Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મળીએ સમાજને રાહ ચીંધતી પદ્મશ્રી પ્રતિભાઓને

મળીએ સમાજને રાહ ચીંધતી પદ્મશ્રી પ્રતિભાઓને

02 February, 2020 12:41 PM IST | Mumbai
Sanjay Pandya

મળીએ સમાજને રાહ ચીંધતી પદ્મશ્રી પ્રતિભાઓને

અવૉર્ડ

અવૉર્ડ


પહાડોમાં જે રખડ્યા હશે, જેણે ટ્રેકિંગ કર્યું હશે એને એક અનુભવ ચોક્કસ થયો હશે. જેમ તમે આગળ વધતા જાઓ તેમ કેટલાક સુંદર પણ સામાન્ય એવાં દૃશ્યો જોવા મળે, પણ એક તબક્કો એવો આવે છે જ્યારે તમે કોઈ રીજ પર આવો કે ક્યારેક કોઈ પહાડની ટોચ પર પહોંચી બીજી તરફ દૃષ્ટિ કરો તો કોઈ અદભુત દૃશ્ય, કોઈ અનોખી અનુભૂતિ તમારી ઝોળીમાં આવી જાય. એ વળાંકને કે એ ટોચને જે વટાવે છે એને જ એ માણવા મળે. જીવનમાં પણ મોટાભાગના માનવ એકસરખી ઘટમાળમાં જીવતા હોય, પરંતુ કેટલાક એવા હોય જે ચીલો ચાતરે, પોતે નવું વિચારે, સમાજ માટે વિચારે. આવી વ્યક્તિના નવા વિચાર, થોડા વધુ ડગલાં એને બીજાઓ કરતાં અલગ તારવે. એ વ્યક્તિના નવા વિચાર, તેમની કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા સમાજને ઉપયોગી થાય તો લાંબે ગાળે એની નોંધ પણ લેવાય. આ વ્યક્તિની વાત જો સમાજ સુધી પહોંચે તો અન્ય માટે પણ એ પ્રેરણાદાયી થાય અને કેટલિસ્ટની ગરજ સારે. 

વાત કરવી છે આપણે પદ્મ અવૉર્ડ વિજેતાઓની. ભારત સરકાર દ્વારા નાગરિકોને એમના કાર્યની સિદ્ધિ બદલ અપાતો આ સર્વોચ્ચ પુરસ્કાર છે. પદ્મ પુરસ્કારમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ પ્રકારના પુરસ્કાર હોય છે. ભારતરત્ન અને પદ્મવિભૂષણ ભારત સરકારે ૧૯૫૪થી આપવા શરૂ કર્યા. ૧૯૫૫થી પદ્મવિભૂષણના ત્રણ વર્ગોને રાષ્ટ્રપતિના જાહેરનામા દ્વારા પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ વિભાગ કરવામાં આવ્યા. આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી અવૉર્ડની જાહેરાત કરવામાં આવી. આમાંની કેટલીક પદ્મશ્રી પ્રતિભાઓની ઓળખ મેળવીએ...



રાહીબાઈ સોમા પોપરે : અભણ હોવા છતાં ઑર્ગેનિક ફાર્મિંગનું અભિયાન


મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોંભાળણે નામનું ગામ છે. રાહીબાઈ પોપરેનાં કાર્યોએ આ ગામને આંતરરાષ્ટ્રીય તખતા પર મૂકી આપ્યું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા નારીશક્તિ સન્માન અને પદ્મશ્રી મેળવનાર રાહીબાઈએ શાળામાં જઇને શિક્ષણ મેળવ્યું નથી, પણ નાનપણથી ખેડૂત પરિવારના, એટલે ખેતરમાં જવું બહુ ગમે. ખેતીને લગતી ઝીણી બાબતો શીખવાની એમને હોંશ. તેમનાં માતા- પિતા એમને હંમેશાં કહેતા કે ‘જૂનું તે સોનું’ - એ મુદ્દાને એમણે હંમેશાં નજર સામે રાખ્યો. હાઇબ્રીડ બિયારણ અને રાસાયણિક ખેતીને કારણે જમીન અને પાકને નુકસાન થતું એ રાહીબાઈ જોઈ ન શકતા. એમણે ઉત્તમ બિયારણને સાચવવાનું શરૂ કર્યું. અનાજ, શાકભાજી, કઠોળ કે ફળનાં બિયારણ સાચવી એમણે અનેક ગામોના સેંકડો લોકોને પહોંચાડ્યા. ઑર્ગેનિક ફાર્મિંગ માટે પણ એ ખેડૂતોમાં જાગ્રતતા લાવ્યાં.

સ્વચ્છ ગામ, બિયારણ બૅન્ક, સેનિટેશન, સ્ત્રી સ્વનિર્ભર થાય એવા અનેક મુદ્દા પર તેઓ કામ કરે છે અને અનેક ઠેકાણે વક્તવ્ય આપે છે.


શ્રી સત્યનારાયણ મૂંદેયૂર : પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા

અરુણાચલ જેવો પૂર્વોત્તર પહાડી પ્રદેશ અને ત્યાં કેરળની વ્યક્તિ? આપણને આશ્ચર્ય થાય, પરંતુ અંકલ મુસા નામથી બાળકોમાં જાણીતા એવા શ્રી સત્યનારાયણ છેલ્લાં ૩૨ વર્ષથી અરુણાચલના અંતરિયાળ ભાગમાં શિક્ષણ અને વાંચનનું મિશન લઈને બેઠા છે. ૧૯૭૯માં એમણે ઇન્કમટૅક્સ ડિપાર્ટમેન્ટની નોકરી છોડીને કંઈક વધુ અર્થસભર, પૈસા કરતાં આત્મસંતોષ મળે એવું કાર્ય કરવાનું વિચાર્યું. એ દરમ્યાન તેમની નજરે વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય સ્કૂલની જાહેરાત ચડી. આ સ્કૂલ પૂર્વોત્તરમાં શિક્ષણના મૂળિયાં ફેલાવવા ચલાવવામાં આવતી હતી. તેઓએ ૧૯૯૬ સુધી શિક્ષણ અધિકારી તરીકે વિ.કે.વિ. સ્કૂલ સાથે કાર્ય કર્યું અને કેટલાયને નવા વિચારો દ્વારા શિક્ષણ માટે પ્રેરિત કર્યા. થોડા સમય બાદ શિક્ષણપ્રણાલીથી અસંતોષ પામી એમણે માર્ગ બદલ્યો. આપણી આસપાસ ઊગતા છોડવાઓમાંથી દવા કઈ રીતે બની શકે એનો એક વર્ષનો કોર્સ એમણે ડિઝાઇન કર્યો. ત્યારબાદ તેમને થયું કે બાળકોમાં વાંચનની આદત કેળવવી જોઈએ જેથી એમની દૃષ્ટિ અને કલ્પનાશક્તિ વિકસે. પ્રથમ તો એમણે પુસ્તકો ભેગાં કર્યાં અને પેટીઓ ભરીને એ પુસ્તકો તેઓ અરુણાચલના પહાડી ગામોમાં લઈ જતા. એના માટે ત્યાંની સ્થાનિક સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસનો તેઓ ઉપયોગ કરતા. પુસ્તકોના પ્રદર્શન દ્વારા પહાડી બાળકો સુધી પહોંચીને તેઓ એમની અંદર નવા વિચારના બીજ વાવી રહ્યા હતા. વર્ષ ૨૦૦૭માં અસોશિએશન ઑફ રાઈટર્સ અૅન્ડ ઇલસ્ટ્રેસર્સ ફૉર ચિલ્ડ્રન અને વિવેકાનંદ ટ્રસ્ટના સહયોગથી લોહિત યુથ લાઇબ્રેરી મુવમેન્ટના હિસ્સા તરીકે પ્રથમ લાઇબ્રેરી તેજુમાં સ્થાપી. એ લાઇબ્રેરીને નામ આપ્યું બાંબુસા લાઇબ્રેરી. સમયાંતરે અંતરિયાળ ભાગોમાં વાકરો, ચોંગખામ, લાથો જેવાં ગામોમાં ૧૩ જેટલી લાઇબ્રેરી સ્થપાઈ. લાઈબ્રેરી માટેનાં પુસ્તકો શુભેચ્છકો અને પ્રકાશકો પાસેથી મેળવ્યાં હતાં જેમાં અંકલ મુસાનું કાર્ય વન મૅન આર્મી જેવું હતું. અંકલ મુસાએ બાળકોને પ્રોત્સાહિત કરી એ લાઇબ્રેરીઓનો વહીવટ પણ એમના હાથમાં સોંપ્યો અને જવાબદારી કઈ રીતે લઈ શકાય એ પણ શીખવ્યું. આ લાઇબ્રેરીઓ ફક્ત લાઇબ્રેરી ન રહેતા ત્યાં વાર્તાકથન, ક્વીઝ, ગદ્યખંડ વાંચન, સાભિનય વાંચન જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ. અંકલ મુસાના પ્રયત્નોથી આ બાળકો દિલ્હી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સુધી પણ પહોંચ્યા. દરેક લાઇબ્રેરીમાં હજાર ઉપરાંત પુસ્તકો છે જેમાં અમર ચિત્રકથાથી લઈને વિદેશી સાહિત્યકારોનાં પુસ્તકો પણ છે.

વિદ્યાર્થી તબક્કાનું રાજકારણ, ડ્રગ્સની બદી, આદિવાસીઓનો સરકાર સાથે વિખવાદ જેવા મુદ્દાઓથી બાળકોને અળગા રાખી નવા, પોઝિટિવ વિચારો તરફ વાળવાનું ભગીરથ કાર્ય શ્રી સત્યનારાયણજીએ કર્યું છે. એમના ત્રણ દાયકાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને સરકારે પણ પદ્મશ્રી આપીને બિરદાવ્યા છે.

પોપટરાવ પવાર : દુકાળગ્રસ્ત ગામને ગ્રીન મોડલ વિલેજ બનાવ્યું

છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રનું હિવરે બજાર નામનું ગામ અખબારોમાં ચર્ચાઈ રહ્યું છે. ૧૯૮૯થી જે ગામ દુકાળનો સામનો કરી રહ્યું હતું, જ્યાં ૧૫ ઇંચ કરતાં ઓછો વરસાદ પડતો હતો, ઠેર-ઠેર ઢેખાળા નજરે પડતા હતા, જમીનના તળનાં પાણીના પ્રશ્નો હતા, કેટલાય ગ્રામવાસી દારૂના બંધાણી હતા એવા ગામની કાયાપલટ સરપંચ પોપટરાવે કરી. અણ્ણા હઝારેની પ્રેરણાથી પોપટરાવે રેઈન વૉટર હાર્વેસ્ટિંગ અને તળનાં પાણી ઉપર આવે એવા બીજા આયોજન શરૂ કર્યા. ગામલોકોને મોટિવેટ કરીને લાખોની સંખ્યામાં વૃક્ષોની વાવણી કરી અને કેટલાંક વર્ષોમાં ‘ગ્રીન મોડલ વિલેજ’ તરીકે હિવરે બજાર ઓળખાવા માંડ્યું. વર્ષ ૧૯૯૦માં જ્યાં ફક્ત ૯૦ કૂવાઓ હતા ત્યાં આજે ૨૯૪ કૂવાઓ છે. ખેતી દ્વારા આજે ગ્રામવાસીઓને એક સારી એવી આવક ઊભી થવા માંડી છે. પાણીનો અતિ વપરાશ થાય એવા પાક લેવાના ગામલોકોએ ઓછા કર્યા અને પશુધન વધારવાના પ્રયત્નો કર્યા જેથી દૂધનું ઉત્પાદન વધ્યું. પોપટરાવ પવારે લોકોને દારૂના દૂષણની સમજણ આપી ગામમાં દારૂ ન પ્રવેશે એની વ્યવસ્થા કરી. આ ઉપરાંત ગામ સ્વચ્છ રહે એવા પ્રયત્નો કર્યા. આ બધાને લીધે હિવરે બજાર ગામ પોતાના પગ પર તો ઊભું થયું જ સાથે-સાથે સ્વચ્છ અને ગ્રીન વિલેજ તરીકે પણ ઓળખાયું. મહારાષ્ટ્ર સરકારે પણ પવારને રાજ્યના ‘મોડલ વિલેજ પ્રોગ્રામ’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નીમ્યા હતા. છેલ્લા ત્રણ દાયકાની એમની મહેનતે  એમને પદ્મશ્રી ખિતાબ અપાવ્યો  છે. 

પોપટરાવે જણાવ્યું કે ફક્ત વૃક્ષારોપણ કરીને ભગવાન ભરોસે વૃક્ષોને છોડી ન દેવાય, પણ એની માવજત પણ કરવી પડે છે. ગ્રામ લોકોએ પણ શ્રમદાન કરીને પાણીનો સંગ્રહ વધાર્યો, જમીનમાંનાં પાણીનું સ્તર ઊંચું લાવ્યા અને આ બધી જ મહેનત સાતત્યપૂર્ણ રીતે ત્રણ દાયકા કરી છે ત્યારે ગામની કાયાપલટ થઈ છે!

ઉષા ચૌમાર : આખા દેશનું મેલું ઉપાડનારા સમાજનો અવાજ

વર્ષો સુધી લોકોનું મેલું ઉપાડી ગામબહાર નાખી આવનારી વ્યક્તિના જીવનમાં કેવો બદલાવ આવી શકે એ જોવું હોય તો રાજસ્થાનના અલવરની ઉષા ચૌમારને મળવું પડે. નિખાલસ હાસ્ય જેની ઓળખ છે એવાં ઉષા સાત વર્ષની ઉંમરથી જ મેલું ઉપાડવામાં જોતરાઈ ગયાં હતાં. દસમા વર્ષે તો એમના બાળવિવાહ થઈ ગયા. પરણ્યા પછી કંઈ બદલાયું? ના...રે ના! સાસરામાંય આ જ કામ કરવાનું રહેતું. આ કામ કર્યા બાદ ઉષાને ખાવાનું ન ભાવતું.  એક તો દલિત સમાજમાં જન્મ અને લોકોનું મેલું ઉપાડવાનું કામ એટલે લોકો એનાથી દૂર જ રહેતા. મંદિરમાં પ્રવેશ પણ એને માટે વર્જિત. લોકો એને ઘરમાં પ્રવેશવાય ન દેતા. ઉષા પોતાની વ્યથા વર્ણવે છે કે લોકો મેલા  સાથે અમને પણ કચરો સમજતાં હતાં. અન્ય કેટલાયે આવા પીડિતની જેમ ઉષા પણ કદાચ પોતાનું જીવન આમ જ પૂરું કરી દેત પણ ત્યાં એનો સુલભ ઇન્ટરનૅશનલ નામની એનજીઓ સાથે મેળાપ થયો અને ઉષાના જીવનમાં વળાંક આવ્યો. આ સંસ્થા જે ‘નઈ દિશા’ના નામ સાથે કામ કરતી હતી એની સાથે જોડાયા બાદ તેઓ સિલાઈકામ, મહેંદી તૈયાર કરવી જેવાં કામ શીખ્યાં. ધીરે ધીરે એમણે અન્યને પ્રોત્સાહિત કરવા વક્તવ્ય આપવાનું શરૂ કર્યું. માથે મેલું ઉપાડવાની પ્રથાને દૂર કરવાનું જાણે એમના જીવનનું મિશન બની ગયું. તેઓ અંગ્રેજી પણ શીખ્યાં. અમેરિકા, ફ્રાન્સ, સાઉથ આફ્રિકા જેવા દેશોમાં જઈ આત્મવિશ્વાસપૂર્વક વક્તવ્ય પણ આપ્યાં. એક મહિલા જે એક સમયે પોતાના અધિકાર માટે બે શબ્દો બોલી શકતી નહીં એ આજે આખા દેશની મેલું ઉપાડનારી મહિલાઓનો અવાજ બની છે. એક સામાન્ય મહિલા કઈ રીતે બીજા માટે પણ પ્રેરણારૂપ બની શકે એનું જીવતું-જાગતું ઉદાહરણ ઉષા ચૌમાર છે. ઉષા પોતાની પ્રગતિનું શ્રેય સુલભ ઇન્ટરનૅશનલના સંસ્થાપક ડૉ. બિંદેશ્વર પાઠકને આપે છે. વિશ્વમાં ફરીને મહિલાઓને પ્રેરિત કરનારા ઉષા હાલમાં ૫૩ની આયુએ સુરત ઇન્ટરનૅશનલ સંસ્થાના અધ્યક્ષપદે છે. સમાજમાં એક વિશિષ્ટ બદલાવ લાવવાના એમના સાતત્યપૂર્ણ પ્રયાસોને બિરદાવવા સરકારે એમને પદ્મશ્રી એનાયત કર્યો છે.

એસ. રામકૃષ્ણન : દિવ્યાંગોના ઉદ્ધાર માટે કાર્યરત દિવ્યાંગ

તામિલનાડુમાં આવેલા તિરુનેલવેલીના એસ. રામકૃષ્ણનનું પોતાનું શરીર લકવાગ્રસ્ત છે. છેલ્લાં ૪૪  વર્ષથી ગરદનથી નીચેના એમના અંગો કામ નથી કરતા અને એમણે વ્હીલચૅરમાં બેસવું પડે છે. આ મર્યાદા છતાંય ૧૯૮૧માં એમણે ‘અમર સેવા સંગમ’ની સ્થાપના કરી અને શારીરિક રીતે અપંગ હોય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય એવા લોકોની મદદ માટે કાર્ય શરૂ કર્યું. આ સંસ્થા પૉલિયો માટેના કેમ્પ ગ્રામ્ય વિસ્તારમાં યોજે છે અને શારીરિક રીતે અપંગ વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં પણ જાગૃતિ ફેલાવે છે.

રામકૃષ્ણ ૧૯૭૫માં બૅન્ગલોર ગયા હતા જ્યાં તેમની ઇચ્છા નેવીમાં જોડાવાની હતી. એન્જિનિયરિંગના આ વિદ્યાર્થીએ ચાર દિવસના ઇન્ટરવ્યુ તો સરસ આપ્યા પરંતુ પાંચમા દિવસે તેમણે ૧૫ ફુટ ઊંચા એક વૃક્ષ પરથી કૂદકો મારવાનો હતો. કમનસીબે કૂદતી વખતે કંઈક ચૂક થઈ અને એમની કરોડરજ્જુને નુકસાન થયું. નેવીની કૅરિયરનું સપનું રોળાઈ ગયું અને તેઓ પથારીવશ થઈ ગયા. ધીરે ધીરે વ્હીલચેર દ્વારા એમણે પોતાની જાતે કાર્ય કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ પોતાના પરિવારના જમીનના એક ટુકડા ઉપર એમણે એક શાળા ઊભી કરી. આ શાળામાં એમણે દિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવાનું શરૂ કર્યું. ધીરે ધીરે રામકૃષ્ણની અને એમના સારાં કાર્યોને પ્રસિદ્ધિ મળતી ગઈ. સમય જતાં આ પ્રકારની સ્કૂલો વધતી ગઈ અને હાલમાં તામિલનાડુનાં ગામડાઓમાં આવી ૩૦૦ જગ્યાએ તેમણે સ્કૂલ સ્થાપી. ૨૦૧૭માં અમર સેવા સંગમને ત્યારના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા ડૉક્ટર આંબેડકર અવૉર્ડ પ્રાપ્ત થયો અને વર્ષ ૨૦૧૮માં એમને લાઈફટાઈમ અચિવમેન્ટ અવૉર્ડથી નવાજવામાં આવ્યા. દિવ્યાંગ હોવા છતાં સમાજ માટે કેટલું ઉત્તમ કાર્ય થઈ શકે તેનું ઉદાહરણ એટલે એસ. રામકૃષ્ણ!

યોગી એરોન : દાઝેલા અને દુઃખી લોકોની સારવારને સમર્પિત

દેહરાદૂનથી ૧૦ કિલોમીટર દૂર આવેલા માલસીમાં રહે છે યોગી એરોન. દાઝેલી વ્યક્તિઓને તેઓ ટ્રીટમેન્ટ આપે છે. ૮૨ વર્ષના યોગી એરોનને જ્યારે પદ્મશ્રી અવૉર્ડ મળ્યો ત્યારે તેમણે બહુ સહજતાથી કહ્યું હતું ‘એ સારી વાત છે, પણ હજારો પેશન્ટ હજી મારા વેઈટિંગ લિસ્ટમાં છે. હું ઈચ્છું છું કે એમના માટે પણ બહારથી કંઈક મદદ આવે.’

એરોન મુઝફ્ફરનગર જિલ્લામાં ૧૯૩૭માં જન્મ્યા અને લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ કૉલેજમાં સ્નાતક થયા. ૧૯૮૨માં  એમણે અમેરિકા જઈને પ્લાસ્ટિક સર્જરીમાં નિપૂણતા મેળવી. એમની બહેને પણ એમને આ ફિલ્ડમાં આગળ આવવામાં મદદ કરી. દેહરાદૂન પાસે ૧૯૮૩માં એમણે ચાર એકર જમીન ખરીદી હતી જ્યાં પાંચ વર્ષ અગાઉ તેમણે એક સાયન્સ પાર્ક સ્થાપ્યો. અહીં તેઓ બાળકો માટે શીખવાની સુવિધાઓ ઊભી કરવા માગતા હતા અને જેની પાસે આર્થિક સુવિધા ન હોય એવા માટે ટ્રીટમેન્ટની સગવડ પણ આપવા માગતા હતા. છેલ્લાં ૨૬ વર્ષથી  એરોન વર્ષમાં બે વાર પંદર-પંદર દિવસના કૅમ્પ યોજે છે. આ કૅમ્પમાં અમેરિકાથી ૧૫/૧૬ ડૉકટર પણ સેવા આપે છે. આ કૅમ્પ દરમ્યાન આર્થિક રીતે નબળા લોકોના ક્ષતિગ્રસ્ત ચહેરા, નાક, હોઠમાં ક્ષતિ હોય, કપાયેલા હોય, વાંકા હોય તો કોઈ પણ પૈસા લીધા વગર તેઓ એની સારવાર આપે છે. લોકો એમને ભગવાનની કક્ષાએ માને છે. વરસમાં લગભગ ૫૦૦ જેટલી સર્જરી  નિ:શુલ્ક થાય છે અને ૧૦,૦૦૦ લોકો એમના વેઇટિંગ લિસ્ટ પર હોય છે. તેઓ પોતાના મિત્રો પાસેથી, એનજીઓ પાસેથી અને સરકાર પાસેથી મદદ મેળવવાના પ્રયત્નો કરે છે, પણ જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. પદ્મશ્રી મળ્યા પછી એમનો પુત્ર કહે છે ‘મારા પિતાએ ક્યારેય પોતાના માટે ખર્ચ નહીં કર્યો હોય, પણ એ પોતાના પેશન્ટ માટે ચોક્કસ ખર્ચ કરશે. તે હંમેશાં પોતાના દરદીને ખુશ જોવા માગે છે.’

અબ્દુલ જબ્બાર : ભોપાલ ગૅસકાંડ પીડિતોનો અવાજ

ભોપાલ ગૅસકાંડ યાદ છે? યુનિયન કાર્બાઈડની એ મહાદુર્ઘટનામાં હજારો લોકો હોમાઈ ગયા હતા અને લાખો લોકોને ગૅસ-લીકેજની અસર થઈ હતી. અબ્દુલ જબ્બાર ભોપાલના સામાજિક કાર્યકર્તા હતા અને ગૅસકાંડને કારણે એમના ફેફસાંને પણ અસર પહોંચી હતી. ૧૯૮૪માં થયેલી ગૅસ ટ્રેજેડીના મૃતકોના પરિવાર માટે અને તેનાથી અસર પામેલાઓ માટે, તેમના પુનર્વસન માટે તેઓ લાંબી લડાઈ લડયા. ૨૩૦૦ જેટલી મહિલાઓને એમણે આત્મનિર્ભર બનાવી. ગયા વર્ષની ૧૪ નવેમ્બરે તેઓ અવસાન પામ્યા. ભોપાલની બહારના હિસ્સા જેવા ચંદબાદ નામના વિસ્તારમાં એમનો પરિવાર રહે છે. એમનાં પત્ની સાયરાબાનુએ અબ્દુલજીના મરણોત્તર પદ્મશ્રી અવૉર્ડ માટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું ‘અબ્દુલ જબ્બાર આખું જીવન ભોપાલના પીડિતો માટે લડ્યા. એમના માટે દુર્ઘટનાના અસરગ્રસ્તો એક વિશાળ પરિવાર સમાન હતા. પોતાના પરિવાર કરતાં એમણે એ પરિવારને વધુ સમય આપ્યો.’ અબ્દુલ જબ્બારના દીકરાએ પણ કહ્યું ‘અમારો પરિવાર આજે પણ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. અબ્દુલ ઘરે ભાગ્યે જ રહેતા. એમના ખિસ્સામાં જે પૈસા હોય એ બધા જ એ ગૅસપીડિતો માટે વાપરી નાખતા. મને અને મારા જેવા અનેકને સેવાનો રસ્તો મારા પિતાએ દેખાડ્યો છે. આ અવૉર્ડ વખતે જો તેઓ અમારી સાથે હોત તો અમને સૌને વધુ આનંદ હોત.’

જાવેદ અહમદ ટાક : દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ જાગે એ જ મિશન

શ્રીનગરના પદ્મશ્રી અવૉર્ડથી સમ્માનિત જાવેદ અહમદ ટાક દિવ્યાંગ બાળકોને ભણાવી તેમને નવું જીવન આપે છે, પણ કુદરતની બલિહારી ગણો કે જે ગણો એ તેઓ પોતે પણ દિવ્યાંગ બની ગયા છે. ૧૯૯૭માં જાવેદના કાકા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં કાકા તો ગુજરી ગયા, પણ જાવેદની કરોડરજ્જુમાં ગોળી વાગી. હૉસ્પિટલમાં જ્યારે જાવેદની આંખ ખૂલી ત્યારે તેને ખબર પડી કે તે હવે ક્યારેય ચાલી નહીં શકે. તેનાં કિડની, પિત્તાશય વગેરેને પણ નુકસાન થયું હતું. સારવારથી જાવેદને જાણે નવું જીવન મળ્યું. જાવેદ કહે છે, ‘હું બિસ્તર પર સૂઈને હવે પછીના જીવન વિશે વિચારતો હતો ત્યાં બહાર બાળકોનો અવાજ સાંભ‍ળ્યો. મેં માને કહ્યું, એ બાળકોને ઘરમાં બોલાવ! મેં એ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. એનાથી મારી તાણ પણ ઓછી થઈ. પછી તો મેં ડિસ્ટન્સ લર્નિંગથી કમ્પ્યુટિંગના કોર્સ પણ કર્યા. હું પોતે દિવ્યાંગ હોવાથી મને મારા જેવા દિવ્યાંગની તકલીફોનો અહેસાસ હતો. બસ! વાત આગ‍ળ વધતી ગઈ અને મેં દિવ્યાંગોને વિશ્વવિદ્યાલય અને અન્ય ઠેકાણે સુવિધાઓ મળે એવા પ્રયત્ન આદર્યા. મેં સમાજકલ્યાણમાં માસ્ટર્સ કર્યા બાદ દિવ્યાંગો માટે કાર્ય કરવાનું શરૂ કરી દીધું. વર્ષ ૨૦૦૭માં મેં જેબાઆપા ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી જેમાં દિવ્યાંગ બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાનું શરૂ કર્યું. નેત્રહીન બાળકો માટે સ્કૂલમાં બ્રેઇલ લિપિથી અભ્યાસ કરવાની સુવિધા છે. મારી દાદીને બધાં ‘જેબાઆપા’ કહે છે.’

જાવેદ અહમદ ટાકે હાઈ કોર્ટમાં ત્રણ જનહિત અરજી કરી હતી, જેના કારણે સરકારે દિવ્યાંગો માટે આરક્ષણની સુવિધા લાગુ કરી. જાવેદ કહે છે, ‘દિવ્યાંગને દયા નહીં, અધિકાર અને સહયોગ આપો. દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ જાગે એ જ મારું મિશન છે.’

સુંડારામ વર્મા : શિક્ષકની નોકરી ઠુકરાવીને બન્યા ભૂમિપુત્ર

રાજસ્થાનના સિકરના સુંડારામ વર્મા પ્રકૃતિવિદ છે જેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. ૬૮ વર્ષના સુંડારામ છેલ્લાં દસ વર્ષથી ખેતી અને વૃક્ષો માટે ઓછું પાણી કઈ રીતે વપરાય એના પર સંશોધન કરી રહ્યા હતા. સુંડારામ વિજ્ઞાનના સ્નાતક છે અને કૃષિસંબંધી શોધો માટે અગાઉ પણ રાષ્ટ્રીય સ્તરે અવૉર્ડ જીતી ચૂક્યા છે.

સુંડારામે એવી ટેક્નિક વિકસાવી છે જેનાથી છોડવાઓ માટે એક લીટર પાણી પૂરતું થઈ રહે. તેમની આ ટેક્નિકને રાજસ્થાન સરકાર અને જળ સંરક્ષણ વિભાગે પણ માન્યતા આપી છે. એ ઉપરાંત દેશના જાણીતા કૃષિવૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના જનક ડૉ. સ્વામીનાથને પણ આ શોધની તારીફ કરી હતી.  સુંડારામની આ શોધને ‘ડ્રાયલૅન્ડ એગ્રોફૉરેસ્ટ્રી’ તરીકે ઓળખવામાં આવે છે.

સુંડારામે ૫૦,૦૦૦ વૃક્ષો રાજસ્થાનમાં ઉગાડ્યાં છે, એમનું સંવર્ધન કર્યું છે. તેમણે છ નર્સરી સ્થાપી છે જ્યાં સારી કક્ષાના છોડવાઓ મળી રહે. અત્યાર સુધી તેમણે દોઢ લાખ જેટલા છોડવાઓ ખેડૂતોને વહેંચ્યા છે. ત્રણ વર્ષમાં સાત પાક કઈ રીતે લેવાય એનું એક આદર્શ ફસલ ચક્ર એમાં ખેડૂતોને સમજાવ્યું છે જેથી ખેડૂતોની આવક તો વધે જ પણ સાથે-સાથે તેમની ખેતીની જમીનની ગુણવત્તા પણ સુધરે.

સરકારી શિક્ષકની નોકરી ઠુકરાવી ખેડૂત બનવું પસંદ કરનાર સુંડારામ ‘વનપંડિત’ પુરસ્કારથી પણ સમ્માનિત છે. આ સિવાય કૅનેડામાં પણ ‘એગ્રો બાયોડાયવર્સિટી અવૉર્ડ’ તેમને પ્રાપ્ત થયો હતો. આ બધા પુરસ્કારો પર પદ્મશ્રી પુરસ્કાર એક વિશિષ્ટ છોગું છે.

મોહમ્મદ શેરિફ : માનવતાની અનોખી મિસાલ

ભારતની વિવિધતાને જેમ સલામ કરવી પડે એમ ભારતીયોની માનવતાનેય સલામ કરવી પડે. ધર્મ કે જાતપાતની વાડાબંધી વગર જે કાર્ય થતાં હોય એ ખરેખર સરાહનીય હોય છે અને એવાં કાર્યો પર ભારત સરકાર પણ પદ્મશ્રીના ખિતાબ દ્વારા પોતાની મહોર મારતી હોય છે.

મોહમ્મદ શેરિફ એટલે ફૈઝાબાદના સાઇકલ મેકૅનિક. છેલ્લાં ૨૭ વર્ષમાં તેમણે ૨૫,૦૦૦ કરતાં વધુ બિનવારસી લાશોના અગ્નિસંસ્કાર કે દફનવિધિ કરાવ્યાં છે. મોહમ્મદ શેરિફ આવા નેક કાર્ય તરફ કેમ વળ્યા એની પાછળ પણ દર્દભરી વાત છે.

શેરિફચાચા તરીકે ઓળખાતા આ સજ્જનના સૌથી મોટા પુત્રની ૧૯૯૨માં હત્યા થઈ હતી. તેની બિનવારસી લાશ રસ્તા પર પડી હતી. આ આઘાત પછી શેરિફચાચાએ બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરવાનું શરૂ કર્યું. તેઓ પોલીસ-સ્ટેશન, રેલવે-સ્ટેશન, હૉસ્પિટલ, શબઘર વગેરે ઠેકાણે જઈ જરૂરી કાનૂની વિધિ પતાવી શબના અંતિમ સંસ્કાર કરે છે. કોઈ પણ નધણિયાતા શબને ૭૨ કલાક સુધી પોલીસ સાચવે છે. ત્યાર બાદ શેરિફચાચાને હવાલે કરવા માટે તેમને કોઈ અડચણ નથી હોતી.

શેરિફચાચા ગાંઠના પૈસા ખર્ચીને પણ આ કાર્ય કરે છે. જોકે ક્યારેક તેમને આના માટે ડોનેશન પણ મળી રહે છે. શેરિફચાચા મૃતદેહને સાઇકલ પર કે હાથગાડીમાં ધકેલીનેય લઈ જાય છે. આવાં નેક કાર્ય કરનાર શેરિફચાચા કહે છે, ‘ક્યા હિન્દુ, ક્યા મુસલમાન? સબસે પહલે ઇન્સાન!’

આ પણ છે પ્રેરણાદાયી પદ્મશ્રી વિજેતાઓ

તુલસી ગોવડા- કર્ણાટકનાં ૭૨ વર્ષનાં તુલસી ગોવડાની આંખોમાં યુવતી જેવી ચમક છે. પર્યાવરણની જાળવણી માટે તેમણે અદ્ભુત કાર્ય કર્યું છે અને અત્યાર સુધી લાખ જેટલા છોડવાઓ વાવ્યા છે.

મુઝિક્કલ પંકજાક્ષી- તેમને કલા માટે પદ્મશ્રી મળ્યો છે. કેર‍ળની ભૂંસાતી જતી નોકુવિદ્યા પવક્કલ્લી નામની એક પરંપરાગત થપેટવિદ્યાને તેઓ સાચવીને બેઠાં છે અને અન્યોને પણ શીખવે છે.

રાધામોહન અને સાબરમતી- ઓડિશાનાં પ્રો. રાધામોહન અને સાબરમતી પિતા-પુત્રી છે. કેટલીક ન ખેડાયેલી જમીનમાં તેમણે ઑર્ગેનિક ટેક્નિકથી કઈ રીતે અનાજ ઉગાડી શકાય એના સફળ પ્રયોગો કર્યા છે.

ડૉ. રવિ કન્નન- આસામની બરાકવેલીના ડૉ. રવિ કન્નન ત્યાંના કૅન્સરના દરદીઓ માટે ભગવાન છે. એક નાના સેન્ટરથી શરૂ થયેલી ડૉ. રવિની યાત્રા આજે વિશાળ હૉસ્પિટલમાં પરિણમી છે.

કુરાલકંવર શર્મા- આસામના જ બીજા એક ડૉક્ટર જે હાથીઓની સારવાર માટે મશહૂર છે એવા કુરાલકંવર શર્માને પણ હાથીઓની પ્રજાતિઓ રક્ષવા માટે પદ્મશ્રી અવૉર્ડ એનાયત થયો છે.

ટ્રિનિટી સાઇઓ- હળદરની ખેતી માટે જેનું નામ ખૂબ ગાજ્યું એવાં ટ્રિનિટી સાઇઓ ફક્ત બાવન વર્ષની ઉંમરનાં છે. મેઘાલયની સ્ત્રીઓને તેમણે હળદરની ખેતી માટે પ્રોત્સાહિત કરી અને તેમની આવકમાં ત્રણગણો વધારો કરવા માટે તે નિમિત્ત બન્યાં.

હરેકાલા હજાબ્બા- મૅન્ગલોર, કર્ણાટકનાં હરેકાલા હજાબ્બા પોતે લખી-વાંચી શકતાં નથી. તેઓ ઑરેન્જના વેપારી છે. પોતાના ધંધામાં ઊભી થયેલી આવકમાંથી પોતાના ગામમાં શાળા ઊભી કરી છે જેથી કોઈ બાળક અભ્યાસથી વંચિત ન રહે.

અરુણોદય મોંડલ- પશ્ચિમ બંગાળના સુંદરબનના અરુણોદય મોંડલને પણ પદ્મશ્રી આપવામાં આવ્યો છે. તેઓ દાયકાઓથી અંતરિયાળ ભાગોમાં મેડિકલ સેવાઓ પૂરી પાડે છે.

હિમ્મતારામ ભાંભુ- રાજસ્થાનના સૂકાભઠ્ઠ વિસ્તારને હરિયાળીથી નવપલ્લવિત કરનારી પ્રતિભામાં હિમ્મતારામ ભાંભુનું પણ નામ છે. તેમણે લાખો વૃક્ષો વાવીને સૂકા પ્રદેશને લીલોછમ કરી દીધો છે.

મુન્ના માસ્તર- રાજસ્થાનની જ બીજી ખાસ પ્રતિભા એટલે મુન્ના માસ્તર. મૂળ નામ રમજાન ખાન. તેઓ હિન્દુ ભજનો ગાવા માટે પ્રખ્યાત છે. પદ્મશ્રીના સમાચાર મળ્યા ત્યારે પણ તેઓ ગૌશાળામાં ભજન ગાઈ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2020 12:41 PM IST | Mumbai | Sanjay Pandya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK