મુશ્કુરાના તો હર લડકી કી એક અદા હૈ ઉસે પ્યાર સમઝે વો સચમુચ ગધા હૈ

Published: 31st August, 2020 23:19 IST | Pravin Solanki | Mumbai

ભૂલ જીવનનું એક પાનું છે, જ્યારે સંબંધ તો આખું પુસ્તક છે. જરૂર પડે તો ભૂલનું પાનું છેકી શકાય, ફાડી શકાય, પણ એક પાના ખાતર આખું પુસ્તક ખોઈ ન નખાય.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બરબાદીનાં બે કારણ, પ્રેમ અને પૈસો. રિયા માટે પૈસો અને સિલ્વિયા માટે પ્રેમ. ભૂલ જીવનનું એક પાનું છે, જ્યારે સંબંધ તો આખું પુસ્તક છે. જરૂર પડે તો ભૂલનું પાનું છેકી શકાય, ફાડી શકાય, પણ એક પાના ખાતર આખું પુસ્તક ખોઈ ન નખાય. સિલ્વિયા કઈ રીતે બચી ગઈ એ જોઈએ.
સિલ્વિયાની કબૂલાતથી જરા પણ વિચલિત ન થયાનો ડોળ કરી, હૃદયમાં ભાર અને હોઠો પર સ્મિત રાખીને કમાન્ડર નાણાવટી સપરિવાર મેટ્રો સિનેમા (મુંબઈ)માં ફિલ્મ જોવા ગયા. કમાન્ડરને છાજે એવા ધૈર્ય અને શિસ્તથી પૂરું પિક્ચર જોયું. છૂટ્યા બાદ પરિવારને ઘરે પણ મૂકી આવ્યા.
બસ, ઘરેથી બહાર નીકળ્યા પછી કમાન્ડર કમાન્ડર ન રહ્યા. તેઓ માણેકશા નાણાવટી બની ગયા. હૃદયમાં ઘેરાયેલાં વાદળો ફાટ્યાં. તેઓ સીધા મુંબઈમાં આવેલી નેવલ ઑફિસે ગયા. ત્યાંથી તેમણે રિવૉલ્વર અને કારતૂસ લીધી. ઑફિસમાં ત્યારે કોઈને પણ કશું અજુગતું ન લાગ્યું. એ લોકો માટે તો એ રૂટીન હતું.
સમી સાંજનો સમય હતો અને નાણાવટીના મનમાં ઘોર અંધારી રાત હતી. કોઈ દિશા સૂઝતી નહોતી. આટલી અસ્વસ્થતા ડ્રાઇવિંગમાં ન ચાલે. કમાન્ડર હતા. તરત જ સ્વસ્થતા મેળવી લીધી, એટલું જ નહીં, દિશા પણ નક્કી કરી લીધી. તેઓ સીધા પ્રેમ આહુજાની ઑફિસે પહોંચ્યા.
ઑફિસમાંથી જાણવા મળ્યું કે પ્રેમ આહુજા ત્યાંથી નીકળી ગયા હતા. સ્ટાફને પૂછ્યું, ‘ક્યાં ગયા હશે કોઈ અંદાજ છે?’ કોઈકે કહ્યું, ‘કદાચ ઘરે જ ગયા હશે. ઊભા રહો, હું ઘરે ફોન જોડી વાત કરાવું છું.’ નાણાવટી જવાબ આપવાને બદલે ત્યાંથી ઝડપથી નીકળી ગયા. ફોન પર વાત કરીને તેઓ આહુજાને સાવધ કરવા માગતા નહોતા (એ સમયે મોબાઇલ નહોતા).
કમાન્ડરે ગાડી મલબાર હિલ તરફ ભગાવી. પ્રેમ આહુજા જીવન જ્યોત બિલ્ડિંગ, મલબાર હિલમાં રહેતા હતા. જેટલી ઝડપથી ગાડી ચાલતી હતી એટલી જ ઝડપથી નાણાવટીનું મગજ ચાલતું હતું. નિયત સ્થળે પહોંચતાં તેમણે જોરદાર બ્રેક મારી. ગાડી પાર્ક કરીને તેઓ ચિત્તાની ચપળતાથી કૂદકો મારીને બહાર આવ્યા. ક્ષણભર ઊભા રહ્યા અને પછી ત્વરાથી જીવન જ્યોત બિલ્ડિંગમાં દાખલ થયા.
કમાન્ડરે ડોરબેલ મારી. એ ઘડીએ નાણાવટીની આંખમાં સાપ રમતો હતો અને પ્રેમ આહુજાના માથે કાળ ભમતો હતો. ક્ષણભર પછી નોકરાણીએ દરવાજો ઉઘાડ્યો, ‘વેલકમ સર.’ નોકરાણી નાણાવટીથી પરિચિત હતી, ‘પ્રેમ ક્યાં?’ ‘સર, તેઓ બાથ લેવા ગયા છે, આપ બેસોને.’
નાણાવટી જવાબ આપ્યા વગર સીધા આહુજાના બેડરૂમમાં ધસી ગયા. નોકરાણી માટે આ કંઈ નવું નહોતું. તે અંદર ચાલી ગઈ. આવડા મોટા ફ્લૅટમાં માત્ર ત્રણ જ વ્યક્તિ રહેતી હતી; આહુજા, તેમની બહેન અને નોકરાણી. બધાની સ્વત્રંત્ર રૂમ હતી. આહુજાનો ઑટોમોબાઇલનો ધંધો હતો. એ સમયના મુંબઈના પૈસાદારોમાં તેમનું નામ હતું. જેમ-જેમ પૈસો વધતો ગયો, ધંધામાં બરકત વધવા લાગી તેમ-તેમ આહુજાની હરકતો વધવા લાગી હતી.
બેડરૂમમાં નાણાવટી પહોંચ્યા કે તરત આહુજા બાથરૂમમાંથી બહાર આવ્યા. શરીર પર માત્ર ટુવાલ હતો. તેઓ કંઈ બોલે એ પહેલાં નાણાવટીએ ધડાધડ ત્રણ ગોળીઓ ઝીંકી દીધી. આહુજાનું શરીર ભોંય પર પછડાયું. ગોળીઓનો અવાજ સાંભળીને નોકરાણી અને બહેન બેડરૂમમાં ધસી આવ્યાં. દૃશ્ય જોઈને તેમના હોશકોશ ઊડી ગયા. ‘હું પોલીસ-સ્ટેશને સરેન્ડર થાઉં છું’ એટલું બોલીને નાણાવટી ત્યાંથી નીકળી ગયા.
‘હું કમાન્ડર નાણાવટી છું અને પ્રેમ આહુજાને તેના ઘરમાં ગોળી મારીને સરેન્ડર થવા આવ્યો છું.’
ગામદેવી પોલીસ-સ્ટેશનના હેડ મિસ્ટર લોબો આ શબ્દો સાંભળીને અવાક્ થઈ ગયા. પહેલાં તો તેઓ માની જ ન શક્યા. તેમણે કમાન્ડર પાસે એ વાક્ય ફરીથી દોહરાવ્યું. એનો એ જ જવાબ સાંભળીને ઇન્સ્પેક્ટર લોબો સાવધ થઈ ગયા અને નાણાવટીને પૂછ્યું, ‘ચા પીશો?’ ‘ના, મને ફક્ત એક ગ્લાસ પાણી આપો.’
શહેરમાં વાયુવેગે આ વાત પ્રસરી ગઈ. રેડિયો ગુંજી ઊઠ્યા, અખબારોએ પૂર્તિ કાઢી, ચોરે ને ચૌટે ટોળાં ભેગાં થઈને ચર્ચા કરવા માંડ્યાં. નેવીના અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. નાણાવટી એક વીર યોદ્ધા, દેશભક્ત, શિસ્તબદ્ધ ઑફિસર તરીકે જાણીતા હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે અસંખ્ય મેડલો, ચન્દ્રકો, પ્રશંસાપત્રો પ્રાપ્ત કર્યા હતા.
નાણાવટીને ૩૦૨ ધારા હેઠળ ગિરફ્તાર કરીને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવ્યા. આ હાઈ-પ્રોફાઇલ કેસ હતો. અદાલતના ઇતિહાસમાં એક નોખી-અનોખી ઘટના હતી.
મામલો અદાલતે પહોંચ્યો. એ સમયે જ્યુરીની પ્રથા હતી. જ્યુરી એટલે શહેરના વિવિધ ક્ષેત્રની અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ. જેને થોડુંઘણું કાયદાનું જ્ઞાન પણ હોય એવી ૭ કે ૯ વ્યક્તિઓ ન્યાયાધીશ સાથે કેસ સાંભળે, એના પર વિચારે, મનન કરે અને પછી ગિલ્ટી કે નૉટ ગિલ્ટી, દોષી કે નિર્દોષનો ચુકાદો આપે. નાણાવટીના કેસમાં ૯ વ્યક્તિની જ્યુરી બની. એમાં બે પારસી, એક ઍન્ગ્લો ઇન્ડિયન, એક ખ્રિસ્તી અને પાંચ હિન્દુઓનો સમાવેશ હતો.
હવે મામલો એ રીતે પેચીદો બન્યો કે આહુજા સિંધી હતા અને નાણાવટી પારસી. રાજકારણ વચ્ચે આવ્યું. બેમાંથી એક કોમને નારાજ કરવી સત્તાપક્ષને પોસાય એમ નહોતું.
અદાલતમાં દલીલોની આતશબાજી શરૂ થઈ. સરકારી પક્ષનું કહેવું હતું કે આ એક પૂર્વનિર્ધારિત અને આયોજનપૂર્વકનું ખૂન હતું. બચાવ પક્ષનું કહેવું હતું કે આ એક અકસ્માત હતો, હત્યાનો કોઈ ઇરાદો નહોતો. નાણાવટી સિલ્વિયાને ખૂબ ચાહતા હતા. તેઓ સિલ્વિયાને સુખી જોવા માગતા હતા; એ જ કારણે તેઓ સિલ્વિયાના માર્ગમાંથી આત્મહત્યા કરીને હટી જવા માગતા હતા, પણ એ પહેલાં તેમને ખાતરી કરવી હતી કે પ્રેમ આહુજા સિલ્વિયા સાથે ખરેખર મૅરેજ કરવા માગે છે કે નહીં? પોતાનાં સંતાનોની પરવરીશ કરશે કે નહીં?
બચાવ પક્ષે વધુ દલીલ કરતાં કહ્યું કે ‘આહુજાના ઘરે જઈ, કોઈ પણ આડીઅવળી વાત કર્યા વગર નાણાવટીએ પૂછ્યું કે તું મારી વાઇફને ચાહે છે? તેની સાથે મૅરેજ કરીશ? મારાં સંતાનોને સારી રીતે ઉછેરીશ? આરોપીએ ત્યારે બેશરમ બનીને કહ્યું, ‘હું જે-જે છોકરી સાથે સૂતો હોઉં એ બધી છોકરીઓ સાથે લગ્ન કઈ રીતે કરી શકું?’ આ જવાબ સાંભળીને મારા અસીલ ઉશ્કેરાયા. તેમણે રિવૉલ્વર કાઢી. બન્ને વચ્ચે ઝપાઝપી થઈ એમાં અચાનક ગોળી છૂટી અને આહુજા ઢળી પડ્યા.’
સરકારી વકીલની દલીલ એ હતી કે જો પૂર્વયોજિત ખૂન નહોતું તો નાણાવટીએ નેવલ ઑફિસમાંથી રિવૉલ્વર અને કારતૂસ શું કામ લીધી? જવાબમાં કહેવામાં આવ્યું કે ‘આહુજા જો મૅરેજની હા પડે તો પછી હું પાછો ઘરે જવાનો નહોતો, આપઘાત કરી લેવાનો હતો.’ એ પછી સરકારી વકીલે બીજી સચોટ દલીલ કરી કે ‘આહુજાના નિર્લજ્જ જવાબ પછી નાણાવટીએ ઉશ્કેરાઈને ગન કાઢી. બન્ને વચ્ચે ઝપાઝપી થઈ, હાથાપાઈ થઈ એ માની લઈએ. હવે સવાલ એ થાય છે કે નાણાવટીએ પહેલાં જ બયાન આપ્યું છે કે હું બેડરૂમમાં ગયો ત્યારે પ્રેમ આહુજા બાથરૂમમાંથી બહાર આવ્યા. તેમના શરીર પર ફક્ત ટુવાલ જ હતો. જો ઝપાઝપી થઈ હોય તો ટુવાલ શરીર પર એમ ને એમ જ કેમ રહે? આહુજાની લાશ પોલીસે જોઈ ત્યારે ટુવાલ શરીર પર વીંટાળેલો હતો. શું ખૂન કર્યા પછી નાણાવટીએ જાતે જ તેમના શરીર પર ટુવાલ ફરીથી વીંટાળી લીધો? વળી આહુજાનો દેહ લોહીલુહાણ હતો, તો નાણાવટીના યુનિફૉર્મ પર લોહીનો એક પણ ડાઘ કેમ નહોતો? એનો અર્થ એ જ કે ગોળી દૂરથી મારવામાં આવી હતી અને ઝપાઝપી થઈ જ નહોતી.’
સરકારી પક્ષે બીજી એક મહત્ત્વની દલીલ કરી કે આરોપી નાણાવટીએ જાતે પોતે ગામદેવી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર લોબો પાસે પોતે ગોળી માર્યાનો એકરાર કર્યો છે. બચાવ પક્ષની દલીલ એ હતી કે પોલીસ પાસે કરેલી કબૂલાત અદાલતમાં માન્ય ન રખાય.
છેલ્લે...
દિવસે-દિવસે ખટલો ચકચારભર્યો બનતો ગયો. લોકોની લાગણી નાણાવટી પ્રત્યે હતી. તેમની દેશભક્તિ અને બહાદુરીના કિસ્સા અખબારોમાં છપાતા હતા. વળી એ સમયે નૈતિકતાનું થોડુંઘણું મૂલ્ય પણ હતું એટલે સિલ્વિયા તરફ લોકો ઘૃણાની નજરે જોતા થઈ ગયા. તેને માટે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું. લોકો તેને ભાંડતા, ગાળો દેતા, અખબારોમાં છપાતા ફોટો પર થૂંકતા.
લોકજુવાળ જગાવવામાં એ વખતે બપોરે આવતા અખબાર ‘બ્લિટ્ઝે’ બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પહેલા દિવસથી જ નાણાવટીની તરફેણમાં એણે ઝુંબેશ શરૂ કરી હતી. કારણ? કારણ, એના તંત્રી કરંજિયા પારસી હતા. એ વખતે ‘બ્લિટ્ઝ’ની એટલીબધી ડિમાન્ડ હતી કે ચાર આનાનું ‘બ્લિટ્ઝ’ બે રૂપિયામાં વેચાતું.
કેસની લોકપ્રિયતાનો બીજો દાખલો એ છે કે મુંબઈની ફુટપાથ પર ફેરિયાઓએ ‘આહુજા ટુવાલ’ની ફેરી શરૂ કરી દીધી હતી. તેઓ મોટે-મોટેથી પ્રચાર કરતા હતા, ‘લેલો, લેલો, આહુજા ટુવાલ લેલો, જો કિસી ભી હાલત મેં છૂટતા નહીં.’
જ્યુરીના ચુકાદાનો સમય આવ્યો ત્યારે જ્યુરીએ છેલ્લી વાર સિલ્વિયાને અદાલતમાં બોલાવીને તેનું બયાન અદાલતમાં દર્જ કરવાની ઇચ્છા બતાવી. સિલ્વિયા આવી. શું બયાન આપ્યું સિલ્વિયાએ? આવતા અંકે.
સમાપન કરતાં પહેલાં :- મને માની ન શકાય એટલા અસંખ્ય ફોન-કૉલ્સ, મેસેજ આવ્યા કે આ સત્યઘટના પરથી એક હિન્દી ફિલ્મ બની છે ‘રુસ્તમ.’ મને ખબર છે. જોઈ પણ છે. માત્ર ‘રુસ્તમ’ જ નહીં, એ પહેલાં પણ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ બની હતી અને હાલમાં એક ટીવી-સિરિયલ પણ બની રહી છે. આ બધાનો ઉલ્લેખ હું છેલ્લે કરવાનો હતો. ખેર, મને આનંદ એ વાતનો છે કે આટલાબધા લોકો આ કૉલમ વાંચે છે અને ધ્યાનપૂર્વક વાંચે છે. આભાર વાચકો અને ‘મિડ-ડે’નો પણ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK