Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટ્રેક્ટર રૅલીની હિંસા : રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત નેતાઓ વિરુદ્ધ FIR

ટ્રેક્ટર રૅલીની હિંસા : રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત નેતાઓ વિરુદ્ધ FIR

28 January, 2021 11:56 AM IST | New Delhi
Agencies

ટ્રેક્ટર રૅલીની હિંસા : રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત નેતાઓ વિરુદ્ધ FIR

મંગળવારે ખેડૂતોની ટ્રેકટર માર્ચ દરમ્યાન કરેલા તોફાન બાદ લાલ કિલ્લા ફરતે કરવામાં આવેલો ચુસ્ત બંદોબસ્ત તેમ જ લાલ કિલ્લાના એન્ટ્રી ગેટ પર કરવામાં આવેલી તોડફોડ. (તસવીર : પી.ટી.આઇ.)

મંગળવારે ખેડૂતોની ટ્રેકટર માર્ચ દરમ્યાન કરેલા તોફાન બાદ લાલ કિલ્લા ફરતે કરવામાં આવેલો ચુસ્ત બંદોબસ્ત તેમ જ લાલ કિલ્લાના એન્ટ્રી ગેટ પર કરવામાં આવેલી તોડફોડ. (તસવીર : પી.ટી.આઇ.)


પ્રજાસત્તાક દિને ખેડૂત આંદોલનકારોની ટ્રેક્ટર રૅલી દરમ્યાન થયેલી હિંસાની ઘટનાઓના ૨૨ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (એફઆઇઆર) વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. તમામ ૨૨ એફઆઇઆર રમખાણો મચાવવા, સાર્વજનિક મિલકતોને નુકસાન કરવા તેમ જ ફરજ પરના સરકારી અધિકારીઓ-કર્મચારીઓ પર ઘાતક હથિયારો વડે હુમલો કરવાના આરોપસર નોંધાયા છે. દરમ્યાન ગણતંત્ર દિવસે ખેડૂત સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી ટ્રૅક્ટર રૅલી દરમ્યાન થયેલી હિંસા બાદ સરકારે લીધેલાં કડક પગલાંને જોતાં ખેડૂતોએ બજેટના દિવસે એટલે કે પહેલી ફેબ્રુઆરીની સંસદ માર્ચની યોજનાને રદ કરી હતી. હિંસક આંદોલનકારોને ઓળખવા માટે અનેક વિડિયો ફુટેજ તપાસી રહ્યા છે. હજારો ખેડૂત આંદોલનકારો દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પોલીસ તંત્રોને ટ્રેક્ટર રૅલી માટે જે સમય આપવામાં આવ્યો હતો તેનાથી વહેલાં દિલ્હી ભણી નીકળી પડ્યા હતા. તેમની હિંસામાં ૮૬ પોલીસ જવાનોને ઈજા થઈ હતી. ૨૬ જાન્યુઆરીએ સવારે ૮.૩૦ વાગ્યે સિંઘુ સરહદે ૬૦૦૦થી ૭૦૦૦ ટ્રેક્ટર્સ તૈયાર ઊભાં હતાં. તેઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં પહોંચીને જમણી દિશામાં વળવાના હતા, પરંતુ તલવારો અને અન્ય ધારદાર હથિયારો લઈને નીકળેલા નિહંગોના નેતૃત્વમાં એ ખેડૂતો પોલીસ જવાનો પર ત્રાટક્યા હતા અને મુકરબા ચોક તથા ટ્રાન્સપોર્ટ નગર વચ્ચે સંખ્યાબંધ બૅરિકેડ્સ તોડી-હટાવીને આગળ વધી ગયા હતા. પોલીસ અને આંદોલનકારો વચ્ચે ઉંદર-બિલાડીનો ખેલ સાંજ સુધી ચાલતો રહ્યો હતો. આંદોલનકારોએ લાલ કિલ્લા પર ચડીને ખેડૂત સંગઠનના અને સિખ ધર્મના ધ્વજ ફરકાવ્યા હતા. હિંસક ઘટનાઓ મુકરબા ચોક, ગાઝીપુર, એ પૉઇન્ટ આઇટીઓ, સીમાપુરી, નાંગલોઈ ટી પૉઇન્ટ, ટીકરી બોર્ડર અને લાલ કિલ્લા વિસ્તારોમાં નોંધાઈ હતી. પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લીધા બાદ લાલ કિલ્લા પરિસરમાં હિંસા અને રમખાણોમાં અટવાયેલા  ૩૦૦ કલાકારોને પોલીસે સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા હતા. 

જે સ્થળે તિરંગો ફરકાવે છે ત્યાં ઝંડો ફરકાવતા દેશમાં આક્રોશ 



કૃષિ કાયદાઓના વિરોધમાં ૨૬ જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રૅલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત ઍક્શનમાં છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ અંગે અત્યાર સુધીમાં ૨૨ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે લૂંટ અને જીવલેણ હુમલાની કલમો અંતર્ગત કેસ નોંધાયા છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં ૨૦૦ ઉપદ્રવીની અટકાયત પણ કરી લીધી છે. આ મામલે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચ તપાસ કરશે.
પોલીસે જે એફઆઇઆર કર્યો છે એમાં ૬ ખેડૂત નેતાનાં નામ પણ છે. આ નેતા રાકેશ ટિકૈત, દર્શન પાલ, રાજિંદર સિંહ, બલવીર સિંહ રાજેવાલ, બૂટા સિંહ બુર્જગિલ અને જોગિંદર સિંહ છે. તેમની વિરુદ્ધ ટ્રેક્ટર રૅલીની શરતો તોડવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
ગણતંત્ર દિવસ પર સમગ્ર દેશે જ નહીં પરંતુ વિશ્વએ દિલ્હીના માર્ગો પર જે ઉપદ્રવ નિહાળ્યો તેવો અગાઉ કદી નિહાળ્યો નહોતો.


પંજાબી ઍક્ટર દીપ સિદ્ધુ પર ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમ્યાન લાલ કિલ્લા પર થયેલા હિંસાનો આક્ષેપ ખેડૂત સંગઠનોએ પંજાબી ઍક્ટર દીપ સિદ્ધુ પર લગાવ્યો છે. દરમ્યાન દીપ સિદ્ધુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે લાલ કિલ્લા પર તેણે જ ઝંડો ફરકાવ્યો હતો. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢુનીએ આક્ષેપ કર્યો છે કે ખેડૂત સંગઠનોનો લાલ કિલ્લા પર જવાનો કોઈ કાર્યક્રમ નહોતો. દરમ્યાન દીપ સિદ્ધુએ કહ્યું હતું કે લાલ કિલ્લા પર ઝંડો તેણે જ ફરકાવ્યો છે, પરંતુ પોતાના પર લાગેલ ખેડૂતોને ઉશ્કેરવાનો આક્ષેપ ફગાવી દીધો છે. તેણે કહ્યું કે કેટલાંક સંગઠનોના નેતાઓએ નક્કી કરેલ રૂટને ફોલો ન કરવાની વાત પહેલાં જ કરી હતી, પરંતુ ભારતીય કિસાન યુનિયને આ વાતને નકારી કાઢી.


ખેડૂત આંદોલનમાં તિરાડ: હવે શું આંદોલન સમેટાશે?

૨૬ જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રૅલી દરમ્યાન કેટલાક તોફાની તત્ત્વોએ હિંસા ભડકાવી હતી જેને પગલે આંદોલન નબળું પડી ગયું છે. ખેડૂત આંદોલન ન ફક્ત નબળું પડ્યું છે બલ્કે તેમાં તિરાડ પણ પડી છે. જોકે ગઈ કાલે ઘણાં ખેડૂતોએ તંબૂઓ સંકેલીને બિસ્તરાંપોટલાં ઘરે જવા માટે બાંધી લીધા હતા. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના ખેડૂત નેતા વી. એમ. સિંહે કહ્યું છે કે તેઓ આંદોલન અહીં જ પાછું ખેંચી રહ્યા છે. ખેડૂત આંદોલનમાં વિખવાદ સર્જાયો છે. ખેડૂત નેતા વી. એમ. સિંહે કહ્યું કે અમારું સંગઠન આ હિંસામાં સામેલ નથી. તેમણે ટિકૈત સામે આક્ષેપો કર્યા હતા.
જ્યારે બીજી તરફ કૃષિ કાયદાના વિરોધમાં અભય સિંહ ચૌટાલાએ હરિયાણા વિધાનસભામાં રાજીનામું ધરી દીધું છે.

ટ્રેક્ટર પરેડમાં થેયલી હિંસા માટે ખાલિસ્તાનીઓ જવાબદાર : કૉન્ગ્રેસ સાંસદ રવનીતસિંહ બિટ્ટુ

પંજાબ કૉન્ગ્રેસના સાસંદ રવનીત સિંહ બિટ્ટુનું કહેવું છે કે પ્રજાસત્તાક દિવસ પર થયેલી હિંસા પાછળ ખાલિસ્તાનીઓનો હાથ છે. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાની સમર્થકો અને સિખ ફોર જસ્ટિસ્ટ સંગઠનોનો હાથ છે. રવનીતસિંહ બિટ્ટુ લુધિયાણાના સાંસદ રહી ચૂક્યા છે. બિટ્ટુ સાથે ખેડૂત આંદોલનમાં મારપીટની ઘટના પણ થઈ હતી. એક દિવસ પહેલાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂત નેતાઓ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેવા માટે તેઓ ગયા હતા, ત્યાં પહોંચતા જ કેટલાક લોકોએ તેમના પર દંડા અને હથિયાર વડે હુમલો કર્યો હતો.

હિંસા માટે કેન્દ્ર-યુપી સરકાર જવાબદાર : ખેડૂત નેતા ટિકૈત

મંગળવારે ટ્રેક્ટર રJલીમાં સામેલ ઉપદ્રવીઓ બેરિકેડ તોડીને આગળ વધતા રહ્યા અને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તેમણે પ્રાચીર પર ચડીને ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો. આ ઘટના વિશે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે આજે કહ્યું છે કે જેમણે હિંસા ફેલાવી છે અને લાલ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો છે તેઓ જાતે જ ભોગવશે. છેલ્લા ૨ મહિનાથી એક સમુદાય વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આ આંદોલન સિખોનું નથી પરંતુ ખેડૂતોનું છે.
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ટ્રેક્ટર પરેડ દરમ્યાન દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે આરોપ લગાવતા કહ્યું કે હિંસા કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતા છે. ખેડૂતોને પ્લાન બનાવીને ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 11:56 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK