Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટાઇટલ દુનિયા ફાઇનલ, દિલીપસા’બ અને ચિન્ટુ ફાઇનલ,સ્ક્રિપ્ટ કોઈ પાસે નહીં!

ટાઇટલ દુનિયા ફાઇનલ, દિલીપસા’બ અને ચિન્ટુ ફાઇનલ,સ્ક્રિપ્ટ કોઈ પાસે નહીં!

03 May, 2020 07:09 PM IST | Mumbai Desk
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ટાઇટલ દુનિયા ફાઇનલ, દિલીપસા’બ અને ચિન્ટુ ફાઇનલ,સ્ક્રિપ્ટ કોઈ પાસે નહીં!

ફિલ્મ 'દૂસરા આદમી'ના પ્રીમિયર વખતે યશ ચોપડા અને રમેશ તલવારની સાથે રિશી કપૂર

ફિલ્મ 'દૂસરા આદમી'ના પ્રીમિયર વખતે યશ ચોપડા અને રમેશ તલવારની સાથે રિશી કપૂર


‘દૂસરા આદમી’, ‘દુનિયા’, ‘ઝમાના’ અને ‘સાહિબા’ એમ ચાર ફિલ્મોમાં રિશી કપૂરને ડિરેક્ટ કરનારા રમેશ તલવાર માટે ચિન્ટુ માત્ર હીરો નહોતો, બેસ્ટ ફ્રેન્ડ પણ હતો અને એવું જ ચિન્ટુના પક્ષે પણ હતું. અમેરિકા ટ્રીટમેન્ટ માટે જતાં પહેલાં ચિન્ટુએ છેલ્લો ફોન જો કોઈને કર્યો હોય તો એ હતા રમેશ તલવાર અને ગયા વીકમાં પણ જેના મિસ્ડ-કૉલનો સામેથી જવાબ આપ્યો હતો એ પણ હતા રમેશ તલવાર. રમેશ તલવાર મિડ-ડેના રશ્મિન શાહ સાથે રિશી કપૂર વિશેની મેમરી શૅર કરે છે

‘એક્ઝૅક્ટ ડેટ સાથે કહું તો ૧૪ ઑક્ટોબર. રિશીનો સવારમાં ફોન આવ્યો. ફોન પર કહે, ‘હેય, ‘દૂસરા આદમી’ કી આજ ૪૧વીં સાલગિરાહ હૈ. તુ તો સાલા ટ્વિટર-ફેસબુક પે હોગા નહીં, કૈસે પતા ચલેગા તુઝે? બાય ધ વે હૅપી બર્થ-ડે...’
‘સાલા’ શબ્દ અમારી વચ્ચે મોટા ભાગના બીજા અને ત્રીજા વાક્યમાં આવે. સર્વસામાન્ય શબ્દ હતો આ અમારી વચ્ચેનો અને આ સિવાયની બીજી પણ હલકીફૂલકી ગાળો અમારી વાતચીતમાં આવ્યા કરે. દેખીતી રીતે ૪૧ વર્ષની અમારી ભાઈબંધી, પણ હકીકતમાં તો એનાથી પણ આગળની દોસ્તી અમારી. ‘કભી કભી’ના સમયથી. એ સમયે હું યશ ચોપડાનો ચીફ અસિસ્ટન્ટ ડિરેક્ટર અને ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીરથી હું રિશીને લેવા માટે મુંબઈ આવ્યો હતો. મેટ્રો થિયેટરમાં ‘બૉબી’ની ગોલ્ડન જ્યુબિલી પાર્ટી હતી અને રિશીએ મને ત્યાં જ બોલાવી લીધો હતો. ‘કભી કભી’ કરવા માટે તે જરા ખચકાતો હતો. એ સ્ટાર બની ગયો હતો અને ‘કભી કભી’માં તેની સામે અમિતાભ બચ્ચન અને શશી કપૂર હતા. આટલા બધા વચ્ચે પોતે શું કરશે એવું તેના મનમાં થયા કરતું હતું, પણ પછી ભરોસો રાખીને તે કાશ્મીર આવવા તૈયાર થયો. કાશ્મીર પહોંચતા સુધીમાં અમે ફાલતુ વાતો કરવાને બદલે સીન્સની તૈયારીઓ કરી લીધી અને ત્યાં પહોંચ્યા પછી ૭ દિવસનું કામ અમે ૩ જ દિવસમાં પૂરું કરી લીધું. કાશ્મીરથી કામ પૂરું કરીને નીકળ્યા પછી તેણે સામેથી કહ્યું ‘રમેશ, અગર તું કુછ બના રહા હૈ તો બતાના, સાથ મેં કામ કરેંગે.
*****
અમારી વચ્ચે ૬-૭ વર્ષનો ઉંમરનો ફરક હતો. તે મારાથી નાનો, પણ એમ છતાં અમારી વચ્ચે આ ઉંમર ક્યાંય આવતી નહીં. તે મન પડે ત્યારે મોટો ભાઈ થઈ જાય અને ઇચ્છા પડે ત્યારે નાના ભાઈનો હક જતાવવા માંડે. એ ટ્વિટર પર જેકંઈ પોસ્ટ કરે એ બધું તે મને ફોન કરીને કહે. ખાસ કરીને અમારી સાથે જોડાયેલી હોય એવી વાતો. તેને ખબર હોય કે હું સોશ્યલ મીડિયાની બાબતમાં અનસોશ્યલ છું એટલે. થોડા સમય પહેલાં તેણે જ મને ફોન કરીને કહ્યું હતું કે ‘રમેશ, પતા હૈ તુઝે, એઝ અ ડિરેક્ટર સબ સે ઝ્‍યાદા ફિલ્મ મૈંને તેરે સાથ કી હૈ. ચાર ફિલ્મેં. લક્કી હૈ યાર તુ... પાંચવી ફિલ્મ કરતે હૈં. સબ્જેક્ટ નિકાલ તુ...’
‘દૂસરા આદમી’ દૂર-દૂર સુધી મારા પ્લાનિંગમાં નહોતી. હું તો એક આર્ટ ફિલ્મ જેવા સબ્જેક્ટ પર કામ કરતો હતો અને યશ ચોપડાએ મને કહ્યું કે ચિન્ટુ, તારું આટલું માને છે તો તેને લઈને કોઈ પ્રોજેક્ટ કર, ઝડપથી ઊભો થશે. તેમણે મને ‘દૂસરા આદમી’ની વનલાઇન સંભળાવી અને રિશી એ સાંભળીને તૈયાર થયો. પછી નીતુ સિંહ તૈયાર થઈ અને આમ ‘દૂસરા આદમી’નું કામ શરૂ થયું. એ સમયે મીડિયાવાળા તેને પૂછતા કે પોતે આવડો મોટો સ્ટાર હોવા છતાં તે કેમ નવા ડિરેક્ટર સાથે કામ કરવા તૈયાર થયો. રિશી કહેતો કે આ બે સ્કૂલનું કૉમ્બિનેશન થયું છે. યશ ચોપડા સ્કૂલ અને રાજ કપૂર સ્કૂલ. મિરૅકલ હોગા અને થયું પણ એવું જ. ‘દૂસરા આદમી’નાં ખૂબ વખાણ થયાં અને એનાં ગીતોએ ધમાલ મચાવી દીધી. હું કહીશ કે એ ગીતોમાં જીવ પરોવવાનું કામ રિશી કપૂરે કર્યું હતું. પહેલાં ગીતને પણ સીનની જેમ શૂટ કરવામાં આવતાં, પણ રિશી કપૂરે બૉલીવુડમાં ગીત શૂટ કરવાની પરિભાષા જ બદલી નાખી. તેનું બૉડી જ નહીં, તેની આંખો અને ચહેરો પણ ડાન્સ કરતો અને એને લીધે ડિરેક્ટર માટે ચૅલેન્જ ઊભી થતી. ‘દૂસરા આદમી’ના એકેએક ગીત જુઓ તમે. ‘ચલ કહીં દૂર નિકલ જાએં...’ ‘આખોં મેં કાજલ હૈ, કાજલ મેં મેરા દિલ હૈ...’ ‘નઝરોં સે કહ દો પ્યાર મેં મિલને કા મૌસમ આ ગયા...’
*****
એ પછી બે ફિલ્મો મેં બીજી કરી. અનાયાસ એ બન્ને ફિલ્મોમાં પણ કપૂર ફૅમિલીનું યોગદાન હતું જ પણ એમાં ચિન્ટુ નહોતો. ‘બસેરા’ અને ‘સવાલ’માં શશી કપૂર હતા. ચિન્ટુ સાથે વાતો થતી રહે, મળતા રહીએ. ઘર સાવ નજીક-નજીક એટલે એમ પણ ભેગા થઈએ. ચિન્ટુ ફરિયાદ કરે કે કેમ કોઈ રોલ નથી કાઢતો અને એવા પ્રોજેક્ટ્સ પણ આવ્યા જેમાં પ્રોડ્યુસરે પહેલેથી નક્કી કરી લીધું હોય કે ચિન્ટુને લઈને આપણે ફિલ્મ કરવી છે, પણ એને લાયક રોલ ન હોય. થોડા સમય પછી ચિન્ટુએ જ એક પ્રોડ્યુસરને મારી પાસે મોકલ્યો. ઇસ કો ફિલ્મ કરની હૈ, મસાલા ફિલ્મ. બાત કરોં ઇસ સે...
અને પ્લાનિંગ થયું ‘ઝમાના’નું. સાચું કહું તો એ મારું જોનર નહીં. મને ડર હતો મનમાં કે આ મનમોહન દેસાઈની સ્ટાઇલ, હું બરાબર કરી શકીશ કે નહીં, પણ મારો કૉન્ફિડન્સ વધારવાનું કામ ચિન્ટુએ કર્યું હતું અને સાથોસાથ તેણે જ કહ્યું હતું કે વધુમાં વધુ શું થાય, ફિલ્મ ફ્લૉપ જશેને? ડોન્ટ વરી, દેખ લેંગે...
‘ઝમાના’માં રાજેશ ખન્ના અને ચિન્ટુ હતા. ચિન્ટુને મેં વાત કરી હતી કે કાકાને સાઇન કરવાની ઇચ્છા છે. ચિન્ટુએ સ્પષ્ટતા સાથે કહ્યું કે મને કોઈ વાંધો નથી. કર તું સાઇન, પણ સ્ક્રિપ્ટમાં ચંચુપાત નહીં જોઈએ. ખન્ના અને કપૂરને સાથે લાવવા એ જ બહુ મોટી વાત હતી અને કપૂરે સામેથી કહ્યું કે મને કોઈ વાંધો નથી. આનાથી મોટી ખાનદાની બીજી કઈ હોઈ શકે. બન્નેએ સાથે કામ પણ કર્યું અને ઇન્ડસ્ટ્રીમાં જેકોઈ વાતો હતી કે કપૂર્સને ખન્ના સાથે નથી બનતું એ બધી વાતો પડી ભાંગી. એ સમયે ‘ઝમાના’ ત્રણેક વર્ષ પછી રિલીઝ થઈ હતી અને બધા આ બે ઍક્ટરનો વાંક કાઢતા, પણ સાચી વાત એ છે કે પ્રોડ્યુસર પોતાના બીજા ધંધામાં ડાઇવર્ટ થઈ ગયો હતો. ‘ઝમાના’ જરા પણ ચિન્ટુ કે કાકાને કારણે મોડી નહોતી થઈ. રિશીએ કરેલી એક બીજી મોટી ફિલ્મની વાત કહું તમને. ફિલ્મ ‘દુનિયા’ની.
*****
સલીમ-જાવેદ છૂટા પડ્યા પછી ‘દુનિયા’ જાવેદ અખ્તરે લખી હતી. તેની વાઇફ હની ઈરાની મારી અસિસ્ટન્ટ. હનીએ આવીને કહ્યું કે જાવેદને લાયક કંઈ હોય તો કહેજે. વાતો ચાલી. બધાને એટલી ખબર કે હું કંઈ કરીશ તો એમાં ચિન્ટુ આવશે જ આવશે. કરણ જોહરના પપ્પા યશ જોહર સાથે વાત થઈ અને તેમણે પ્રોજેક્ટ માટે હા પાડી. ચિન્ટુ સાથે યુસુફસા’બ. આ કૉમ્બિનેશન પર ચિન્ટુ રાજી અને ખાસ ભાઈબંધ રાજ કપૂરના દીકરા સાથે ફિલ્મ કરવાની એટલે યુસુફસા’બ રેડી પણ સબ્જેક્ટ નહીં. ટાઇટલ નક્કી થયું, ‘દુનિયા.’ મુહૂર્તની તારીખ નક્કી. એવું હતું મનમાં કે એ પહેલાં વનલાઇન રેડી થઈ જશે પણ એવું થયું નહીં અને મુહૂર્તનો દિવસ આવી ગયો. અમે માત્ર ટાઇટલ સાથે મુહૂર્ત કર્યું. યશ જોહર, ચિન્ટુ, યુસુફસા’બ અને જાવેદ અખ્તર પ્લસ હું. અમે આટલા જ જાણીએ છીએ કે અમે વાર્તા વિના ફિલ્મનું મુહૂર્ત કર્યું છે.
મુહૂર્ત પછી સ્ટોરી-શેસન શરૂ થયાં અને વાર્તા બનતી જાય એમ-એમ બન્ને સ્ટારને વાર્તા સંભળાવીએ. આ વાત પર હું અને યશ જોહર ખૂબ હસતા. છેક ‘કભી અલવિદા ના કહેના’ સુધી અમારું હસવાનું ચાલુ રહ્યું. અહીં મને કહેવું છે કે યુસુફસા’બ સતત ધ્યાન રાખતા અને જાવેદ અખ્તરને કહેતા કે ચિન્ટુ કા કામ ઝ્‍યાદા હોના ચાહિયે. યંગ ફિલ્મ બનાઓ, થકી હૂઇ ફિલ્મ કોઈ નહીં દેખેગા.
‘સાહિબા’ની વાત કહું તમને. ‘સાહિબા’ પણ ચિન્ટુએ સામેથી બોલાવીને પ્રોડ્યુસર સાથે મેળવ્યો હતો અને એ પછી તેણે જ કહ્યું હતું કે બાબાને પણ એમાં લેવો. ચિન્ટુની આ ખાનદાની હતી. તે સામેથી બીજા માટે રોલ કાઢે અને તેને ઑફર કરવાનું પણ કહે. એવું પણ નહીં કે તે પ્રેશર કરે. જો ઍક્ટર કોઈ આડોડાઈ કરે તો તે બીજી જ સેકન્ડે તેની બાજુમાંથી હટી જાય અને ડિરેક્ટર-પ્રોડ્યુસરને નિર્ણય લેવા દે. ‘સાહિબા’માં રિશી કપૂર સાથે સંજય દત્ત અને માધુરી દીક્ષિત હતાં. ‘સાહિબા’ બની એ પહેલાં એક ફિલ્મ મેં યશ ચોપડા સાથે કો-પ્રોડ્યુસ કરી, ‘નૂરી.’ બધાની ઇચ્છા ‘નૂરી’માં પણ રિશી કપૂરને લેવાની હતી. યશ ચોપડાની ઇચ્છા હતી કે ‘નૂરી’માં ફારુક શેખવાળો રોલ રિશી પાસે કરાવીએ. તેણે ફોન પર વાત પણ કરી લીધી અને ચિન્ટુએ હા પણ પાડી દીધી.
હું તેને મળવા ગયો. જઈને મેં સૌથી પહેલાં તેને કહ્યું, ‘દેખો ચિન્ટુ, ક્લાઇમૅક્સ પૂરા કુત્તે પે હૈ ઔર કૂત્તા હી સબ કુછ કરનેવાલા હૈ... મૈં નહીં ચાહતા કિ તુ ફિલ્મ કે લિએ હા બોલ.
આખી વાત સાંભળીને તેણે સામેથી ફોન કરીને યશજીને કહી દીધું કે હું આ ફિલ્મ નહીં કરું. નીકળતી વખતે તેણે મને કહ્યું, યાદ રખના, તેરે પે મેરી એક ફિલ્મ કી ઉધારી રહેગી.
*****
આમ તો અમે રેગ્યુલર મળતા, પણ છેલ્લા દોઢેક વર્ષથી તેના પાલી હિલવાળા બંગલાની જગ્યાએ અપાર્ટમેન્ટ બને છે એટલે લતે બીજે શિફ્ટ થયો છે. છેલ્લે એકાદ વીક પહેલાં વાત થઈ હતી. મેં ફોન કર્યો હતો અને એ મિસ્ડ-કૉલનો તેણે બીજા દિવસે જવાબ આપ્યો હતો. ટાઇમપાસ વાતો અને તબિયતની વાત. મેં તેને હેલ્થનું પૂછ્યું ત્યારે તેણે સામેથી મને ન્યુ યૉર્ક સમયની વાત યાદ કરાવી હતી.
દોઢેક વર્ષ પહેલાં જ્યારે કૅન્સર ડિટેક્ટ થયું ત્યારે તેણે અમેરિકા જતાં પહેલાં સામેથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ ગલત ખબર પે ભરોસા કર કે રોને મત બૈઠના... જો કુછ ભી હોગા વો મૈં તુમ્હે બતાઉંગા.
આઠેક મિનિટ વાત થઈ અને તેણે કહ્યું પણ ખરું કે જો કુછ ભી ઇન્સ્ટા ઔર ટ્વિ‍ટર પે ડાલૂંગા વો તુઝે પર્સનલી ભી ભેજતા રહૂંગા...
અમેરિકાથી વાતો થતી રહેતી અને પાછા આવ્યા પછી પણ વાતો થતી રહેતી. તેની નાટક કરવાની ઇચ્છા હતી, પણ એને માટે તેનામાં ધીરજ નહોતી. અમે એક વખત તો એની તૈયારી પણ કરી હતી, પણ કોઈક કારણસર એ કામ અધૂરું રહી ગયું. છેલ્લા બે દિવસથી ચિન્ટુના શબ્દો બહુ યાદ આવી રહ્યા છે : જો કુછ ભી હોગા વો મૈં તુમ્હે બતાઉંગા.
કાશ અત્યારે તેના શબ્દો સાચા પડે અને આ વાત ખોટી હોય અને તે મારા આંસુઓ પર હસે અને કહે : કહા થાના, કોઈ ગલત ખબર પે ભરોસા કર કે રોને મત બૈઠના...


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2020 07:09 PM IST | Mumbai Desk | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK