અસલી મઝા તો સબ કે સાથ આતા હૈ

Published: Nov 16, 2019, 11:26 IST | Sanjay Rawal | Mumbai

સંજય દ્રષ્ટિઃ આ દિવાળીએ ટિપાઈ પર સજાવેલી મુખવાસની પ્લેટ એમ જ ભરેલી પડી રહી, કારણ કે બેસતા વર્ષે પગે લાગવાની પરંપરા નીકળી ગઈ છે અને હવે બોણી માગવા પણ કોઈ આવતું નથી. સમાજ વચ્ચે અંતર આવી ગયું છે અને પરિવાર મુઠ્ઠીમાં આવી જાય એવડા થઈ ગયા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દિવાળી અને બેસતા વર્ષની એક વાત હજી પણ મારા મનમાંથી જતી નથી. દિવાળી પૂરી થયાને ઑલમોસ્ટ ૨૦ દિવસ થઈ ગયા છતાં મારા ઘરે કોઈ સાલમુબારક કરવા કે નવા વર્ષની શુભેચ્છા આપવા આવ્યાનું ધ્યાનમાં નથી આવ્યું. આપણે નાના હતા ત્યારે એક નિયમ હતો કે બેસતા વર્ષની સવારે ૬ વાગ્યામાં જાગી જવાનું અને નાહીધોઈને નવાં કપડાં પહેરીને વડીલોને પગે લાગવાનું અને પછી વડીલો આપણને હાથમાં પૈસા આપે, બોણી કહેવાય એને. ઘરના વડીલો પછી બહાર જવાનું અને આજુબાજુના કે આપણા ભાઈબંધો હોય એ બધાનાં મમ્મી-પપ્પાને પગે લાગવાનું અને તેમની પાસેથી બોણી લેવાની. આ પૈસા આપણા હતા. મને યાદ છે કે બોણીના પૈસાનો હિસાબ ક્યારેય આપણાં બા-બાપુજીએ માગ્યો નથી. જરાઅમસ્તું પૂછે એટલું જ, પણ એનો હિસાબ નહીં આપવાનો. બોણીમાં મળેલા એ ૧૦૦-૧૨૫ રૂપિયામાં તો આખી સલ્તનત ખરીદી લેવાના વિચાર આવતા અને એવું જ લાગતું જાણે આપણે દિલ્હી જીતી લીધું.
હવે પહેલાં જેવું નથી, કોઈ કોઈના ઘરે જતું નથી. મોટા પણ કોઈના ઘરે આવતા નથી તો પછી બાળકો ક્યાંથી તમારે ત્યાં આવે. તમારાં બાળકો મોટાં થઈ ગયાં એટલે એને મળવા પણ હવે કોઈ આવતું નથી. હું કહીશ કે પહેલાંનો એ સમય બહુ સારો હતો. અહીં આત્મશ્લાઘાની વાત નથી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે હવે આપણે એકબીજાથી દૂર થઈ રહ્યા છીએ. તહેવારો જે આપણને જોડવાનું અને સાથે રાખવાનું કામ કરતા એ પણ હવે અસરકારક નથી રહ્યા. ફૅમિલી નાની બની રહી છે અને હવે ધીમે-ધીમે લાગણીઓ પણ ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે નહીં રહો, સાથ નહીં આપો તો પછી એકબીજા માટે લાગણી કેવી રીતે જનમવાની? જોકે મુદ્દો એ નથી કે સાથે નથી રહેતા, મુદ્દો એ છે કે આવું થવાનું કારણ શું છે અને આવું શું કામ થાય છે?
એક સમય હતો કે બે પેઢી વચ્ચે જનરેશન ગૅપ હતો. એક પેઢી બીજી પેઢીની વાત નહોતી સાંભળતી કે પછી કોઈ એક બાબતને લઈને બન્ને વચ્ચે વિચારભેદ રહેતા, પણ એ વિચારભેદ વચ્ચે પણ ક્યાંય કોઈને છૂટું નહોતું પડવું. વિચારભેદની એક મર્યાદા હતી અને એ એ હતી કે એ મતભેદ ઊભા કરાવી જતા, પણ એકબીજાથી મનભેદ નહોતા કરાવતા. હવે વિચારભેદથી મતભેદ જ નહીં, મનભેદ પણ જન્મી રહ્યા છે અને બન્ને એકબીજાથી જોજનો દૂર નીકળવાનું શરૂ થઈ ગયું છે. આવું શું કામ, કયા કારણસર?
બહુ વખત સુધી લોકોને, તેમના સંબંધોને અને લોકોની માનસિકતાને જોયા પછી આનો જવાબ મળ્યો છે. આની પાછળનો જવાબ છે ઈગો અને ઍટિટ્યુડ. અહીં વાત એ સ્તરના ઈગો કે ઍટિટ્યુડની નથી જે તમે ઑફિસમાં કે તમારા પ્રોફેશનલ ફીલ્ડમાં દર્શાવતા હો છો. પરિવારમાં ઈગો અને ઍટિટ્યુડ અલગ રીતે રિપ્રેઝન્ટ થતા હોય છે. આજે નાનાને નાનું બનીને નથી રહેવું એ ઈગો છે. અમને બધા કરતાં વધારે ખબર પડે કે પછી અમને કોઈની વાત સાંભળવી નથી, કારણ કે હું સાચો છું એ ઍટિટ્યુડ છે અને આ ઈગો, આ ઍટિટ્યુડ પરિવારને તોડવાનું કામ કરે છે. વાત જ્યારે પરિવારની આવે ત્યારે એક વાત યાદ રાખવી કે પરિવાર મોટો ત્યારે જ રહી શકે જ્યારે બધાને સાથે રહેવાની ભાવના હોય છે અને એ ભાવના દરેકેદરેક વ્યક્તિમાં અકબંધ હોય. આ ભાવના તૂટતી હોય છે ત્યારે પરિવાર પણ તૂટતા હોય છે. આજના સમયનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આજે એ ભાવના હવે લુપ્ત થઈ ગઈ છે. કોઈને એવું લાગતું જ નથી કે તેમને બીજાની જરૂર કે બીજાની આવશ્યકતા છે, આવશ્યકતા ઊભી થઈ શકે છે.
નાનાને નાના બનીને જ રહેવું જોઈએ. જો એવું બને તો જ તેને લાડ અને પ્રેમ મળે. ઘરમાં દાદા-દાદી પાસે જ લાડ થાય. બાળકને બગાડવાનું કામ કાકા-કાકી જ કરે અને ભાભી જ દિયરને લાડ લડાવે. એ પપ્પા જ હોય જે દીકરાને નવો મોબાઇલ લાવી આપે અને એ મમ્મી જ હોય જે દીકરીની કૉલેજની ફી માટેની વ્યવસ્થા ત્રણ મહિના પહેલાંથી શરૂ કરીને જાતજાતની બચત કરવા માંડે. જો આ ક્રમ બદલાઈ જાય કે પછી આ ક્રમમાં કોઈ એકને એવું લાગવા માંડે કે એ વધારે ખેંચાય છે કે વધારે તૂટી રહ્યું છે તો આખું ફૅમિલી ડિસ્ટર્બ થાય અને આ ડિસ્ટર્બન્સ જ પરિવારોને છૂટા પાડી નાખે. દીકરો જ્યારે એવું માનવા માંડે કે તે પપ્પા કરતાં મોટો થઈ ગયો છે ત્યારે તેના મનમાં આ મોટાઈનો ઈગો આવવા માંડે છે. બની શકે કે દીકરાને બાપ કરતાં વધારે ખબર હોય અને એવું પણ બની શકે કે બાપનું ભણતર પૂરું ન હોય અને દીકરા પાસે માસ્ટર ડિગ્રી હોય. આ દૃષ્ટિકોણથી પણ દીકરો વધારે જાણતો હોય એવું બની શકે, પણ દીકરાએ એ ન ભૂલવું જોઈએ કે તેની હયાતી તેના બાપુજીને આધીન છે. જો તેઓ ન હોત તો દીકરાનો અંશ પણ ન આવ્યો હોત.
જીવનમાં ભણતર કરતાં ગણતર વધારે મહત્ત્વનું છે અને આ વાત હજારો વખત પુરવાર થઈ ચૂકી છે. બાપ સામે કે મા સામે ઈગો દુન્યવી જ્ઞાનનું પ્રદર્શન ન શોભે, પુસ્તકિયા જ્ઞાનનો ઈગો ઊભો પણ ન રહી શકે. તેને ખબર પડે છે અને એટલે જ તેણે તમારે માટે ઍડ્મિશન શ્રેષ્ઠ સ્કૂલમાં લીધું હતું. તેને ખબર પડે છે અને એટલે જ તેમણે તમારે કોઈના ઓશિયાળા ન બનવું પડે એવું આયોજન કરીને નાની ઉંમરે જ તમે પગભર થઈ જાઓ એ સ્તર ઊભું કર્યું અને એ બધું તેણે અનુભવે શીખ્યું છે. તમે જે પુસ્તકોમાંથી પ્રાપ્ત કર્યું એ બધું તેમણે સ્વાનુભવે મેળવ્યું. જેને માટે તમારે તકલીફ વેઠવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી એ તકલીફો સામે તે ઢાલ બનીને ઊભો રહ્યો અને આજે તમે તેને તમારી સામે નગ્ન અવસ્થામાં લાવવાનું પાપ કરો છો! કેવી રીતે થઈ શકે તમારાથી આ કામ, કેવી રીતે થઈ શકે તમારાથી આ કૃત્ય?
અઢળક પરિવારો આપણે એવા જોયા છે કે વહુ ઘરમાં આવે એટલે એક ચોક્કસ પ્રકારનો બદલાવ ઘરમાં શરૂ થઈ જાય. થવો જ જોઈએ, એમાં કશું ખોટું પણ નથી. પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે એટલે એમાં કશું ખોટું પણ નથી. દીકરી પોતાના ઘરમાંથી કોઈક નવી રીતભાત લઈ આવે એ વાજબી છે અને આમ જોઈએ તો એ સારી વાત પણ છે. આ જ કારણે આપણે ત્યાં કહેવાતું રહ્યું છે કે લગ્ન બે વ્યક્તિ વચ્ચે થાય છે, પણ સંબંધો અને વ્યવહારો બે પરિવાર વચ્ચે જોડાય છે. લગ્ન પછી આવી રહેલા પરિવર્તનને સ્વીકારવા જોઈએ એ વાત કહેતી વખતે મારે પણ એક વાત એ કહેવી છે કે ઘરમાં નવી આવેલી દીકરીએ પણ ભૂલવું ન જોઈએ કે આ ઘરના મેમ્બર્સ પણ અત્યાર સુધી, આટલાં વર્ષો સુધી આ રીતથી જીવવા માટે ટેવાયેલા છે તો એ લોકો પણ ખોટા તો નથી જ, પણ ના, કોઈને ના સાંભળવાનું તો ગમતું જ નથી.
જો ના કહેવામાં આવે તો તરત જ મહાભારત શરૂ થઈ જાય છે. જરા વિચાર તો કરો કે ઓરિજિનલ મહાભારત કેવડી મોટી ના કહેવાયા પછી ઊભું થયું હતું. પાંચ ગામ આપવાની પણ ના પાડવામાં આવી, આખું રાજ પડાવી લીધું, જગતભરમાં બદનામ કરવાની માનસિકતા આવી ગઈ એ પછી છેક એ મહાભારતનું યુદ્ધ થયું પણ આપણે તો એક દિવસ શાક બનાવવાની ના પાડી હોય કે બહાર જવાની ના પાડી હોય ત્યાં તરત જ મહાભારત શરૂ થઈ જાય. શું કામ આવો ઍટિટ્યુડ?

કારણ એક જ છે, સ્વભાવ બહુ ટચી થઈ ગયા છે. નાની-નાની વાતમાં માઠું લાગી જાય છે અને એનું પણ કારણ છે. હવે કેન્દ્રમાં પરિવાર નહીં, વ્યક્તિ પોતે છે અને તેને લીધે પોતે જે કરે એ સાચું કરે છે અને સારું કરે છે એ જ માનસિકતા મનમાં સ્ટોર થઈ ગઈ છે. જો તમે પરિવારના સભ્યોને વામણા માનશો તો ક્યારેય તમારી જાતને મોટી નહીં કરી શકો. આ વાત ફરી એક વાર વાંચી લેજો. જો તમે પરિવારના સભ્યોને વામણા માનશો તો ક્યારેય તમારી જાતને મોટી નહીં કરી શકો. જો તમે મોટા થવા માગતા હો તો તમારે તમારા પરિવારને મોટા બનાવીને જ રાખવા પડશે. મેળવવું એ પરિવારની ભાવના ક્યારેય હોઈ જ ન શકે, ક્યારેય નહીં. આપવું એ પરિવારની ભાવના હોઈ શકે અને એમાં જ પરિવાર જોડાયેલો હોય. લેવું એ તો વ્યવહારની ભાષા થઈ અને વ્યવહારની ભાષા ક્યારેય પરિવારમાં સંભવિત નથી. એ જેવા છે એવા તમે સ્વીકારશો તો જ તમે જેવા છો એવા સ્વીકારવાની ભાવના પરિવારના સૌકોઈમાં આવશે. એવું કરવાનું એક કારણ પણ છે. કારણ એ જ, અસલી મઝા તો સબ કે સાથ આતા હૈ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK