Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૩૦ વર્ષની લડતનો અંત RTI કાયદાની મદદથી આઠ મહિનામાં આવ્યો

૩૦ વર્ષની લડતનો અંત RTI કાયદાની મદદથી આઠ મહિનામાં આવ્યો

11 July, 2020 09:52 PM IST | Mumbai
Dhiraj Rambhiya

૩૦ વર્ષની લડતનો અંત RTI કાયદાની મદદથી આઠ મહિનામાં આવ્યો

૩૦ વર્ષની લડતનો અંત RTI કાયદાની મદદથી આઠ મહિનામાં આવ્યો


મલાડ (વેસ્ટ)માં રહેતા જયેન્દ્ર ગોગરીએ ૧૯૮૭ની બાવીસ ડિસેમ્બરે સ્ટાર મનોર અપાર્ટમેન્ટમાં કમર્શિયલ જગ્યા ખરીદી. ખરીદીના દસ્તાવેજ રજિસ્ટ્રેશન માટે સબરજિસ્ટ્રાર, બોરીવલી નં-૧ કાર્યાલયમાં જમા કરાવ્યા અને લાંબી ૩૦ વર્ષની મનોવેદના તથા અન્યાય સામેની લડતનો પ્રારંભ થયો જેનો RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી ૮ મહિનામાં સુખદ અંત આવ્યો એની અત્યંત ઉપયોગી અને રસદાયક આ કથા છે.

વ્યવસાયના સંચાલન અર્થે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં જગ્યાની ખરીદી કરી દસ્તાવેજ ઓલ્ડ કસ્ટમ્સ હાઉસસ્થિત સબરજિસ્ટ્રારના કાર્યાલયમાં રજિસ્ટ્રેશન માટે આપ્યા. એ સમયમાં સબરજિસ્ટ્રારના કાર્યલયમાં રજિસ્ટ્રેશન માટેના દસ્તાવેજા જમા કરાવવા પડતા અને એની સામે રજિસ્ટ્રેશન ફી ભર્યાની રસીદ આપવામાં આવતી. મહારાષ્ટ્ર રાજ્યની તમામ સબરજિસ્ટ્રારની ઑફિસોએ રજિસ્ટ્રેશન માટે આવેલા દસ્તાવેજો પુણેના 5, ફાઇનૅન્સ રોડસ્થિત બી. જે. મેડિકલ લેડીઝ હૉસ્ટેલની સામે આવેલા શાસકીય છાયાચિત્રણ નોંધણી કાર્યાલયને માઇક્રો ફિલ્મિંગ માટે મોકલવા પડતા. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્ય માટે એક જ માઇક્રો સેન્ટર હોવાના કારણે દસ્તાવેજને માઇક્રો ફિલ્મિંગ માટે સહેજે ૧૦થી ૧૫ વર્ષ રાહ જોવી પડતી. દસ્તાવેજો પોસ્ટ ઑફિસના માધ્યમથી આવનજાવન કરતા હોવાથી પરિવહનમાં ગેરવલ્લે થવાની શક્યતા અને સંભાવના ભારોભાર રહેતી હોવાથી રજિસ્ટ્રેશન માટે આપેલા દસ્તાવેજો ગુમ થવાની ફરિયાદો અવારનવાર ઉદ્ભવતી.



જગ્યાનો કબજો મળી ગયો હતો. કો-ઑપરેટિવ સોસાયટીના સભ્ય પણ બની ગયા હતા. ધંધો ઠીકઠાક ચાલતો હતો. વ્યવસાયિક અને સાંસારિક પળોજણમાં સમય ઝડપથી વહેતો રહ્યો. આજકાલ કરતાં ૨૫ વર્ષનો સમય પસાર થઈ ગયો. અચાનક એક દિવસ વ્યવસાયિક જગ્યાના માલિકી હકના દસ્તાવેજનું સ્મરણ થયું. અતિ વ્યસ્તતામાંથી સમય કાઢી ઓલ્ડ કસ્ટમ્સ હાઉસસ્થિત સબરજિસ્ટ્રારની ઑફિસમાં જઈ રજિસ્ટર્ડ કરવા આપેલા દસ્તાવેજોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે મલાડની પ્રૉપર્ટીને લગતા રજિસ્ટ્રેશનનું કાર્ય હવે બાંદરા (ઈસ્ટ)માં કલાનગરસ્થિત સબરજિસ્ટ્રારની ઑફિસ સંભાળે છે એટલે ત્યાં તપાસ કરશો.


મલાડથી બાંદરાની સબરજિસ્ટ્રાર ઑફિસના અવારનવાર ધક્કા ખાવાનું ચાલુ કર્યું. બહાનાબાજીના બેતાજ બાદશાહ એવા મુંબઈ ઉપનગર જિલ્લા (બાંદરા)ના બાબુઓ ધરમના ધક્કા ખવડાવતા રહ્યા અને દરેક વખતે નવાં બહાનાં બતાડીને જયેન્દ્રભાઈને રવાના કરી દેતા. બાબુઓએ પછી તો કાર્યાલયની બહાર ઘરાકની શોધમાં આંટા મારતા એજન્ટોના રવાડે ચડાવી દીધા. આપનું કામ થઈ જશે. સાહેબ સાથે અંગત સંબંધ છે. પ્યુનથી માંડી સાહેબ સુધીના સર્વેને ચા-પાણી આપવાં પડશે. જે તોડપાણી થાય એના ૫૦ ટકા કામ પહેલાં  અને ૫૦ ટકા કામ પતે એની સામે. ૫૦,૦૦૦થી માંડીને લાખ રૂપિયા સુધીની રકમની માગણી કરવામાં કોઈ લાજશરમ નડતી નહીં.

આ ખાંખાંખોળામાં આજકાલ કરતાં


બીજાં પાંચેક વર્ષનો સમય વ્યતીત

થઈ ગયો.

વાતચીતના દોરમાં વેદનામાં અચાનક સરી પડતાં જયેન્દ્રભાઈને તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાનની તથા મલાડસ્થિત RTI સેવાકેન્દ્રની માહિતી મળી. ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવીને ૨૦૧૭ની  ૬ નવેમ્બરે કેન્દ્ર પર પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત સેવાકેન્દ્રના નિયામક અમિત શાહ સાથે થઈ. તેમણે જયેન્દ્રભાઈની મનોવેદનાની વાત શાંતિથી સાંભળી લાવેલી ફાઇલનો અભ્યાસ કરી RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી :

૧) તા. ૧૬-૧૨-૧૯૮૭ની રસીદ નં. ૯૭૪૮૯૧ હેઠળ આપેલી જગ્યા ખરીદીના મૂળ ઍગ્રીમેન્ટના રજિસ્ટ્રેશન માટે કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી આપશો તથા એની સાંપ્રત સ્થિતિની જાણકારી આપશો.

૨) આપના વિભાગના સિટિઝન

ચાર્ટર મુજબ આપેલા દસ્તાવેજની નોંધણી-રજિસ્ટ્રેશન માટે નિશ્ચિત કરેલી મહત્તમ સમયમર્યાદા જણાવશો.

૩) મેં જમા કરાવેલા મૂળ દસ્તાવેજની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરવાની જવાબદારી ધરાવતા અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્ક નંબરો અને કાર્યાલય-સરનામું જણાવશો.

૪) દસ્તાવેજની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં ન આવી હોય કે અધૂરી હોય તો એના માટે નોંધાયેલાં કારણો જણાવશો.

૫) મારા દસ્તાવેજના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ ન કરનાર બેજવાબદાર અધિકારી પર કરવામાં આવેલા શિસ્તભંગની કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી તથા કરવામાં આવેલી સજાની વિગતવાર માહિતી આપશો.

૬) કસૂરવાર અધિકારી પર શિસ્તભંગની કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર જ્યેષ્ઠ અધિકારીનું પૂર્ણ નામ, હોદ્દો,

સંપર્ક નંબરો તથા તેમના કાર્યાલયનું સરનામું આપશો.

૭) રજિસ્ટ્રેશન માટે મેં જમા કરાવેલા દસ્તાવેજ ગુમ થઈ ગયા હોય તો એને સાચવવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, સંપર્ક નંબરો તથા કાર્યાલયનું સરનામું જણાવશો.

૮) ગુમ થયેલા દસ્તાવેજનો FIR નોંધાવ્યો હોય તો એની ફોટોકૉપી આપશો અને જો નોંધાવ્યો હોય તો એ માટે નોંધાયેલાં કારણો જણાવશો.

૯) મારા ગુમ થયેલા દસ્તાવેજની અવેજીમાં નવો દસ્તાવેજ કે પ્રમાણપત્ર આપવામાં લાગનાર મહત્તમ

સમયમર્યાદા તથા એની કાર્યવાહીની માહિતી આપશો.

૧૦) ઉપરોક્ત બાબતોને આનુષંગિક અન્ય કોઈ માહિતી હોય તો એ પણ અચૂક આપશો.

૧૧) મારી આ અરજીના આપે આપેલા પ્રત્યુત્તરથી હું સંતુષ્ટ ન થાઉં તો RTI કાયદાની  જોગવાઈના અંતર્ગત પ્રથમ અપેલેટ અધિકારીનું નામ, હોદ્દો, સંપર્ક નંબરો તથા કાર્યાલયનું સરનામું જણાવશો.

RTI કાયદા હેઠળની ઉપરોક્ત ધારદાર અરજી મળતાં બાબુઓ હતપ્રભ થઈ ગયા. બેજવાબદાર બાબુઓ ઉપરોક્ત માગેલી માહિતી આપી શકે એમ નહોતા, કારણ કે કોઈ કાર્યવાહી જ કરી નહોતી. કાર્યવાહી કરી નથી આથી માગેલી માહિતી આપી શકીએ એમ નથી એવું કહે તો શિસ્તભંગના પગલા હેઠળ

કઠોર કાર્યવાહીનો સામનો કરવો પડે. દસ્તાવેજ હજી સુધી મળ્યો નથી, દસ્તાવેજની શોધ ચાલુ છે એવો નરો વા કુંજરો વા જેવો જવાબ ૨૦૧૭ની ૨૯ નવેમ્બરે આપ્યો.

અપૉઇન્ટમેન્ટ મેળવી જયેન્દ્રભાઈ RTI કેન્દ્ર પર અમિતભાઈને મળ્યા અને તેમને RTI અરજીનો આવેલો જવાબ વાંચવા આપ્યો જેના વાંચન બાદ તેમણે RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ બનાવી આપી જે ૨૦૧૮ની ૧૫ જાન્યુઆરીએ F.A.A. (ફર્સ્ટ અપેલેટ ઑથોરિટી)ના કાર્યાલયમાં આપવામાં આવી. એના પ્રત્યુત્તરમાં RTI અરજીનો આપેલો જવાબ જ પત્ર પર તારીખ બદલાવી મોકલી આપ્યો. અમિતભાઈએ જવાબ વાંચીને RTI કાયદા હેઠળની દ્વિતીય અપીલ બનાવી આપી જે રાજ્ય માહિતી આયોગના કાર્યાલયમાં ૨૦૧૮ની ૧૯ માર્ચે જમા કરવામાં આવી અને એની સુનાવણી ૨૦૧૮ની ૯ મેના રોજ ન્યુ ઍડ્મિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, ૧૩મા માળે, માદામ કામા માર્ગ, મંત્રાલયની સામે, મુંબઈ-૩૨ મધ્યે રાખવામાં આવી. રાજ્ય માહિતી આયુક્ત, અજિતકુમાર જૈન સાહેબે પુણેસ્થિત શાસકીય છાયાચિત્રણ નોંધણી કાર્યાલયના જન માહિતી અધિકારીને ફરિયાદીના રજિસ્ટ્રેશન માટે આવેલા દસ્તાવેજ પ્રમાણિત કરી ૨૦૧૮ની ૨૫ મે પહેલાં ફરિયાદીને આપવાનો આદેશ આપ્યો અને આગામી સુનાવણી ૨૦૧૮ની ૨૯ મેના રાખવામાં આવી હોવાનું જાહેર કર્યું.

૨૦૧૮ની ૨૯ મેની સુનાવણીમાં આયુક્ત સાહેબે, સબરજિસ્ટ્રાર, મુંબઈ ઉપનગર જિલ્લા તથા  શાસકીય છાયાચિત્રણ નોંધણી કાર્યાલય-પુણેના જન માહિતી અધિકારીઓને સુસ્પષ્ટ નોટરાઇઝ્ડ પ્રતિજ્ઞાપત્ર સહ ૨૦૧૮ની ૧૮ જૂનની બપોરના ૩ વાગ્યે આયોગ સમક્ષ હાજર રહેવાનો આદેશ આપ્યો.

૨૦૧૮ની ૧૮ જૂનની સુનાવણીમાં અપીલાર્થીએ રજૂઆત કરતાં જણાવ્યું કે જગ્યાખરીદીના દસ્તાવેજની ફોટોકૉપી તેમની પાસે ઉપલબ્ધ છે. એને નોંધણી મહાનિરીક્ષક તથા મુદ્રાંક નિયંત્રકે આપેલા નિર્દેશ મુજબ નક્કી કરેલી પદ્ધતિ અનુસાર પ્રમાણિત કરીને આપી શકાય એવું જન માહિતી અધિકારીએ સ્પષ્ટ કર્યું.

અપીલ સંદર્ભના કાગળપત્રોના અવલોકન કરીને તેમ જ બન્ને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આયોગ એવા નિર્ણય પર આવે છે કે જન માહિતી અધિકારી, વિભાગના નિર્દેશ પ્રમાણે ખરીદી દસ્તાવેજને પ્રમાણિત કરી અપીલાર્થીને ૨૦૧૮ની ૩૦ જુલાઈ

સુધી આપવાના આદેશ સાથે ઉપરોક્ત અપીલ માન્ય કરી એનો નિકાલ કરવામાં આવે છે.

કમિશનરસાહેબના ઉપરોક્ત આદેશના કારણે જયેન્દ્રભાઈના હાથમાં ખરીદી દસ્તાવેજની પ્રમાણિત નકલ હતી અને તેમના માટે જાણે સોનાનો સૂરજ ઊગ્યો. ૩૦ વર્ષની પળોજણ તથા મનોવેદનાનો અમિતભાઈ તથા સાથીઓની કર્તવ્યનિષ્ઠા તેમ જ સેવાભાવના કારણે તેમ જ RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગ થકી ફાઇટ ફૉર યૉર રાઇટની મનોભાવનાનો જયજયકાર થયો.

મુખવાસ

નિ:સ્વાર્થ કાર્ય કરેં તો સેવા હૈ;

વરના કોરી બાત!

સૂરજ ઉગે તો પ્રભાત હૈ, વરના કોરી રાત!

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2020 09:52 PM IST | Mumbai | Dhiraj Rambhiya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK