બાળ ઠાકરેની વરસી આ વખતે લય ભારી

Published: 17th November, 2014 03:32 IST

આજના બીજા સ્મૃતિદિન નિમિત્તે શિવસેના કરશે શક્તિપ્રદર્શન, બે લાખ લોકો આવવાની ધારણા : બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી અને પુણ્યતિથિ જેવો જ માહોલ સર્જાવાનો હોવાથી સુધરાઈ ખડે પગે, કાર્યકરો માટે ઊભી કરી અનેક સુવિધાઓ
શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની બીજી વરસીએ આજે શિવસેના શક્તિપ્રદર્શન કરશે. પાર્ટીના સેક્રેટરી અને રાજ્યસભાના સંસદસભ્ય અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે શિવાજી પાર્કમાં બાળાસાહેબના મેમોરિયલ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરવા હજારોની સંખ્યામાં શિવસેનિકો આવશે એને ધ્યાનમાં લઈને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

પાર્ટીના નેતાઓના અંદાજ પ્રમાણે રાજ્યભરમાંથી મળીને બે લાખથી વધુ શિવસૈનિકો આજે બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપશે. શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે અને તેમનો પરિવાર તેમ જ પાર્ટીના ટોચના નેતાઓ, વિધાનસભ્યો, સંસદસભ્યો તેમ જ મહારાષ્ટ્રભરની સુધરાઈઓમાં ચૂંટાયેલા શિવસેનાના નગરસેવકો સવારે બાળ ઠાકરેના મેમોરિયલ ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કરશે.

આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શિવેસૈનિકોને એકઠા કરવા શિવસેનાની શાખાઓના નેતાઓને તેમના લોકલ વર્કરોની ફોજ સાથે શિવાજી પાર્કમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમ શાંતિથી પૂરો થાય એ માટે પાર્ટીએ નેતાઓને પોલીસ અને સરકારી એજન્સીઓને વ્યવસ્થામાં સહયોગ આપવાની સૂચના પણ આપી છે.

શિવસેનાની BJP સાથેની અઢી દાયકા જૂની યુતિનો વિધાનસભાની ચૂંટણી પહેલાં અંત આવ્યા બાદ હવે રાજ્યમાં BJPની સરકાર છે અને શિવસેના વિરોધ પક્ષે છે તેથી પોતાની જૂની સાથીદાર પાર્ટીને આ કાર્યક્રમના માધ્યમથી શિવસેના પોતાની તાકાત દેખાડી દેવા તત્પર છે. જોકે ચૂંટણીપ્રચારમાં BJP વતી ખુદ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સ્વર્ગીય બાળ ઠાકરને મહારાષ્ટ્રના મહાન સપૂત ગણાવી તેમની આમન્યા જાળવી શિવસેના વિરુદ્ધ કોઈ અપપ્રચાર ન કરવાનું જાહેર કર્યું હતું. BJPના અન્ય નેતાઓ પણ બાળ ઠાકરે પ્રત્યે આદરભાવ ધરાવતા હોવાનું કહી રહ્યા છે; પરંતુ આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને તેમની કૅબિનેટના સભ્યો, BJPના વિધાનસભ્યો, સંસદસભ્યો કે રાજ્યના ટોચના નેતાઓ હાજર રહેશે કે કેમ એ ગઈ કાલ સુધી સ્પષ્ટ નહોતું.

શિવસેના સુપ્રીમોની બીજી વરસીના કાર્યક્રમ બાદ ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાર્ટી અને સંગઠનને મજબૂત કરવા રાજ્યવ્યાપી ટૂર કરે એવી શક્યતા છે. આ મહિનાની શરૂઆતમાં જ લોનાવલામાં એકવીરા દેવીના મંદિરે માથું ટેકવ્યા બાદ ઉદ્ધવે કહ્યું હતું કે વિધાનસભાની હવે પછીની ચૂંટણીમાં શિવસેના ૧૮૦ સીટ જીતે એવા આર્શીવાદ માતાજી પાસે માગ્યા છે.

સુધરાઈને પોતાનાં કામોમાંથી ફુરસદ મળતી નથી ત્યારે એના પર વધુ એક જવાબદારી આવી પડી છે. સુધરાઈ બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ ૬ ડિસેમ્બરે અને જન્મજયંતી ૧૪ એપ્રિલે મૂળભૂત સુવિધાઓ જેવી કે શૌચાલયો, પીવાનું પાણી, ઍમ્બ્યુલન્સ અને આ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા જેવાં કામ કરે છે. ગયા વર્ષથી સુધરાઈ આ સેવાઓ બાળ ઠાકરેની પુણ્યતિથિએ પણ આપે છે.

સ્થાનિક વૉર્ડ-ઑફિસ G નૉર્થના અધિકારીઓ આ માટે ખડે પગે તૈયારીઓ કરી રહ્યા છે, કારણ કે તેમણે લોકોનાં ટોળાંઓને સાચવવા સાથે રાજનૈતિક હસ્તક્ષેપનો પણ સામનો કરવો પડે છે. સુધરાઈને આ પ્રસંગો સાથે કોઈ સીધી લેવાદેવા નથી, પરંતુ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાથી સુધરાઈ તેમને પીવાનું પાણી, ઍમ્બ્યુલન્સ અને મોબાઇલ શૌચાલયો જેવી સુવિધાઓ પૂરી પાડે છે.

સુધરાઈના G નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર શરદ ઉગાડેએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આ દિવસોએ હજારો લોકો શિવાજી પાર્કમાં આવે છે એટલે અમે પીવાનું પાણી, ઍમ્બ્યુલન્સ અને મોબાઇલ શૌચાલયોની વ્યવસ્થા કરીએ છીએ. અમે વિસ્તાર સાફ કરવા અમારા સફાઈ-કર્મચારીઓને કામે લગાડીએ છીએ. આ પ્રસંગોમાં મહાપરિનિર્વાણ દિવસ, બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પછી હવે બાળ ઠાકરેનો સ્મૃતિદિન પણ સામેલ થયો છે. સુધરાઈ મૂળભૂત વ્યવસ્થા પૂરી પાડે છે જેથી લોકોને અગવડ ન પહોંચે. આ પ્રસંગોમાં એક વધુ પ્રસંગ ૨૩ જાન્યુઆરીએ બાળ ઠાકરેનો જન્મદિવસ ઉમેરાશે.

તાજેતરમાં G નૉર્થ (દાદર, માટુંગા)ની વૉર્ડ-ઑફિસે શિવાજી પાર્કમાં આવેલા બાળ ઠાકરેના સ્મૃતિઉદ્યાનનું સમારકામ પૂરું કર્યું હતું. એમાં ફૂલોના કેટલાક છોડ મૂકવામાં આવ્યા હતા અને સ્મૃતિઉદ્યાનની રેલિંગોને રંગકામ કરવામાં આવ્યું હતું. મેયર સ્નેહલ આંબેકરે બગડી ગયેલી લાઇટોનું સમારકામ કરવા જણાવ્યું હતું અને એનું સમારકામ થઈ ગયું છે.

સુધરાઈએ બાળ ઠાકરેના સ્મૃતિસ્થળના સમારકામ પાછળ બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આજે સ્મૃતિસ્થળે પાણીનાં ચાર ટૅન્કરો, પાંચ મોબાઇલ શૌચાલયો અને એક ઍમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આ સાથે  લોકોએ કરેલો કચરો સાફ કરવા માટે સુધરાઈના ૫૦ સફાઈ-કર્મચારીઓ કામે લાગશે.

 શિવાજી પાર્કમાં સ્મૃતિસ્થળની સ્થાપના ગયા વર્ષે સુધરાઈએ કરી હતી. શિવસેનાએ અહીં બાળ ઠાકરેનું સ્મારક બનાવવાની માગણી કરી હતી, પરંતુ શિવાજી પાર્ક હેરિટેજ વિસ્તાર હોવાથી સુધરાઈએ માત્ર બગીચો બનાવી એને સ્મૃતિસ્થળ નામ આપ્યું હતું. બાળ ઠાકરેનું અવસાન ૨૦૧૨ની ૧૭ નવેમ્બરના દિવસે થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્કમાં થયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK