મહિલાઓ પર થતા અત્યાચારો સામે કડક હાથે કામ લેવા ઉદ્ધવનો આદેશ

Published: Feb 06, 2020, 18:57 IST | Mumbai Desk

મહિલા અને બાળકોની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા

રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓની મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગંભીર દખલ લીધી છે અને ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરવાના આદેશ રાજ્યના ગૃહખાતાને આપ્યા છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા એ રાજ્ય સરકાર માટે સૌથી મહત્વનું હોવાથી એમાં બેદરકારી નહીં ચલાવી લેવાય. પોલીસ ડિપાર્ટમેન્ટના જો કોઈ અધિકારી કે કર્મચારી તપાસમાં ઢીલું વલણ અપનાવી ટાળમટોળ કરતા હશે તો એ નહીં ચલાવી લેવાય, તેમની સામે કડક કાર્યવાહી થશે. 

બનેલી ઘટનાની તરત જ એફઆઇઆર નોંધવી, વહેલામાં વહેલીતકે તપાસ ચાલુ કરવી, ગુનો સાબિત કરવા પુરાવા ભેગા કરવા અને કોર્ટમાં વહેલી તકે ચાર્જશીટ ફાઇલ કરવી. એટલું જ નહીં કોર્ટમાં એ કેસ પૂરતા પુરાવા સાથે યોગ્ય રીતે રજૂ કરવો.

આ બધી બાબતો માટે અને તેમને કાયદાકીય સંરક્ષણ મળી રહે એ માટે સરકાર મદદ કરશે. આ માટે પોલીસ ડિપાર્ટમેન્ટને વધુ સચેત રહી અને દક્ષતાપૂર્વક કામ કરવાનું તેમણે સૂચન કર્યું છે.

એ ઉપરાંત મહિલાઓ ગભરાયા વગર તેમના પર થયેલા અત્યાચારની ફરિયાદ કરી શકે એ માટે દરેક જિલ્લામાં એક મહિલા પોલીસ સ્ટેશન ઊભું કરવાની શક્યતાઓ ચકાસવા પણ તેમણે જણાવ્યું છે.

કોર્ટમાં કેસની સુનાવણી ચાલુ થયા પછી એમાં ચુકાદો આવતા બહુ લાંબો સમય લાગી જાય છે, જેના કારણે ઘણી વખતે ફરિયાદી પીડિત મહિલાઓ માનસિક રીતે ભાંગી પડતી હોય છે એવું ન બને અને ચુકાદો વહેલો આવે એ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને વિશેષ ન્યાયાલયની સ્થાપના કરવાને પણ સરકાર પ્રાધાન્ય આપી તેના પર કામ કરી રહી છે. રાજ્ય મહિલા આયોગનું સશક્તીકરણ પણ તે માટેનો જ એક મુદ્દો હોવાનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK