ગુરુવારે રિક્ષાવાળાઓનો જબરો ત્રાસ

Published: 11th September, 2012 02:56 IST

સ્ટ્રાઇક પર જવું ગેરકાયદે હોવાથી ધરણાંના નામે લોકોને રંજાડશે: સરકાર ભાવવધારો કરવામાં સમય લઈ રહી છે એટલે શુક્રવારથી ઑટોડ્રાઇવરો પોતે જ મિનિમમ ૧૫ રૂપિયા પ્રમાણે ગણતરી કરશે : ટૅક્સીવાળા ભાવવધારા માટે ૩૦ સપ્ટેમ્બર સુધી રાહ જોવા તૈયારશશાંક રાવ


મુંબઈ, તા. ૧૧

૧૩ સપ્ટેમ્બરે લાખો લોકોને મુશ્કેલી થશે, જ્યારે એને હડતાળ કહેવી કે ધરણાં એ વિશે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તથા રિક્ષા-યુનિયન વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે. સરકારે ટૅક્સી અને રિક્ષાનો ભાવવધારો અમલમાં લાવતાં પહેલાં થોડો સમય માગ્યો હતો; પરંતુ આ મામલે શરદ રાવના નેતૃત્વવાળા રિક્ષા-યુનિયને મુંબઈ, થાણે, કલ્યાણ, મીરા-ભાઈંદર તથા અન્ય મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ૧૩ સપ્ટેમ્બરે ધરણાં કરવાની જાહેરાત કરી દીધી છે.

ઑટો તથા ટૅક્સી-યુનિયન સાથે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓએ એક ઉચ્ચ સ્તરની અર્જન્ટ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં આ વિરોધને કાયદેસર ગણવો કે ગેરકાયદે એ વિશે ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં હાજર રહેલાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરણાં પર જવાના કાર્યક્રમ વિશે રિક્ષા-યુનિયને પોતાનો નિર્ણય અફર રાખ્યો હતો, જ્યારે સરકારી અધિકારીઓએ એને હડતાળ કરતાં સહેજ પણ ઓછો નથી આંક્યો. આ બેઠક એક કલાક કરતાં વધુ સમય ચાલી હતી.

જો યુનિયન દ્વારા એને હડતાળ જાહેર કરવામાં આવે તો સરકાર એસેન્શિયલ સર્વિસિસ મેઇન્ટેનન્સ ઍક્ટ (એસ્મા) લાગુ કરી શકે, પરંતુ ૧૩  સપ્ટેમ્બરે વાહન ન ચલાવવા બદલ રિક્ષાડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

રિક્ષા-યુનિયન અફર, ટૅક્સી-યુનિયને વિરોધ પાછો ખેંચ્યો


ભાવવધારાના નિર્ણયની પ્રક્રિયા ઝડપી બનાવવા તમામ પ્રક્રિયા હાથ ધરી હોવાની ખાતરી ગવર્નમેન્ટ ઑથોરિટીએ આપી હતી જેથી રિક્ષા તથા ટૅક્સી-યુનિયનો પોતાનું વિરોધ-આંદોલન પાછું ખેંચી લે. ભાવવધારાના મામલે હકીમ કમિટીના રિપોર્ટનો અમલ કરતાં પહેલાં સરકાર રિક્ષા અને ટૅક્સી-યુનિયનો તથા કન્ઝ્યુમર ફોરમ તેમ જ અન્ય પક્ષો સાથે ચર્ચા કરી એમનો અભિપ્રાય પણ મેળવી રહી છે.

ગવર્નમેન્ટના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ખાતરી પછી પણ ૧૩ સપ્ટેમ્બરનો પોતાનો ધરણાંનો કાર્યક્રમ યથાવત્ રાખવાનો નિર્ણય શરદ રાવના નેતૃત્વવાળા યુનિયને લીધો છે. તેમની યોજના મુજબ તેઓ બાંદરા (ઈસ્ટ)માં આવેલી ટ્રાન્સપોર્ટ કમિશનર વી. એન. મોરેની ઑફિસમાં ભેગા થશે એટલું જ નહીં, ૧૪ સપ્ટેમ્બરથી હકીમ કમિટીના રિપોર્ટ પ્રમાણે સુધારેલાં ભાડાં વસૂલ કરવાનું પણ શરૂઆત કરી દેશે જેને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ગેરકાયદે ઠેરવ્યું છે.

મુંબઈ ઑટોરિક્ષામેન્સ યુનિયનના અસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી શરદ રાવે કહ્યું કે ‘આ ધરણામાં ૧૫,૦૦૦ કરતાં વધુ લોકો ભાગ લેશે. હકીમ કમિટીના રિપોર્ટ પ્રમાણે અમે ભાડું વસૂલ કરવાની શરૂઆત કરી દઈશું. હજી કેટલો સમય અમે રાહ જોઈએ?’

દરમ્યાન કેટલાંક ઑટો તથા ટૅક્સી-યુનિયને સરકારના નિર્ણયની રાહ જોઈને પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો છે. મુંબઈ ટૅક્સીમેન યુનિયનના જનરલ સેક્રેટરી એ. એલ. ક્વૉડ્રોસે કહ્યું કે ધરણાંમાં અમે ભાગ નહીં લઈએ, પરંતુ જો સરકાર ૧ ઑક્ટોબર સુધીમાં આ ભાવવધારો જાહેર નહીં કરે તો અમે પણ વિરોધ નોંધાવીશું.

મુંબઈમાં એક વર્ષ પહેલાં જ રિક્ષાનું મિનિમમ ભાડું ૧૨ રૂપિયા તો ટૅક્સીનું ૧૭ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. જો આવાં કોઈ વિરોધ-પ્રદર્શન થાય તો રાજ્ય સરકાર એને પહોંચી વળવા માટે રેલવે, બેસ્ટ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ તથા પ્રાઇવેટ બસ-ઑપરેટરોને વધારાની સર્વિસ દોડાવવા માટે સંપર્ક કરી શકે એવી યોજના બનાવી રહી છે.

પબ્લિક-સ્ટન્ટ

વિવિધ ગ્રાહક સંગઠનો તથા આરટીઓ અધિકારીઓએ આને પબ્લિક-સ્ટન્ટ ગણાવ્યો હતો. એક આરટીઓ અધિકારીએ કહ્યું હતું કે શરદ રાવના યુનિયન દ્વારા સરકાર પર જાણી જોઈને દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણકે તેઓ જાણે છે કે જો સરકાર પ્રસ્તાવિત સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર લાવશે તો આવી ધમકીઓને પહોંચી વળવામાં સફળ રહેશે.

હડતાળિયા લીડરોને જેલમાં મોકલવાની માગણી

ત્રણ લાખ કરતાં વધુ રિક્ષાઓને હડતાળ પાડી રોડ પરથી હટાવવા બદલ યુનિયન લીડર શરદ રાવને મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસિસ મેઇન્ટેનન્સ ઍક્ટ (એમઈએસએમએ) હેઠળ જેલમાં મોકલવા જોઈએ એવી માગણી મુંબઈ ગ્રાહક પંચાયત દ્વારા કરવામાં આવી છે અને કહ્યું છે કે ભાડાવધારાની ડિમાન્ડને લઈને શહેરના નાગરિકોને મુશ્કેલીમાં મૂકી શકાય નહીં. આ વિશે મુખ્ય પ્રધાનને પત્ર લખી કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું છે. હડતાળને કારણે મોટર વ્ોહિકલ રૂલનો પણ અનાદર થાય છે. દરમ્યાન શરદ રાવે કહ્યું હતું કે એ કોઈ હડતાળ નથી પરંતુ ધરણાં છે. જેણે એમાં જોડાવું હોય તે જોડાઈ શકે છે.

આરટીઓ = રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ,

બેસ્ટ = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK