Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > આપણે સૌએ સમયને માત આપવાનું શીખી લીધું છે

આપણે સૌએ સમયને માત આપવાનું શીખી લીધું છે

16 October, 2011 06:55 PM IST |

આપણે સૌએ સમયને માત આપવાનું શીખી લીધું છે

આપણે સૌએ સમયને માત આપવાનું શીખી લીધું છે


 

(ગુજ્જુભાઈ LIVE - સિદ્ધાર્થ રાંદેરિયા)

આપણી આ વિચારધારા એ પુરવાર કરે છે કે એક રાષ્ટ્ર તરીકે આપણે સમયના ગુલામ નથી. ઊલટાનું Go Slowની નીતિ આપણી આગવી ઓળખ છે અને આપણે એ હંમેશાં યાદ રાખીએ એની તકેદારીરૂપે જ રસ્તા પર કદાચ ઠેર-ઠેર પાટિયાં મૂકવામાં આવે છે કે ‘ધીમે, કામ ચાલુ છે.’ બાળકોને સ્કૂલમાં જ શીખવવામાં આવે છે કે ‘ધીરજનાં ફળ મીઠાં.’ તકલીફ એ છે કે આપણે આ બોધપાઠ ભૂલી જઈએ છીએ. માત્ર સરકારી કર્મચારીઓ જ આ સોનેરી શિખામણને આત્મસાત્ કરે છે અને એનો નિષ્ઠાપૂર્વક અમલ કરે છે - હોતા હૈ, ચલતા હૈ, ચલતે રહેગા. કોઈ કામમાં ઉતાવળ નહીં. સમયની પાબંદી હરગિજ નહીં. Time is Moneyનો સિદ્ધાંત પણ માત્ર સરકારી ‘ખાતા’વાળા જ સમજી શક્યા છે. પૈસા, સમય છે માટે પૈસા આપો, સમય બચાવો. કેવો સુંદર ‘ભાવ’ છે (અહીં ભાવ ભાવનાના અર્થમાં પણ લઈ શકાય), પણ મારા-તમારા જેવા અજ્ઞાનીઓ આ ભાવનાને લાંચનું નામ આપીને કર્મષ્ઠ કર્મચારીઓને વગોવે છે. અણ્ણા જેવા ઉદ્દામવાદીઓ કરપ્શનનું નામ આપીને જનઆંદોલનો ઉપાડે છે. આવા સમયે સરકારી સાહેબો પ્રભુને એટલી જ પ્રાર્થના કરે છે કે ‘હે પ્રભુ, તે જાણતો નથી કે તે શું કરે છે, તું તેને માફ કર (અમે માફ નહીં કરીએ).’ ખેર, આપણે વાત કરતા હતા સમયની પાબંદીની, પણ જરાક વિચારો. જો દરેક કામ એના નિર્ધારિત સમય પ્રમાણે જ થાય તો જીવનમાં ઉત્કંઠા જેવું શું રહે? અરે, અનિયમિતતામાં જે રોમાંચ છે એ સમયસરતામાં ક્યાં છે? સમય સરવા માટે છે તો એને સરવા દો. ર્કોટમાં ચુકાદાની રાહ જોતાં-જોતાં વાળ ખરે છે તો એને ખરવા દો. Haste is Wasteઆ વાક્યનો મર્મ આખી દુનિયામાં માત્ર આપણા દેશના ન્યાયતંત્રે જ પચાવ્યો છે. ‘તારીખ પે તારીખ’ એ આપણા વકીલો અને ન્યાયાધીશોનો મુદ્રાલેખ છે. આવો, લડો, લડતા રહો; જિંદગી પડી છે (કદાચ કસબને આ વાતની ખબર હતી એટલે જ જાણી જોઈને પકડાઈ ગયો અને ભારતના કરદાતાઓનો મહેમાન બની ગયો). ન્યાયતંત્ર ગર્વથી પુરવાર કરે છે કે ભલે કહેવાય Time is Money પણ અમને સમય અને પૈસા બન્નેની પરવા નથી.

સમયના સકંજામાંથી આપણા દરેક પ્રકારના કારીગરો પણ મુક્ત છે. કોઈ દરજીએ સમયસર બ્લાઉઝ, પૅન્ટ કે લેંઘો સીવી આપ્યાં હોય એવું સાંભળ્યું છે? ઘરનું સમારકામ કે સુશોભનકામ શરૂ કરો અને જુઓ કે સુથાર, કડિયા, રંગારા કેવા પોતાની મોજથી કામ કરે છે. તેમને કોઈ ડેડલાઇન હોતી નથી, ભલે તમે અધમૂઆ થઈ જાઓ. તેમના જીવનનું સૂત્ર છે : ‘સમય સમયનું કામ કરશે, આપણે આપણું કામ કરો. દિવસ ભરો.’

સમયના બંધનમાંથી આમ આદમીને મુક્તિ અપાવવામાં આપણું રાજ્યશાસન પણ એટલું જ કાર્યરત છે. રૅશનિંગ કાર્ડ, પાસર્પોટ કે કોઈ પણ પ્રકારનાં સરકારી કાગળિયાં મેળવવામાં Time Limit જેવું રાખ્યું નથી. ઘડિયાળના કાંટે કે કૅલેન્ડરની તારીખ પ્રમાણે ચાલો એમાં સ્વાયત્તતા ક્યાં રહી? મારા જેવો અદનો આદમી ભલે સમય સાચવવા ધમપછાડા કરે, પણ મુંબઈ શહેરમાં સરિયામ નિષ્ફળ જાય. તમે ક્યાંક સમયસર પહોંચીને બતાવો તો એ ટ્રાફિક-ડિપાર્ટમેન્ટની તૌહીન ગણાય. સમયની ગુલામીમાંથી નાગરિકોને મુક્ત કરવા માટે શહેરમાં ટ્રાફિકની એવી ગોઠવણી ઊભી કરી છે કે એક કિલોમીટર કાપતાં અડધો કલાક વીતી જાય. મોટરગાડીવાળો તો શું હાથગાડીવાળો; સાઇકલવાળો; અરે, પગપાળો માણસ પણ સમસસર ક્યાંય પહોંચી ન શકે અને એ રીતે સમય પર પોતાની સર્વોપરિતા પુરવાર કરે.

હવે જ્યારે ચારે બાજુએથી આટલા પ્રયત્નો થતા હોય તો માણસ સમય સાચવવાની જીદ લઈને ક્યાં સુધી ટકી શકે? એટલે આપણે સૌએ સમયને માત આપવાનું શીખી લીધું છે. પ્રેમિકાને મળવામાં પ્રેમી સમય પાળતો નથી, લગ્નપ્રસંગે જાન હંમેશાં મોડી જ આવે છે. અરે, રિસેપ્શનમાં તો વણલખ્યો નિયમ થઈ ગયો છે કે વર-વધૂ અચૂક કલાક-બે કલાક મોડાં જ આવે. કદાચ વર માટે તેની સ્વતંત્રતા બતાવવાનો એ છેલ્લો અવસર હોય છે માટે પણ હોય. ટ્રેનો, પ્લેનો, ટપાલો મોડાં પડે છે. જે હોય તે, આપણે ભારતવાસીઓ બીજાના નહીં પણ પોતાના સમય પ્રમાણે એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે જીવતા શીખી ગયા છીએ. જે મોડાં પડે છે એ ‘મોટા’ છે અને જે સમય સાચવે છે એ ‘નાના’ છે એવી સિસ્ટમ ઊભી કરી છે. હશે, પણ હું અંગત રીતે Time is Moneyને એના મૂળ અર્થમાં જ સ્વીકારું છું, નાટકના સંવાદમાંથી જ એનો સાચો મર્મ શીખ્યો છું:

‘જે માણસ સમયને નથી સાચવતો તેને સમય પણ નથી સાચવતો.’

‘સમય આપીને પૈસા મેળવી શકાય, પણ પૈસા આપીને વીતેલો સમય મેળવી શકાતો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2011 06:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK