સમય બડા બલવાન

Published: May 20, 2020, 22:57 IST | Sejal Ponda | Mumbai

સોશ્યલ સાયન્સ - ખોટી રીતે હેરાન કરવાની, શોષણ કરવાની વૃત્તિને તિલાજંલિ આપવી પડશે. વૃત્તિ બદલાશે તો સમાજ બદલાશે

આ કપરા સમયનો પણ અંત તો છે જ, પણ સંવેદનાઓ અને સારપનો અંત ન થાય એ આપણે જોવાનું છે.
આ કપરા સમયનો પણ અંત તો છે જ, પણ સંવેદનાઓ અને સારપનો અંત ન થાય એ આપણે જોવાનું છે.

માણસે જીવવાની રીત તો બદલવી જ પડશે. એ સાથે લોકો સાથેના વ્યવહારની, વર્તનની રીતમાં પણ ફેરફાર કરવા પડશે. સત્તા છે એ સર્વએ પોતાની હાથ નીચે કામ કરતાં એમ્પ્લોય હોય કે મજૂર હોય, કામની બાબતે ભલે સ્ટ્રીક્ટ રહેવું પડે, પણ ખોટી રીતે હેરાન કરવાની, શોષણ કરવાની વૃત્તિને તિલાજંલિ આપવી પડશે. વૃત્તિ બદલાશે તો સમાજ બદલાશે

શું લૉકડાઉન પછી જિંદગી બદલાઈ જશે? શું આપણે નવું ભારત જોઈ શકીશું? શું આપણી જીવવાની રીત પણ બદલાઈ જશે? આપણી અંદરની ભાવના બદલાઈ જશે? આવા અનેક સવાલો ઊભા થયા છે. લૉકડાઉને ઘણુંબધું શીખવી દીધું. આ વાક્ય હવે લોકોના હોઠે ચઢી ગયું છે. 

આ કપરા સમયમાં આપણે કરકસર કરતાં શીખ્યા, ચલાવી લેતા શીખ્યા, ધીરજ રાખતા શીખ્યા, પરિવાર સાથે સમય પસાર કરતાં શીખ્યા, નવી ક્રિએટિવિટી શીખ્યા, આપણા શોખને પંપાળતા શીખ્યા, જે કામ જીવનમાં ક્યારેય નહોતું કર્ય઼ું એ પણ કરતાં થયા.
અમુક કામ સ્ત્રીઓ જ કરી શકે અને અમુક કામ પુરુષો જ કરી શકે એવા ભેદભાવમાંથી બહાર આવ્યા.

mask
હવે ખરેખર એવો સમય આવવાનો છે કે જ્યાં આપણે એવું નહીં કહીએ કે આ કામ મને નથી આવડતું. આ કામ હું ન કરી શકું. હવે બધું જ શીખવું પડશે, મનથી. નથી આવડતું એમ કહી છટકી નહીં શકાય. સમય અને સંજોગો ઘણુંબધું શીખવી દે છે આ વાતમાં તથ્ય છે.
જે કામચોર લોકો કામમાંથી છટકવાના બહાના શોધતા હતા એમણે પણ હવે અલર્ટ રહેવું પડશે. કારણ લોકો પોતાની ક્રિએટિવિટી વધારી રહ્યા છે. જો આળસુ લોકો કામ માટે બહાના કાઢશે તો તરત એમની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ રીપ્લેસ જરૂર થઈ જશે. કારણ લૉકડાઉન પછી બેકારી પણ વધવાની છે. તમે જરાક કામ માટે આળસુગીરી કરી તો બીજા નવા લોકો તૈયાર હશે જે તમારી જગ્યાએ ગોઠવાઈ જશે.
જેમ સિક્કાની બે બાજુ હોય એમ આ સમયની પણ બે બાજુ છે. ધીરે ધીરે ઑફિસો શરૂ થશે પછી શું બૉસની બૉસગીરી ઓછી થશે ખરી? ઘણી જગ્યાએ બૉસ કામનો વધારે ને વધારે બોજો નાખતા જશે એવું પણ બને. પરિસ્થિતિનો ફાયદો ઉપાડી, મજબૂરીનો ફાયદો ઉપાડી જો સત્તાધારીઓ એમના એમ્પ્લોયને દબાવતા જશે તો આ ખરેખર ચિંતાજનક અને શરમજનક હશે.
આ સમય સંવેદનાઓ સાથે જીવવાનો છે. લૉકડાઉન પછી શું બદલાશે? તો સૌથી પહેલાં તો આપણી ભાવનાઓને બદલવાની જરૂર છે. આપણા તરફથી કોઈને ત્રાસ ન થાય, તકલીફ ન પડે, એ મજબૂર ન બને એ જોવાની આપણી ફરજ છે. લૉકડાઉન પહેલાં જે ઉધામા ચાલતા હતા એવા જ જો પછી પણ ચાલે તો તમે આ કપરા સમયમાંથી શું શીખ્યા એ મોટો પ્રશ્ન છે.
માણસે જીવવાની રીત તો બદલવી જ પડશે. એ સાથે લોકો સાથેના વ્યવહારની, વર્તનની રીતમાં પણ ફેરફાર કરવા પડશે. આત્મમંથન કરવું પડશે. સત્તા છે એ સર્વએ પોતાની હાથ નીચે કામ કરતાં એમ્પ્લોય હોય કે મજૂર હોય, કામની બાબતે ભલે સ્ટ્રીક્ટ રહેવું પડે, પણ ખોટી રીતે હેરાન કરવાની, શોષણ કરવાની વૃત્તિને તિલાજંલિ આપવી પડશે. વૃત્તિ બદલાશે તો સમાજ બદલાશે.
સમાજમાં રહેતા દરેક લોકોની વૃત્તિ આપણે બદલી શકવાના નથી. આમ તો વૃત્તિ બદલવાની જવાબદારી વ્યક્તિની પોતાની હોય છે. આપણે માત્ર વિચાર વહાવી શકીએ. એ વિચારને આત્મસાત કરવો કે નહીં એ તો વ્યક્તિ જ નક્કી કરી શકે, પણ આપણે શરૂઆત આપણાથી કરી શકીએ છીએ. હવે જાત અને જગત પ્રત્યે થોડા જાગૃત થવાની જરૂર છે. ખોટી આદતો બદલવાની જરૂર છે.
ઘરમાં કેદ રહીને આપણે ડાહી-ડાહી વાતો તો કરી લીધી, પણ જ્યારે બહાર નીકળવાનો સમય આવશે ત્યારે આપણે કેટલા સંવેદનશીલ હશું? કેટલી આદતો બદલી નાખશું એ જોવાનું રહેશે.
જ્યાં સુધી બીજાને હેરાન કરવાની, ત્રાસ આપવાની, કોઈનું છીનવી લેવાની ભાવનામાંથી સમાજ બહાર નહીં આવે ત્યાં સુધી આવી આપદા આવતી રહેશે એ તો નક્કી જ છે. હજી સમય છે જાગો. પોતાની અંદરની ખરાબ વૃત્તિને ઓળખો, એને બદલો. તમારી અંદર ખોવાઈ ગયેલી સારપને બહાર કાઢો. સારી વ્યક્તિ બનો. સમાજમાં સારી વ્યક્તિઓ ભળતી જશે તો સમાજ એની મેળે જ સારો બનતો જશે.
કુદરતે એક આખું ચક્ર થંભાવી નાખ્યું છે. જેને લીધે આપણે બધા જ જ્યાં છીએ ત્યાં જ અટકી ગયા છીએ. કુદરતનું ચક્ર શરૂ થશે ત્યારે એવા ભ્રમમાં નહીં રહેતા કે - કે પહેલાંની જેમ જ જીવીશું. નહીં ચાલે. બિલકુલ નહીં ચાલે. બદલાવું તો પડશે. જાતને એ બદલાવ માટે હમણાંથી જ પ્રીપેર કરી લો. આ કપરા સમયનો પણ અંત તો છે જ, પણ સંવેદનાઓ અને સારપનો અંત ન થાય એ આપણે જોવાનું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK