આવનારા દિવસોમાં વધી શકે છે સોનાનું સ્મગ્લિંગ

Published: 2nd December, 2012 05:18 IST

ગોલ્ડની આયાત પર વધુ નિયંત્રણો મુકાશે તો આ સ્થિતિ સર્જાશે એવી ચેતવણી વડા પ્રધાનના આર્થિક સલાહકાર સી. રંગરાજને કાલે આપીવડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચૅરમૅન સી. રંગરાજને ગઈ કાલે સરકારને ચેતવણી આપી છે કે સોનાની આયાત પર વધારે પડતાં નિયંત્રણો મૂકવામાં આવશે તો એના સ્મગ્લિંગમાં વધારો થશે. રંગરાજને એવું પણ કહ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં ગેરકાયદે રીતે સોનાને દેશમાં ઘુસાડતાં શિપની સંખ્યામાં વધારો થયો છે. ગઈ કાલે મુંબઈમાં આરબીઆઇ પ્રમોટેડ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચના સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનમાં બોલતાં રંગરાજને આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે જ્યારે ફુગાવાનો દર નીચે ઊતરશે ત્યારે ગોલ્ડના સ્મગ્લિંગમાં પણ ઘટાડો થશે.’

તેમણે રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આપેલી માહિતીને આધારે કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયમાં સોનાનું સ્મગ્લિંગ થઈ રહ્યું હોય એવી ઘટનાઓમાં વધારો થયો છે.’

આ જ કાર્યક્રમમાં આરબીઆઇના ગવર્નર ડી. સુબ્બારાવે પણ સોનાની આયાત પર મૂકવામાં આવલાં નિયંત્રણોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જોકે કહ્યું હતું કે આરબીઆઇ દ્વારા સોનાની આયાત પર કોઈ નવાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં નથી. રંગરાજને કહ્યું હતું કે ગયા વર્ષે સોનાની આયાત ૬૦ અબજ ડૉલરને આંબી ગઈ હતી.

ભારતની ગણના વિશ્વમાં સોનાના સૌથી મોટા ગ્રાહક તરીકે થાય છે. ગયા વર્ષે કુલ ૯૬૯ ટન સોનાની આયાત થઈ હતી. સરકારે સોનાની આયાત પર નિયંત્રણ મૂકવા માટે એક્સાઇઝ ડ્યુટી વધારીને ચાર ટકા કરી છે. આ સાથે સરકારે સોનું ખરીદવા માટે લોન આપવા પર પ્રતિબંધ મૂકવા બૅન્કોને આદેશ આપ્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ એપ્રિલથી ઑક્ટોબર સુધીમાં ભારતમાં સોનાની આયાતમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK