Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > બાળકની આંખો વાંચી જો

બાળકની આંખો વાંચી જો

22 December, 2019 03:10 PM IST | Mumbai
Hiten Anandpara

બાળકની આંખો વાંચી જો

બાળકની આંખો વાંચી જો


૧૪ નવેમ્બરે બાલદિન ઉજવાયો. ચાચા નહેરુના જન્મદિને ઉજવાતું આ પર્વ ખરા અર્થમાં પવિત્ર છે. કારણ કે બાળક ઈશ્વરનું સ્વરૂપ ગણાય છે. સૃષ્ટિનાં તમામ પિન્કી-પિન્ટુઓનાં નાનકડાં મોઢામાં ચૉકલેટ અને કેડબરીનું બ્રહ્માંડ ઊભું કરી તેમનાં ઓવારણાં લઈએ તોય આપણી ભાવવંદના ઓછી પડે. બાળક પોતાની નિર્દોષતાને કારણે જન્મતાંવેંત જ બિલ ગેટ્સથી પણ વધારે ધનવાન હોય છે. વિપુલ માંગરોલિયા ‘વેદાંત’ની ચાર પંક્તિ સાથે મુંહદિખાઈ કરીએ
કલરવ સાંજે પાછા મળશે
વડલાને પણ વાચા મળશે
બાળકની આંખો વાંચી જો
ઈશ્વરનાં સરનામાં મળશે
વડીલ વડલા જેવા હોય તો બાળક તરણાં જેવાં હોય. બંનેની શારીરિક અવસ્થા જુદી હોય છતાં કોઈ એક પૉઈન્ટ પર બંનેની ક્ષિતિજ મળતી હોય એવું લાગે. દાદા-દાદીની આંગળી પકડીને ચાલતું બાળક માત્ર બે અવસ્થાને જ નહીં, બે સત્યને ઉજાગર કરે છે. આ સત્ય નિર્દોષતા અને પીઢતાને સાથોસાથ મૂકી આપે. એમાં ઉંમરનો તફાવત ઓગળી જાય. નિર્દોષતા અને નિસબતને સાથે જોવાથી આંખોને હાશ વળે. નાની હયાતી મોટી શક્યતા તરફ લઈ જાય. બાળક જેવા થવું એ બિગ બૉસમાં ભાગ લેવા જેવું સહેલું કામ નથી. ગૌરાંગ ઠાકર ઠોસ કારણ આપે છે
દોસ્ત, વિસ્મય વિષય તો અઘરો છે
કોઈ બાળક વગર ભણાય નહીં
બાળકનું વિસ્મય વૈકુંઠમાંથી આવે છે. એની આંખોમાં અલૌકિક તત્ત્વ તરવરતું દેખાય. જાણે સપનામાં આકાશગંગામાં લટાર મારીને અને કૃષ્ણને હાય-હૅલો કહીને આવ્યું હોય, એવું અતલ ઊંડાણ એમાં સમાયેલું હોય. એના નાચ-નખરામાં પણ કુદરતનો કોઈ લય વર્તાય. એની ભૂલોમાં ભાવસાગરના ઉછાળા હોય. એની નાનકડી પગલીમાં ચારધામ યાત્રાનો સંતોષ સમાયેલો હોય. ભાવેશ ભટ્ટ બાળસહજ કલ્પના કરે છે...
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા
હસ્તરેખા થઈ ગઈ દીવાલની!
કેટલાંક ઘરોમાં દીવાલનો અમુક ભાગ બાળકો માટે અનામત રાખવામાં આવે છે, જેથી તે મનગમતું ચિતરામણ કરી શકે. એની કલ્પનાશક્તિને ખીલવાની અને વ્યક્ત થવાની તક મળે. એના લિસોટાને કારણે ઘર કેવું દેખાય એવો સવાલ મનમાં ઊગે તો એ સવાલનું ગળું તરત ઘોંટી દેવું. ઘર ખરેખર બાળકના કિલકિલાટથી બને છે, નેરોલેક પેઈન્ટના રંગોથી નહીં. એના છબરડા આપણી કમાણી છે. એની અદાઓ સો કરોડ ક્લબમાં પ્રવેશેલી ફિલ્મથી પણ વધારે માતબર છે. જયેન્દ્ર શેખડીવાળા કહે છે એવું બાળકત્વ મળી જાય તો એને નસીબ સમજવું
બાળકની જેમ જોઈ શકું છું હવે તને
પયગમ્બરી મિજાજની આંખોમાં છાપ છે
બાળકના તોરના તોરણમાં ક્યારેક તડાફડી ફૂટે તો ક્યારેક ફૂલો વેરાય. ગુસ્સે થવું કે હસવું એ જ ખબર ન પડે. એના ઘડતરમાં પરિવારના તમામ સભ્યોએ ભાગ લેવાનો હોય. આપણામાં જે સારું છે તે એને આપવાનું છે અને એનામાં જે સારું છે તે આપણે શીખવાનું છે. કમનસીબે આપણે બંને બાબતમાં ઊણા ઊતરીએ છીએ. બાળઉછેર કંટાળો નહીં કૌતુક હોવું જોઈએ. એ માત્ર જવાબદારી નથી, આનંદયાત્રા છે. બાળકને ખુશ કરવા આપણે સજ્જતા કેળવવી પડે. અશરફ ડબાવાલા એવી એક કળાની વાત કરે છે, જે વિસરાતી ચાલી છે...
હજી આ યાદનું બાળક સતત રાતેય જાગે છે
કહો અંધારને કોઈ ઉદયની વારતા માંડે
દાદા-દાદીને મુખે કહેવાતી વાર્તાનો વૈભવ આજની પેઢી ગુમાવી રહી છે. એક ભયજનક તારણ એ છે કે ત્રણ-ચાર પેઢી પછીના દાદા-દાદીઓને તો બાળવાર્તા કહેતાં જ નહીં આવડતી હોય. કારણ કે તેમણે પણ સાંભળી નહીં હોય. આજની તારીખમાં મિયાં ફૂસકી અને બકોર પટેલ ક્યારે અલોપ થઈ ગયા, એની આપણને ખબર જ નથી પડી. યુ ટ્યૂબ પર વાર્તાઓ જોઈને બાળક જરૂર આનંદ પામે છે અને માબાપને ફુરસદનો સમય મળી જાય છે. પણ વાર્તાવિશ્વને માણવા અને મૂલ્યસંવર્ધન માટે જરૂરી એવી કલ્પનાશક્તિ વપરાયા વગરના સરકારી બજેટની જેમ પડી રહે છે. સ્નેહી પરમાર એક એવા સાધનની વાત કરે છે, જેના વગર બચપણ દોહ્યલું બની જાય
સુખને દીધું છે રમવા હૃદય એ રીતે અમે
બાળકને દઈ રમકડાં, ઘરે આવતાં કર્યાં
બાળકોને રમકડાં પ્રાણથી પણ પ્યારાં હોય. કોઈ અન્ય એને ઝૂંટવી લે તો નાનકડી આંખમાં નારાજગીનો નાયગરા ઊભરાઈ જાય. રિસાવાના બ્રહ્માસ્ત્રનો વૈદ્ય-અવૈદ્ય ઉપયોગ કરવાનું એને સુપેરે આવડતું હોવાથી આપણે લાચાર થઈ જઈએ. રઈશ મનીઆર એક સોંસરવું સત્ય ઉચ્ચારે છે.
બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે
વાત આપણી ભાષાની કરીએ ત્યારે લાગે કે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. ગુજરાતીના ગૌરવને કચડીને થતી અંગ્રેજીની આરાધના આપણા સાંસ્કૃતિક વારસાને બુલેટ ટ્રેનની ગતિએ કચડી રહી છે. કેટલું ચાલશે અને ક્યાં સુધી ચાલશે એ પ્રશ્નો હવે માત્ર પૃચ્છા નથી રહ્યા, ચિંતા બની ગયા છે. ચિરાગ ત્રિપાઠીની વાત કક્કો જ ભૂલી ગયેલી શિક્ષણવ્યવસ્થાને કાને નહીં અથડાય એની સંપૂર્ણ ખાતરી છે...
જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
એમ ગુજરાતી ભણી તો જોઈએ
ક્યા બાત હૈ
દર સોમવારે વહેલી સવારે
હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે
પપ્પા મને લાં...બી પપ્પી કરીને
નોકરીએ નીકળી જાય છે
તે છે...ક શનિવારે પાછા આવે.
હું પપ્પા કરતાંય વધારે
શનિવારની રાહ જોઉં છું
કારણ કે પપ્પા તો
નાસ્તો લાવે, રમકડાં લાવે
પણ શનિવાર તો
મારા પપ્પાને લઈ આવે છે!
- કિરણસિંહ ચૌહાણ


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 03:10 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK