ટાઇપ-ટૂ ડાયાબિટીઝથી છુટકારો મેળવી શકાય?

Published: 30th December, 2014 05:21 IST

મોટા ભાગના લોકો માને છે કે ડાયાબિટીઝ એક વાર થાય તો એ જીવનભરનો રોગ બની જાય છે, પરંતુ હકીકત એ છે કે અમુક કેસમાં એનાથી છુટકારો મેળવવો શક્ય છે. ખાસ કરીને જ્યારે નાની ઉંમરમાં લાઇફ-સ્ટાઇલમાં બદલાવ આવવાને  કારણે જો ડાયાબિટીઝ થયો હોય તો એને મટાડવો સરળ તો નથી, પરંતુ શક્ય છેજિગીષા જૈન

ડાયાબિટીઝ એક એવો રોગ છે જે એક વખત શરીરમાં ઘર કરી ગયો તો જીવનભર તમારી સાથે રહે છે એવું આજ સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. કોઈ પણ ઉંમરે આવી શકતા આ રોગથી છુટકારો મળવો શક્ય જ નથી એવું ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે, પરંતુ શ્ધ્ની ન્યુ કેસલ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે ટાઇપ-ટૂ ડાયાબિટીઝને રિવર્સ એટલે કે પાછો મોકલી શકવો શક્ય છે. આ સંશોધકોના કહેવા મુજબ ટાઇપ-ટૂ ડાયાબિટીઝથી છુટકારો પામવો શક્ય છે જ. શરીરમાં જ્યારે ઇન્સ્યુલિન નામના હૉર્મોનનું સીક્રિશન ઘટી જાય છે અને જેને લીધે લોહીમાં રહેલી શુગરની માત્રામાં વધ-ઘટ થાય છે એ અવસ્થાને ડાયાબિટીઝ કહે છે. આ રિસર્ચમાં એવું જોવા મળ્યું કે છેલ્લાં ૪ વર્ષ કે એનાથી ઓછાં વર્ષોથી જેને ડાયાબિટીઝ હોય એ લોકો જો મોટા પ્રમાણમાં વેઇટલૉસ કરે તો શરીરમાં ઇન્સ્યુલિનનું સીક્રિશન નૉર્મલ થઈ શકે છે એટલે કે ડાયાબિટીઝ પાછો જઈ શકે છે.

ડાયાબિટીઝનાં મૂળભૂત કારણો પર એ અવલંબે છે. લિવર અને સ્વાદુપિંડમાં જમા થતી વધુ માત્રાની ફૅટ નૉર્મલ ઇન્સ્યુલિનને કામ કરતા અટકાવે છે અને ઇન્સ્યુલિનના સીક્રિશનને રોકે છે. વધુ માત્રામાં થતો વેઇટલૉસ આ બન્ને પ્રૉબ્લેમને અટકાવી શકવામાં સક્ષમ છે. જોકે રિસર્ચ મુજબ મહત્વની વાત એ છે કે વ્યક્તિએ-વ્યક્તિએ લિવર અને સ્વાદુપિંડમાં રહેલી ફૅટનું ટૉલરન્સ જુદું-જુદું હોય છે. કેટલાક લોકોનો BMI (બૉડી માસ ઇન્ડેક્સ) ૪૦ હોય અને તો પણ તે ટૉલરેટ કરી શકતા હોય જેને લીધે તેમને ડાયાબિટીઝ ન થાય અને ઘણા લોકોનો BMI બાવીસ હોય તો પણ તેમને ડાયાબિટીઝ થાય છે, કારણ કે તેમનું શરીર સામાન્ય રીતે બાવીસથી ઓછો BMI માની લઈએ કે ૧૯ હોય ત્યારે જ વ્યવસ્થિત ચાલી શકતું હોય છે. આમ સંશોધકોએ જણાવ્યું કે જ્યારે તે વ્યવસ્થિત રીતે વજન ઘટાડે છે અને પોતાના શરીરની રચના મુજબ નૉર્મલ BMI પર આવે છે એવો તરત જ ડાયાબિટીઝ જતો રહે છે.

જિનેટિકલ કે લાઇફ-સ્ટાઇલ?

ટાઇપ-ટૂ ડાયાબિટીઝ મોટા ભાગે ૩૦ વર્ષ પછી જોવા મળતી બીમારી છે જે આજકાલ નાની ઉંમરે પણ દેખાવા લાગી છે. આ રોગ જિનેટિકલ છે કે લાઇફ-સ્ટાઇલ પ્રૉબ્લેમ છે એ સમજાવતાં શ્રેયા ડાયાબિટીઝ કૅર સેન્ટર, બોરીવલીના કન્સલ્ટન્ટ ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સાઉથ-એશિયન કમ્યુનિટીમાં જિન્સ એવા હોય છે કે તેમના પર ડાયાબિટીઝનું રિસ્ક વધુ રહે છે, પરંતુ સમજવા જેવી બાબત એ છે કે આ જિન્સ માટે જે વસ્તુ ટ્રિગર સાબિત થાય છે એ છે લાઇફ-સ્ટાઇલ. સાદી ભાષામાં સમજીએ તો તમારા પરિવારમાં જો કોઈને ડાયાબિટીઝ હોય તો તમને એ થવાની પૂરી શક્યતા છે, પરંતુ જો તમે હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવેલી છે એટલે કે તમારું બૉડી વેઇટ બરાબર છે, તમારાં ડાયટ અને એક્સરસાઇઝ રેગ્યુલર ચાલે છે તો તમને ડાયાબિટીઝ નહીં થાય; પરંતુ જો લાઇફ-સ્ટાઇલમાં થોડી પણ ગડબડ થઈ તો તમને તરત જ ડાયાબિટીઝ લાગુ પડી શકે છે, કારણ કે એ તમારા જિન્સમાં છે.’

શક્ય છે

હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવીને ટાઇપ-ટૂ ડાયાબિટીઝથી બચી શકાય એ વાત ખરી, પરંતુ એક વખત ટાઇપ-ટૂ ડાયાબિટીઝ થયા પછી હેલ્ધી લાઇફ-સ્ટાઇલ વડે એને પાછો મોકલવો શક્ય છે? એનો જવાબ હકારમાં આપતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ટાઇપ-ટૂ ડાયાબિટીઝને પાછો મોકલવો શક્ય છે, પરંતુ બહુ ઓછા લોકો માટે એ શક્ય બને છે; કારણ કે એ ખૂબ અઘરું પણ છે. રેશિયો જોઈએ તો એક હજારે એક માણસ એવો હશે જેનો ડાયાબિટીઝ આપણે પાછો મોકલી શકીએ. જેમને વર્ષોથી ડાયાબિટીઝ છે તેઓ ડાયાબિટીઝને રિવર્સ ન કરી શકે. વળી જો તે દરદીના ઘરમાં કોઈને ડાયાબિટીઝ છે એનો મતલબ એ કે દરદીની જિનેટિકલ કન્ડિશન એવી છે કે તેને ડાયાબિટીઝ થઈ શકે એમ છે. આ કન્ડિશનમાં પણ ડાયાબિટીઝ દૂર કરવો અઘરો બને છે.

કોના માટે શક્ય?

એ કોના માટે શક્ય બની શકે એ સમજાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘મારી પાસે એક ૨૫ વર્ષનો યંગ છોકરો આવ્યો જેણે કૉર્પોરેટ દુનિયામાં છેલ્લાં ૩-૪ વર્ષથી પગ મૂક્યો છે. દિવસમાં ૧૫-૧૮ કલાક તે ઑફિસમાં બેસીને કામ કરે છે. મોટા ભાગે ખાવા-પીવાનાં અને ઊંઘનાં કોઈ ઠેકાણાં નથી હોતાં. ઑફિસમાં જે ફાસ્ટ ફૂડ મળે એનાથી ચલાવે છે. તેને ડાયાબિટીઝ આવ્યો. ૩-૪ વર્ષ પહેલાં નૉર્મલ હેલ્ધી લાઇફ જીવતો છોકરો આજે ડાયાબેટિક બન્યો છે એની પાછળનું મુખ્ય કારણ તેની લાઇફ-સ્ટાઇલમાં આવેલો બદલાવ છે. જો તે પોતાની લાઇફ-સ્ટાઇલ બદલવા પ્રતિબદ્ધ બને તો શક્ય છે તેનો ડાયાબિટીઝ જતો રહે, કારણ કે પહેલી વાત એ કે તે રોગની શરૂઆતી અવસ્થામાં છે. બીજું એ કે તેના પરિવારમાં કોઈને ડાયાબિટીઝ નથી અને ત્રીજું એ કે તેની ઉંમર ઘણી ઓછી છે.’

શું કરવું?

જો તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીઝ હોય તો ૨૫ વર્ષની ઉંમરથી સતત ૬ મહિને કે વર્ષે શુગર ચેક કરાવતા રહો. જેટલી જલદી ખબર પડશે કે તમને ડાયાબિટીઝ છે એટલી એને પાછો મોકલવાની શક્યતા વધી જશે. ડાયાબિટીઝ પાછો મોકલવો સરળ નથી, એ માટે પ્રતિબદ્ધતા જરૂરી છે. યોગ્ય એક્સરસાઇઝ અને ડાયટ દ્વારા વેઇટ કન્ટ્રોલ, યોગ, પ્રાણાયામ, પૂરતી ઊંઘ આ બધી બાબતો જ્યારે આપણે અપનાવીએ ત્યારે એ હેલ્ધી લાઇફ-સ્ટાઇલના માધ્યમથી આપણે ડાયાબિટીઝને પાછો મોકલી શકીએ છીએ.

પાછો આવી પણ શકે છે

જે રીતે ટાઇપ-ટૂ ડાયાબિટીઝ થાય અને ખૂબ પ્રયત્નો સાથે એને પાછો મોકલી શકવો શક્ય છે એ જ રીતે અમુક વર્ષો પછી એના ફરી પાછા આવવાની પણ શક્યતા છે. એક વખત ડાયાબિટીઝ થાય તો સમજવું કે શરીરની પ્રકૃતિ જ એવી છે કે લાઇફ-સ્ટાઇલમાં થોડોક પણ બદલાવ આવે, થોડું પણ વજન વધે કે એક્સરસાઇઝમાં અનિયમિતતા આવે કે પછી બીજા કોઈ હૉર્મોનલ ચેન્જિસ થાય ત્યારે શરીર ફરી ડાયાબિટીઝ તરફ ધકેલાઈ શકે છે. મોટા ભાગે જે લોકોનો ડાયાબિટીઝ પાછો જતો રહે છે તેવા લોકોને અમુક વર્ષો પછી ફરી ડાયાબિટીઝ આવે છે. આમ એનાથી હંમેશાં માટે છુટકારો પામવો સહેલો નથી અને મહદંશે શક્ય પણ નથી. પરંતુ માની લઈએ કે એક વખત ડાયાબિટીઝ આવ્યો, તમે પ્રયત્નો સાથે એને રિવર્સ કર્યો અને ધારો કે બીજાં પાંચ વર્ષમાં એ ફરી પાછો આવે તો પણ શરીરનું એ પાંચ વર્ષ પૂરતું ડૅમેજ તો તમે બચાવી લીધું જે હેલ્થના સંબંધે મોટી અચીવમેન્ટ ગણાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK