Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંયમના અતિરેક કરતાં સમજણનું સમતોલપણું સારું

સંયમના અતિરેક કરતાં સમજણનું સમતોલપણું સારું

30 November, 2020 03:33 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

સંયમના અતિરેક કરતાં સમજણનું સમતોલપણું સારું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમે ક્યારેય તમારા બાળકને લેવા તેની સ્કૂલની બહાર ઊભા રહ્યા છો? આ એક એવું સ્થળ છે જ્યાં તમે સાવ એકલા હો તોય મેળાની ફીલ આવે છે. કરવાનું વધુ કંઈ નથી. માત્ર બે-પાંચ મહિલાઓનું ટોળું ઊભું હોય ત્યાં શાંતિથી જઈને ઊભા રહી જવાનું છે અને આજકાલ બધા જ કરે એમ તમારા મોબાઇલમાં માથું નાખી જાણે પોતાના કામમાં અતિશય વ્યસ્ત હો એવો ડોળ કરવાનો હોય છે. પછી જુઓ મજા! દુનિયાભરની ગૉસિપ આપોઆપ જ તમારા કાને આવીને પડશે. ઍટ લીસ્ટ ગૉસિપ પૂરતું તો તમારે કોઈ અખબાર કે ટીવી ચૅનલ જોવાની જરૂર નહીં રહે.

બે-ચાર દિવસ આ સ્થળે નિયમિતપણ જઈને ઊભા રહેવાનું બને તો એક વાત તમે અચૂક નોટિસ કરશો કે મહિલાઓ ગમેતેટલા સારા ઘરની હોય, ગમેતેટલી મૉડર્ન વિચારધારાની હોય કે પછી ગમેતેટલી ભણેલીગણેલી ને ઊંચા હોદ્દા પર કામ કરતી હોય, પરંતુ તેમની વાતોમાં બૉડી વેઇટ એટલે શરીરના વધતા વજનની ચર્ચા અવારનવાર આવ્યા જ કરશે. ટૂંકમાં વધતું વજન એક એવો મુદ્દો છે જે નાત-જાત, પદ-પ્રતિષ્ઠા કશું જ જોતો નથી. અરે! મારા ઘરે કામ કરવા આવતાં બહેન પણ એક વાર કહેતાં હતાં કે તેમની ચાલીની મહિલાઓ રોજ સવાર પડે એટલે પોતાના ઘરની બહાર વૉક કરવા માટે નીકળી પડે છે. લો બોલો! અત્યાર સુધી આપણે જેને ઉચ્ચ વર્ગ કે મધ્યમ વર્ગની મહિલાઓની બીમારી તરીકે જોતા હતા એ વધતા વજને હવે નિમ્ન વર્ગની મહિલાઓને પણ પોતાના સકંજામાં જકડી લીધી છે.



આ સંદર્ભમાં યાદ આવે છે કે થોડા સમય પહેલાં મારે મારા એક ઓળખીતા ડાયટિશ્યનને કાંદિવલીની મહાવીરનગરની ખાઉગલીમાં મળવાનું થઈ ગયું. રવિવારની સવારે બીચ પર પોતાના પતિ સાથે વૉક કરી આવ્યા બાદ એ બહેન મહાવીરનગરના રસ્તા પર ઊભા રહેલા ફેરિયાઓ પાસેથી વડાપાંઉ અને મેદુ વડાં ખરીદી રહ્યાં હતાં. મેં તેમને મજાકમાં કહ્યું કે તમને આજે આવી રીતે રસ્તા પરનું જન્ક ફૂડ ખાતા કોઈ જોઈ જશે તો તમારી પાસે આવવાનું બંધ કરી દેશે. મારી મજાકના જવાબમાં તેમણે મને જે કહ્યું એ શબ્દો મને જીવનભર યાદ રહેશે. તેમણે કહ્યું, ‘ના, એવું નહીં બને. બલકે એ સૌને જીવનમાં સંતુલન જાળવી લાઇફ કેવી રીતે એન્જૉય કરવી એનો ખ્યાલ આવશે.’


મોટા ભાગના આપણે એક્સ્ટ્રીમ પર જીવતા હોઈએ છીએ. ખાવા બેસીએ ત્યારે અકરાંતિયાની પેઠે ચાર હાથે ખાઈએ છીએ અને ખાવાનું છોડીએ ત્યારે સીધા ક્રૅશ ડાયટિંગ પર ઊતરી આવીએ છીએ. કસરત ન કરીએ ત્યારે ઘરમાં પાણીનો ગ્લાસ ભરવા પણ ઊઠતા નથી અને જ્યારે વૉક કરવા જઈએ ત્યારે કલાક-કલાક માત્ર ચાલ્યા જ કરીએ છીએ, જ્યારે કરવાનું જે હોય છે એ તો આ બન્ને બાબતો વચ્ચે સમતુલન જાળવવાનું હોય છે અર્થાત્ બૅલૅન્સ જાળવવાનું હોય છે.

ઊર્દૂ ભાષામાં બૅલૅન્સ માટે એક બહુ સુંદર શબ્દનો પ્રયોગ થાય છે. એ શબ્દ છે તવઝ્ઝુ. વાસ્તવમાં જોવા જાઓ તો જીવનની ખરી મજા જ તવઝ્ઝુમાં રહેલી છે. ખાવાનું હોય ત્યારે એટલું જ ખાવાનું જેટલી પેટને જરૂર છે. જાણે ખાવાનું પહેલાં ક્યારેય જોયું જ ન હોય એમ એના પર તૂટી પણ નહીં પડવાનું અને સાથે જાણે ખાવાથી પાપ લાગવાનું હોય એમ એનાથી દૂર પણ નહીં ભાગવાનું. બસ, થોડું પેટ ખાલી રહે એટલું ખાઈને ઊભા થઈ જવાનું એને તવઝ્ઝુમાં ખાધેલું કહેવાય.


આમ જોવા જાઓ તો જીવનની ખરી મજા જ તવઝ્ઝુમાં રહેલી છે. આ લૉકડાઉનમાં આપણે જોયું કે ફક્ત મહાભારત અને રામાયણ જ નહીં, લોકોએ પહેલાંની હિન્દી સિરિયલો પણ એટલા જ ઉમળકાથી માણી, કારણ કે એ સિરિયલોનાં પાત્રો આપણને વાસ્તવિક લાગતાં હતાં. અત્યારની હિન્દી સિરિયલોની જેમ નહીં કે કોઈ વ્યક્તિ સારી હોય તો એટલી સારી હોય કે આપણને તેના સારાપણાની પણ ચીડ ચડવા માંડે અને કોઈ વ્યક્તિ ખરાબ હોય તો એટલી પણ ખરાબ નહીં કે આપણને તેને પકડીને મારવાનું મન થઈ આવે. સારા અને ખરાબ વચ્ચે પણ એક બૅલૅન્સ હોવું જોઈએ, કારણ કે આપણે બધા પણ એવા જ છીએ. આપણે બધા સારા છીએ, પણ એ એટલા માટે નહીં કે આપણામાં કોઈ ખરાબી જ નથી, પણ એટલા માટે કે આપણને આપણી ખરાબીઓને દબાવી રાખીને સારાઈઓને જાળવી રાખતાં આવડે છે અને એટલે જ આપણે વાસ્તવિક છીએ અને આપણા જીવનમાં બૅલૅન્સ જળવાયેલું રહે છે.

તમે કોઈ વ્યક્તિને પૂછો કે તને દિવસ ગમે છે કે રાત, તો મહદ્ અંશે જવાબ એ જ મળશે કે મને રાત કે દિવસ નહીં પરંતુ એ બન્નેની વચ્ચેનો સૂર્યોદય પહેલાંનો અથવા સૂર્યાસ્ત પછીનો સમય ગમે છે. બીજા શબ્દોમાં આ સૃષ્ટિ પણ આપણને વધુ સુંદર ત્યારે લાગે છે જ્યારે એ અંધકાર અને ઉજાસ વચ્ચેના સમયના રંગોથી રંગાયેલી હોય છે. એવી જ રીતે છોડનો એક હિસ્સો સૂર્યના પ્રકાશ તરફ ઉન્મુક્ત રહે છે અને બીજી છેડો માટીના અંધકારમાં ઊંડો ઊતરે છે ત્યારે જ સુંદર ફૂલ ખીલે છે.

જીવનનું પણ એવું જ છે. એમાં સુખ અને દુઃખ, આશા અને નિરાશા, સફળતા અને નિષ્ફળતા વગેરેનું મિશ્રણ હોવું જોઈએ. એકની સંપૂર્ણ અવેજીમાં આપણને બીજાની કિંમત સમજાતી જ નથી. શનિ-રવિની રજાનું મહત્ત્વ તેને જ સમજાય છે જેણે આખું અઠવાડિયું કમરતોડ મહેનત કરી હોય. જે સાવ કામધંધા વગર ઘરે જ પડ્યા પાથર્યા રહે છે તેમને મન બધા જ દિવસો એકસરખા છે. એવી જ રીતે શાંતિની કિંમત પણ તેને જ સમજાય છે જેણે અશાંતિનો સ્વાદ ચાખ્યો હોય. અન્યથા આપણી જ આસપાસ એવા ઘણા દાખલા છે કે જેઓ રહે તો આશ્રમની શાંતિમાં છે, પરંતુ તેમને મન એની કોઈ કિંમત ન હોવાથી છેલ્લે પોતાનાં કાર્યોથી જીવનમાં અશાંતિ ઊભી કરી દે છે.

શું તમને તમારા જીવનમાં કોઈ વસ્તુની અધૂરપ કે અછત લાગે છે? જો આ સવાલનો જવાબ હામાં હોય તો બની શકે કે તમને તમારા જીવનમાં હજી કામ અને આરામ, જવાબદારીઓ અને નિરાંત, ઘોંઘાટ અને શાંતિ વચ્ચે સંતુલન જાળવતાં આવડ્યું નથી. જીવનનું કોઈ એક પલડું એવું છે, જેના તરફ હજી તમારું પૂરતું ધ્યાન ગયું નથી. આ માટે આપણે સતત આપણા જીવનનું પૃથક્કરણ કરતા રહેવું પડે છે અને સમજવું પડે છે કે હાલ આપણે જીવનના કયા પાસાને વધારે મહત્ત્વ આપવાની જરૂર છે. ત્યાર બાદ આપણી પ્રાયોરિટીઝ નક્કી કરી એ પ્રમાણે જીવનનાં વિવિધ પાસાંઓ વચ્ચે સમયની વહેંચણી કરવી પડે છે. જે વ્યક્તિને સંતુલનની આ કળા આવડે છે તે જ એક સ્વસ્થ અને સુખી જીવન જીવી શકે છે. અન્યથા બે એક્સ્ટ્રીમ વચ્ચે સતત ખેંચતાણનો અનુભવ થાય છે, જે આખરે આપણને સમજાય પણ નહીં એવી જીવનમાં અરાજકતા અને અજંપાનું કારણ બની રહે છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2020 03:33 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK