ફુઆની પ્રાર્થનાસભામાં આવતી ભત્રીજીનું અકસ્માતમાં મૃત્યુ

Published: 24th August, 2012 05:51 IST

કારમાં આવી રહેલી ટ્વિન્કલ નિસરનું મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ઍક્સિડન્ટમાં મોત : પતિ કહે છે કે જો તેણે સીટ-બેલ્ટ બાંધ્યો હોત તો તે બચી ગઈ હોત : એ સ્થળે જ યોજાઈ તેની પણ પ્રાર્થનાસભા

twinka-nisharશિરીષ વક્તાણિયા

દાદર, તા. ૨૪

મુંબઈમાં મૃત્યુ પામેલા ફુઆ બાબુભાઈ કારિયાની પ્રાર્થનાસભામાં હાજરી આપવા પુણેથી આવી રહેલી ૩૦ વર્ષની ભત્રીજી ટ્વિન્કલ રોહિત નિસરનું ૧૭ ઑગસ્ટે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર થયેલા એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વિધિની વક્રતા એ છે કે ફુઆની પ્રાર્થનાસભામાં હાજરી આપવા તે જે સ્થળે આવી રહી હતી એ જ દાદરમાં આવેલા શ્રી કરસન લધુ નિસર જૈન ધર્મસ્થાનક હૉલમાં ગઈ કાલે સાંજે ટ્વિન્કલની પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી.

ટ્વિન્કલ પુણેના શુક્રવાર પેઠ નજીકના વિસ્તારમાં તેના ૨૧ વર્ષના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના પતિ રોહિત નિસર સાથે રહેતી હતી. ત્રણ વર્ષ પહેલાં રોહિતની ફ્રેન્ડશિપ ટ્વિન્કલ સાથે થઈ હતી. દોસ્તી વધતાં તેમની વચ્ચે પ્રેમ થયો હતો અને દોઢ વર્ષ પહેલાં તેમનાં લવ-કમ-અરેન્જ્ડ મૅરેજ થયાં હતાં. રોહિતની ઉંમર ૨૧ વર્ષની છે, જ્યારે ટ્વિન્કલ ૩૦ વર્ષની હતી. નવ વર્ષનો ફરક હોવા છતાં રોહિત ટ્વિન્કલને ખૂબ પ્રેમ કરતો હતો.

૧૭ ઑગસ્ટે ટ્વિન્કલના ફુઆ બાબુભાઈની પ્રાર્થનાસભા દાદરમાં રાખવામાં આવી હતી એટલે અમે બન્ને મારી મારુતિ-૮૦૦ કારમાં મુંબઈ આવી રહ્યાં હતાં એમ જણાવીને રોહિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે પોણાઅગિયાર વાગ્યે અમે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર પનવેલ નજીક પહોંચ્યાં એ વખતે કાર પરથી મારું બૅલેન્સ છૂટી જતાં કાર રસ્તાથી નીચે ઊતરી ગઈ હતી અને બાજુના કાચા રસ્તા પર એક ખાડામાં જઈને પડી હતી. કાર હું ચલાવી રહ્યો હતો એટલે મેં સીટ-બેલ્ટ બાંધી રાખ્યો હતો, પણ ટ્વિન્કલે સીટ-બેલ્ટ બાંધ્યો નહોતો. આ અકસ્માતમાં મને માથામાં ઈજા થઈ હતી, જ્યારે ટ્વિન્કલને કાચ અને કારનો દરવાજો વાગતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હું તેને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, પણ ડૉક્ટરોએ તપાસીને તેને મૃત ઘોષિત કરી હતી. જો તેણે પણ સીટ-બેલ્ટ બાંધી રાખ્યો હોત તો તે કદાચ બચી ગઈ હોત.’

ટ્વિન્કલ લગ્ન પહેલાં મુંબઈમાં અંધેરીમાં રહેતી હતી અને રોહિત પણ પાંચ વર્ષ પહેલાં મુંબઈમાં જ રહેતો હતો. લગ્ન થયા પછી તેઓ પુણે શિફટ થયાં હતાં. પુણેમાં રોહિત સ્ટેશનરીનો બિઝનેસ છે, જ્યારે ટ્વિન્કલ હાઉસવાઇફ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK