ગાલા પરિવારની ત્રણેય પેઢીમાં દાદાનો પ્રકૃતિ ને સ્પોર્ટ્સપ્રેમ બખૂબી ઊતર્યો છે

Published: Jul 01, 2020, 16:45 IST | Bhakti Desai | Mumbai

વડીલ જ્યારે યુવા પેઢીને સમજીને વિચારોમાં બદલાવ લાવે છે ત્યારે તેમની કોઈ પણ પરંપરા આપમેળે સચવાય છે. ગાલાપરિવારમાં વડીલોએ બાળકોનાં હૃદયમાં લીધેલું સ્થાન અતુલનીય છે, જે તેમની એકતાનું રહસ્ય છે

ગાલા પરિવાર
ગાલા પરિવાર

બોરીવલીમાં રહેતા ૯૨ વર્ષના તેજસ્વી અને પ્રેમાળ સ્વભાવના લાલજી પ્રેમજીભાઈ ગાલાના પરિવારમાં તેમનાં ચાર બાળકોમાંથી નાના પુત્ર શૈલેશ, પુત્રવધૂ આશા, પૌત્રી પ્રિયા, પૌત્ર નિકુંજ, પૌત્રવધૂ તન્વી તથા સાત મહિનાની પ્રપૌત્રી વૃહા સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના મોટા પૌત્ર જયંતી, વહુ સુશીલા, પૌત્ર કુણાલ, પૌત્રવધૂ માનસી અને ૩ વર્ષની જુડવા પ્રપૌત્રીઓ આન્યા અને અનન્યા માટુંગામાં રહે છે. મોટી પૌત્રી ઉર્વી જિગર સાવલાને કૃષિકા અને સનિષ્કા નામની બે પુત્રીઓ છે. લાલજીભાઈની બે પુત્રીઓ કમલા ધીરજલાલ મામણિયા અને હસુમતી હીરાલાલ ડાગા તેમના સાસરે છે. લાલજીભાઈનાં પત્ની સાકરબહેનનું અવસાન એક વર્ષ પહેલાં થયું હતું.
લાલજીભાઈનો જન્મ કચ્છના મુંદ્રા તાલુકાના મોટી ભોજપુર ગામમાં થયો હતો. ત્યાં તેમના મોસાળની મોટી વાડી હતી. ખેતીવાડીનું જ્ઞાન તેમને વારસામાં જ મળ્યું હતું. તેઓ ત્યાં ૬ વર્ષ રહ્યા. કચ્છથી દરિયાઈ માર્ગે સ્ટીમરમાં તેમનો પરિવાર વેપાર માટે મુંબઈ આવ્યો. ચિંચપોકલીની પાઠશાળામાં તેઓ ત્રીજા ધોરણ સુધી ભણ્યા. તેમના બાપુજીની ત્રણ ગાળાની મોટી કરિયાણાની દુકાન હતી. લાલજીભાઈ જ્યારે ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના બાપુજીનું અવસાન થયું હતું. તેમણે પોતાના કાકા સાથે રહીને દાદરમાં પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું.
બે પેઢીઓનો અથાક પરિશ્રમ
લાલજીભાઈ તેમના જીવનના સંઘર્ષ વિશે કહે કહે છે, ‘મારા બાપુજીને પાંચ ભાઈઓ હતા. બાપુજી સૌથી નાના હતા. પાંચમા ધોરણ સુધી હું એક કાકાને ત્યાં રહ્યો અને પછી મને કોઈએ ભણાવ્યો નહીં એથી એકાદ વર્ષની અંદર મેં નોકરી કરવાનો નિર્ધાર કર્યો. મારી ઉંમર નાની હતી, પણ ત્રણ ભાઈ, ત્રણ બહેનના પરિવારમાં હું મોટો એથી જવાબદારીએ મને નાની ઉંમરે જ કામ કરવાની અને મહેનત કરવાની ફરજ પાડી દીધી હતી. મેં બીજા કાકાને ત્યાં બાંદરાની દુકાનમાં નોકરી લીધી. મુંબઈમાં પોતાનું ઘર પણ નહોતું. સવારે ૮થી રાતે ૧૧ વાગ્યા સુધી હું કામ કરતો અને એમાંય આ તો મહેનત-મજૂરીનું જ કામ મારે કરવું પડતું. ત્યાર બાદ બે વર્ષ પછી મસ્જિદ બંદરમાં આવેલા ભાત બજારની એક કંપનીમાં મેં નોકરી લીધી અને ત્યાં આશરે સવાબે વર્ષ નોકરી કરીને હું ૩૩ વર્ષ વર્કિંગ-પાર્ટનર તરીકે રહ્યો.’
પુત્ર શૈલેશભાઈ કહે છે, ‘મેં પણ મારો વેપાર જમાવવા રાતે જાગીને ખૂબ સંઘર્ષ કર્યો છે. પહેલાં મારી વિડિયો-કૅસેટની લાઇબ્રેરી હતી અને હવે છેલ્લાં ઘણાં વર્ષોથી મેં ગિફ્ટ આર્ટિકલની દુકાન કરી છે. પપ્પાને આટલી મોટી ઉંમરે પણ ફક્ત આરામ કરવો અને નિવૃત્ત તથા નવરાશવાળું જીવન જીવવાની આદત નથી. તેઓ લૉકડાઉન પહેલાં દરરોજ દુકાને આવીને બેસતા. હાલમાં કોવિડ-19ની ગાઇડલાઇન અને તેમની ઉંમરને જોતાં તેઓ ઘરે રહે છે. મને એક વાતની નવાઈ લાગે છે કે પેઢી દર-પેઢી ભલે આપણે પ્રગતિ કરતા જઈએ છીએ, પણ મારા પિતાની સરખામણીમાં મારામાં સંઘર્ષશક્તિ અને સહનશક્તિ ઓછી છે અને મારી આગળની પેઢીમાં મારાથીયે ઓછી છે.’
જે સંઘર્ષ બે પેઢીએ કર્યો એ તેમની ત્રીજી પેઢીએ નતી કરવો પડ્યો. એ વિશે પૌત્રી પ્રિયા કહે છે, ‘સંઘર્ષ તો દૂરની વાત, અમને બન્ને ભાઈ-બહેનને દાદા-દાદી અને મમ્મી-પપ્પાએ માગતાં પહેલાં જ બધું આપ્યું છે. અમને બધું જ તૈયાર મળ્યું છે. મને પહેલેથી વેપારમાં રુચિ રહી છે, પણ પપ્પાએ મને સલાહ આપી કે હું કોઈ ડિગ્રી લઈને પછી ભલે વેપારમાં આગળ વધુ એથી હું એલએલબી થઈ. હવે હું ઑનલાઇન ગિફ્ટિંગના જ ક્ષેત્રમાં છું, પણ મારું કામ અલગ છે. વૉલ ડેકોર અને હૅન્ડમેડ ગિફ્ટ જે હું જ બનાવું છું અને એને ઑનલાઇન વેચું છું. મારા પપ્પા વેપારમાં મારા આદર્શ છે.’
જીવનશૈલીમાં બદલાવ
પહેલાંના લોકોમાં એક સામાન્ય વાત જોવા મળે છે કે તેઓ શૂન્યમાંથી સર્જન કરવા સમર્થ હતા. આવું મજબૂત મનોબળ તેમને કેવી રીતે પ્રદાન થતું એનું રહસ્ય જણાવતાં લાલજીભાઈ કહે છે, ‘અમારું જીવન મૂળમાં ખૂબ સાદગીભર્યું હતું. બાજરાના રોટલા, ગોળ, શાક અને છાસ આ મારું ભોજન રહેતું, જેમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. હા, કોઈ વાર મીઠાઈ હોય તો એ મને ભાવે છે. એ સમયે ઉદ્દેશ પૌષ્ટિક ખાવાનું ખાવાનો હતો. સવારે વહેલી નવકારશી કરું અને સાંજે ચોવિહાર કરી લઉં છું. હું સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે પ્રાણાયામ અને યોગ કરું છું.’
હવેની પેઢીના બાળકો વિશે પુત્રવધૂ આશાબહેન હસતાં-હસતાં કહે છે, ‘હવેની પેઢીનાં બાળકો ડાહ્યાં છે. બધાં કામ કરી લે છે, પણ તેઓ રાતે મોડાં સૂતાં થઈ ગયાં છે. હવેનાં બાળકોનું સૂવા-ઊઠવાનું ચક્ર બદલાઈ ગયું છે. સમય બદલાયો છે એથી ખાવા-પીવામાં બદલાવ આવ્યો છે. દેશી ખાવાની વાત થાય છે તો મને યાદ આવે છે કે અમારામાં ફીણિયા લાડુ ખૂબ બને. મારાં સાસુ આ લાડુ એટલા સરસ બનાવતાં કે લાડવા હાથથી ખાવા જાઓ તો તૂટી જાય એટલા નરમ બને. એ સમયે લોકો આવું પૌષ્ટિક ખાણું ખૂબ બનાવતા, જે ધીરે-ધીરે લુપ્ત થઈ રહ્યું છે.’
નિસર્ગપ્રેમનો વારસો આપ્યો
લાલજીભાઈ તેમના નાનપણને યાદ કરીને કહે છે, ‘અમારે ત્યાં દેશમાં ગાય હતી. અમને ઘરમાં જ ગાયનું તાજું દૂધ દોહીને પીવા મળતું. મોસાળમાં ખેતીવાડી હોવાને કારણે મામા સાથે હું ખેતરમાં જતો. નાનપણથી મને ખેતી, જડીબુટ્ટી, આયુર્વેદ જેવા વિષયમાં ખૂબ રુચિ હતી. મેં ઘણાં પુસ્તકો વાંચીને આ બધું જ્ઞાન મેળવ્યું અને આજે પણ જો મને કોઈ પણ
નાની-મોટી બીમારી આવે તો હું ઍલોપથી દવા લેવાનું ટાળું અને મારા વાંચનમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ઔષધિ બનાવીને ઇલાજ કરું.’
પ્રકૃતિપ્રેમી શૈલેષભાઈ કહે છે, ‘બે વર્ષ પહેલાં પપ્પાને ખાંસી થઈ હતી. તેમને એ મટાડવા જમરૂખનાં પાન જોઈતાં હતાં, જે ખાંસી માટેનો અકસીર ઇલાજ છે. જમરૂખનાં પાન તેમણે લીધાં, પણ તેમને ધ્યાનમાં આવ્યું કે સોસાયટીમાં એક પણ કડવા લીમડાનું ઝાડ નથી, જેનાથી હવા શુદ્ધ થાય છે. તેમણે મારું માર્ગદર્શન કરીને કડવા લીમડાનાં ઝાડ લગાવડાવ્યાં. પપ્પાના નિસર્ગપ્રેમનો વારસો મને મળ્યો છે. અમે જ્યાં રહીએ છીએ એ વિસ્તારમાં ખૂબ ઝાડ છે એથી અહીં કમસે કમ અઢારથી વધારે પ્રકારનાં પક્ષીઓ દરરોજ જોવા મળે છે. મારી પાસે સારો કૅમેરા અને દૂરનું શૂટ કરનારા લેન્સ પણ છે.’
પૌત્ર નિકુંજને પણ પ્રકૃતિમાં રુચિ છે. તેઓ કહે છે, ‘પ્રકૃતિપ્રેમ એ અમને અમારા દાદા પાસેથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. પપ્પાને અને અમને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં રસ છે એથી અમે ફરવા માટે વિવિધ જંગલોમાં જઈએ છીએ અને ત્યાં ફોટોગ્રાફી કરીએ છીએ અને પ્રકૃતિને માણીએ છીએ.’
ધૂળમાં રમવાનું મહત્ત્વ
લાલજીભાઈ ખૂબ જ બહાદૂરીપૂર્વક પોતાની નાનપણની રમત વિશે કહે છે, ‘નાનપણમાં અમે શું રમતા એમ જો કોઈ પણ પૂછે તો હું એક જ જવાબ આપું કે ધૂળમાં રમતા, ધૂળમાં. ધૂળમાં રમવાથી બાળકોનું જે ઘડતર થાય છે એ કોઈ મહેલ કે ઘરની છત્રછાયા કે સુવિધાઓમાં નથી થઈ શકતું. આજે તો આખો જમાનો જ બદલાઈ ગયો છે.’
પ્રિયા પોતાના બાળપણ વિશે કહે છે, ‘અમે ક્યારે પણ રમતાં-રમતાં પડી જઈએ કે વાગી જાય તો મારા પપ્પા અમને હંમેશાં કહે કે આનાથી જ તમે વધારે મજબૂત થશો. તેમણે પણ અમને ધૂળ અને માટીના સંપર્કમાં વધારે રાખ્યાં છે.’
મનોરંજનનાં સાધનો
એ સમયે મનોરંજનનાં સાધનો નહોતાં, એ વિશે લાલજીભાઈ કહે છે, ‘મારી પાસે મારા કામમાંથી ફુરસદ જ નહોતી કે હું મનોરંજનનો વિચાર કરું, પણ હા, સૌથી પહેલાં જ્યારે મેં ઘરમાં વીજળી મળે એ માટે પોતાનું મીટર ખરીદ્યું ત્યારે ૩૦૦ રૂપિયાનો રેડિયો પહેલવહેલો લીધો હતો. એના પર ગીતો સાંભળવાની ખૂબ મજા આવતી.’
આ વિષય પર પોતાના દાદાનાં વખાણ કરતાં પ્રિયા કહે છે, ‘નવાઈ લાગે છે કે જેમણે પોતાની જુવાનીમાં કોઈ ટેક્નૉલૉજી નથી વાપરી એ મારા દાદા આજે ટચ સ્ક્રીનનો મોબાઇલ વાપરે છે, વૉટ્સઍપ પર બધાને મેસેજ મોકલે છે અને વાંચે પણ છે. અમારે માટે તો ઇન્ટરનેટ કે પછી ટીવી વગરનું જીવન કેવું હોઈ શકે એ કલ્પના કરવી પણ અઘરી છે.’

પેઢીઓ વચ્ચે ભાષાઓની આપ-લે

આ પરિવારમાં પેઢીઓ વચ્ચે ભાષાના જ્ઞાનની આપ-લે સરસ રીતે ચાલે છે. બાળકો જ્યારે અંગ્રેજી પિક્ચર જોતાં હોય ત્યારે લાલજીભાઈ ત્યાં બેસીને એના સબ-ટાઇટલ વાંચે અને આમ તેમણે અંગ્રેજીનું એટલું જ્ઞાન મેળવ્યું કે અંગ્રેજીમાં બાળકો સાથે તેઓ સંવાદ પણ સાધવા લાગ્યા. દાદી પૌત્ર અને પૌત્રીને ગુજરાતી શીખવતા અને પ્રિયા તેમને અંગ્રેજીના આંકડા અને શબ્દો શીખવે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં આજનાં ઘણાં બાળકો ગુજરાતી વાંચી નથી શકતાં, પણ સંયુક્ત પરિવારમાં ઊછરેલાં ગાલાપરિવારનાં બાળકો ગુજરાતી બખૂબી વાંચે-બોલે છે તથા ઘરમાં બધા પોતાની કચ્છી ભાષામાં જ વાત કરે છે.

સ્કૂટર, બાઇક, કાર-રેસનો શોખ

શૈલેશભાઈ વિવિધ રેસમાં ભાગ લે છે અને તેઓ અનેક રેસ જીત્યા છે. ‘સ્પોર્ટ્સમાં સહભાગી થાઉં એ મારા પપ્પાને ખૂબ ગમે અને તેઓ જ મારાં ફૉર્મ ભરે. હું બાઇક ખૂબ સારી ચલાવતો એથી એક વાર એક યુવાન યુગલે મને રસ્તામાં ઊભો રાખીને રેસની માહિતી આપી. મને તો કંઈ વિશેષ જાણકારી નહોતી, પણ એક રુચિ જાગી અને તેમના કહેવા મુજબ એક વાર હું એક જગ્યાએ રેસ માટે પહોંચ્યો. પછી નિકુંજના જન્મ સમયે મેં પહેલી રેસમાં ભાગ લીધો અને આજ સુધીમાં આશરે હું ૧૬ રેસ જીત્યો છું. મારી દીકરીને પણ મેં સ્કૂટર, બાઇક, કાર-રેસની તાલીમ આપી છે. એનું કારણ એ છે કે છોકરીઓ ક્યારેય ક્યાંક અટકી જાય તો સાંકડા અને આડાતેડા રસ્તા પર બાઇક કે ગાડી ચલાવીને પડ્યા વગર નીકળી શકે.’
નિકુંજ કહે છે, ‘મને પણ રેસનો ખૂબ શોખ છે અને હું પણ પપ્પા પાસેથી આની પ્રેરણા લઈને ૧૦ રેસ જીત્યો છું.’
પ્રિયા કહે છે, ‘હું હંમેશાં રેસ જોવા જતી હતી એથી મને ખૂબ રુચિ હતી અને બે વર્ષ પહેલાંની ક્રીસક્રૉસ કાર-રેસમાં મેં ભાગ લીધો અને હું એ જીતી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK