Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપ : આવો એક નજર કરીએ ફટાફટ ક્રિકેટ પર

T20 વર્લ્ડ કપ : આવો એક નજર કરીએ ફટાફટ ક્રિકેટ પર

16 September, 2012 10:36 AM IST |

T20 વર્લ્ડ કપ : આવો એક નજર કરીએ ફટાફટ ક્રિકેટ પર

T20 વર્લ્ડ કપ : આવો એક નજર કરીએ ફટાફટ ક્રિકેટ પર







(અજય મોતીવાલા)

મંગળવારથી T20નો ચોથો વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. ત્રણ અઠવાડિયાં સુધી દરેક ક્રિકેટપ્રેમીનાં મન અને હૃદય પર આ સૌથી લોકપ્રિય ફૉર્મેટની ક્રિકેટનો જાદુ છવાઈ ગયેલો જોવા મળશે. જ્યાં જુઓ ત્યાં T20ની જ વાતો સંભળાશે એટલે આ પ્રસંગે આપણે ક્રિકેટજગતને આઠ વર્ષથી ઘેલું કરનાર આ ફટાફટ ક્રિકેટના રસપ્રદ ઇતિહાસ પર એક નજર કરી લઈએ.

T20નો જન્મ ક્યાં અને ક્યારે?

શરૂઆતમાં વ્રૂફૂઁદ્દક્ક૨૦ના નામે અને ત્યાર બાદ T20 તરીકે ઓળખાતી થયેલી આ વિસ્ફોટક અને એક્સાઇટિંગ ક્રિકેટની શરૂઆત ઇંગ્લૅન્ડમાં થઈ હતી અને એના તાબા હેઠળના વેલ્સ નામના ટાપુની પણ એના પ્રારંભમાં મોટી ભૂમિકા હતી. વન-ડે પરથી લોકોનો ઉત્સાહ ઓસરતો જોવા મળતાં અને સ્પૉન્સરશિપ્સ પણ ઘટતી ગઈ એટલે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ આ રમતની લોકપ્રિયતામાં વધારો કરી આપે તેમ જ યુવા પેઢીના વધુ ને વધુ લોકોને આકર્ષે એવા કોઈ ઉપાયની શોધમાં હતું. બીજા શબ્દોમાં કહીએ તો બોર્ડના મોવડીઓ વન-ડે કરતાં પણ ફાસ્ટ અને એક્સાઇટિંગ કહેવાય એવા ફૉર્મેટની તલાશમાં હતા. બોર્ડની અપેક્ષા બરાબર ઓળખી લઈને બોર્ડના માર્કેટિંગ મૅનેજર સ્ટુઅર્ટ રૉબર્ટસને ગજબની ર્દીઘદૃષ્ટિની ઝલક આપી હતી. તેમણે બોર્ડને ૨૦-૨૦ ઓવરની મૅચ રાખવાનું સૂચન કર્યું હતું અને એની શરૂઆત કાઉન્ટી-ક્રિકેટમાં કરવાની સલાહ આપી હતી. કમિટીની મીટિંગમાં રૉબર્ટસનનું સૂચન ૧૧-૭ વોટથી સ્વીકારવામાં આવ્યું હતું અને ક્રિકેટજગતે T20ના રૂપમાં નવો અવતાર ધારણ કયોર્ હતો.

પ્રથમ T20 કોની વચ્ચે?

પ્રથમ સત્તાવાર T20 મૅચ ૨૦૦૩ની ૧૩ જૂને ઇંગ્લૅન્ડના ચેસ્ટર-લી-સ્ટ્રીટ શહેરમાં ડર્હામ અને નૉટિંગહૅમશૉ કાઉન્ટી વચ્ચે રમાઈ હતી, જેમાં ડર્હામે પાંચ બૉલ બાકી રાખીને છ વિકેટે જીત મેળવી હતી. કેવિન પીટરસન અને સ્ટુઅર્ટ મૅક્ગિલ જેવા જાણીતા પ્લેયરો એ પ્રથમ T20 મૅચમાં રમ્યા હતા. T20 સીઝનનું એ પ્રથમ વર્ષ જબરદસ્ત હિટ રહ્યું હતું. T20 કપ નામની એ પ્રથમ ટુર્નામેન્ટ સરે કાઉન્ટીએ વૉરવિકશૉને ફાઇનલમાં હરાવીને જીતી લીધી હતી. એ ફાઇનલની વૉરવિકશૉની ટીમમાં વકાર યુનુસ, ઇયાન બેલ, નિક નાઇટ અને કૉલિન્સ ઓબુયા જેવા જાણીતા પ્લેયરો હતા. વિજેતા સરેની ટીમમાં ખાસ કરીને માર્ક રામપ્રકાશ, ઍડમ હૉલિયોક, અઝહર મહમૂદ, ગ્રેહામ થૉર્પ અને સક્લેન મુશ્તાક હતા.

આ ટુર્નામેન્ટના ૯ મહિના પછી એટલે કે એપ્રિલ ૨૦૦૪માં બીજી T20 સ્પર્ધા સાઉથ આફ્રિકામાં રમાઈ હતી, જે ઈગલ્સ નામની ટીમે જીતી લીધી હતી. રનર્સ-અપ બનેલી ઈસ્ટર્ન કેપ નામની ટીમનો કૅપ્ટન માર્ક બાઉચર હતો અને તેની ટીમમાં યોહાન બોથા તથા મખાયા ઍન્ટિની જેવા જાણીતા ખેલાડીઓ હતા. આ ટુર્નામેન્ટના બે મહિના બાદ લૉર્ડ્સમાં નવો T20 કપ શરૂ થયો હતો જેને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો હતો. કાઉન્ટી ટીમો વચ્ચેની એક મહિનાની સ્પર્ધા લેસ્ટશૉ કાઉન્ટીની ટીમે સરેને હરાવીને જીતી લીધી હતી.

T20 વિશે ભારતનું ઠંડું વલણ

ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા પછી પાકિસ્તાને અને શ્રીલંકાએ પણ T20 ક્રિકેટમાં ઝંપલાવ્યું હતું. ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, ઝિમ્બાબ્વે અને બંગલા દેશ પણ બાકાત નહોતાં; પરંતુ ભારતનું આ ફૉર્મેટની ક્રિકેટ વિશે ઠંડું વલણ હતું. ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં આ સૌથી એક્સાઇટિંગ ક્રિકેટની વાતો થતી હતી, પરંતુ ક્રિકેટ બોર્ડ ઉત્સાહિત નહોતું. ૨૦૦૬માં વેસ્ટ ઇન્ડીઝમાં સ્ટૅન્ફર્ડ T20 નામની ટુર્નામેન્ટ પણ રમાઈ હતી, પરંતુ ભારતમાં એનું નામોનિશાન નહોતું.

ફર્સ્ટ T20 ઇન્ટરનૅશનલ ક્યારે?

Twenty20 ક્રિકેટના જન્મ બાદ છેક ૬૧૩ દિવસ પછી પ્રથમ ઇન્ટરનૅશનલ T20 મૅચ રમાઈ હતી. ૨૦૦૫ની ૧૭ ફેબ્રુઆરીએ ઑકલૅન્ડમાં રમાયેલી એ પહેલી આંતરરાષ્ટ્રીય T20માં ઑસ્ટ્રેલિયાએ યજમાન ન્યુ ઝીલૅન્ડને ૪૪ રનથી પરાજિત કર્યું હતું. અણનમ ૯૮ રન બનાવનાર રિકી પૉન્ટિંગ એ મૅચનો સુપરસ્ટાર હતો.




એન્ટરટેઇનમેન્ટ અનલિમિટેડ

T20 ક્રિકેટ ભરપૂર એક્સાઇટમેન્ટ ઉપરાંત એન્ટરટેઇનમેન્ટ માટે પણ પ્રચલિત છે. આ ફૉર્મેટને મનોરંજક બનાવવાની શરૂઆત પહેલી જ મૅચથી થઈ હતી. ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડના પ્લેયરો ૧૯૮૦ના દાયકાની વન-ડેમાં પહેરાતા ડ્રેસમાં સજ્જ થઈને મેદાન પર ઊતર્યા હતા. કેટલાક ખેલાડીઓએ લાંબી મૂછ અને લાંબી દાઢી રાખી હતી તો કેટલાક પ્લેયરો ૧૯૮૦ના દાયકાના ખેલાડીઓ જેવી હટકે હેરસ્ટાઇલ સાથે રમવા ઊતર્યા હતા.

એક તબક્કે ગ્લેન મૅક્ગ્રાએ મજાકમાં ૧૯૮૧માં ટ્રેવર ચૅપલે અન્ડરઆર્મ બૉલ ફેંક્યો હતો એ સ્ટાઇલમાં બૉલ ફેંકીને બધાને હસાવ્યા હતા અને અમ્પાયર બિલી બૉડેને ફૂટબૉલની મૅચમાં બતાવવામાં આવે એવું રેડ કાર્ડ ખિસ્સામાંથી કાઢીને મૅક્ગ્રાને દેખાડ્યું હતું.

ભારત પ્રથમ T20 જીત્યું

ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે પ્રથમ T20 ઇન્ટરનૅશનલ રમાયા પછી લગભગ બે વર્ષે ભારતે પહેલી વાર T20 ક્રિકેટનો સ્વાદ માણ્યો હતો. જોહનિસબર્ગની ૨૦૦૬ની ૧ ડિસેમ્બરની એ મૅચમાં ભારતે સાઉથ આફ્રિકાને એક બૉલ બાકી રાખીને છ વિકેટે હાર આપી હતી. બોલિંગમાં બે-બે વિકેટ લેનાર ઝહીર ખાન તથા અજિત આગરકરે અને બૅટિંગમાં વીરેન્દર સેહવાગ (૩૪ રન), દિનેશ મોંગિયા (૩૮ રન) તથા દિનેશ કાર્તિકે (૩૧ નૉટઆઉટ) સૌથી સારું પફોર્ર્મ કર્યું હતું. સચિન તેન્ડુલકરે ૧૦ રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો, પરંતુ સુરેશ રૈનાએ ૪ બૉલમાં બનાવેલા ૩ રનના યોગદાન સાથે દિનેશ કાર્તિકને છેક સુધી સાથ આપ્યો હતો અને ભારતને જિતાડ્યું હતું.

સચિનની પહેલી અને છેલ્લી T20

૨૦૦૬ની ૧ ડિસેમ્બરે રમાયેલી ભારતની પ્રથમ T20 સચિન તેન્ડુલકરની પહેલી અને છેલ્લી T20 ઇન્ટરનૅશનલ હતી. ત્યાર પછી તે વીસ-વીસ ઓવરની દરેક આઇપીએલમાં રમ્યો છે, પરંતુ T20 ઇન્ટરનૅશનલથી દૂર રહ્યો છે.

પ્રથમ T20 વર્લ્ડ કપ ભારતનો

૨૦૦૭માં T20ના પ્રથમ વર્લ્ડ કપનો તખ્તો ગોઠવાયો ત્યારે પણ ભારતનું ઉદાસીન વલણ હતું. વન-ડેની જેમ T20નો પણ વર્લ્ડ કપ રમાવો જોઈએ એવા ઘણા દેશોના સૂચન સાથે ભારત સહમત નહોતું. જોકે ભારતે ઓછા ઉત્સાહ સાથે વર્લ્ડ કપમાં ઝુકાવ્યું હતું અને એનું પરિણામ એ આવ્યું કે ધોની અને તેના ધુરંધરોએ ભારતીય ક્રિકેટપ્રેમીઓની સંવેદનાઓને ધ્યાનમાં રાખીને અને ક્રિકેટ બોર્ડની આંખ ઉઘાડે એવું પફોર્ર્મ કરીને એ પ્રથમ વિશ્વકપ જીતી લીધો હતો.

આઇપીએલે T20ને ઘેર-ઘેર પહોંચાડી

નવાઈની વાત એ છે કે T20ના જન્મ પછી આ ફૉર્મેટ વિશે નરમ વલણ બતાવનાર ભારત ૨૦૦૮થી અત્યાર સુધી T20નું સૌથી મોટું પ્રચારક રહ્યું છે. લલિત મોદીની આગેવાનીમાં આઇપીએલ શરૂ થઈ હતી, જે સ્પોર્ટ્સ-વર્લ્ડમાં માર્કેટિંગની દૃષ્ટિએ સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી થઈ હતી. આઇપીએલને કારણે T20 ક્રિકેટ માત્ર ભારતમાં નહીં પણ અનેક દેશોમાં ઘેર-ઘેર પહોંચી ગઈ છે.

આઇપીએલથી સૌકોઈ ખુશ છે. પ્લેયરો એક સીઝનમાં સાડાત્રણ કલાકવાળી ૧૦થી ૧૫ મૅચો રમીને કરોડો રૂપિયા કમાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અબજો રૂપિયાની કમાણી કરે છે અને બીજા દેશોનાં બોડોર્ને પણ અમુક હિસ્સો આપે છે. સ્પૉન્સરોને બહોળી પબ્લિસિટી મળે છે અને કરોડો ક્રિકેટચાહકો ભરપૂર મનોરંજનથી તરબતર થઈ જાય છે.




આઠ વર્ષમાં T20નો ચોથો વર્લ્ડ કપ

૧૯૭૦ના દાયકામાં વન-ડેના પહેલા બન્ને વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝે જીતી લીધા હતા અને ત્રીજા વિશ્વકપના તાજ પર ભારતે કબજો કયોર્ હતો. જોકે ૨૦૦૭માં સાઉથ આફ્રિકામાં રમાયેલો T20 ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ જીતીને ભારતે શ્રીગણેશ કર્યા હતા. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ રનથી હાર આપી હતી.

બીજો વર્લ્ડ કપ ઇંગ્લૅન્ડમાં રાખવામાં આવ્યો હતો, જે પાકિસ્તાને શ્રીલંકાને ૮ બૉલ બાકી રાખીને ૮ વિકેટે હરાવીને જીતી લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝમાં ત્રીજો વર્લ્ડ કપ ૨૦૧૧માં યોજાવાનો હતો, પરંતુ એ વર્ષમાં વન-ડેનો પણ વર્લ્ડ કપ રમાવાનો હોવાથી T20ની એ સવોર્ચ્ચ સ્પર્ધા ૨૦૧૦માં રાખી દેવામાં આવી હતી જેની ફાઇનલમાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને ૧૮ બૉલ બાકી રાખીને ૭ વિકેટે હરાવ્યું હતું.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ બે દિવસ પહેલાં સાઉથ આફ્રિકાને સિરીઝની છેલ્લી T20માં પરાજિત કરીને વર્લ્ડ કપમાં રમવા આવ્યું છે.

T20 રૅન્કિંગ્સમાં ભારત સાતમું

T20 રૅન્કિંગ્સની શરૂઆત થોડા મહિનાથી જ થઈ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ આ રૅન્કિંગ્સના લેટેસ્ટ લિસ્ટમાં મોખરે છે : (૧) ઇંગ્લૅન્ડ (૨) સાઉથ આફ્રિકા (૩) શ્રીલંકા (૪) વેસ્ટ ઇન્ડીઝ (૫) ન્યુ ઝીલૅન્ડ (૬) પાકિસ્તાન (૭) ભારત (૮) બંગલા દેશ (૯) ઑસ્ટ્રેલિયા (૧૦) આયર્લેન્ડ (૧૧) ઝિમ્બાબ્વે.

T20 સ્પેશ્યલ

* આ ફૉર્મેટની ડોમેસ્ટિક તેમ જ ઇન્ટરનૅશનલ મૅચોમાં સૌથી વધુ કૅપ્ટન્સી મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. તેણે કુલ ૧૨૧ મૅચોમાં સુકાન સંભાળ્યું છે.

* સૌથી વધુ T20 મૅચ ઍલ્બી મૉર્કલના નામે છે. તે ૨૦૦૪થી અત્યાર સુધી ૧૯૮ મૅચ રમ્યો છે.

* ગોવાનો રાણા કલંગુટકર T20 ક્રિકેટનો યંગેસ્ટ પ્લેયર છે. તે ૨૦૦૭માં કર્ણાટક સામેની મૅચ વખતે ૧૪ વર્ષ ૧૬૮ દિવસનો હતો. T20 ઇન્ટરનૅશનલમાં મોહમ્મદ આમિર યંગેસ્ટ છે. ૨૦૦૯માં તે તેની પ્રથમ મૅચ વખતે ૧૫ વર્ષ ૫૬ દિવસનો હતો.

* વેસ્ટ ઇન્ડીઝનો કાર્લટન સૉન્ડર્સ T20 ક્રિકેટનો ઓલ્ડેસ્ટ પ્લેયર છે. તે ૨૦૦૮માં ટક્ર્સ ઍન્ડ કૅકસ આઇલૅન્ડ વતી રમ્યો ત્યારે ૫૦ વર્ષ ૯૨ દિવસનો હતો. T20 ઇન્ટરનૅશનલના ઓલ્ડેસ્ટ પ્લેયરોમાં સનથ જયસૂર્યાનું નામ મોખરે છે. તે ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની મૅચ રમ્યો ત્યારે ૪૧ વર્ષ ૩૬૦ દિવસનો હતો.

ઇન્ટરેસ્ટિંગ આંકડાઓની તુલના

હાઇએસ્ટ ટોટલ

T20 ક્રિકેટ : ૨૫૪/૩, ગ્લુસેસ્ટશૉ, મિડલસેક્સ સામે, જૂન, ૨૦૧૧

T20 ઇન્ટરનૅશનલ : ૨૬૦/૬, શ્રીલંકા, કેન્યા સામે, સપ્ટેમ્બર, ૨૦૦૭

લોએસ્ટ ટોટલ

T20 ક્રિકેટ : ૩૦ રન, ત્રિપુરા, ઝારખંડ સામે, ઑક્ટોબર, ૨૦૦૯

T20 ઇન્ટરનૅશનલ : ૬૭ રન, કેન્યા, આયર્લેન્ડ સામે, ઑગસ્ટ, ૨૦૦૮

સૌથી વધુ વિજય

T20 ક્રિકેટ : ૫૯ જીત, સમરસેટ

T20 ઇન્ટરનૅશનલ : ૩૪ જીત, પાકિસ્તાન

લાગલગાટ સૌથી વધુ જીત

T20 ક્રિકેટ : પચીસ વિજય, સિયાલકોટ સ્ટૅલિયન્સ

T20 ઇન્ટરનૅશનલ : આઠ વિજય, ઇંગ્લૅન્ડ અને આયર્લેન્ડ

કરીઅરમાં સૌથી વધુ રન

T20 ક્રિકેટ : ૪૬૭૦ રન, ડેવિડ હસી

T20 ઇન્ટરનૅશનલ : ૧૪૪૩ રન, બ્રેન્ડન મૅક્લમ

કરીઅરમાં સૌથી વધુ સિક્સર

T20 ક્રિકેટ : ૨૯૦ સિક્સર, ક્રિસ ગેઇલ

T20 ઇન્ટરનૅશનલ : ૫૭ સિક્સર, બ્રેન્ડન મૅક્લમ

ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર

T20 ક્રિકેટ : ૧૬ સિક્સર, ગ્રેહામ નૅપિયર

T20 ઇન્ટરનૅશનલ : ૧૩ સિક્સર, રિચર્ડ લીવી

સૌથી વધુ સેન્ચુરી

T20 ક્રિકેટ : ૮ સદી - ક્રિસ ગેઇલ

T20 ઇન્ટરનૅશનલ : એક સદી - રિચર્ડ લીવી, ક્રિસ ગેઇલ, બ્રેન્ડન મૅક્લમ, તિલકરત્ને દિલશાન, માહેલા જયવર્દને અને રિચી બેરિંગ્ટન

ફાસ્ટેસ્ટ સેન્ચુરી

T20 ક્રિકેટ : ૩૪ બૉલમાં, ઍન્ડ્ર્યુ સાયમંડ્સ

T20 ઇન્ટરનૅશનલ : ૪૫ બૉલમાં, રિચર્ડ લીવી

કરીઅરમાં સૌથી વધુ વિકેટ

T20 ક્રિકેટ : ૧૮૫ વિકેટ, ડર્ક નૅનસ

T20 ઇન્ટરનૅશનલ : ૬૦ વિકેટ, સઈદ અજમલ

મૅચમાં શ્રેષ્ઠ બોલિંગ

T20 ક્રિકેટ : ૩.૪-૦-૫-૬, આરુલ સુપૈયા, સમરસેટ વતી, ગ્લૅમોર્ગન સામે

T20 ઇન્ટરનૅશનલ : ૪-૧-૧૬-૬, અજંથા મેન્ડિસ, શ્રીલંકા વતી, ઑસ્ટ્રેલિયા સામે

ભારતની ૧૮ જીત, ૧૬ હાર

T20 ઇન્ટરનૅશનલમાં ભારત ૩૬ મૅચ રમ્યું છે જેમાંથી ૧૮ જીત્યું છે અને ૧૬ હાર્યું છે. એક મૅચ ટાઇ થઈ છે અને એક અનર્ણિીત રહી છે

ભારતમાં માત્ર પાંચ મૅચ

ભારતમાં પાંચ વર્ષમાં પાંચ આઇપીએલ રમાઈ છે, પરંતુ દેશમાં રમાયેલી T20 ઇન્ટરનૅશનલ મૅચોની સંખ્યા પણ માત્ર પાંચ છે

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2012 10:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK