણો વિશે વિચારણા કરીએ ત્યારે ૨૦૧૯ પછીના બીજા શાસનકાળમાં એણે વિરોધ પક્ષોમાંથી જે મોટી ખરીદી આંખ મીંચીને કરવા માંડી હતી એને સંભાર્યા વિના ચાલે એમ નથી. આવા આયારામો-ગયારામોના ગંદવાડથી ચૂંટણી જીતી જવાશે એમ માનીને જેમની ભરતી કરવામાં આવી એનાથી બીજેપીમાં જ ભારે આંતરિક વિરોધ પ્રગટ્યો અને મતદારોએ પણ એને જાકારો આપ્યો. આ આંતરિક વિરોધ આવા આયારામો-ગયારામોને મોંભેર પછાડે નહીં તો બીજું થાય પણ શું?

કૉન્ગ્રેસ અને બીજેપી જેવા રાષ્ટ્રીય પક્ષોએ પરસ્પરનો વિરોધ કરતી વખતે પણ એક સહજ વાત મનમાં રાખવા જેવી છે કે દ્રવિડ મુન્નેત્ર કળગમથી માંડીને પીડીપી સુધીના સ્થાનિક પક્ષોને બળવત્તર થવા દેવા એ રાષ્ટ્રીય હિતમાં નથી. આ પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિત સાથે કોઈ સંબંધ હોતો નથી. તેમના સહકારથી તત્કાલીન વિજય મળે તો પણ રાષ્ટ્રીય પક્ષો માટે એ લાંબા ગાળાનો તો પરાજય જ છે. બીજેપીએ શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં ૨૦૧૪-૨૦૧૯ના ગાળામાં જે સરકાર ચલાવી એ આનું નેત્રદીપક ઉદાહરણ છે. આ પાંચ વર્ષના ગાળા પછી બીજેપીએ ભૂંડે હાલ પરાજય વેઠવાનો વારો આવ્યો અને શિવસેનાએ પોતાની સરકાર બનાવી લીધી.

આ પણ વાંચો : મૃતપ્રાય ગુજરાતી ફિલ્મજગત રિવાઇવ તો થયું, પણ હવે એને ખીલવા માટે શું કરવું જોઈએ?

સરકાર તો આવે અને જાય, પણ એ કઈ રીતે આવે છે અને કઈ રીતે જાય છે એના પર દેશની સંસ્કૃતિનો પાયો ઘડી શકાય છે. કાયદાઓ પણ સરકારોએ પ્રજાના નામથી પોતાના લાભાર્થે ઘડ્યા હોય છે. કાયદાઓના આ ઘડતરમાં અને સરકારોની આવનજાવનમાં જે પ્રણાલિકાઓ સ્થાપિત થાય છે એ જ વધુ મહત્વની છે. ૭૨ વર્ષની આપણી લોકશાહી પરંપરામાં જે ઘડતર થયું છે એને પરિપક્વ કહી શકાય એમ છે? વીસમી સદીમાં સ્વાતંત્ર્ય મેળવી ચૂકેલા કેટલાય દેશો લોકશાહી ટકાવી શક્યા નથી. ભારત આ કામ કરી શક્યું છે, પણ જે કામ થયું છે એ ભારે અપૂરતું છે એવું લાગ્યા વિના રહેતું નથી. તત્કાલીન વિજય અને તત્કાલીન પરાજય આ બે ઝાઝા મહત્વના નથી, પણ આવું ‘આમ કેમ બન્યું અને પેલું કેમ ન બન્યું’ એની વિચારણા વધારે મહત્વની છે.

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 03:20 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK