બે ગુજરાતીઓ ૯૧.૧૪ લાખ રૂપિયા ગુપચાવીને છૂમંતર

Published: 25th November, 2014 02:55 IST

માહિમ પોલીસ-સ્ટેશનમાં ઉમેશ દોશી અને પરેશ પરીખ સામે ફરિયાદ: પોસ્ટ-ઑફિસની સ્કીમોમાં સારા વળતરની આશા આપીને છેતર્યા


પોતાની આખી જિંદગીની કમાણી પોસ્ટ-ઑફિસની બચત-યોજનાઓમાં રોકનારા  છ જણ સાથે આશરે ૯૧.૧૪ લાખ રૂપિયાની છેતરપિંડી બે ગુજરાતીઓએ કરી હોવાની ફરિયાદ માહિમ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. મુખ્ય આરોપી ઉમેશ દોશી અને તેના સાથીદાર પરેશ પરીખ સામે ગયા બુધવારે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ બન્ને આરોપીઓ ફરાર છે એથી પોલીસે તેમને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તેઓ પકડાશે પછી જ તેમની મોડસ ઑપરૅન્ડી વિશે જાણ થશે.

છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ પોસ્ટ-ઑફિસની મન્થ્લી ઇન્કમ સ્કીમ, રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ, ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ, સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ જેવી જુદી-જુદી સ્કીમોમાં પોતાના રૂપિયા રોક્યા હતા, પરંતુ આરોપીઓએ આ ખાતાંઓમાંથી રોકાણકારોના રૂપિયા ઉચાપત કરી લીધા હતા.

આ વિશે ઇન્ડિયન પોસ્ટ-ઑફિસની સબડિવિઝનલ ઇન્સ્પેક્ટર સાક્ષી પૂજારીએ પેાલીસમાં લેખિત ફરિયાદ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ઉમેશ દોશી માહિમની પોસ્ટ-ઑફિસની આજુબાજુ આંટા મારતો હતોે અને થોડા સમયગાળામાં તેણે છ રોકાણકારોને પોસ્ટ-ઑફિસની જુદી-જુદી સ્કીમોમાં રૂપિયા રોકવા તૈયાર કર્યા હતા.

 છેતરપિંડીનો ભોગ બનેલી એક વ્યક્તિએ નિસાસો નાખતાં જણાવ્યું હતું કે ‘ઉમેશ દોશી પોસ્ટ-ઑફિસ પાસે એજન્ટ તરીકે કામ કરતો હતો એથી ઘણા લોકો તેનો રોકાણ માટે સંપર્ક  કરતા હતા. થોડા સમયમાં તેણે લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. તે લોકોને કઈ સ્કીમમાં રૂપિયા રોકવા એની સલાહ આપતો હતો.’

પોલીસને શંકા છે કે ભૂતકાળમાં પણ લોકો ઉમેશ દોશીની છેતરપિંડીના શિકાર બન્યા હોઈ શકે. 

આ વિશે ઝોન પાંચના ડેપ્યુટી પોલીસ-કમિશનર મહેશ પાટીલે કહ્યું હતું કે ‘ઘટનાનો શિકાર બનેલા લોકોએ માહિમ પોસ્ટ-ઑફિસમાં જુદી-જુદી સ્કીમોમાં રૂપિયા રોક્યા હતા. આ લોકોના ૯૧.૧૪ લાખ રૂપિયા છેતરપિંડી કરીને ઉપાડી લેવામાં  આવ્યા હતા.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK