કેસ પાછો ખેંચો, નહીંતર જોઈ લઈશું

Published: 31st July, 2012 06:08 IST

પોલીસ સામે હાઈ કોર્ટમાં ગયેલા જ્વેલર્સને મળી રહી છે સ્થાનિક ગુંડાઓની ધમકી

મુલુંડપોલીસ દ્વારા થતી હેરાનગતિ સામે ધ જ્વેલર્સ વેલ્ફેર અસોસિએશન, મુલુંડ દ્વારા હાઈ કોર્ટમાં ફાઇલ કરેલી પિટિશનની સુનાવણી ૯ ઑગસ્ટે શરૂ થવાની છે. આ સુનાવણી પહેલાં મુલુંડના જ્વેલરોએ એવો આક્ષેપ કર્યો હતો કે મુલુંડપોલીસ સ્થાનિક ગુંડાઓનો સાથ લઈને અમને હાઈ કોર્ટમાં કરેલી પોલીસ સામેની રિટ પિટિશન પાછી ખેંચવા ધમકી આપી રહી છે. એની સામે પગલાં લેવા તેમણે ઝોન ૭ના ડેપ્યુટી પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા છતાં આ બાબતમાં હજી સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી.

ધ જ્વેલર્સ વેલ્ફેર અસોસિએશને હાઈ કોર્ટમાં મુલુંડપોલીસના છ પોલીસ-કર્મચારીઓ સામે લાંચ માગવાની અને લાંચ ન આપતાં ગમે તે કારણોસર જ્વેલર્સને ખોટી રીતે પોલીસ- સ્ટેશનમાં ગોંધી રાખવાની ફરિયાદ કરતી રિટ પિટિશન ફાઇલ કરી છે.

આ માહિતી આપતાં મુલુંડ જ્વેલર્સ અસોસિએશનના પ્રમુખ ભગવતીલાલ હીંગડે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે મુલુંડ પોલીસની દાદાગીરીના વિરોધમાં હાઈ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે જેની સુનાવણી ૯ ઑગસ્ટથી શરૂ થશે. આ પિટિશનમાં અમે મુલુંડપોલીસ મુલુંડના જ્વેલર્સને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ આપી રહી છે એની ફરિયાદ કરી છે. પિટિશનમાં જ્વેલર્સ અસોસિએશને એમ પણ કહ્યું છે કે પોલીસ તરફથી નાના જ્વેલરે દર મહિને ૫૦૦૦ રૂપિયા અને મોટા જ્વેલરે દર મહિને ૧૦,૦૦૦ રૂપિયા પોલીસ-સ્ટેશને પહોંચાડવા પડશે એવી માગ કરવામાં આવી હતી, જે માગણી જ્વેલરોએ સ્વીકારવાનો ઇન્કાર કરતાં પોલીસે ૨૩ જ્વેલર્સને ૩૧ જાન્યુઆરીએ સમન્સ મોકલી ખોટા ગુનામાં સંડોવી ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ તેમની ધરપકડ કરીને તેમને હેરાન કર્યા હતા. આ ઓછું હોય એમ હાઈ કોર્ટમાં પિટિશન ફાઇલ થયા પછી અમને મુલુંડપોલીસ તરફથી સ્થાનિક ગુંડાઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. આ ગુંડાઓ અમને કહે છે કે જેટલા રૂપિયા જોઈતા હોય એટલા લઈને માંડવાળી કરો.’

ઝોન ૭ના ડેપ્યુટી કમિશનરને કરેલી ફરિયાદમાં અસોસિએશનના પ્રમુખ ભગવતીલાલ હીંગડે લખ્યું છે કે ‘હું ધ જ્વેલર્સ વેલ્ફેર અસોસિએશન, મુલુંડનો બે વર્ષથી પ્રમુખ છું. ગયા જાન્યુઆરીમાં મુલુંડ-વેસ્ટના વરિષ્ઠ નિરીક્ષક અને તેના અમુક સાથીદારો દ્વારા અમારા ૭૫ વર્ષના બુઝુર્ગ જ્વેલર દેવીલાલ જી. કોઠારી પાસેથી લાંચ માગવા પર તૂતૂ-મૈંમૈં અને ગાળગલોચ, મારપીટ કરવામાં આવી હતી. અમે બચાવવા ગયા તો અમારી સાથે પણ એવો જ વ્યવહાર કર્યો અને અમારા પર ખોટો મામલો દાખલ કરી અમને ૨૩ જ્વેલર્સને બે દિવસ સુધી લૉકઅપમાં બંધ કરી અમારી મારપીટ અને અમાનવીય વ્યવહાર કર્યો જેની સામે તપાસ કરવાનો અમે પ્રાર્થનાપત્ર આપ્યો, પણ એના પર આજદિન સુધી તપાસ નથી થઈ. ઉપરથી વરિષ્ઠ નિરીક્ષક અને તેના સાથીઓ અમને ખોટા ગુનામાં ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. એનાથી તંગ આવીને અમે આની તપાસ કરવા માટે હાઈ કોર્ટમાં રિટ અરજી ફાઇલ કરી હતી જેની સુનાવણી ચાલુ છે. હાઈ કોર્ટમાં અમે કરેલી રિટ અરજી પાછી લેવા માટે મુલુંડના સ્થાનિક રાજનેતા અને મુલુંડના એક સ્થાનિક દબંગ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે કે આપ હાઈ કોર્ટમાં કરેલા કેસને પાછો લો, નહીંતર તમને જોઈ લઈશું, તમને કોઈ ખોટા ગુનામાં ફસાવી દઈશું. મને કેસ પાછો લેવા માટે પૈસાની લાલચ પણ આપી રહ્યા છે. અમારા અસોસિએશનને તોડવાની કોશિશ કરી રહ્યા છે. મારી તમને નમþ વિનંતી છે કે અમારા બધા જ જ્વેલર ભાઈઓને અપાઈ રહેલી ગુંડાઓની ધમકીની તપાસ કરવામાં આવે અને અમને અમારો વ્યવસાય શાંતિપૂર્વક ચાલે એ માટે મદદ કરવામાં આવે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અને તેના સાથીદારોનો મને ડર છે કે તેઓ બદલાની ભાવનાથી સ્થાનિક ગુંડાઓથી અમને મરાવી ન નાખે. આ ડરને લીધે અમે અમારો વ્યવસાય કરી શકતા નથી. કૃપયા મદદ કરશો. ધન્યવાદ. કૃપયા આની તપાસ તમે પોતે જ કરશો’

આ પત્રની કૉપી અસોસિએશન તરફથી મહારાષ્ટ્રના ડીજીપીને પણ મોકલવામાં આવી છે.

પોલીસ શું કહે છે?

આ સંદર્ભમાં વધુ માહિતી મેળવવા મિડ-ડે LOCAL તરફથી ઝોન ૭ના ડેપ્યુટી પોલીસ-કમિશનર મહેશ ઘુર્વેને બે વાર એસએમએસ અને બે વાર ફોન કરીને વાતચીત કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તેમના તરફથી કોઈ જ રિસ્પૉન્સ મળ્યો નહોતો.

ડીજીપી = ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK