બે ડઝનથી વધુ ભારતીય-અમેરિકનોએ ઝુકાવ્યું અમેરિકાની પેટાચૂંટણીના જંગમાં

Published: Nov 05, 2014, 05:49 IST

ભારતીય મૂળના ૩૦ લાખથી વધુ મતદારોની નજર નિક્કી હેલી, અમી બેરા અને રો ખન્ના પર : આજે પરિણામ આવશેઅમેરિકાની મહત્વની પેટાચૂંટણીમાં બે ડઝનથી વધુ ભારતીયોએ ઝુકાવ્યું છે, પરંતુ બધાની આંખો ત્રણ યુવા નેતાઓ સાઉથ કૅરોલિનાનાં ગવર્નર નિક્કી હેલી અને કૉન્ગ્રેસસભ્યો અમી બેરા તથા રો ખન્ના પર મંડાયેલી છે.

સ્ટેટ ગવર્નરશિપથી માંડીને પ્રતિનિધિસભા, રાજ્ય વિધાનસભાઓ અને સિટી કાઉન્સિલની બેઠકો માટે આ પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. આ ચૂંટણીનું પરિણામ આજે સવારથી આવવાનું શરૂ થઈ જશે. ભારતીય-અમેરિકન સમુદાયના ૩૦ લાખથી વધુ મતદારો હેલી, બેરા અને ખન્ના પર મીટ માંડીને બેઠા છે.

નિક્કી હેલી ગવર્નર તરીકે બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યાં છે. પ્રમુખપદના ઉમેદવાર તથા ફ્લૉરિડાની ભૂતપૂર્વ ગવર્નર જેબ બુશ, ન્યુ જર્સીના ગવર્નર ક્રિસ ક્રિસ્ટી અને લુઝિયાનાના ગવર્નર બૉબી જિંદલ પણ રિપબ્લિકન પક્ષના ઊગતા સિતારા નિક્કી હેલી માટે પ્રચાર કરી ચૂક્યા છે.

ઓપિનિયન પોલ્સનાં તારણો સાચાં પડશે તો નિક્કી ફરી વાર સાઉથ કૅરોલિનાનાં ગવર્નર બનશે. નિક્કીને વિજય મળવાની ખાતરી છે અને તેમણે ચૂંટણી જીત્યા પછી સૌપ્રથમ વાર ભારતના પ્રવાસે જવાની યોજના પણ ઘડી કાઢી છે. આ ચૂંટણીમાંનો વિજય નિક્કીને રાષ્ટ્રીય તખ્તે લાવશે.

અમેરિકન સંસદ માટે ચૂંટણી લડી રહેલા ચાર ભારતીયો પૈકીના અમી બેરા અને રો ખન્ના કૅલિફૉર્નિયાના છે, જ્યારે મનન ત્રિવેદી પેન્સિલ્વેનિયાના છે. આ ત્રણે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવારો છે. મૅરીલૅન્ડના અર્વિન વોહરા લિબર્ટેરિયન પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

અમી બેરા વ્યવસાયે ફિઝિશ્યન છે અને ૨૦૧૨માં પ્રતિનિધિસભામાં ચૂંટાયા હતા. અમેરિકાનાં ફસ્ર્ટ લેડી મિશેલ ઓબામાએ સોમવારે છેલ્લી ઘડીએ ફોન-કૉલ રેકૉર્ડ કરાવીને બેરાનો પ્રચાર કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK