દીકરા, તને નહીં સમજાય

Published: 26th July, 2020 08:45 IST | Bhavya Gandhi | Mumbai

‘તને નહીં સમજાય’ એવું કહીને આજના યુથને ચૂપ કરી દેવામાં આવે છે, પણ યુથ બધું સમજે છે અને મારે કહેવું છે કે અમુક સિચુએશનમાં તો એ પેરન્ટ્સ કરતાં પણ વધારે સમજદારી ધરાવે છે

યુથ પાવર. યુવા શક્તિ.

અત્યારે યુથનો સમય છે, યુથની બોલબાલા છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો ત્યારે તેમણે એક વાત સરસ કહી હતી. તેમણે કહ્યું હતું કે આજનું યુથ કંઈ પણ કરી શકે છે અને એનું કારણ છે તેમની તાકાત, શક્તિ. વાત ૧૦૦ ટકા સાચી છે. યુવાશક્તિ છે જ એવી કે એ કંઈ પણ કરવા માટે તૈયાર હોય અને એ કરવા માટેની તેમની સક્ષમતા પણ હોય. આને માટે યુવાનોની તાકાત તો છે જ મહત્ત્વની, પણ સાથોસાથ બીજું કંઈ મહત્ત્વનું હોય તો એ છે તેમની હિંમત અને તેમના વિચારોમાં રહેલી ક્લૅરિટી.

વિચારોમાં રહેલી આ સ્પષ્ટતાને લીધે તેમને ખબર છે કે શું કરવું છે અને શું નથી કરવું? કેમ કરવું છે અને કેવી રીતે કરવું છે એ પણ દરેક યંગસ્ટર જાણે છે. આજની અમારી આ જે જનરેશન છે એ ઇનસિક્યૉર નથી, તેમનામાં અસલામતીનો કોઈ ભાવ નથી. કાલે શું થશે અને આવતી કાલે શું કરીશું એના વિશે યુથ બહુ વિચારતું નથી, પણ એવા વિચારોમાં પડીને તે આજ પણ નથી બગાડવા માગતું. તે આજને, અત્યારને, આ ક્ષણને એન્જૉય કરવામાં માને છે અને એ કરે પણ છે. હું પણ મારી રીતે લાઇફને એન્જૉય કરવાનું પસંદ કરું છું અને એને માટે જરૂરી રસ્તાઓ પણ શોધી લઉં છું. અમને જ્યાં ખબર નથી પડતી ત્યાં અમે ઈઝીલી એક્સેપ્ટ પણ કરી લઈએ છીએ અને જ્યાં અમને ખબર પડે છે, જે વાતમાં અમે માહેર છીએ એ વાતમાં, એ ચૅલેન્જમાં અમે કૅપ્ટન્સી લેવા પણ તૈયાર રહીએ છીએ. જો એક વખત તૈયારી દેખાડીએ, એક વખત જવાબદારી લઈએ તો અમે એને માટે તમામ પ્રકારની તૈયારી રાખીએ છીએ. ક્યારેય એસી વિના ભલે ન સૂતા હોઈએ પણ જો એક વખત ચૅલેન્જ લઈશું તો અમે ફુટપાથ પર સૂવા માટે પણ રાજી રહીએ છીએ. કામ થવું જોઈએ, લીધેલી ચૅલેન્જ પૂરી થવી જોઈએ. સારી વાત હશે તો એ જાહેરમાં સ્વીકારી પણ શકશે અને જો ખરાબ લાગશે તો એ કોઈ જાતની શરમ વિના પ્રેમથી મોઢા પર જ કહી દેશે. મિત્રો, અમારી એજના જે યુવાનો છે તેમને પીઠ પાછળ વાત કરતા નથી આવડતી. મને લાગે છે કે પીઠ પાછળ વાત કરવાની જરૂર ત્યારે પડે જ્યારે તમારામાં હિંમત ન હોય, તમારામાં સાચું બોલવાની ક્ષમતા ન હોય. અમારી એજના યુવાનોમાં આ ક્ષમતા છે અને એટલે જ તે ખોટું છે એને ખોટું કહેવામાં જરા પણ ખચકાટ નથી અનુભવતો. સાથે એ પણ એટલું જ સાચું છે કે આજના યુથને કોઈ વાત સ્વીકારવામાં જરાય શરમ નથી આવતી. જ્યાં ફેસ ટુ ફેસ વાત કરવાની છે ત્યાં મોં છુપાવવાની જરૂર બિલકુલ નથી એ પણ અમારી જનરેશન સમજે છે. વુમન એમ્પાવરમેન્ટ હોય કે દેશમાંથી અમુક-તમુક સેક્શન હટાવવા માટેની માગણી હોય. તેમને નવી વાત સાથે કે નવા બદલાવ સાથે જોડાઈ જવાનું ગમે છે. અમારામાં બદલાવ લાવવાની અને બદલાવ એક્સેપ્ટ કરી લેવાની ગજબની સમજણ છે. આજનું યુથ ક્રીએટિવ છે, પૅશોનેટ છે. તેમને તેમનો પોતાનો ઓપિનિયન પણ છે. પોતાની વાત રજૂ કરી શકે છે અને પોતાની વાત સાબિત કરવા માટે તે ડિબેટ પણ કરી શકે છે અને સ્ટ્રીટ માર્ચ પણ કરી શકે છે.

યુથ પાસે પોતાનો પૉઇન્ટ ઑફ વ્યુ છે અને યુથ જ્યારે પોતાનો મત આપવાનું કે સૂચન આપવાનું કે કંઈક નવું કે અલગ કરવાનું કહે છે ત્યારે એક જ જવાબ મળે છે, ‘દીકરા, તને નહીં સમજાય.’

એક સમયે એવું કહેવાતું કે આજનું યુથ પોતાના પપ્પાને કહી દે છે કે ‘પપ્પા, તમને નહીં સમજાય’ પણ હકીકત હવે બદલાઈ ગઈ છે. હવે ફૅમિલી-મેમ્બર કહે છે કે દીકરા તને નહીં સમજાય. શું કામ અમને નહીં સમજાય? આ શું કોઈ રૉકેટ સાયન્સ છે જેનું એજ્યુકેશન જ બંધ થઈ ગયું હોય? શું આ એવું પાકશાસ્ત્ર છે જેના ઇન્ગ્રિડિયેન્ટ્સ અમે શોધી ન શકીએ?

મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે. આ કિસ્સો શાસ્ત્રોમાં જ લખાયેલો છે એટલે સ્વાભાવિક રીતે તમે એટલું સમજી ગયા હશો કે આમાં આજકાલની વાત નથી. યુથનું મહત્ત્વ કેવું હતું અને યુથની ક્ષમતાને કયા સમયથી ઓળખવામાં આવતી એની આ વાત છે. વાત રામાયણના ટાઇમની છે. સીતાનું હરણ કરીને રાવણ જ્યારે તેમને લંકા લઈ ગયો ત્યારે રામ પણ તેમની પાછળ લંકા પહોંચ્યા હતા. લંકા પહોંચ્યા પછી યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ અને યુદ્ધની એ તૈયારીઓ ચરમસીમાએ પહોંચી ગઈ. ભગવાન રામ નહોતા ઇચ્છતા કે યુદ્ધ થાય, પણ રાવણને એવો કોઈ ડર નહોતો, કારણ કે તેને અમર રહેવાનું વરદાન મળ્યું હતું. રાવણનાં ૧૦ માથાંને ૧૦ અવગુણ સાથે સિમ્બૉલિક રીતે જોડવામાં આવ્યાં છે. આ સિમ્બૉલિક અવગુણ જોવા કે જાણવા હોય તો ‘બ્રીધ’ની સેકન્ડ સીઝન જોજો તમે.

ભગવાન રામને રાવણના અમરપણાની ખબર હતી, પણ એમ છતાં તેમણે યુદ્ધ ટળી જાય એવા હેતુથી પોતાના દૂતને રાવણના મહેલમાં મોકલવાનું નક્કી કર્યું. કોને દૂત તરીકે મોકલવો એની ચર્ચા ચાલી જેમાં અનેક નામો સામે આવ્યાં, પણ એ બધાં નામ વચ્ચે ભગવાન રામે મહારાજ બાલીના દીકરા અંગદને પોતાના દૂત તરીકે મોકલવાનું નક્કી કર્યું અને શાંતિ-પ્રસ્તાવ એ મૂકે એવો નિર્ણય લીધો. તમને નવાઈ લાગશે, પણ આ અંગદ ઉંમરમાં સૌથી નાનો હતો, તેની પાસે કોઈ અનુભવ પણ નહોતો અને છતાં ભગવાન રામે પોતાના શાંતિદૂત તરીકે અંગદ પર પસંદગી ઉતારી હતી. એવું પણ નહોતું કે રામની સેનામાં કોઈ એવું નહોતું જે શાંતિદૂત ન બની શકે. અનુભવીઓ પણ હતા અને પીઢ કે પછી વડીલો કહીએ એવા પણ અનેક મહાનુભાવો એમાં હતા છતાં અંગદને મોકલવાનો નિર્ણય તેમણે લીધો. કારણ સમજવું જોઈએ કે રામે શું કામ અંગદને રવાના કર્યો, એવું તે કયું કારણ હતું કે રામે અંગદને શાંતિના પ્રસ્તાવ સાથે મોકલ્યો?

રામને યુથ પર વિશ્વાસ હતો. નવો વિચાર સ્વીકારવાની તૈયારી આ યુથમાં હોય છે એટલે ભગવાન રામે અંગદને મોકલ્યો. વાતને નવા દૃષ્ટિકોણથી જોવાની તૈયારી યુથમાં હોય છે એટલે ભગવાન રામે અંગદને પોતાનો દૂત બનાવ્યો. જેવા સાથે તેવા થવું પડે, એવા સંજોગો આવે તો એ કરવાની ક્ષમતા પણ યુથમાં હોય છે એ પણ ભગવાન રામ જાણતા હતા અને જરૂર પડ્યે હાથ જોડવાની તૈયારી પણ યુથ રાખે છે એ પણ રામ જાણતા હતા. હાથ જોડવાની તૈયારી અને હાથ તોડવાની તૈયારી પણ આ જ યુથ રાખે છે એની પણ તેમને જાણ હતી. રામજી પાસે હનુમાનજી પણ હતા જ. હનુમાનજીની ક્ષમતા પર તેમને અથાક વિશ્વાસ હતો, પણ સાથોસાથ તેમને ખબર હતી કે હનુમાનજી ભાવુક બનીને તેમના આદેશનું જ પાલન કરશે, બાકી કોઈ વાત સાથે તેમને નિસબત નહીં હોય, કોઈ વાતને તે સમજવા રાજી નહીં થાય અને આ જ કારણ હતું કે ભગવાન રામે અંગદને પોતાનો દૂત બનાવીને રવાના કર્યો હતો.

મહેલમાં જઈને અંગદે ક્યાંય કોઈ તોછડાઈ કરી નહોતી અને તેણે ખૂબ જ પ્રેમથી વાર્તાલાપ શરૂ કર્યો હતો. સામેથી તોછડાઈની ચરમસીમા આવી ગઈ એટલે અંગદે પોતાની ક્ષમતા અને પોતાનો ઍટિટ્યુડ પણ દેખાડી દીધો. એક સમયે રાવણના દરબારીઓએ કહ્યું કે ચપટી વગાડતાં તને બહાર ફેંકી દઈશું, તો અંગદે કહ્યું કે મને કોઈ અહીંથી તસુભાર પણ હલાવી નહીં શકે. બધા દરબારીઓએ અંગદને પગથી ઉપાડવાની કોશિશ કરી લીધી, પણ અંગદ એક તલના દાણા જેટલો પણ હલ્યો નહીં. છેવટે રાવણ આવ્યો અને રાવણની તાકાતથી તો બધા વાકેફ છે જ. દસ માથાળા રાવણે અંગદને હલાવવાની કોશિશ કરી તો પણ અંગદ જરાસરખોય હલ્યો નહીં એટલે રાવણે તેનો પગ પકડી લીધો જેથી પગથી પકડીને તેને ફેંકી શકાય.

રાવણે જ્યારે અંગદનો પગ પકડ્યો ત્યારે અંગદે રાવણને શું કહ્યું હતું, ખબર છે?

અંગદે કહ્યું હતું કે ‘આ જ કહું છું. જા જઈને ભગવાન રામના પગ પકડી લે, જીવ બચી જશે અને લંકા પણ અકબંધ રહેશે.’

મિત્રો, આ ક્ષમતા યુથની છે. જે કહેવું છે એ મોઢા પર કહી પણ દે છે અને સાચો સંદેશ પણ પહોંચાડીને આવે છે. યુથનો ભરોસો કરો, એનો વિશ્વાસ કરો અને ‘દીકરા, તને નહીં સમજાય’ની માનસિકતા મનમાંથી કાઢી નાખો. તમારો દીકરો એ બધું સમજે છે એ તો સાચું જ છે, પણ તમે ન સમજતા હો એવી વાત પણ એ દીકરો સમજે છે. તેની પાસે માત્ર ઉંમર નાની છે, પણ બાકી બધી વાતો તેનામાં કૂટી-કૂટીને ભરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK