Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજનો પુરુષ સ્ત્રીઓ પાસેથી લાગણી વ્યક્ત કરતાં શીખ્યો છે

આજનો પુરુષ સ્ત્રીઓ પાસેથી લાગણી વ્યક્ત કરતાં શીખ્યો છે

19 November, 2019 04:32 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

આજનો પુરુષ સ્ત્રીઓ પાસેથી લાગણી વ્યક્ત કરતાં શીખ્યો છે

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


આ હકીકત છે. પહેલાંનો પુરુષ લાગણી વ્યક્ત કરવામાં રસ નહોતો ધરાવતો કે પછી તેને આવડતું નહોતું, પણ આજનો પુરુષ સ્ત્રીઓ પાસેથી લાગણી વ્યક્ત કરતાં શીખી ગયો છે અને એટલે જ એ કડવાચોથના દિવસે પત્ની માટે ઉપવાસ પણ કરી શકે છે અને પત્ની બીમાર હોય ત્યારે તેનું માથું અને પગ દબાવતાં પણ ખચકાતો નથી. સાઇકિયાટ્રિસ્ટ અને સોશ્યોલૉજિસ્ટ આને એક તંદુરસ્ત નિશાની ગણાવતાં કહે છે કે સ્ત્રી-પુરુષ વચ્ચેની ભેદરેખા દૂર કરવાની બાબતમાં આ પુરુષોની પહેલ છે.

પુરુષ એટલે કઠોર, ઓછું બોલનારો, ભારોભાર ગુસ્સો કરનારો, આવક રળી આવનારો અને ઘરમાં આવીને ક્રિકેટ મૅચ કે ન્યુઝ જોવા બેસી જનારો. પુરુષ એટલે ઘરની જવાબદારીઓને હાથમાં ન લે, બાળકોના ઘડતરમાં ફાળો ન આપે, દુઃખ લાગ્યું હોય તો કહેવામાં માને નહીં, માફી માગવા જેવી કોઈ પ્રક્રિયા કરે નહીં. પુરુષ એટલે સીધો હિસાબ. કામ કરતું એક યંત્ર અને ઘરમાં આવક રળી લાવતું મશીન. પુરુષ એટલે જાણે કે દુનિયાદારી નિભાવવા માટેનો એક જોડીદાર અને પુરુષ એટલે જાણે કે ઘરના તમામ સભ્યોની ઇચ્છાપૂર્તિ કરતો એક રોબો. પુરુષોના આ સ્વભાવ અને તેમની આ આદતોના કારણે જ એવું માનવામાં અને ધારવામાં આવતું હતું કે પુરુષો સાથે તાલમેલ િમલાવવાનું કામ સ્ત્રીઓ ક્યારેય કરી નહીં શકે કે ભાગ્યે જ કરી શકશે, પણ હવે એવું રહ્યું નથી. આજનો પુરુષ સમજુ છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એ સમજવાનો પ્રયાસ કરે છે. વાઇફની આંખોમાં રહેલો ભાવ વાંચવાની તે કોશિશ કરે છે અને મહિલાના મૂડમાં આવેલા ચેન્જને પારખીને તે પણ પોતાના અવાજનો ટોન નાનો-મોટો કરીને વાતને બીજી દિશામાં ફેરવી દે છે. હવે તેને વાઇફ માટે કરવા ચોથ કરવામાં શરમ નથી આવતી. વાઇફ માટે સૅનિટરી નૅપ્કિન્સ લેવાનાં હોય તો તેને ખચકાટ નથી થતો. વાઇફને કામમાં સાથ આપવામાં પણ તે સહજ છે અને બાળકોને પૉટી કરાવવામાં પણ ખચકાટ થતો નથી. હા, હવે પુરુષ બદલાયો છે અને તેમના આ બદલાવને કારણે સ્ત્રી અને પુરુષ વચ્ચે જે એક નાનકડી ભેદરેખા હતી એ ભેદરેખા દૂર કરવા માટે જેટલી મહેનત સોશ્યોલૉજિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ અને સાહિત્યકારોએ કરી એનાથી પણ વધારે બળવત રીતે આ કામ પુરુષોએ જાતે કર્યું. જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર અને ગીતકાર જાવેદ અખ્તર કહે છે, ‘પુરુષોને મનની વાત કહેતાં આવડતું નહોતું. લાગણીઓ વ્યક્ત કરવાની બાબતમાં પણ પુરુષો થોડા આળસુ હતા, પણ હવે એ આળસ રહી નથી. હવે તે પોતાના મનની વાત કહી શકે છે અને વધારે સારી વાત એ છે કે હવે તે એ વાત કહેતી વખતે ખચકાતા નથી. સમજવું એક બાબત છે અને સમજાવું બીજી બાબત છે. પહેલાં કરતાં આજના પુરુષોની રિલેશનશિપ પણ હેલ્ધી છે, કારણ કે તે સમજવાની સાથોસાથ સમજવા માટે પણ તૈયાર છે. આ કામ બે દિશાઓથી થયાં છે. એક તો ફિલ્મોએ આ કામ કર્યું તો બીજું કામ સોસાયટીની નાની ફૅમિલીઓએ કર્યું.’



જાવેદ અખ્તરની વાતમાં ભારોભાર તથ્ય છે. સાઇકોલૉજી પણ આ જ મુદ્દાને સાયન્સ સાથે જોડી રહી છે. જો માન જોઈતું હોય તો માન આપવું પડશે. જો મહત્ત્વ જોઈતું હોય તો મહત્ત્વ આપવું પડશે અને જો જરૂરિયાત પૂરી કરતા હશે તો જરૂરિયાત બનીને રહેવું પડશે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘પુરુષોનો ઉછેર જ લાગણી સાથે નહોતો થતો એટલે તેને કેવી રીતે રહેવું અને વાઇફ સાથે કેવું વર્તન કરવું એની સમજદારી આવતી નહોતી, પણ એ પછી ફૅમિલી નાનાં થયાં અને ચાર બાળકોમાંથી બે બાળકોની નીતિ આવી એટલે ઘરમાં માને મળતું ઇમ્પોર્ટન્સ કે બહેનને મળતું પ્રાધાન્ય દેખાવાનું શરૂ થયું. બર્થ-ડે સેલિબ્રેશન સમયે પણ જેન્ડર-ડિફરન્સિસ નીકળવા માંડ્યા. પચાસેક વર્ષ પહેલાં શું થતું, દીકરો હોય તેને જ બધી છૂટછાટો મળે પણ એ તો લગભગ ચાલ્યું જ ગયું અને બધાને એકસરખું મહત્ત્વ મળવા માંડ્યું. સમાન મહત્ત્વ સાથે રહ્યા હોઈએ એટલે નૅચરલી એ જ વર્તન સીધું વાઇફ સાથે દેખાવાનું છે. સો વર્ષ પહેલાં સ્ત્રીને પગની જૂતી માનવામાં આવતી, પણ પચાસ વર્ષ પહેલાં એ નીતિ નીકળી ગઈ. વીસ વર્ષ પહેલાં એમાં પણ ફરક આવ્યો અને વાઇફનો ઓપિનિયન લેવાનું શરૂ થયું, જેમાં હવે પાછો પૉઝિટિવ ચેન્જ આવ્યો. હવે ઓપિનિયન નહીં, પણ વાઇફ ડિસિઝન લેવા પર આવી ગઈ અને તેને આ સત્તા આજના પુરુષે આપી.’


આજે વાઇફ સાથે કદમથી કદમ મિલાવતા પુરુષોને જોઈને જૂની વિચારધારા ધરાવનારાઓને ઝાટકો લાગે છે. થોડું બાયલાપણું પણ એમાં તેમને દેખાય છે, પણ એની પાછળ એક તર્ક પણ કામ કરે છે. જાણીતા સાહિત્યકાર અને લોકકલાકાર ભીખુદાન ગઢવી કહે છે, ‘પુરુષો વાસ્તવિક અને સ્ત્રી કલ્પનાશીલ હોવી જોઈએ. જો આ બન્ને અકબંધ રહે તો સંસારની નાવ બરાબર ચાલે. જો પુરુષ ઢીલો પડે તો વાસ્તવિકતા ઢીલી પડે અને જો એવું બને તો પરિવારના ભવિષ્યને પણ હાનિ પહોંચી શકે.’

પુરુષ હોવું એટલે સ્ટ્રૉન્ગ હોવું એ એક સર્વસ્વીકૃત માન્યતા છે જે જગત આખામાં સર્વસામાન્ય છે. જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી પણ આ જ વાતને આગળ વધારે છે, પણ તેમના સંદર્ભો સાવ અલગ જ છે. ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘પુરુષાતન હોવું અને મજબૂતી હોવી એ બન્ને વચ્ચે તફાવત છે. પુરુષ હોવું એટલે સ્ટ્રૉન્ગ હોવું એ દરેકેદરેક સ્ત્રીની પોતાના ગમતા પુરુષ માટેની મનોકામના હોય છે અને એમાં કશું ખોટું પણ નથી, કારણ કે સ્ત્રીઓમાં અસુરક્ષાની ભાવના આજીવન રહેતી હોય છે અને જ્યારે તમારામાં થોડી અમસ્તી પણ ઇન્સિક્યૉરિટી હોય ત્યારે તમે નૅચરલી સ્ટ્રૉન્ગ મેન્ટાલિટી ધરાવતા અને ખડતલ બાંધો ધરાવતા પુરુષને વધારે મોટા દિલથી ચાહી શકો. ઇતિહાસમાં કહેવાયું પણ છે કે સ્ત્રી એવા જ પુરુષને પ્રેમ કરી શકે છે જે તેને લગામ પહેરાવીને નાથી પણ શકે અને સાથોસાથ ઘૂંટણિયે પડીને મનાવવાનું સામર્થ્ય પણ ધરાવતો હોય. હું કહીશ કે આજનો પુરુષ જે દિશામાં આગળ વધી રહ્યો છે એ ખોટું નથી પણ એમ છતાં તેણે ભૂલવું ન જોઈએ કે જંગમાં સામી છાતીએ અને પ્રેમમાં નીચી નજરે ઊભો રહે એ જ સ્ત્રીનું મન જીતી શકે.’


પુરુષ પત્નીને મનાવવા તેની પાછળ જાય, તેના ઓપિનિયન માટે ફોન કરીને પૂછે, ઑફિસથી નીકળતી વખતે તેના માટે મનગમતી ચીજવસ્તુ લઈને જાય કે રાતે તેને સુવડાવવા માટે રૂમમાં તેની સાથે ચાલ્યો જાય, બર્થ-ડે પર સાથે જમવાની નીતિ રાખે, વાઇફને ઉપવાસ હોય તો તે પણ ઉપવાસ કરે એ કોઈ વાર કે મહત્ત્વના સમયે ચાલે એવું કહેતાં સાઇકોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘ક્યારેક આ વાત સ્વીકારી શકાય બાકી જે જીવનચક્ર છે એ જીવનચક્ર વચ્ચે પુરુષાતનથી છલોછલ હોય, પૂછવામાં આવે એટલું જ કહેતો હોય અને મુશ્કેલીઓ મનમાં ભરી રાખવાની ક્ષમતા ધરાવતો હોય એ પુરુષ સર્વશ્રેષ્ઠ છે એવું હું વિના સંકોચે કહીશ. એક સાથી તરીકે તમે પાંચ જવાબદારી લઈ લો, જીવનસાથીની સંભાળ માટે તમે ચાર બાબતનું ધ્યાન રાખો કે પિતા તરીકે તમે બે કામ હાથ પર લો એમાં કશું ખોટું નથી, પણ પુરુષસહજ સ્વભાવ છે એ સ્વભાવને ભૂલવો કે પછી એને પાછળ મૂકી દેવો યોગ્ય નથી. જો પુરુષ મહિલાઓની જેમ આખી વાતને ઇમોશન્સ અને લૉજિક સાથે બાંધીને રાખી દે તો એની અસર સીધી તેની કરીઅર પર પડે જે પુરુષપ્રધાન દેશમાં જ નહીં પણ જગતમાં બીજે ક્યાંય પણ ચાલે નહીં. સંબંધો પૂરતું ઇમોશન્સને પ્રાધાન્ય મળે એ વાત સ્વીકારવામાં ખોટું નથી, પણ એ વાત જો કાયમી સ્વરૂપ લેવાની હોય તો એ ગેરવાજબી છે. તમે એક સ્ત્રીને સમજવાની કોશિશ કરો એ આવકાર્ય છે, પણ તમે પોતે સ્ત્રીસહજ બનવાનું શરૂ કરી દો તો એ ગેરવાજબી છે. ટૂંકમાં કહું તો તમે વાઇફને સમજો ત્યાં સુધી બરાબર છે, પણ તમે વાઇફ બનીને વર્તવાનું શરૂ કરી દો તો એ ગેરવાજબી છે.’
હા, વાત સાવ ખોટી તો નથી જ.

આજના પુરુષોની રિલેશનશિપ પણ હેલ્ધી છે, કારણ કે તે સમજવાની સાથોસાથ સમજવા માટે પણ તૈયાર છે
-જાવેદ અખ્તર, ગીતકાર

સંબંધો પૂરતું ઇમોશન્સને પ્રાધાન્ય મળે એ વાત સ્વીકારવામાં ખોટું નથી, પણ એ વાત જો કાયમી સ્વરૂપ લેવાની હોય તો એ ગેરવાજબી છે
-મુકુલ ચોક્સી, સાઇકિયાટ્રિસ્ટ

જંગમાં સામી છાતીએ અને પ્રેમમાં નીચી નજરે ઊભો રહે એ જ સ્ત્રીનું મન જીતી શકે
- પ્રકાશ કોઠારી,સેક્સોલૉજિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2019 04:32 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK