આઇપીએલ મૅચ પર સટ્ટો લેતા ગુજરાતીઓ સહ ત્રણ પકડાયા

Published: 31st October, 2020 12:45 IST | Faizan Khan | Mumbai

આરોપીઓ ચેન્નઈ સુપર કિંગ્ઝ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મૅચ પર સટ્ટો રમતા ઝડપાયા હતા. આ રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાની સીબીને આશંકા છે.

પીયૂષ આશર, દીપેશ જૈન, દિગેશ મહેતા
પીયૂષ આશર, દીપેશ જૈન, દિગેશ મહેતા

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ (સીબી)ના અધિકારીઓએ બાતમીના આધારે ક્રિકેટ સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને મુલુંડ વેસ્ટમાં એલબીએસ રોડ પરના એક રહેણાક અપાર્ટમેન્ટ પર છાપો મારીને ત્રણ શખસને ઝડપી લીધા હતા. આરોપીઓ ચેન્નઈ સુપર કિંગ્ઝ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મૅચ પર સટ્ટો રમતા ઝડપાયા હતા. આ રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાની સીબીને આશંકા છે.
પ્રૉપર્ટી સેલ અને સીબીના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ)એ ગુરુવારે રાતે છાપો માર્યો હતો. આરોપીઓની ઓળખ દીપેશ જૈન (૩૭), પીયૂષ આશર (૪૫) અને દિગેશ મહેતા (૪૫) તરીકે થઈ છે. તેમને અદાલત સમક્ષ રજૂ કરીને ત્રણ નવેમ્બર સુધી સીબી કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
સીબી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સીઆઇયુ ઇનચાર્જ ઑફિસર એપીઆઇ સચિન વાઝેને રેકેટની બાતમી મળતાં સીઆઇયુ અને પ્રૉપર્ટી સેલની સંયુક્ત ટીમે ઘટનાસ્થળે છાપો મારીને ત્રિપુટીની ધરપકડ કરી હતી.
અમે ૪૧ મોબાઇલ ફોન, ઘણાં સિમ કાર્ડ, એક ટેબ્લેટ, બે લૅપટૉપ, વાઇફાઇ રાઉટર્સ, સિમ કાર્ડ લાઇન બોક્સ, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને ૧,૮૮,૫૦૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે, તેમ વાઝેએ જણાવ્યું હતું.
તપાસના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ઑનલાઇન સટ્ટો રમવા માટે વૉચ નાઉ અૅપનો ઉપયોગ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા મુજબ સટ્ટા માટે અન્ય દેશોમાંથી પણ ઑનલાઇન ઓર્ડર આવતા હોવાની અમને આશંકા છે, પરંતુ મોબાઇલ ફોન પરથી આપવામાં આવતા ઓર્ડર્સ માત્ર ભારત પૂરતા મર્યાદિત હતા. મોબાઇલ ફોનમાંથી ઘણાં રેકૉર્ડિંગ્ઝ અને અન્ય ડિજિટલ પુરાવા મેળવવામાં આવ્યા છે અને તેની તપાસ ચાલી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK