(પ્યાર કી યે કહાની સુનો - પલ્લવી આચાર્ય)
વડોદરા જવું હતું, પણ ત્યાં જવા માટે મારી પાસે કોઈ રીઝન નહોતું. એવામાં મારા પેરન્ટ્સને અમેરિકા જવાનું થયું. વીક-એન્ડમાં કોઈને કાંઈ કહ્યા વિના ટ્રેનના જનરલ કમ્પાર્ટમેન્ટમાં ઊભાં-ઊભાં ટ્રાવેલ કરીને હું વડોદરા પહોંચી ગયો. એટલું જ નહીં, સોનલ જે નર્સરી સ્કૂલમાં ટીચર હતી એ સ્કૂલના દરવાજે સોનલ બહાર આવે તેની વેઇટ કરતો ઊભો રહ્યો...૩૦ વર્ષ પહેલાંના ફ્લૅશબૅકમાં જઈ તુષાર ગાંધી વાતની શરૂઆત કરે છે. તે કહે છે, ‘બેથી ત્રણ વાર રિઝર્વેશન વિના મેં ઊભાં-ઊભાં વડોદરાની ટ્રિપ મારી છે.’
ગાંધીજીના પ્રપૌત્ર અને ‘લેટ્સ કિલ ગાંધી’ પુસ્તકના લેખક તુષાર ગાંધી પીસ ઍક્ટિવિસ્ટ છે, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન ચલાવે છે અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ સામે કામ કરે છે. પ્રિન્ટિંગ ટેક્નૉલૉજિસ્ટ તુષાર ગાંધીએ વડોદરામાં રહેતી અને તેમના ફ્રેન્ડ્સમાંની એક સોનલ રોહિત દેસાઈ સાથે લગ્ન કર્યા છે.
હમ મિલે
સોનલના પિતા બૅન્ક ઑફ બરોડામાં એક્ઝિક્યુટિવપદે હતા. સોનલ પંદર વર્ષની હતી એવામાં તેમની વડોદરાથી મુંબઈ બદલી થઈ હોવાથી ચાર વર્ષ આ ફૅમિલી ખારમાં રહ્યું હતું, તેઓ વડોદરા પાછા ગયા પછી પણ સોનલના મામાનું ઘર સાન્તાક્રુઝમાં હોવાથી તે વેકેશનમાં મુંબઈ આવતી.
સોનલના સ્કૂલના એક ફ્રેન્ડની પાર્ટીમાં તુષારને પહેલી વાર જોયો. એની વાત કરતાં તે કહે છે, ‘ફ્રેન્ડ્સે તુષારનો ઇન્ટ્રો કરાવ્યો. તેની સાથેનો લવ ઍટ ફસ્ર્ટ સાઇટ તો ન કહી શકાય પણ ઊંચો, ફિટ, નૉલેજેબલ તુષાર મને તેની સાથે વાત કરવા આકર્ષિત જરૂર કરતો હતો. તેની વાતો મને ઇન્ટરેસ્ટિંગ લાગતી હતી.’
એ સમયે સોનલ ૧૯ વર્ષની હતી. એ પછી તેઓ ફ્રેન્ડ બન્યાં. ફોન આવી ગયા હતા એટલે ફોન પર પણ વાત કરતાં અને વેકેશનમાં સોનલ મુંબઈ આવે ત્યારે મળતાં પણ ખરાં.
હમ હૈ રાહી પ્યાર કે...
સોનલ અને તુષારના ફ્રેન્ડ્સ કૉમન હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે સોનલ તુષારને પરસ્પર કંઈક લાગણી જરૂર છે તેથી તેઓ આ બે જણને ચીડવતા પણ હતા. એ વિશે સોનલ કહે છે, ‘અમને એકબીજા માટે સ્પેશ્યલ ફીલિંગ હતી અને એવું પણ હતું કે જો પ્રેમ છે તો લગ્ન પણ કરવાનાં. મને ચોક્કસ લાગી રહ્યું હતું કે તુષાર મને પ્રપોઝ કરશે. આ વાતે હું બહુ એક્સાઇટેડ હતી, પણ થોડી નર્વસ પણ હતી. થોડોક ડર એ વાતે હતો કે તુષાર પ્રપોઝ કરે તો તેને ના નહોતું કહેવું. એ સાથે પેરન્ટ્સને આ વાતની ખબર નહોતી. તેમનાથી આ વાત છુપાવીને મારે કાંઈ નહોતું કરવું તેથી બહુ કન્ફ્યુઝ હતી.’
બન્યું પણ એવું જ બધા ફ્રેન્ડ્સ મળ્યા અને એક-એક બધા બહાર સરકી ગયા અને તુષાર સોનલને એકલાં મળાવ્યાં. આ પહેલાં સોનલે તેનાં મામા-મામીને થોડી વાત કરી રાખી હતી.
તુષાર તેને કાંઈ કહે એ પહેલાં પોતાનો પાર્ટ સ્પષ્ટ કરવા માટે થઈને સોનલ કહે છે, ‘મેં તેને કહ્યું, બધા કહે છે કે તું મને પ્રપોઝ કરવાનો છે, પણ મારા પેરન્ટ્સ હા પાડશે તો જ હું કન્ટિન્યુ કરીશ, ના પાડશે તો કન્ટિન્યુ નહીં થઈ શકે.’
બસ તુષારને હિન્ટ મળી ગઈ... તેઓ કહે છે, ‘સોનલે મને કહ્યું કે તેને હું બહુ ગમું છું તો મેં પણ તરત કહી દીધું કે તું મને બહુ ગમે છે. બાકી બધું તું તારે ફોડી લે જે. આઇ લવ યુ લોટ!’
વરસતો વરસાદ
પ્યાર મેં કુછ ભી હો સકતા હૈ...એ વાત સાચી છે કારણ કે બનેલું પણ કંઇક એવું જ. સોનલના મામાની દીકરીની બર્થ-ડે પાર્ટી હતી. સોનલના મામાની દીકરીઓ તુષારની પણ ફ્રેન્ડ્સ હતી તેથી તુષારે આ પાર્ટીમાં જવાનું હતું.
આ પ્રસંગને ટાંકતાં તુષારભાઈ કહે છે, ‘એ દિવસે મુંબઈમાં એટલો વરસાદ હતો કે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. વરસતા વરસાદમાં પલળતો હું તેના ઘરે જવા નીકળ્યો તો ત્યાં કમર સુધી પાણી ભરાયેલાં હતાં. આ પાણીમાંથી રસ્તો કરી ગમેતેમ હું સોનલની કઝિનની બર્થ-ડે પાર્ટીમાં મોટો ગુલદસ્તો લઈને પહોંચ્યો તો તેની કઝિન કહે આ બુકે તું સોનલ માટે લઈ આવ્યો છે, કાંઈ મારા માટે નહીં અને આટલી તકલીફ વેઠીને તું સોનલ માટે અહીં આવ્યો છે.’
તુષાર સાથે વાત કરવા માટે કેટલું એક્સાઇટમેન્ટ સોનલને રહેતું. એની વાત કરતાં તે કહે છે, ‘તેનો ફોન આવે કે ચિઠ્ઠી આવે એનું મને બહુ એક્સાઇટમેન્ટ રહેતું, તેની હું બહુ વેઇટ કરતી. ઇન્ટર્નશિપના પૈસામાંથી તે મારા માટે ડાયમન્ડની રિંગ અને પેન્ડન્ટ લાવ્યો હતો. ’
ચિઠ્ઠી આઇ
મુંબઈમાં હોય ત્યારે સોનલ અને તુષાર એકલાં મળવા લાગ્યાં. સોનલ વડોદરા જાય ત્યારે તુષાર ચિઠ્ઠી લખતા. એની વાત કરતાં તુષારભાઈ કહે છે, ‘હું સોનલને ઇન્લેન્ડ લેટર લખતો. એમ તો અમારો એકરાર નહોતો થયો ત્યારે પણ એક-બે ગ્રીટિંગ કાર્ડ્સ મેં સોનલને મોકલ્યાં હતાં.’
સોનલનાં પેરન્ટ્સનાં લવ-મૅરેજ છે. ફૅમિલીમાં લગભગ બધા લોકોએ પોતાના પાર્ટનર પોતે જ પસંદ કર્યા છે, તેથી તેમનું ફૅમિલી આ બાબતે ના પાડશે એવું નહોતું. એની વાત કરતાં સોનલ કહે છે, ‘એક દિવસ સોનલે આ બાબતે તેના પેરન્ટ્સને કહ્યું, પણ તેઓ તરત રેડી ન થયાં એનાં કેટલાંક કારણો હતાં કે તેમને જોવું હતું કે તે કોણ છે, કેવો છે, શું કરે છે. વળી, ખાલી આકર્ષણ નથીને એની ટેસ્ટ પણ કરવી પડે. તેથી તેમણે મને ના ન પાડી એમ હા પણ ન પાડી. એટલું જ નહીં, મને કહ્યું, હજી બે-ત્રણ વરસની વાર છે. પછી જોઈશું. તેમને હતું કે તે લવ કરતો હશે તો વેઇટ કરશે જ.’
તુષારના પેરન્ટ્સ સોનલને ઓળખતા હતા, કારણ કે તુષારની બહેનને બાબો આવ્યો હતો તેને રમાડવાને બહાને તે આવતી હતી.
ફાઇનલી શાદી
ત્રણેક વર્ષના ર્કોટશિપ પિરિયડ પછી તેમની સગાઈ થઈ અને ૮ ડિસેમ્બર, ૧૯૮૫માં લગ્ન થયાં. આવતીકાલે તેમનાં લગ્નને ૨૭ વર્ષ પૂરાં થશે. ૨૧ વર્ષનો દીકરો વિવાન છે, જે લૉનો અભ્યાસ કરે છે અને દીકરી કસ્તૂરી સેન્ટ ઝેવિયર્સ કૉલેજથી ગ્રૅજ્યુએશન કરી રહી છે.