Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સૂર શીખવવા માટે (લાઇફ કા ફન્ડા)

સૂર શીખવવા માટે (લાઇફ કા ફન્ડા)

08 February, 2021 12:47 PM IST | Mumbai
Heta Bhusha

સૂર શીખવવા માટે (લાઇફ કા ફન્ડા)

સૂર શીખવવા માટે (લાઇફ કા ફન્ડા)

સૂર શીખવવા માટે (લાઇફ કા ફન્ડા)


એક પ્રખ્યાત વાયોલિનવાદક ત્રણ વર્ષના લાંબા અંતરાળ બાદ પોતાના ઘરે આવ્યા, ત્યારે તેનો પુત્ર ત્રણ વર્ષમાં દસ વર્ષના બાળકમાંથી તેર વર્ષનો કિશોર બની ગયો હતો. ઘણો બદલાવ આવી ગયો હતો તેનામાં. વાયોલિનવાદક પિતા પોતાના પુત્રને વાયોલિન શીખવવા ઇચ્છતા હતા. તેમના મનમાં ઘણી અપેક્ષાઓ અને સપનાં હતાં પોતાના એકના એક દીકરા માટે, પણ તેઓ કોઈ જબરદસ્તી કે જોરજુલમથી પોતાના દીકરાને સંગીતના રસ્તે વાળવા માગતા નહોતા. સૌપ્રથમ તેઓ પોતાના પુત્રનું મન અને ઇચ્છા તથા શોખ જાણવા ઇચ્છતા હતા.
વાયોલિનવાદક નિયમ મુજબ બીજે દિવસે વહેલી પરોઢે ચાર વાગે રિયાઝ કરવા લાગ્યા. અને બે કલાક રિયાઝ કર્યા બાદ તેઓ ચાલવા ગયા. અને જ્યારે પાછા આવ્યા ત્યારે દીકરાએ પૂછ્યું, ‘પિતાજી, વાયોલિન ક્યારે વગાડશો. વગાડોને મારે સાંભળવું છે.’ વાયોલિનવાદકે કહ્યું, ‘કેમ વહેલી પરોઢે તો વગાડ્યું હતું. શું ત્યારે તું સૂતો હતો?’ દીકરાએ કહ્યું, ‘ના પિતાજી સૂતો નહોતો, હું તો જાગતો હતો.’
‘તો પછી વાયોલિન તે કેમ ન સાંભળ્યું?’ પિતાજીએ પૂછ્યું. દીકરો કંઈ ન બોલ્યો, પણ ત્યાં તેની માતા આવી અને બોલી, ‘આપણા દીકરાની વહેલી સવાર કાન ફાડી નાખે તેવા જાઝ સંગીતની રેકૉર્ડના ઘોંઘાટ સાથે થાય છે. તે ઘોંઘાટભર્યા સંગીત વચ્ચે વાયોલિનના મધુર સૂર ક્યાંથી સંભળાય? કેમ બેટા કહે તારા પિતાને કે મને જાઝ સંગીત બહુ ગમે છે.’
દીકરો કંઈ બોલી ન શક્યો, તે ડરી ગયો હતો કે વાયોલિનવાદક પિતા જાઝ સંગીતનું નામ પડતા જ ગુસ્સે થઈ જશે, પરંતુ પિતા ગુસ્સે ન થયા... બોલ્યા, ‘સંગીત સંગીત છે, પછી વાયોલિનના સૂર હોય કે જાઝના બીટ્સ, જેને જે ગમે તે સાંભળે અને જે ગમે તે શીખે.’ દીકરાને પિતાની વાત ગમી. તે પિતા સાથે જાઝ અને વાયોલિન બન્નેની વાતો કરવા લાગ્યો. પિતા તેની સાથે બધી વાતો કરતાં એક મિત્ર બની ગયા અને તેઓ દીકરા સાથે જાઝ સાંભળતા અને વાયોલિન પણ સંભળાવતા. એક દિવસ પુત્રએ સામેથી કહ્યું, ‘પિતાજી મને જાઝ ગમે છે પણ મારે તમારી પાસેથી વાયોલિન શીખવું છે.’ પિતાજી ખુશ થયા અને પોતાના પુત્રને વાયોલિન શીખવવા લાગ્યા.
પિતાએ ધીરજ રાખી પુત્ર સાથે મિત્રતા કરી, તેના મનને જાણ્યું અને કોઈ જોર જબરદસ્તી કર્યા વિના તેને સંગીતના સૂર શીખવવા માટે પહેલાં તેની સાથે સંવાદ સાધ્યો અને પછી સંગીત શીખવાના પંથે આપોઆપ વાળ્યો. અને થોડાં વર્ષોમાં દીકરો સારો વાયોલિનવાદક બની ગયો.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2021 12:47 PM IST | Mumbai | Heta Bhusha

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK