નૅશનલ પાર્કમાં ફરવા ગયેલી ત્રણ ટીનેજરોનો હાઇ ડ્રામા

Published: 9th October, 2012 04:59 IST

પાછા ફરતી વખતે મોડું થઈ જતાં પેરન્ટ્સના ડરને કારણે ઘરે ગઈ નહીં અને આખી રાત બોરીવલી રેલવે-સ્ટેશન પર વિતાવી : ત્યાં જ રાતે અંતાક્ષરી રમી, પછી જમી અને સવારે નાસ્તો પણ કર્યોરવિવારે બપોરે ગુમ થયેલી ૧૫ વર્ષની ત્રણ ટીનેજરો ગઈ કાલે સવારે બોરીવલી રેલવે-સ્ટેશન પરથી મળી આવી હતી. પોલીસે કહ્યું હતું કે આ છોકરીઓ પેરન્ટ્સને કહ્યા વગર જ બોરીવલી (ઈસ્ટ)ના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ફરવા ગઈ હતી, પણ ત્યાંથી પાછા ફરતી વખતે મોડું થઈ જતાં તેઓ પેરન્ટ્સના ડરને કારણે ઘરે ગઈ જ નહોતી અને આખી રાત તેઓ બોરીવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર બેસી રહી હતી.

દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અન્સાર પીરજાદાએ કહ્યું હતું કે ‘દહિસર (ઈસ્ટ)ના કોંકણીપાડા વિસ્તારમાં રહેતી અને દસમા ધોરણમાં ભણતી ત્રણ ટીનેજરે રવિવારે બપોરે નૅશનલ પાર્કમાં ફરવા જવાનું નક્કી કર્યું હતું. ઘરે ક્લાસિસમાં જાઉં છું એમ કહીને તેઓ બપોરે બે વાગ્યે નૅશનલ પાર્કના ગેટ પાસે મળી હતી. નૅશનલ પાર્કમાં ફર્યા તેમને ઘરે પહોંચતાં રાતના આઠ વાગી ગયા હતા એટલે તેમણે પેરન્ટ્સને ફોન કરીને જાણ કરવાની કોશિશ કરી હતી, પણ ડરી જતાં તેમણે પેરન્ટ્સ સાથે વાત કરી નહોતી અને ફોન કાપી દીધો હતો. ત્યાર બાદ તેમણે સ્ટેશન પર જ રહેવાનું નક્કી કર્યું હતું અને ફોન સ્વિચ-ઑફ કરી દીધો હતો. તેમના પેરન્ટ્સે તેમને ઘણી વાર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ફોન સ્વિચ-ઑફ આવ્યો હતો એટલે છેવટે તેમણે દહિસર પોલીસ-સ્ટેશનમાં આ છોકરીઓ ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. એકસાથે ત્રણ ટીનેજર ગુમ થતાં દહિસરથી લઈને ગોરેગામ સુધીની પોલીસોએ તેમને શોધ કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી બાજુ આ યુવતીઓ મજાથી બોરીવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર એક પર રાત્રે અંતાક્ષરી રમી રહી હતી અને મોડી રાત્રે સ્ટેશન પર જ ડિનર કર્યા બાદ સૂઈ ગઈ હતી. વહેલી સવારે ઊઠuા પછી તેમણે સ્ટેશન પર જ બ્રેકફાસ્ટ પણ કર્યો હતો. ગઈ કાલે સવારે નવ વાગ્યે રેલવે-પોલીસની નજર જતાં તેમને તાબામાં લેવામાં આવી હતી અને દહિસર પોલીસને સોંપવામાં આવી હતી.’

ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે પેરન્ટ્સ આ ટીનેજર્સને લેવા આવ્યા હતા એ વખતે નૅશનલ પાર્ક વિશેની જાણ થતાં શરૂઆતમાં તેઓ તેમના પર ગુસ્સે થયા હતા, પણ પછી તેઓ મળી જવાની ખુશીથી આવતા રવિવારે ત્રણે પરિવારે સાથે નૅશનલ પાર્ક જવાનું નક્કી કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK