મદદ કરવાની સ્પર્ધા થાય તો તેમાં ભાગ લેનારા ઓછા હશે

Published: Jul 20, 2020, 18:38 IST | Pravin Solanki | Mumbai

ગયા અઠવાડિયાની વાર્તાનું અનુ સંધાન -સાડાત્રણ વર્ષનાં વહાણાં વીતી ગયાં. એક વખત મનોજને કોઈક કામસર બાજુના શહેરમાં જવાનું થયું. શહેરના રસ્તા પર તેની ગાડી સરકી રહી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જીનકે પાસ અપને હૈં, વો અપનોં સે ઝઘડતે હૈં
જીનકા કોઈ નહીં અપના, વો અપનો કો તરસતે હૈં

ગત વાર્તાનો સાર : એક ભિખારી, ભિખુ તેનું નામ. જૂઠું બોલીને એક વકીલ પાસે ભીખ માગવા ગયો. વકીલે તેનું જૂઠાણું પકડી પાડ્યું. ભિખારીને ખૂબ ધમકાવ્યો, ગાળો ભાંડી, પોલીસ-સ્ટેશન લઈ જવાની ધમકી આપી. ભિખારી ભાંગી પડ્યો. જૂઠું બોલવાની કબૂલાત કરે છે. માફી માગે છે. વકીલને દયા આવે છે. ઘરકામ માટે પોતાના ઘરે લઈ જાય છે ત્યારે ભિખુ વકીલની ગાડીમાં તેની બાજુમાં જ સંકોચાતો બેઠો. તેના મનમાં જાતજાતના વિચારો ચાલતા હતા. ઊલમાંથી ચૂલમાં પડ્યાની લાગણી થતી હતી. આજ સુધી હરામનું ખાધું છે, હાથ-પગ હલાવ્યા નથી, જીભના જાદુથી લોકોને છેતર્યા છે.
‘ડ્રાઇવિંગ આવડે છે?’ ભિખુ વકીલનો સવાલ સાંભળી ઝબકી ગયો.
‘સાહેબ, ઘણા દહાડે મજાની પ્રાઇવેટ કારમાં બેઠો છું. બાકી તો અમારો રિક્ષા સાથે જ વ્યવહાર. હા, કોઈક વાર ટૅક્સી પણ થઈ જાય.’
‘ટૅક્સી?’ વકીલે આશ્ચર્યથી પૂછ્યું.
‘હા સાહેબ, ક્યારેક કોઈને જૂઠી વાર્તા કહીને મોટી રકમ ખંખેરી હોય તો રાતે દારૂના અડ્ડે પહોંચવા ટૅક્સી પણ થઈ જાય.’
‘પણ તું રસ્તે બેસીને કે મંદિરની આસપાસ બેસીને ભીખ કેમ નથી માગતો? જૂઠી વાર્તા શું કામ ઊપજાવે છે?’
‘સાહેબ, રસ્તા પર બેસીએ તો ભીખમાં કોઈ ભલીવાર નથી થતી. લોકો રોકડા એક-બે રૂપિયા ફેંકે. બાકી તો મોટા ભાગે એકાદ કેળું કે એકાદ બિસ્કિટનું પૅકેટ, બે-ચાર વધેલી રોટલીઓ જ ખોળામાં આવે. વળી એમાં કંઈ મહેનત કર્યાનો સંતોષ પણ ન મળે.’
ભિખુની વાત સાંભળીને વકીલને લાગ્યું કે બહુ પહોંચેલી માયા છે. આને જો કોઈ સારી કેળવણી મળી હોત તો ઘણો આગળ આવી શક્યો હોત. પછી એકાએક વિચાર આવે છે કે ‘આને ઘરે લઈ જવાની ભૂલ તો નથી કરતોને? મને એકાએક દયા કેમ આવી ગઈ?’
મનોજ ભટ્ટ ૪૦ વર્ષનો યુવાન છે. લગ્ન કર્યાં નથી, કરવા માગતો પણ નથી. નાની ઉંમરમાં બહોળી ખ્યાતિ મેળવી છે, સાથે પૈસા પણ. સરસમજાનો બંગલો છે, બંગલા પાછળ ગાર્ડન છે. ઘરમાં ૨૪ કલાકની કામવાળી બાઈ, નામે શાંતાબાઈ. ૪૫ વર્ષની આસપાસની ઉંમરવાળી, મોઢા પર શીળીના ડાઘા, વચ્ચેથી બે દાંત પડી ગયેલા. સ્વભાવે કર્કશા, કટકટણી, બડબડણી. તેના ત્રાસથી ઘરમાં બીજા કોઈ કામવાળા ટકતા નથી, ઘરની સાફસૂફી અને ‍બગીચાની માવજત શાંતા જ કરે છે.
શાંતાના બે ગુણે જ તેને આ ઘરમાં ટકાવી રાખી છે; એક, જે કામ કરે એ નિષ્ઠાપૂર્વક કરે છે અને બીજો ગુણ એટલે તેની પ્રામાણિકતા.
બંગલાના કમ્પાઉન્ડમાં ગાડી પ્રવેશે છે. ભિખુ બંગલો જોઈને આભો બની જાય છે. તેની આંખો ચકળવકળ થવા માંડે છે. મનમાં એકદમ વિચાર ઝબકી જાય છે, ‘એની જાતને, બહુ મોટો બકરો હાથ આવી ગયો છે.’ પણ તરત જ તે મન વાળી લે છે કે જેણે મારા પર હમદર્દી બતાવી તેને માટે મને આવો વિચાર કેમ આવ્યો? જોકે જીવનમાં પહેલી વાર તેને સારો વિચાર આવ્યો હતો.
બન્ને ઘરમાં આવ્યા. વકીલે શાંતાને બૂમ પાડી, ‘જો શાંતાબાઈ, તને મદદ કરવા માણસ લઈ આવ્યો છું.’
‘મેં કીધું તું? બધું કામ હું બરાબર નથી કરતી? મારે કોઈ માણસ જોઈતું નથી, અને આ તે કંઈ માણસ છે? તેનું મોઢું તો જુઓ?’ ભિખુ આ સાંભળી સમસમી ગયો અને મનમાં બોલ્યો, ‘ડોકરી, પેલા તારું મોઢું જો.’
‘શાંતાબાઈ, મારે કોઈ ભાષણ નહીં જોઈએ. મને ખબર છે કે ઘરમાં એક વધારે માણસની જરૂર છે. આને બધાં કામ સમજાવી દે. જતાં-જતાં બોલ્યો ‘...ને સાંભળ, હું રાતે જમવાનો નથી’ એટલું કહીને તે ચાલ્યો ગયો.
શાંતાના મગજનો પારો આસમાને ચડી ગયો. તેને પોતાનો ગરાસ લૂંટાઈ જવાનો ભય લાગ્યો. આજ સુધી તે ઘરની માલિકણ હોય એવું તેને લાગતું હતું. આ અભાગિયો અચાનક ક્યાંથી ટપકી પડ્યો? મનમાં બે-ચાર ભૂંડી ગાળ બોલીને ભિખુ સામે ધારદાર નજર કરીને તે બોલી, ‘આમ ઠોયાની જેમ ઊભો છે શું? ચાલ કામે લાગ.’
‘શું કામ કરવાનું છે?’
‘કામનો તો ઢગલો છે. કપડાં-વાસણ, બાવા-ઝાળાં, સાફસફાઈ, ઝાડુ-પોતાં, બગીચાનું ઘાસ કાપવાનું, ઝાડ-પાનને પાણી પિવડાવવાનું, દાણો-પાણી સાફ કરવાનું? તને શું ફાવશે?’
‘બધું ફાવશે.’
‘બધું?’ શાંતાબાઈને ચક્કર આવવા માંડ્યાં. મનમાં બબડી, ‘મારા રોયાને બધું આવડે છે તો હું તેને ટોકીશ કઈ બાબતમાં.’
બીજી બાજુ ભિખુની હાલત પણ કફોડી હતી. તોરમાં ને તોરમાં કહી તો દીધું કે બધું આવડે છે, પણ હકીકતમાં કાંઈ જ નહોતું આવડતું. ભીખ માગવા સિવાય અને જૂઠી વાર્તાઓ ઘડવા સિવાય કંઈ કામ કર્યું જ નહોતું. ‘સૌથી પહેલાં બગીચાનું ઘાસ કાપી નાખ...’ શાંતાનો અવાજ સાંભળીને તે ઝબકી ગયો. ‘ભલે, કાતર આપો.’ શાંતાબાઈની આંખો પહોળી થઈ ગઈ, ‘કાતરનું તારે શું કામ છે?’
‘લે! તું પણ કમાલનું પૂછે છે? ચાકુથી બગીચાનું ઘાસ થોડું કપાય?’ ઊલટો ચોર કોટવાલને દંડે એવા સવાલથી શાંતાની ડાગળી ચસકી ગઈ. ઘણી જીભાજોડીના અંતે શાંતાએ ઘાસ કાપવાનું ઓજાર ભિખુના હાથમાં પકડાવ્યું.
અડધા કલાક પછી શાંતા બગીચામાં ગઈ તો ભિખુ માથે હાથ દઈને બેઠો હતો. શાંતાએ તેને પગથી સહેજ લાત મારીને ભડકાવ્યો, ‘તારા બાપની જાનમાં આવ્યો છે? કામ કેમ ચાલુ નથી કર્યું?’
‘મને ઘાસ કાપતાં નથી આવડતું’ ગુસ્સો કરીને ભિખુ બોલ્યો.
‘તો ડોબા, બધું આવડે છે એવી ડંફાસ શું કામ મારી? હું તો જાણતી જ હતી કે દારૂડિયાને દારૂ પીવા સિવાય બીજું કંઈ આવડે જ નહીં. મારો વર પણ દારૂ ઢીંચી-ઢીંચીને ભરજુવાનીમાં ગયો અને મને કામે લગાડતો ગયો.’ શાંતા એ રીતે બોલી કે ભિખુને લાગ્યું કે તે હમણાં રડી પડશે. ત્યાં તો તેના ગાલ પર જોરદાર થપ્પડ પડી, ‘હરામખોર, કાલથી જો દારૂ પીને આવ્યો છે તો ઘરમાં પગ નહીં મૂકવા દઉં. ચાલ ઊઠ, આજે હું તને શીખવાડું છું, કાલથી કાંઈ નહીં શીખવાડું.’
ભિખુ થપ્પડથી હેબતાઈ ગયો. તેણે આજ સુધીમાં કોઈ બાઈમાણસની થપ્પડ ખાધી ન હતી. શાંતાનું ગળું દબાવવાનું તેને મન થઈ ગયું, પણ કોણ જાણે કેમ તે શાંત જ રહ્યો. મનમાં બોલ્યો, ‘ડોકરી મરી જશે તો ઉપાધિ થશે. એના કરતાં તો અહીંથી ભાગી જ જાઉં.’ ત્યાં શાંતાએ તેનું બાવડું પકડીને ઊભો કર્યો, ઢસડ્યો અને કહ્યું, ‘જો, બરાબર જોઈ લે, કેવી રીતે ઘાસ કપાય.’
રાતે વકીલ ઘરે આવ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. તેણે શાંતાને પૂછ્યું, ‘પેલાએ આજે શું કામ કર્યું?’
‘બગીચામાં ઘાસ કાપવાનું’ એટલું કહીને શાંતા વકીલ માટે દૂધનો ગ્લાસ લેવા ચાલી ગઈ.
સવારે વકીલે બગીચો જોયો. ખુશ થઈ ગયો.
આમ ત્રણેક મહિના ચાલ્યું. એક દિવસ મનોજે ભિખુને બોલાવીને કહ્યું કે ‘હું તારા કામથી ખુશ છું. તું થોડું ભણેલો પણ છે, ઘરકામ કરતાં ઑફિસમાં કામ કરીશ તો તારું ભવિષ્ય જરૂર સુધરશે. ત્રણેક મહિનામાં તેં જે રીતે ઘરને વ્યવસ્થિત કરી દીધું છે એ જોતાં મારી આ આશા અસ્થાને નથી. હું બાજુના શહેરમાં મારા એક વકીલમિત્ર પર ભલામણ-પત્ર લખી આપું છું. તે જરૂર તને રાખી લેશે.’
ભિખુ ગયો. ભિખુ ગયા પછી શાંતાને ખબર પડી કે તેની એક નાનકડી પોટલી ગુમ છે. એમાં પૈસા કે કોઈ કીમતી સામાન નહોતો એટલે ફરિયાદ ન કરી.
ત્રણ-સાડાત્રણ વર્ષનાં વહાણાં વીતી ગયાં. એક વખત મનોજને કોઈક કામસર બાજુના શહેરમાં જવાનું થયું. શહેરના રસ્તા પર તેની ગાડી સરકી રહી હતી. એક ઠેકાણે ટ્રાફિક જૅમ હતો. ગાડી ઊભી રહી. ત્યાં મનોજે શું જોયું? એક કૉર્નર પર ભિખુ બુટને પૉલિશ કરાવતો હતો!!
બન્ને ભાવવિભોર થઈને એકબીજાને મળ્યા. ‘ભિખુ, સાલા, તુ તો સા’બ બન ગયા.’ ભિખુએ સફારી પહેર્યું હતું, કાંડા પર મોંઘું ઘડિયાળ હતું, ચહેરા પર ચમક હતી.
‘તમારી મહેરબાનીથી સાહેબ.’ ભિખુ તેના પગમાં પડી ગયો. બન્નેએ એક હોટેલમાં નાસ્તો કર્યો. બિલ ચૂકવવાનો ભિખ્ખુએ ખૂબ આગ્રહ કર્યો, પણ મનોજ માન્યો નહીં. બન્ને છૂટા પડવા જતા હતા ત્યાં ધીમેકથી ભિખુ બોલ્યો, ‘સાહેબ, શાંતા કેમ છે?’ મનોજને આશ્ચર્ય થયું. ‘શાંતાબાઈ તને હજી યાદ છે?’
‘કેમ ન હોય, સાહેબ? સાચું કહો તો ખરો આભાર મારે તેનો પણ માનવો જોઈએ. તમારા ઘરમાં હું જ્યાં સુધી હતો ત્યાં સુધી મેં કોઈ કામ કર્યું જ નહોતું. બધું તેણે જ કર્યું છે.’ ‘શું?’ મનોજ ભિખુને તાકી રહ્યો. ભિખુ ગળગળો થઈ બોલતો રહ્યો, ‘સાહેબ, રોજ ગાળો દેતી જાય ને મને કામ શીખવાડવાને બહાને કામ કરતી જાય. ગાળો દઈ દઈને મારી દારૂની લત છોડાવી, કામ બધું પોતે કરે ને તમારી પાસે નામ મારું આપે.’ પછી થોડી વાર ભિખુ અટકી ગયો. ત્યાર બાદ ત્રુટક-ત્રુટક રીતે બોલ્યો, ‘સાહેબ, તેને મારામાં તેનો ધણી નજર આવતો હતો.’
મનોજ સ્તબ્ધ થઈ ગયો, ‘આટલું હતું તો તું મારું ઘર છોડતી વખતે તેને મળ્યો પણ નહીં?’
‘ના, મને મારામાં વિશ્વાસ નહોતો. જાણે-અજાણે પણ કોઈ પાપ ન થઈ જાય એ ડરે.’
‘એટલે?’ થોડીક ક્ષણ ભિખુ મૂંગો રહ્યો. પછી અટકીને બોલ્યો, ‘સાહેબ, મને તેનામાં મારી મા નજર આવતી હતી. જે રીતે નાનપણમાં મને સુધારવા મારી મા ગાળાગાળ કરતી, સોટીથી મારતી એ જ પ્રેમ, એ જ લાગણી.’ તેણે વધુ આગળ બોલવાનું ટાળ્યું. ભિખુએ એક કવર મનોજને હાથમાં આપતાં કહ્યું, ‘આ શાંતાને આપજો.’ ‘શું છે આમાં?’ ભિખુ બોલ્યો, ‘જતી વખતે મેં શાંતાની એક પોટલી ચોરી હતી. એમાં બીજું ખાસ કંઈ નહોતું, ભગવાનના બે-ત્રણ ફોટો, એક માળા અને એક તેનો ને તેના વરનો ફોટો. ફોટોની મેં નકલ કરાવી લીધી છે. મારા વતી શાંતાની માફી માગીને આ બધું તેને પાછું સોંપજો.’ મનોજ તેને તાકીને જોઈ રહ્યો. ભિખુ ડૂસકું ગળી ગયો.

સમાપન
કોઈને મદદ કરવાની હરીફાઈમાં ભાગ લેજો
૧૦૦ એ ૧૦૦ ટકા જીતી જશો
કારણ કે આ હરીફાઈમાં બહુ ઓછા લોકો ભાગ લે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK