દરેક માણસની લાઇફમાં એક ટર્નિંગ પૉઇન્ટ આવે છે

Published: 10th October, 2014 05:37 IST

ભતૃર્હરિ મોહમુગ્ધ હતા ત્યારે તેમણે ‘શૃંગારશતક’ની રચના કરી  અને મોહભંગના ટર્નિંગ પૉઇન્ટ પછી ‘વૈરાગ્યશતક’ની રચના કરી

સોશ્યલ સાયન્સ - રોહિત શાહ


દરેક માણસની લાઇફમાં એક વખત ટર્નિંગ પૉઇન્ટ આવતો હોય છે. ટર્નિંગ પૉઇન્ટ આવ્યા પછી માણસના જીવનની દિશા કાં તો ફંટાઈ જાય છે કાં તો એમાં યુ ટર્ન આવે છે. વાલિયા લૂંટારાનું એક્ઝામ્પલ લો કે સંત સુરદાસનું એક્ઝામ્પલ લો, ગૌતમ બુદ્ધના ટર્નિંગ પૉઇન્ટની વાત કરો કે કાદુ મકરાણીના ટર્નિંગ પૉઇન્ટની વાત કરો. એક એવી ઘટના બને છે કે આદમી સંત મટીને શેતાન બની જાય છે અથવા તો પછી શેતાન મટીને સંત બની જાય છે. મહાત્મા ગાંધીને સાઉથ આફ્રિકામાં ગોરાઓએ ટ્રેનમાંથી સામાન સહિત નીચે ફેંકી દીધા ન હોત તો કદાચ તેઓ આઝાદીના મસીહા ન બન્યા હોત.

દરેક વ્યક્તિની લાઇફના ટર્નિંગ પૉઇન્ટના ઇતિહાસ ભલે લખાતા ન હોય, દરેક વ્યક્તિની લાઇફના ટર્નિંગ પૉઇન્ટનો પ્રભાવ ભલે જગતના બીજા લોકો પર ન પડતો હોય; પરંતુ તેના વ્યક્તિગત જીવનમાં તો એ પ્રચંડ પ્રભાવ પાડનારો અને પ્રબળ પરિવર્તન લાવનારો બની રહે છે.

આજે એક એવા ઝંઝાવાતી ટર્નિંગ પૉઇન્ટની વાત કરવી છે. ઉજ્જૈનનો રાજા ભતૃર્હરિ અત્યંત સ્વરૂપવાન પિંગળા પાછળ મોહાંધ બને છે અને તેની સાથે લગ્ન કરે છે. પ્રેમ માણસને કર્તવ્યપંથ પર ચાલવાનું સામથ્ર્ય બક્ષે છે, પરંતુ મોહ તેને કર્તવ્યપંથ ભુલાવે છે. એક બ્રાહ્મણ પાસેથી રાજા ભતૃર્હરિને પર્મનન્ટ યુવાન રાખે એવું એક અમરફળ ગિફ્ટ મળે છે અને એ ફળ રાજા પોતાની પ્રિય પત્ની રાણી પિંગળાને ગિફ્ટ આપે છે. પિંગળા ખાનગીમાં તેના સારથિને (પ્રેમીને) એ ફળ આપી દે છે. સારથિ વ્યભિચારી હતો એટલે તે એક વેશ્યાને અમરફળ આપી દે છે. તે વેશ્યા ખૂબ સમજુ હતી. તેણે વિચાર કર્યો કે મારા જેવી બજારુ ઔરતને લાંબું જીવવાની શી જરૂર છે? આ ફળ જો ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજાને આપવામાં આવે તો એથી રાજા દીર્ઘાયુ બનશે અને સમગ્ર રાજ્યનું હિત કરશે. કુમાર્ગે ચાલનાર દરેક વ્યક્તિ દુષ્ટ કે દોષી નથી હોતી. મજબૂરીથી ખોટા રસ્તે ગયેલી વ્યક્તિ ભીતરથી સત્ય સમજતી હોય છે. વેશ્યા એ અમરફળ લઈને ભતૃર્હરિને ગિફ્ટ આપી આવે છે. રાજા ફળને ઓળખી જાય છે અને વિચારે છે કે આ અમરફળ તો મેં પિંગળાને આપ્યું હતું, એ ફળ આ વેશ્યા પાસે કઈ રીતે પહોંચ્યું? ગુપ્તચરો દ્વારા તેણે સમગ્ર હકીકત જાણી. તેને તીવ્ર આંચકો લાગ્યો. અરેરે! જેને પ્રાણથીયે પ્રિય સમજતો હતો તે પિંગળા આવી પ્રપંચબાજ નીકળી! મોહનો શીશમહેલ એકાએક ભોંયભેગો થઈ ગયો. ભતૃર્હરિ રાજપાટ બધું છોડીને વૈરાગી-સાધુ બની જાય છે.

પ્રેમની, પરાક્રમની અને પ્રપંચની કથાઓ હંમેશાં પ્રિય બની જતી હોય છે. યુદ્ધ ભલે ભીષણ, વિનાશક અને ભયાવહ હોય; પરંતુ એની કથા તો હંમેશાં મધમીઠી લાગે છે. પ્રેમની કથામાંય બે પાત્રો કશી કઠિનાઈ વગર મળી જાય, પરણી જાય અને ખાઈ-પીને મોજ કરે તો એવી કથા દિલચસ્પ નહીં લાગે. તેમને પારાવાર પજવણીઓ થતી હોય, પ્રેમીજનો પળે-પળે રિબાતા-ઝૂરતા હોય છતાં મક્કમ રહેતા હોય એવી કથા રોમાંચક લાગે છે.

ભતૃર્હરિની લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ સનસનાટીભર્યો હતો. જ્યારે તે પિંગળાના મોહપાશમાં મસ્ત હતો ત્યારે તેણે ‘શૃંગારશતક’ની રચના કરી હતી. શતક એટલે સેન્ચુરી. શૃંગાર એટલે લવ અને સેક્સ. સાહિત્યમાં નવ પ્રકારના રસ હોય છે. વીરરસ, હાસ્યરસ, શૃંગારરસ, શાંતરસ વગેરે. ભતૃર્હરિ પાસેથી શૃંગારરસની મેઘધનુષી છોળો-લહેરો મળી છે એ જ રીતે તેના પાછલા વૈરાગી જીવનમાંથી ‘વૈરાગ્યશતક’રૂપે શાંતરસના અમૃતકુંભ પણ મળ્યા છે. એમ તો ભતૃર્હરિએ ‘નીતિશતક’ દ્વારા નીતિ વિશેની પણ ઊધ્ર્વગામી પ્રેરણા આપી છે.

આશ્ચર્ય થાય - માનવાનું મુશ્કેલ પડે એવી વિરોધી વાતો ભતૃર્હરિએ કરી છે. ‘શૃંગારશતક’ના ૨૬મા શ્લોકમાં તે કહે છે, ‘સેક્સના પરિશ્રમથી થાકેલી પ્રિયતમા પુરુષની છાતી પર માથું મૂકીને સૂતેલી હોય, તેની કેશાવલિ વિખરાયેલી હોય, તેની આંખો અધખૂલી હોય, સેક્સના પરિશ્રમને કારણે જેના કપોલ પરથી ખાસ સુગંધનો પસીનો વહેતો હોય એવી પ્રિયતમા (કે પત્ની)ના હોઠનું અમૃત ચૂસવાનું તો કોઈ બડભાગીને જ મળે!’

ભતૃર્હરિએ સ્ત્રીના વજનદાર-પુષ્ટ પયોધર (સ્તન)ને અનેક શ્લોકોમાં શૃંગારના શિખરે સ્થાન આપ્યું છે. તે વારંવાર કહે છે કે યૌવન વીતી જાય અને અંગો શિથિલ બની જાય પછી બેસુમાર સંપત્તિ હોય તોય શા કામની? ભતૃર્હરિ પ્રેમમાં વફાદારીનેય મહત્વ આપે છે. ૨૯મા શ્લોકમાં તો તે સ્પષ્ટ કહે છે કે સેક્સની રળિયામણી ક્ષણો વખતે જો પુરુષનું ચિત્ત બીજે ક્યાંય ભટકતું હોય અને સ્ત્રીનું મન ક્યાંક બીજે ભટકતું હોય તો એ સંભોગ નથી, એ તો માત્ર મડદાં-મિલાપ છે. ૬૫મા શ્લોકમાં ભતૃર્હરિ તાર્કિક આગ્યુર્મેન્ટ કરતાં કહે છે કે જંગલમાં રહીને માત્ર ફળ-પાંદડાં તથા જલ દ્વારા નિર્વાહ કરનારા વિશ્વામિત્ર જેવા - પરાશર જેવા ઋષિઓ-મહર્ષિઓ પણ સ્ત્રીના મોહથી તણાઈ જતા હોય ત્યારે અનાજ, દૂધ-દહીં, ઘી જેવા પૌષ્ટિક આહાર લેનારા આપણા જેવા પામર જનો એવા સ્ત્રી-મોહમાં ફસાય તો એમાં વિસ્મયની વાત શી છે.

પણ હવે જુઓ... મોહભંગ થયા પછી, ટર્નિંગ પૉઇન્ટ પછી એ જ ભતૃર્હરિ સુંદર સ્ત્રીના પડછાયાથી પણ દૂર રહેવાની કેવી શિખામણ આપે છે! તે કહે છે કે કામી-વ્યભિચારી પુરુષ કામિનીનો ગુલામ થઈ જતો હોય છે. તે ઘાયલ થાય, બદનામ થાય અને ભૂંડી દશામાં જીવતો હોય તોય મોહનો માર સતત ખાતો રહે છે. પહેલાં જે પુષ્ટ સ્તનમાં ભતૃર્હરિને શૃંગારનો છલોછલ વૈભવ દેખાતો હતો એમાં હવે હાડ-ચામનો એક પિંડ જ તેને દેખાય છે. સ્ત્રીની જે આંખોના કટાક્ષ તેને કામણગારા લાગતા હતા એ હવે પ્રપંચ-કપટની જાળ જેવા લાગે છે. ક્ષણિક સ્ત્રીસુખની લાલસાથી દૂર રહેવાની ઍડ્વાઇઝ આપતા ભતૃર્હરિના શબ્દોમાં વલોપાત અને પ્રાપશ્ચિત્તનું મિશ્રણ છે.

ક્ષણનો પ્રભાવ યુગો-યુગો સુધી...

લાઇફમાં ટર્નિંગ પૉઇન્ટ અનેક રીતે આવી શકે છે. ક્યારેક સાવ ઓચિંતું જ જ્ઞાનનું કોઈ કિરણ મળી જાય અને અંધકારમાં અટવાતી લાઇફને દિવ્ય ઓજસ મળી જાય છે. ક્યારેક તીવ્ર આઘાત કે વિશ્વાસઘાત આદમીની લાઇફને છિન્નભિન્ન કરી નાખે છે ત્યારે કાં તો તે બળવાખોર કે આક્રમક બની જાય છે કાં તો સાવ હતાશ અને શૂન્યમનસ્ક થઈને બેસી જાય છે. કોઈ વખત ટર્નિંગ પૉઇન્ટ કમજોર-કાયર વ્યક્તિને સામથ્ર્યવાન બનાવી દે છે તો ક્યારેક અત્યંત સામથ્ર્યવાન-પરાક્રમી માણસને મડદાલ બનાવી મૂકે છે. ટર્નિંગ પૉઇન્ટ કોઈ વ્યક્તિ દ્વારા પણ આવી શકે છે અને પરિસ્થિતિ દ્વારા પણ આવી શકે છે. એક ક્ષણ - એક નાનકડી ઘટના વ્યક્તિને એટલી હદે બદલી નાખે છે કે તે વ્યક્તિની સારી કે માઠી અસર યુગો-યુગો સુધી સમાજ પર પડતી રહે છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK