Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના ખેલૈયાઓ નવરાત્રિમાં સમયની મર્યાદાના મોહતાજ નથી

મુંબઈના ખેલૈયાઓ નવરાત્રિમાં સમયની મર્યાદાના મોહતાજ નથી

29 September, 2019 12:38 PM IST | મુંબઈ
ભક્તિ ડી દેસાઈ

મુંબઈના ખેલૈયાઓ નવરાત્રિમાં સમયની મર્યાદાના મોહતાજ નથી

ગરબે ઘુમવા થઈ જાઓ તૈયાર

ગરબે ઘુમવા થઈ જાઓ તૈયાર


મુંબઈ એની નાઇટ-લાઇફ માટે પ્રખ્યાત છે. આ નગરી ક્યારેય સૂતી નથી અને એમાં પણ જ્યારે નવરાત્રિની રાતો હોય તો આખું શહેર રાતે પણ લાઇટના ઝગમગાટથી તથા ખેલૈયાઓની ચહલપહલથી ગાજતું હોય, પણ આવું ત્યારે થતું હોય જ્યારે ગરબા રમવા માટે સમયની પાબંદી નહોતી. આવા ધીકતા શહેરમાં નવરાત્રિ દરમ્યાન માત્ર રાતે ૧૦ વાગ્યા સુધી ગરબા રમવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારે ખેલૈયાઓ નારાજ જરૂર થયા હતા. અહીંની નાઇટ-લાઇફ મનાવનારા ખેલૈયાઓને આ બંધન લાગ્યું હતું, પણ આજે આ જ સમયની મર્યાદાને અનુસરીને પણ મુંબઈના ખેલૈયાઓ અને આયોજકો પૂરેપૂરા જોશથી નવરાત્રિ મનાવે છે. એક વાત છે કે મુંબઈમાં નવરાત્રિના દરેક મેદાનમાં  સાંજે ૭ વાગ્યા પછી ઉત્સાહી ખેલૈયાઓની એટલી ભીડ હોય છે કે મોડા જનારાઓ માટે રમવાની જગ્યા રહેતી નથી. 
એક તરફ ફાસ્ટ લાઇફના  આદિ બની ગયેલા મુંબઈગરાઓ, જેમને હવે દિવાળીમાં એકબીજાને ઘરે જવાનો સમય પણ નથી હોતો, તો બીજી તરફ એક એવો વિરોધાભાસ સર્જાઈ રહ્યો છે કે આ જ વ્યસ્ત લોકો નવરાત્રિમાં ગરબા રમવાની સમયની પાબંદીને અનુસરીને દરેક સાંજે પોતાની વ્યસ્તતામાંથી નવરા થઈને નવ રાત ગરબા રમવા હાજર થઈ જાય છે. સમયની મર્યાદાને સાચવીને રમાતી નવરાત્રિમાં પણ ખેલૈયાઓની સંખ્યા વધી છે, ઘટી તો જરાય નથી. આ પરિસ્થિતિથી એક કહેવત યાદ આવે છે કે ‘મન હોય તો માળવે જવાય’, જેને નવરાત્રિ પૂરતી બદલીએ તો ખેલૈયાઓના દૃષ્ટિકોણથી એમ કહી શકાય કે ‘શોખ હોય તો મંડપે જવાય.’
 લોકોનો ઉત્સાહ જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા કમર્શિયલ ગરબા આયોજકોની છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતાં તેઓ હવે ગરબાની શરૂઆત જલદી કરી દે છે અને લોકોને ગરબાની પૂરતી મજા લેવા મળે એનું વિશેષ ધ્યાન રાખે છે. 
નવરાત્રિને એક વિશિષ્ટ પદ્ધતિથી રજૂ કરનાર સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ જેવા મહારાષ્ટ્રના‍ સંતોને યાદ કરી તેમની ધૂન પર ખેલૈયાઓને ગરબા રમાડી નવરાત્રિને ભારતીય એકતાના સ્વરૂપમાં પરિભાષિત કરનાર દાંડિયા-ક્વીન ફાલ્ગુની પાઠક અહીં કહે છે, ‘નવરાત્રિમાં સમયની પાબંદી વર્ષ 2000માં લાગુ થઈ એટલે ખેલૈયાઓ માનસિક રીતે આ વાત માટે તૈયાર છે એથી ઉત્સાહી ખેલૈયાઓ વહેલા આવીને નવરાત્રિની મજા માણે જ છે. મુંબઈની વાત અનેરી છે, કારણ  કે મુંબઈ મારું જન્મસ્થળ છે અને મુંબઈના લોકોએ મને અત્યંત પ્રેમ અને સહકાર આપ્યો છે.’
સમયની મર્યાદા સમસ્યા નથી
‘રંગીલો રે’ આવા જ એક લોકપ્રિય આયોજકોમાંના એક છે, જેઓ તેમના મહેમાનો માટે  પાર્કિંગથી લઈને ઍરકન્ડિશન્ડ ડોમ સુધીની બધી જ સુવિધા આપે છે. ગરબાના નિષ્ણાત ગાયક અને સંગીતકાર પાર્થિવ ગોહિલ કહે છે, ‘સમયની મર્યાદાથી ખાસ કોઈ ફરક પડ્યો નથી. માતાજીની આરતી અને ગરબાની શરૂઆત થતાં સાંજે 7.30 જેવું થાય છે અને ખેલૈયાઓ પણ ત્યાં સુધીમાં મેદાન પર આવવા માંડે છે. હું ખેલૈયાઓને ચાહું છું, તેઓએ મને નિ:સ્વાર્થ અને અખૂટ પ્રેમ આપ્યો છે. એક વાત છે કે શનિ-રવિવારે એટલે કે રજાના દિવસે ખેલૈયાઓની અને પ્રેક્ષકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો હોય છે. બસ આમ જ લોકો તેમનો પ્રેમ વરસાવતા રહે અને અમે તેમનો ઉત્સાહ વધારવાનાં નિયોજન કરતા રહીએ તો સમયની મર્યાદા ક્યારેય સમસ્યા નહીં બને.’ 
પરિિસ્થતિ સ્વીકારે છે મુંબઈગરા
નાયડુ ક્લબ દ્વારા કોરા કેન્દ્રમાં આયોજિત નવરાત્રિ 2019ના મુખ્ય ગાયક તથા ભજન અને ગરબા ગાયક નિલેશ ઠક્કર કહે છે, ‘મુંબઈના લોકો એટલા સરળ છે કે કોઈ પણ પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી લેતાં તેમને વાર નથી લાગતી. જે લોકો રાતે 10 વાગ્યે નવરા થઈને મધરાતે બે વાગ્યા સુધી ગરબા રમતા તેઓ આજે જલદી-જલદી મેદાન પર ગરબા રમવા આવવાનો પ્રયત્ન કરે છે. નિયમો લાગુ થવા જોઈએ અને એ નિયમોનું પાલન પણ થવું જોઈએ એ વાત હું માનું છું છતાં ઘણી વાર કામ પરથી આવનાર ખેલૈયાઓ કામને લીધે કે પછી ટ્રાફિકને લીધે રાતે 9 પહેલાં મેદાનમાં પહોંચી ન શકે અને આવા ખેલૈયાઓ ગરબા રમવાના જોશમાં આવે ત્યાં તો રાતના ૧૦ વાગી જાય છે. આવું જોઈને અમને ક્યાંક ખટકો થાય કે તેઓને પૂરતો સમય મળી નથી શકતો. આટલી તકલીફ ઉઠાવીને પણ થોડા સમય માટે આવનાર ખેલૈયાઓ વાસ્તવમાં કેટલા શોખીન હશે!’
મહિનાઓ પહેલાંથી થતી તૈયારી
છેલ્લાં પચીસ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત ભજન અને ગરબાનાં ગાયિકા ચાવલા સોઢા, પોતાના ઇનડોર ગરબા આયોજનના અનુભવ પરથી કહે છે, ‘ખેલૈયાઓને સમય સાથે કોઈ જ નિસબત નથી, કારણ, અમારા જેવા ગ્રુપ પણ આજે છે, જેઓ ઇનડોર ગરબા રમાડે છે. બે કલાક આમ તો તેઓ માટે બસ થઈ પડે છે, પણ ધારો કે કોઈ વધારે સમય રમવાની ઇચ્છા ધરાવતા હોય તો એવા ખેલૈયાઓ અમારે ત્યાં આવે જ છે. નવરાત્રિના બે મહિના પહેલાંથી તેમની કપડાં અને દાગીનાની તૈયારીઓ ચાલતી હોય છે. ગરબાનાં નવાં સ્ટેપ્સ શીખવા માટે ક્લાસમાં પણ તેઓ જાય છે. કેટલાયે ઉત્સાહી ખેલૈયાઓ પારંપરિક કપડાંમાં આવે છે, જેમને રમવું છે.’
ગરબાની રમઝટ રાત્રે ૮.૩૦ પછી
ખેલૈયાઓ ૧૦ દિવસ પોતાનાં દરેક કામ વહેલાં પતાવીને અથવા મુલતવી રાખીને પણ સાંજે 7 વાગ્યે ગરબાના મેદાનમાં હાજર થઈ જાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓને શણગાર કરવા અને આભૂષણો પહેરવા માટે વધારે સમયની જરૂર હોય છે એ સ્વાભાવિક છે. છોકરીઓ તો મેદાનમાં હાજર થવાના ત્રણ કલાક પહેલાં પોતાનાં બધાં કામમાંથી મુક્ત થઈને સજવા-ધજવાનો સમય ફાળવી ગરબા રમવા સમયસર ઉપસ્થિત થઈ જાય છે એ પ્રશંસનીય વાત છે. આવા જ એક દક્ષિણ મુંબઈમાં રહેતા અને નાનપણથી ગરબા રમવાનાં  શોખીન તૃપ્તિ શાહ કહે છે, ‘હું નાનપણથી રાસ-ગરબા રમવા જાઉં છું. મને શોખ છે કે હું ગરબા રમવા પારંપરિક પહેરવેશ પહેરી ગરબાની મજા લઉં છું. હવે બધે ગરબા રમવાની શરૂઆત વહેલી થાય છે, પણ લોકોની ભીડ લગભગ રાતે 8.30 વાગ્યાની આસપાસ થવા માંડે છે  અને પછી જ ગરબાની રમઝટ જામી રહી હોય એવું લાગે છે. હું ઘણી કમર્શિયલ જગ્યાએ રમવા જાઉં છું અને મને ઉત્તમ ગરબા રમવા માટેનાં ઘણાં ઇનામ પણ મને મળ્યાં છે. જેને શોખ છે તેમને સમયની પાબંદી નડતરરૂપ નથી બનતી એ હું મારા અનુભવ પરથી કહી શકું છું.’
ડૉક્ટર્સ રમે છે ઇનડોર નવરાત્રિ
નવરાત્રિ રમવાના એવા શોખીન લોકો પણ છે જેઓ આખા વર્ષ દરમ્યાન પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કરે છે. તેમના ક્ષેત્રમાં તેમણે આપેલો સમય કોઈકને જીવન આપે છે, તો કોઈકની આરોગ્યની સમસ્યાઓ દૂર કરી તેમની તકલીફ દૂર કરે છે. અહીં વાત થઈ રહી છે ડૉક્ટર્સની. બોરીવલમાં રહેતા ડૉ. જિજ્ઞેશ મહેતા એક એવા ઉત્સાહી ખેલૈયા છે કે જેઓ નવરાત્રિ રમવા માટે મળતા મર્યાદિત સમય પર ધ્યાન નથી આપતા. તેમને સમય નથી મળતો એથી તેઓ રાતે 10 વાગ્યા પછી ઇનડોર ગરબા રમે છે.
અહીં આઇ-સર્જ્યન ડૉ. નિમેષ મહેતા સમયની પાબંદી વિશે કહે છે, ‘ડૉક્ટરનું  ક્ષેત્ર એવું છે કે રાત્રે ૧૦ વાગ્યા પહેલાં ગરબા રમવા માટે સમય કાઢવો અઘરો થઈ જાય છે. એથી મારા ડૉક્ટરમિત્રો માટે મેં સાઉન્ડલેસ ગરબા આયોજિત કરવાનો પ્રયોગ બે વર્ષ પહેલાં કર્યો હતો. આવા ગરબા માટે અમે બધા ડૉક્ટરમિત્રો એક હૉલમાં ભેગા મળીને કાન પર હેડફોન રાખીને ગરબા રમતા, પણ તોયે લાઇવ ઑર્કેસ્ટ્રા જેવી મજા આવી નહીં એટલે અમે રાતે ૧૦ વાગ્યા પછી બંધ હૉલમાં એટલે કે ઇનડોર ગરબા રમવાની શરૂઆત કરી. અમે ગરબા રમવાના શોખીન છીએ. સમયની પાબંદીને માન આપી, સમાજના અન્ય લોકોને અમે નડતરરૂપ ન થઈએ  એ વાતનું ધ્યાન રાખીને ગરબા રમવા માટેનો રસ્તો કાઢવો અમારે માટે જરૂરી છે.’
ગઝદરસ્ટ્રીટમાં રહેતા પ્રીતેશ ભગવાનદાસ શાહ ગરબાના શોખીન ખેલૈયા તો છે જ, પણ દર વર્ષે ઉત્તમ ખેલૈયા તરીકે ઇનામ પણ મેળવે  છે. તેઓ પોતાના અનુભવની વાત કરતાં કહે છે, ‘પહેલાં ગુજરાતની જેમ મુંબઈમાં પણ આખી રાત ગરબા ચાલતા અને એની મજા અનેરી જ હતી. હું છેલ્લાં 22 વર્ષથી લાગલગાટ ગરબા રમવા જાઉં છું. બે વર્ષ હું ‘ડી’ વૉર્ડના મેડિકલ અસોસિએશન દ્વારા આયોજિત ઑપેરાહાઉસ નજીક  એક  હૉલમાં ગરબા રમાય છે ત્યાં મારા પરિવાર અને મિત્રો સાથે જતો. ગયા વર્ષે ત્યાં ગરબાનું આયોજન થયું નહોતું એટલે મારા પરિસરમાં જ રમ્યો અને અમે ક્યારેક ફાલ્ગુની પાઠકને ત્યાં પણ જઈએ છીએ. હું એક વેપારી છું અને હવે ગરબાનો સમય વહેલો થઈ ગયો હોવાથી બધાં કામ વહેલાં પતાવીને પણ ગરબા રમવા જાઉં છું.’
આ બધાના અનુભવ પરથી એક વાત કહી શકાય કે પરિસ્થિતિ કેવી પણ હોય ગરબાનાં શોખીન ખેલૈયાઓ પોતાનાં વ્યસ્ત જીવનમાંથી નવ રાત નવરાત્રિ રમવાનો સમય ફાળવી લે છે.

ગરબાનું ઉત્સાહી યુગલ



દક્ષિણ મુંબઈની ફણસવાડીમાં રહેતું યુગલ રચના શાહ અને સુરેશ શાહ ગરબા રમવાનાં અત્યંત શોખીન છે. તેઓને દર વર્ષે ‘બેસ્ટ કપલ પર્ફોર્મર’ માટે ઇનામ પણ મળે છે. રચનાબહેન તેમના શોખને વર્ણવતાં કહે છે, ‘મને ગરબા રમવાનો એટલો શોખ છે કે ગમે ત્યારે મને કોઈ ગરબા રમવાનું કહે ત્યારે હું હંમેશાં તૈયાર થઈ જાઉં છું.


garba

હું નાનપણથી ગરબા રમવા જાઉં છું. અમે શનિ-રવિવારે ફાલગુની પાઠકને ત્યાં રમવા જઈએ, તો ક્યારેક બોરીવલીના કોરા કેન્દ્રમાં તો અમુક રાત મારે પિયર મલાડ રમીએ અને  ખાસ તો  રામવાડીમાં રમીએ છીએ, જ્યાં ખૂબ જ ભવ્ય આયોજન થાય છે. છેલ્લાં પાંચ વર્ષથી લાગલગાટ મારા પતિને અને મને ઉત્તમ ખેલૈયાનો પુરસ્કાર મળે છે. પહેલાં ગરબા સવારે ૬ વાગ્યા સુધી ચાલતા, પણ હવે સમયની મર્યાદા છે એટલે ઓછો સમય રમવા મળે છે, પણ રમવાની મજા આજે પણ એટલી જ આવે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2019 12:38 PM IST | મુંબઈ | ભક્તિ ડી દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK