ઝારખંડમાં હાવડા-દેહરાદૂન એક્સપ્રેસમાં આગ : સાતનાં મોત

Published: Nov 23, 2011, 05:42 IST

ઝારખંડના ગિરિદીહ જિલ્લામાં હાવડા-દેહરાદૂન એક્સપ્રેસમાં સોમવારે રાત્રે ત્રણ વાગ્યે આગ લાગતાં સાત લોકોનાં મોત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોમાં એક ઑસ્ટ્રેલિયન મહિલાનો પણ સમાવેશ છે. સોમવારે મધરાતે હાવડા-દેહરાદૂન એક્સપ્રેસના B-1 એસી કોચમાં આગ લાગી હતી. ત્યાર બાદ આગ B-2 એસી કોચમાં ફેલાઈ હતી. આ બન્ને બોગીમાં કુલ ૧૨૮ જણ મુસાફરી કરી રહ્યા હતા.એમાંથી સાત લોકોનાં મોત થયાં હતાં. ધનબાદના રેલવે ડિવિઝનલ મૅનેજર સુધીરકુમારે આ દુર્ઘટના વિશે વિસ્તૃત માહિતી આપતાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાની ચાર મહિલા રિસર્ચ સ્કૉલર હાવડાથી બોધગયા જઈ રહી હતી. એ દરમ્યાન આગને લીધે એકનું મોત થયું હતું. બાકીની ત્રણ મહિલાઓને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને રેલવે ડિવિઝનની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.’

રેલવે મિનિસ્ટર દિનેશ ત્રિવેદીએ હાવડા-દેહરાદૂન એક્સપ્રેસમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું તથા ઈજાગ્રસ્તોને પચીસ-પચીસ હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં બળવખોર સંગઠનોનો હાથ હોવાનું નકારી શકાય એમ નથી. જોકે સત્ય જાણવા માટે તપાસના રિપોર્ટની રાહ જોવી પડશે. પ્રાથમિક અહેવાલ મુજબ કોઈ વ્યક્તિ ટ્રેનની બોગીમાં ગંધયુક્ત પદાર્થ લઈને દાખલ થઈ હતી અને ત્યાર પછી આગ ફાટી નીકળી હતી.’
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK