70 વરસ પહેલાંનો એ દિવસ: વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા

Published: Jan 25, 2020, 16:14 IST | Deepak Mehta | Mumbai

હૈયામાં હામ હતી: વો સુબહ કભી તો આએગી

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ભગવાનદાસકાકાને એ દિવસ બરાબર યાદ છે. ૭૦ વર્ષ પહેલાંનો એ દિવસ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦. એ એક દિવસ જ નહીં, એ આખું અઠવાડિયું મુંબઈ હિલોળે ચડ્યું હતું. રૅશનમાં દાણોપાણી લેવા માટેની લાંબી લાઇનો થોડા દિવસ માટે અલોપ થઈ ગઈ હતી. એને બદલે સાંજ પડ્યે કોટ વિસ્તારમાં જતી ટ્રામ અને બસનાં સ્ટૉપ પર લાંબી લાઇનો લાગતી હતી. કારણ? કારણ કે કોટ વિસ્તારનાં કેટલાંય મકાનો ૨૫, ૨૬ અને ૨૭ની રાતે રોશનીથી ઝળહળવાનાં હતાં, પહેલી વાર. પણ જે માનવમેદની ઊમટી હતી એને લઈ જવાનું એકલી ટ્રામ કે બસનું ગજું નહોતું. એટલે ખટારાઓ ભરી-ભરીને લોકો એ રોશની જોવા જઈ રહ્યા હતા. ચાલના ભાડૂતો એક ખટારામાં ઠાંસી-ઠાંસીને ભરાયા હતા. તો સુખી કુટુંબના બે-પાંચ પાડોશીઓ પોતાને માટે અલગ ટ્રક ભાડે કરીને જતા હતા. એમાં બેસવા માટે ગાદલાં પાથરેલાં હતાં, ખાવાપીવાની વાનગીઓ સાથે રાખી હતી. તો વળી કેટલાક લાઉડસ્પીકર પર દેશભક્તિનાં ગીતો વગાડતા હતા. પોતાની પાસે જે સૌથી સારાં કપડાં હોય એ સૌએ પહેર્યાં હતાં. મુંબઈના રસ્તાઓ પર ફુગ્ગા, ફરફરિયાં, ‌પિપૂડાં, કાગળના ઝંડા વેચનારા ફેરિયાઓ ઊમટી પડ્યા હતા. તેમની પાસેથી હઠ કરીને ખરીદેલાં પિપૂડાં બાળકો જોર-જોરથી વગાડતાં હતાં. તો વળી કેટલાક ખટારામાં ભૂતકાળને યાદ કરીને આઝાદીની લડત દરમ્યાન ગવાતાં ગીતો બહેનો ગાતી હતી: ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા.’ તો કેટલાય લોકો પગપાળા રોશની જોવા અને પહેલો પ્રજાસત્તાક દિવસ ઊજવવા નીકળી પડ્યા હતા. તેમનાં ટોળેટોળાં ચર્ચગેટ અને વી.ટી. સ્ટેશનોની બહાર ઠલવાઈ રહ્યાં હતાં. 

૧૯૪૭માં આઝાદી આવી ત્યારે પણ આનંદ તો હતો જ લોકોમાં પણ ઉત્સાહ જરા મોળો પડી ગયો હતો; કારણ કે દેશના ભાગલા, એને કારણે થયેલી સામૂહિક હિજરત, હિજરતીઓ પર થયેલા અત્યાચાર, આઝાદીના ઉત્સવથી દૂર-દૂર ગાંધીજીનું નોઆખલી જઈ રહેવું. વળી ઑગસ્ટ એટલે તો મુંબઈ માટે ભર ચોમાસાના દિવસો. પણ એનું સાટું પહેલા પ્રજાસત્તાક દિવસે લોકોએ જાણે વાળવાનું નક્કી કર્યું હતું. એ વખતે હજી ટ્યુબલાઇટ આવી નહોતી. ઘણા લોકોએ ઘરની બહાર સાદા કે રંગીન બલ્બનાં તોરણ બાંધ્યાં હતાં. કેટલાંય ઘરોની બહાર તિરંગો ફરકતો હતો. હજી પ્લાસ્ટિકનું ચલણ થયું નહોતું એટલે બાળકો કાગળના ઝંડા હાથમાં લઈને ફરતા હતા. આ વરસથી નિશાળોમાં દર વર્ષે એક નવી છુટ્ટી ઉમેરાશે એનો આનંદ હતો. ગિરગામ, કાલબાદેવીની બજારો, ઝવેરી બજાર, દાણાબજાર, લુહાર ચાલની ઇલેક્ટ્રિક સામાનની બજાર, બીજી

નાની-મોટી બજારો વેપારીઓએ શણગારી હતી. કેટલીક બજારોના રસ્તા પર ફૂલનાં કે વાંસની રંગીન ટોપલીઓનાં કે

તાંબા-પિત્તળનાં વાસણોનાં દરવાજા-કમાન ઊભાં કર્યાં હતાં. કેટલીયે દુકાનોની બહાર રંગોળી પૂરીને ગાંધીજી, નેહરુ, સરદાર, નેતાજી, જેવા દેશનેતાઓનાં ચિત્રો તૈયાર કર્યાં હતાં. રોશની જોવા આવનારાઓ માટે ઠેર ઠેર પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી, કારણ કે પીવાનું પાણી પ્લાસ્ટિકની બાટલીઓમાં વેચાય એવી તો ત્યારે કોઈએ કલ્પના પણ કરી નહોતી.

મુંબઈ મ્યુનિસિપાલિટીનું વડું મથક, વિક્ટોરિયા ટર્મિનસ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ), ત્યાંથી ફ્લોરા ફાઉન્ટન સુધીનાં કેટલાંય મકાનો, મ્યુઝિયમ, રાજાબાઈ ટાવર, ગેટવે ઑફ ઇન્ડિયા અને બીજાં કેટલાંય જાહેર અને ખાનગી મકાનો ત્રણ રાત રોશનીથી ઝળહળતાં હતાં. મુંબઈમાં આવું પહેલી વાર બન્યું હતું. પણ પહેલી રાતે, ૨૫મીની રાતે ગમ્મત થઈ. રોશની જોવા કેટલા લોકો આવશે, રાતના કેટલા વાગ્યા સુધી આવશે એની કોઈને ખબર નહોતી. એટલે નક્કી થયું કે જ્યારે લોકોનાં ટોળાં આછાં અને ઓછાં થાય ત્યારે સૌથી પહેલાં રાજાબાઈ ટાવરની રોશની બંધ થશે અને એ બંધ થઈ છે એમ જોયા પછી બીજાં બધાં મકાનોની રોશની બંધ થશે. પણ થયું એવું કે રાજાબાઈ ટાવરના રખેવાળને આવી ગઈ ઊંઘ. એટલે એ ટાવરની રોશની બહુ મોડે સુધી ચાલુ રહી અને એટલે બધાં મકાનો વહેલી સવાર સુધી ઝળહળતાં રહ્યાં. રોશની ચાલુ રહે ત્યાં સુધી પોલીસ દળ ફરજ પર રહેશે એવું ઠરાવાયું હતું. એટલે વહેલી સવાર સુધી કોટ વિસ્તારમાં પોલીસો ફરજ બજાવતા રહ્યા. અલબત્ત, એ વખતે આતંકવાદ જેવો તો કોઈએ શબ્દ પણ સાંભળ્યો નહોતો એટલે પોલીસો પણ લોકોના આનંદમાં સહભાગી થઈને ફરજ બજાવતા હતા. નહોતાં ક્યાંય મેટલ ડિટેક્ટર કે નહોતા સીસીટીવી કૅમેરા. લોકોને અને પોલીસને એકબીજા પર વિશ્વાસ હતો. ત્રણ રાત લોકોની ભીડ રહી હોવા છતાં ઘણા લોકો રોશની જોઈ શક્યા નહોતા એટલે તેમની સગવડ ખાતર ચોથી રાતે પણ સરકારી મકાનો પર રોશની કરવામાં આવી હતી. જોકે કેટલાંક ખાનગી મકાનોએ આમ કર્યું નહોતું.

આજે આપણે જેને ચીફ મિનિસ્ટર – મુખ્ય પ્રધાન – કહીએ છીએ તે એ વખતે પ્રાઇમ મિનિસ્ટર – વડા પ્રધાન તરીકે ઓળખાતા. રાજ્યો ત્યારે પ્રાંત તરીકે ઓળખાતાં અને દરેક પ્રાંતમાં એક વડો પ્રધાન હતો. આજનાં મહારાષ્ટ્ર, ગુજરાત, અને બીજા કેટલાક પ્રદેશોનો સમાવેશ મુંબઈ પ્રાંતમાં થતો હતો. પહેલા પ્રજાસતાક દિવસે બી. જી. ખેર મુંબઈ પ્રાંતના ‘વડા પ્રધાન’ હતા. ૧૮૮૮ના ઑગસ્ટની ૨૪મી તારીખે રત્નાગિરિમાં જન્મ. વ્યવસાયે વકીલ. પુણે અને મુંબઈમાં અભ્યાસ. મણિલાલ નાણાવટી સાથે મળીને ૧૯૧૮માં મણિલાલ ખેર ઍન્ડ કંપની નામની લૉ-ફર્મ શરૂ કરી. ૧૯૨૨થી રાજકારણમાં રસ લેતા થયા. બ્રિટિશ શાસન દરમ્યાન ૧૯૩૭થી ૧૯૩૯ સુધી તેઓ મુંબઈ પ્રાંતના ‘વડા પ્રધાન’ બન્યા હતા. ૧૯૪૬માં તેઓ ફરી એ પદે આવ્યા. ૧૯૫૭ના માર્ચની ૮મી તારીખે તેમનું અવસાન થયું. અગાઉ જે લિટલ ગિબ્સ રોડ તરીકે ઓળખાતો હતો એને પછીથી બી. જી. ખેરનું નામ આપવામાં આવ્યું. બાંદરા (ઈસ્ટ)માં અનુસૂચિત જાતિના લોકોને વસવાટ માટે તેમણે જગ્યા ફાળવી હતી એ આજે ‘ખેરવાડી’ તરીકે ઓળખાય છે. મુંબઈ યુનિવર્સિટીના કાલીના કૅમ્પસમાં એક મકાન સાથે પણ તેમનું નામ જોડવામાં આવ્યું છે.

coin

પ્રજાસત્તાક ભારતના પહેલા સિક્કાઓ.

અને પહેલા પ્રજાસત્તાક દિને મુંબઈ પ્રાંતના ગવર્નર હતા રાજા મહારાજ સિંહ. ૧૯૪૭માં દેશને આઝાદી મળી ત્યારે ૫૦૦ કરતાં વધારે દેશી રાજ્યો હયાત હતાં. અંગ્રેજો ગયા પછી કાયદાની દૃષ્ટિએ એમાંનું દરેક રાજ્ય ‘સાર્વભૌમ’ બન્યું હતું. પોતે હિન્દુસ્તાન સાથે જોડાવું, પાકિસ્તાન સાથે જોડાવું કે દેશી રાજ્ય તરીકે અલગ રહેવું એ નક્કી કરવાનો હક જતાં-જતાં અંગ્રેજો દેશી રાજ્યોને આપતા ગયા હતા. સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુએ એક પછી એક દેશી રાજ્યને ભારત સાથે ભેળવ્યું. કેટલાક રાજવીઓએ અગમચેતી વાપરીને લગભગ સ્વેચ્છાએ ભારતમાં ભળી જવાનું સ્વીકાર્યું હતું. તેમની આવી ખેલદિલીને ધ્યાનમાં રાખીને સરકારે તેમાંના કેટલાકની નિમણૂક એક યા બીજા પ્રાંતના ગવર્નર તરીકે કરી હતી. કપૂરથાલાનું દેશી રાજ્ય ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મી તારીખે જ ભારતમાં ભળી ગયું હતું. રાજા મહારાજ સિંહ હતા એના રાજવી કુટુંબના નબીરા. તેમનો જન્મ ૧૮૭૮ના મે મહિનાની ૧૭મી તારીખે, અવસાન ૧૯૫૯ના જૂનની છઠ્ઠી તારીખે. ઑક્સફર્ડમાં ભણીને એમએ થયા, કાયદાની ડિગ્રી મેળવી, ૧૯૦૨માં મિડલ ટેમ્પલના બારના સભ્ય બન્યા. પણ પછી હિન્દુસ્તાન આવી સરકારી નોકરી સ્વીકારી. યુનાઇટેડ પ્રૉવિન્સ (આજનું ઉત્તર પ્રદેશ)ના ડેપ્યુટી કલેક્ટર બન્યા, લખનઉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા, થોડો વખત કાશ્મીરના ‘પ્રાઇમ મિનિસ્ટર’ બન્યા. ૧૯૪૮થી ૧૯૫૨ સુધી તેઓ મુંબઈ પ્રાંતના ગવર્નર હતા. તેઓ ગવર્નર હતા ત્યારે મુંબઈના ગવર્નર હાઉસમાં એક અદ્વિતીય ઘટના બની હતી. કૉમનવેલ્થની ટીમ અને ગવર્નરની ટીમ વચ્ચેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચ રાજભવનમાં રમાઈ હતી અને ગવર્નરની ટીમના કૅપ્ટન હતા ૭૨ વર્ષની ઉંમરના રાજા મહારાજ સિંહ. તેઓ ઘણાં વર્ષોથી ક્રિકેટ રમતા હતા, પણ આ તેમની પહેલી અને છેલ્લી ફર્સ્ટ ક્લાસ મૅચ હતી. સૌથી મોટી ઉંમરે પહેલી વાર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચ રમવા માટે તેમનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં દાખલ થયેલું છે.

પહેલા પ્રજાસત્તાક દિને મુંબઈમાં યોજાયેલાં ધ્વજવંદન અને પરેડમાં ગવર્નર રાજા મહારાજ સિંહે સલામી લીધી હતી અને બી. જી. ખેર અને તેમના પ્રધાન મંડળના સભ્યો હાજર હતા. પરેડમાં મુંબઈ પોલીસ અને ફાયર-બ્રિગેડે ભાગ લીધો હતો. આ પ્રસંગે પણ લોકોની મેદની ઊમટી હતી. જોકે મુખ્ય સમાંરભ તો નવી દિલ્હીમાં યોજાયો હતો. ઇન્ડોનેશિયાના પ્રમુખ ડૉ. સુકર્ણો મુખ્ય મહેમાન હતા અને દેશના પહેલા પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ધ્વજવંદન કર્યું હતું અને લશ્કરના જવાનોની સલામી ઝીલી હતી. એ વખતે સમાચાર માટેનાં બે જ સાધનો હતાં – છાપાં અને રેડિયો. છાપાં તો બીજા દિવસે સવારે સમાચાર આપે, પણ ઑલ ઇન્ડિયા રેડિયો (પછીનું નામ આકાશવાણી) પરથી હિન્દી અને અંગ્રેજીમાં દિલ્હીના સમારંભની રનિંગ કૉમેન્ટ્રી પ્રસારિત થઈ હતી એ હજારો લોકોએ મુંબઈમાં સાંભળી હતી. અલબત્ત, એ વખતે ટીવી, મોબાઇલ ફોન વગેરે આવ્યા નહોતા. અરે, ટ્રાન્ઝિસ્ટર રેડિયો પણ આવ્યા નહોતા. એટલે ઘરના દીવાનખાનામાં ગોઠવેલા મોટા મસ રેડિયો સામે ઘરના લોકો ઉપરાંત આડોશપાડોશના લોકો પણ જમા થયા હતા. ફિલ્મ્સ ડિવિઝન દ્વારા દર અઠવાડિયે આગલા અઠવાડિયાના બનાવો અંગે દસ્તાવેજી ચિત્ર તૈયાર થતાં, જે દરેક થિયેટરમાં મુખ્ય ફિલ્મ શરૂ થતાં પહેલાં બતાવવાનું ફરજિયાત હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનું દસ્તાવેજી ચિત્ર જોવા માટે થઈને કેટલાય લોકો થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા.

પહેલા પ્રજાસત્તાક દિવસે દેશના ટપાલ ખાતાએ ખાસ ચાર નવી ટિકિટ અને ફર્સ્ટ ડે કવર બહાર પાડ્યાં હતાં. એ ખરીદવા માટે મુંબઈની જીપીઓ પાસે લોકોની લાંબી લાઇનો દિવસો સુધી જોવા મળી હતી. જોકે પ્રજાસત્તાક ભારતના પહેલવહેલા સિક્કા એ દિવસે નહીં, પણ ૧૯૫૦ના ઑગસ્ટની ૧૫મી તારીખે બહાર પડ્યા હતા. એ વખતે હજી દશાંશ પદ્ધતિનું આજનું ચલણ શરૂ થયું નહોતું. એ શરૂ થયું ૧૯૫૭માં. એટલે પ્રજાસત્તાક ભારતના પહેલા સિક્કા એક રૂપિયો, આઠ આના, ચાર આના, બે આના, એક આનો, અડધો આનો અને એક પૈસાના હતા. અગાઉ ગ્રેટ બ્રિટનનાં રાજા કે રાણી સિક્કા પર જોવા મળતાં એનું સ્થાન અશોક સ્તંભે લીધું. શરૂઆતમાં રોજિંદા વ્યવહારમાં આ નવા સિક્કા હાથમાં આવતા ત્યારે ઘણા લોકો એને વાપરવાને બદલે સંભારણા તરીકે સંઘરી રાખતા હતા.

પણ મુંબઈગરાની એક ખાસિયત છે. કોઈ પણ બનાવ, ઘટના પછી એ આનંદનાં હોય કે શોકનાં, એમાંથી તે તરત બહાર આવી જાય છે. બીજાં કેટલાંક શહેરના લોકોની જેમ મુંબઈગરા એને લાંબો વખત મમળાવ્યા કરતા નથી, તરત પોતાની રોજિંદી જિંદગી શરૂ કરી દે છે. પહેલો પ્રજાસત્તાક દિવસ ઉમંગ અને ઉત્સાહથી મનાવ્યા પછી તરત મુંબઈગરાઓએ રોજિંદું જીવન ફરી શરૂ કરી દીધું હતું. એ જ રૅશનિંગ માટેની લાઇનો, એ જ કામ પર ટાઇમસર પહોંચવા માટેની દોટ, લગભગ બધી જીવનજરૂરિયાતોની ખેંચનો સામનો, એ જ... પણ મનમાં એક આશા હતી : વો સુબહ કભી તો આએગી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK