વાંકદેખા લોકોની જમાતથી સાવધાન

Published: 1st November, 2011 18:05 IST

કેટલાક લોકોને કોઈ વ્યક્તિના નાના દોષને પણ એટલીબધી વાર ગાઈબજાવીને પોતાના સર્કલમાં પેશ કરવાની આદત હોય છે કે સાંભળનાર સૌના મનમાં તે વ્યક્તિની એવી જ છાપ પડી જાય છે(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)

ટીવી પર હમણાં ચાલી રહેલો ‘બિગ બૉસ’ કાર્યક્રમ જુઓ તો લાગે કે આ ભારતમાં સ્ત્રીઓની સૌથી મોટી ટૅલન્ટ ઝઘડા કરવાની જ હશે. જોકે આમાં આપણે ભારતની જગ્યાએ દુનિયા લખીએ તોય ચાલે. યાદ છેને આપણી શિલ્પા શેટ્ટી વિજેતા બની હતી એ ‘બિગ બ્રધર’ શોમાં પણ મહિલાઓ વચ્ચે આવા જ ટંટાફિસાદ થતા હતા! જોકે આજે આપણે આવા શોઝની વાત નથી કરવી, પણ મહિલાઓની ઝઘડવા ઉપરાંતની એક અન્ય ‘આવડત’ની વાત કરવી છે.

હમણાં મારી ફ્રેન્ડની મુલાકાત થઈ. હંમેશાં ખુશખુશાલ અને ઉત્સાહી લાગતી શિલ્પા આ વખતે મને થોડી ઝાંખી લાગી, પરંતુ ‘તમે ઢીલા કેમ લાગો છો કે ડલ કેમ લાગો છો’ એવા સવાલોની આપણા મન પર નેગેટિવ અસર થાય છે એ વાત મને યાદ હતી એટલે મેં તેને એવું કંઈ પૂછ્યું નહીં. થોડી વારે તેણે પોતે જ પોતાના મનની વાત કરી. તેની વાત ટૂંકમાં કંઈક આવી હતી. તેના પતિની બહારગામ રહેતી બહેન એટલે કે તેની નણંદ તેને ત્યાં થોડા દિવસ રહેવા આવેલી. તેણે પોતે જ ખૂબ આગ્રહ કરીને તેને બોલાવી હતી. તેનો પતિ અને બાળકો પણ જીનાબહેનના આવવાથી ખુશ હતાં, પરંતુ શિલ્પાએ જોયું કે જીનાબહેનના આવ્યા પછીથી તેની કામવાળી મૌસીની વર્તણૂકમાં અચાનક પરિવર્તન આવી ગયું હતું! મૌસી તેના ઘરે સાત વર્ષથી કામ કરે છે અને તેના ઘરે જ રહે છે. તેનું કામ પણ ચોખ્ખું એટલે બીજી કામવાળી બાઈઓના હોય એવા કોઈ પ્રોબ્લેમ્સ મૌસી સાથે નહોતા થતા. શિલ્પાને સવાર-સાંજ ક્લિનિક અટેન્ડ કરવાનું હોવાથી તે કિચનમાં બહુ સમય ન આપી શકે તો મૌસી રસોઈની તૈયારીઓ અને બીજું નાનું-મોટું કામ પણ પોતાની જવાબદારી સમજીને કરી લેતી. ટૂંકમાં હોમફ્રન્ટ પર મૌસી જેવી કૉમ્પિટન્ટ અને રિલાયબલ વ્યક્તિ મળી જવાથી મારી શિલ્પા ઘણી રિલૅક્સ્ડ રહી શકતી.

પરંતુ તેની નણંદ જીનાબહેન અઠવાડિયું રહીને ગયા ત્યાર બાદ મૌસી વાતવાતમાં શિલ્પાના કિચન, તેની ગોઠવણ અને વ્યવસ્થા વિશે કંઈક ને કંઈક ફરિયાદ કરતી રહે છે અને બડબડતી હોય છે! શિલ્પાને મૌસીનું આ વર્તન જોઈને બહુ જ નવાઈ લાગી, પણ તેને ટૂ પ્લઝ ટૂ કરતાં વાર ન લાગી! જીનાબહેન આવ્યાં ત્યારથી તેમનું મૌસી સાથે બહુ ઇન્ટરૅક્શન રહેતું. શિલ્પા ક્લિનિક પર હોય ત્યારે તેઓ ઘરમાં મૌસી સાથે એકલાં પડતાં અને અવારનવાર કિચનમાં જઈને મૌસી સાથે વાતો કરતાં. શિલ્પાના કિચન વિશે, કામ કરવાની રીત વિશે કૉમેન્ટ્સ કરતાં રહેતાં! હવે જીનાબહેન તો ચાલ્યાં ગયાં પણ મૌસીના માથામાં શિલ્પાની નબળાઈઓ અને નેગેટિવ વાતો મૂકતાં ગયાં. પરિણામે જે ફ્રન્ટની શિલ્પાને કદી કોઈ ચિંતા નહોતી ત્યાં અસંતોષની લાગણી ઊકળવા લાગી.

શિલ્પાને મૌસીના વર્તન કરતાંય વધુ ડર તો જીનાબહેન હવે તેના સર્કલમાં બધે પોતાની વાતો કરશે એનો ભય સતાવવા લાગ્યો હતો. શિલ્પાને મેં મોઢેથી તો એવા સ્ટ્રેસમાં ન રહેવા સમજાવી, પરંતુ જીનાબહેનના સ્વભાવની ખાસિયત શિલ્પા પાસેથી જાણી ત્યારે શિલ્પાનો ડર સાવ પાયા વગરનો નહોતો એ સમજાયું. જીનાબહેન બ્રૅન્ડ-બિલ્ડિંગમાં એક્કાં હતાં. પોતાને બીજાઓ કરતાં ચડિયાતાં ગણતાં જીનાબહેનને કોઈ પણ વ્યક્તિના નાના દોષને પણ એટલી બધી વાર ગાઈ-બજાવીને પોતાના મોટા સર્કલમાં પેશ કરે કે સાંભળનાર સૌના મનમાં તે વ્યક્તિની એવી જ છાપ પડી જાય એટલે શિલ્પા જીનાબહેનના ગયા બાદ સતત એક દબાણ અનુભવતી હતી કે તેમના સર્કલમાં મારી ઇમેજ બગાડી નાખશે. મેં શિલ્પાને કહ્યું કે એવો ડર રાખવાની કોઈ જરૂર નથી કેમ કે જીનાબહેનને ઓળખનારાને પણ તેમના સ્વભાવનો પરિચય હશે જને. તે લોકો જીનાબહેનની વાતોને કેટલા ટકા ડિસ્કાઉન્ટ કાપીને માનવી એની ગણતરી કરી લેતાં હશે. પેલી કહેવત છેને તમે હંમેશ માટે બધા લોકોને મૂરખ ન બનાવી શકો.

પરંતુ શિલ્પાના ગયા બાદ હું વિચારી રહી હતી કે આવી સ્થિતિમાં મુકાવું ન પડે એની ચોકસાઈ રાખવી એ જ આ પ્રકારના બિન બુલાએ મહેમાન જેવા સ્ટ્રેસથી બચવાનો માર્ગ છે. સાથે જ યાદ આવ્યા એક જમાનાના ખાધેલ વડીલ. તેઓ ક્યારેય પોતાને ત્યાં આવેલા મહેમાનને નોકર કે બાઈ સાથે રેઢાં મૂકતાં નહીં. મને તેમની એ પ્રકૃતિમાં સંકુચિતતા લાગતી, પરંતુ જીનાબહેન જેવી પ્રકૃતિ ધરાવતાં બ્રૅન્ડ-ઍમ્બેસેડરને જોયા પછી તે વડીલની દૂરંદેશી સમજાય છે.

બિનજરૂરી કૉમેન્ટ્સ

તમે જોયું હશે કે તમારા વતુર્ળમાં એટલે કે તમારા ફ્રેન્ડસર્કલમાં, તમારા ફૅમિલીસર્કલમાં, તમારા પ્રોફેશનલ સર્કલમાં કે તમારા પાસપાડોશમાં કેટલીક વ્યક્તિઓ માટે ‘ઝઘડાખોર’, ‘કંજૂસ’, ‘આળસુ’, ‘પંચાતિયણ’ વગેરે વિશેષણો વપરાતાં હોય છે. ઘણી વાર તે વ્યક્તિનું નામ લેવાને બદલે તેમનો ઉલ્લેખ આવા શબ્દોથી જ થાય છે. એનું કારણ શું? કારણ એ જ કે બોલવામાં બાહોશ અને મોટું સર્કલ ધરાવતી સ્ત્રી જો એક વાર કોઈ વ્યક્તિ માટે આવું વિશેષણ વાપરવાનું શરૂ કરે તો પછી એને પૂરા સર્કલમાં ફેલાવતાં તેને વાર નથી લાગતી. બીજા લોકો પણ તેના વિશે વાત કરતા હોય તો તે સ્ત્રી તરત જ તેમને યાદ કરાવશે, ‘અરે! તમે પેલી કંજૂસ કમુની વાત કરો છોને? હા, તે તો બહુ જ લોભિયણ છે. અને પેલી સુદેશા તો ભારે બડાઈખોર છે. એક વાર પોતાની બડાઈ મારવાની શરૂ કરે તો પછી તેનું બોલવાનું અટકે જ નહીં અને પેલી મનોરી તો ભારે રખડેલ છે. રોજ રાત્રે મોડી-મોડી આવે પણ તેનો વરેય એવો બાયલો કે બધું ચલાવી લે!’ જોયું, કેટલા બધા લોકો વિશે તે સ્ત્રી પાસે એક્સપર્ટ કૉમેન્ટ્સ છે!
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK