દોઢ લાખ માટે ૪૫ દિવસની દીકરીને વેચવા નીકળેલી માતા સહિત બે દલાલની ધરપકડ

Published: 5th September, 2012 04:35 IST

ફક્ત દોઢ લાખ રૂપિયા માટે માલવણીના એકતા નગરમાં રહેતી ૨૦ વર્ષની આફરીન ખાને પોતાની ૪૫ દિવસની દીકરીને વેચવાની ડીલ કરવાના આરોપસર ચારકોપ પોલીસે સોમવારે આફરીન સહિત તેને મદદ કરનાર ૩૫ વર્ષની રેશમા ખાન અને બાવીસ વર્ષની લલિતા પાસવાનની ધરપકડ કરી હતી.

વાયરમૅનનું કામ કરનારા આફરીનના પતિએ ઝઘડો કરી આફરીનને તેનાં ત્રણ બાળકો સાથે એક અઠવાડિયા પહેલાં જ ઘરમાંથી કાઢી મૂકી હતી. આરોપી રેશમા અને લલિતાએ આફરીનને આશરો આપ્યો હતો, પણ રૂપિયા કમાવા રેશમા અને લલિતાએ આફરીનને તેના ત્રીજા બાળકને વેચી દેવાનો સુઝાવ આપ્યો હતો. બાળક વેચીને થોડા રૂપિયા આવશે એનાથી બીજાં બે બાળકોનો ખર્ચ નીકળશે એવું પણ તેમણે કહ્યું હતું એથી આફરીને છેવટે બાળક વેચવાનું નક્કી કર્યું હતું. સોમવારે જ્યારે આફરીન તેના ૪૫ દિવસના બાળકની ડીલ એક હોટેલમાં બેસીને કરી રહી હતી એ વખતે તેમની રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી.

ચારકોપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વસંત દેવરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આફરીને ગરીબીને કારણે પોતાના બાળકને વેચવાનું નક્કી કર્યું હતું પણ તેણે પોતાનું બાળક વેચ્યું નહોતું. આફરીનનું કહેવું છે કે તેને બાળક વેચવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પોલીસ-કસ્ટડીમાં અમે આફરીનની પૂછપરછ કરી રહ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK