Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ વર્ષે ગોબરવાળા શ્રીગણેશજીની બોલબાલા

આ વર્ષે ગોબરવાળા શ્રીગણેશજીની બોલબાલા

09 August, 2020 05:57 PM IST | Mumbai Desk
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આ વર્ષે ગોબરવાળા શ્રીગણેશજીની બોલબાલા

આ વર્ષે ગોબરવાળા શ્રીગણેશજીની બોલબાલા


ગુજરાતમાં ગાયના છાણમાંથી ૬ ઇંચથી લઈને બે ફુટની બની રહી છે ગણપતિદાદાની મૂર્તિ : ગોબર સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડ્લી હોવાથી પૉલ્યુશનનો પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. બીજું, ગૌશાળાઓ આત્મનિર્ભર બનશે; મહિલાઓ સહિત મૂર્તિ બનાવનાર કારીગરો માટે રોજગારીનો અવસર ઊભો થશે અને ધર્મપ્રેમીજનોને પ્રકૃતિને અનુરૂપ મૂર્તિ મળશે, જેનાથી ઘરમાં એક અલગ જ પ્રકારનાં વાઇબ્રેશન ઊભાં થશે

ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ બાબતે હવે ઘણી જાગૃતિ ફેલાઈ રહી છે. શાડૂ માટી, ચૉકલેટ કે ખાદ્યચીજોમાંથી ગજાનનની મૂર્તિ ઘડવાનો હવે નવો ટ્રેન્ડ વિકસી રહ્યો છે ત્યારે એમાં વધુ એક ઉમેરો છે ગાયના છાણમાંથી ભગવાનને ઘડવાના ટ્રેન્ડનો. યસ, છાણમાંથી ગણરાયા બને છે જે એકદમ ઇકો-ફ્રેન્ડલી છે.
કદાચ આ વાંચતાની સાથે કોઈકનું નાકનું ટેરવું ચડી જાય કે છાણમાંથી ભગવાન? જોકે હવે આ બાબતનો છોછ હટી રહ્યો છે અને ગૌમાતાના ગોબરમાંથી ભગવાન શ્રીગણેશની મૂર્તિઓ બની રહી છે અને આ વર્ષે ગણેશોત્સવમાં ‘ગોબરવાળા શ્રીગણેશજી’ની મૂર્તિઓની ઘણી બોલબાલા પણ છે. ગુજરાતમાં તો ગાયના છાણમાંથી ૬ ઇંચથી લઈને બે ફુટની ગણપતિજીની મૂર્તિઓ બની રહી છે અને ધાર્મિકજનો એનો સ્વીકાર પણ કરી રહ્યા છે.
પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે ત્યારે પીઓપીની નાનકડીથી માંડીને મહાકાય મૂર્તિઓ વર્ષોથી બનતી આવી છે અને અનેક ધાર્મિક ઉત્સવોમાં દેવી-દેવતાઓની આવી મૂર્તિઓની સ્થાપના થતી હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં ગોબરમાંથી વિઘ્નહર્તા શ્રીગણેશની અવનવી મૂર્તિઓ બની રહી છે અને બજારમાં એને મૂકવામાં આવી છે. ગોબરમાંથી બનાવેલી ભગવાનની મૂર્તિને કારણે ઘણો બધો બદલાવ આવવાની શરૂઆત થઈ છે, કેમ કે એક તો એ ગાયના ગોબરમાંથી બનતી હોવાથી એનાથી પ્રદૂષણ નહીં થાય અને બીજું, એનાથી ગૌશાળાઓ આત્મનિર્ભર બનશે. ગાયના છાણનો નવતર ઉપયોગ થવાથી ગૌશાળાઓને આજીવિકા મળી રહી છે. મહિલાઓ સહિત મૂર્તિ બનાવનાર કારીગરો મૂર્તિઓ બનાવશે એટલે રોજગારીનો અવસર ઊભો થશે અને ધર્મપ્રેમીજનોને પ્રકૃતિને અનુરૂપ મૂર્તિ મળશે, જે ઘરમાં એક અલગ જ પ્રકારનાં વાઇબ્રેશન ઊભાં કરશે.
ગુજરાતમાં સાણંદથી ૪ કિલોમીટર દૂર આવેલા નિધરાડ ગામે પરેશ પટેલ અને તેમની સાથે ગામની મહિલાઓ તથા કારીગરો અત્યારે મહાકાલ ગીર ગૌશાળામાં ગૌમાતાના છાણમાંથી ગણપતિદાદાની સુશોભિત મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત છે. પરેશ પટેલ કહે છે કે ‘અમે ફૂલછોડનાં કુંડાં, દીવા, મૂર્તિઓ સહિતની વસ્તુઓ બનાવીએ છીએ, પરંતુ આ વખતે બધા કહેતા હતા કે ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ બનાવીએ. એટલે અમે આ વખતે માટીને બદલે ગોબરના ગણપતિજી બનાવવાનું નક્કી કર્યું. એનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે મૂર્તિનું વિસર્જન કરીએ ત્યારે પર્યાવરણને નુકસાન થતું નથી. અમારી મહાકાલ ગીર ગૌશાળામાં ૮૧ ગાયો છે એટલે ગોબર અમને પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. જોકે અમે પહેલી વાર ગૌમાતાના છાણમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે ૧૨૭ જેટલી મૂર્તિઓ બનાવી છે.’
ગાયના ગોબરમાંથી મૂર્તિ બનાવવાની પ્રક્રિયા વિશે પરેશભાઈ કહે છે, ‘સૌથી પહેલાં તો અમે ગાયનું ગોબર સૂકવી દઈએ છીએ અને પછી એનો પાઉડર બનાવીએ છીએ. એ પછી જેમ માટીમાંથી ઘડીએ એવી જ રીતે પાઉડરમાંથી વિવિધ આકારની મૂર્તિઓ ઘડીએ. મૂર્તિ સંપૂર્ણપણે સુકાઈ જાય એ પછી એની પર કલરકામ અને શણગારનું કામ થાય છે. ત્યાર બાદ ડાયમન્ડના શ્રૃંગાર પણ મૂર્તિઓને કરીએ છીએ. આ મૂર્તિઓ એકદમ લાઇટવેટ હોય છે. એક મૂર્તિ બનાવતાં ૨૦થી ૨૫ દિવસ જેટલો સમય લાગે છે. ગામની ૧૦ બહેનો અને બે કારીગરો સાથે મળીને મૂર્તિઓ બનાવીએ છીએ, જેથી બહેનોને અને કારીગરોને રોજગારી મળી રહે છે.’
ગાયના ગોબરમાંથી મૂર્તિ બનાવીએ તો સ્મેલ ન આવે? એવો પ્રશ્ન સ્વાભાવિક આપણને થાય ત્યારે આ બાબતે પરેશ પટેલ કહે છે કે ‘છાણ લીલું હોય તો સ્મેલ આવે, પણ સુકાઈ જાય પછી સ્મેલ આવતી નથી.’



વિસર્જન કઈ રીતે?
ગોબર-ગણેશનું વિસર્જન કરવાનું પણ બહુ સરળ છે. ગણેશોત્સવ પૂરો થઈ જાય એટલે કોઈ ઉછરી રહેલા નાના છોડ પાસે એની મૂર્તિને મૂકી દેવાની. રોજ એને લોટો પાણી નાખતા રહેવાનું. ધીમે-ધીમે કરતાં એ મૂર્તિ ઓગળીને માટીમાં ભળી જશે અને એ છોડને આખું વરસ કોઈ ખાતર આપવાની જરૂર પણ નહીં રહે.


ગોબરમાંથી બીજું પણ ઘણુંબધું
મહાકાલ ગીર ગાય ગૌશાળામાં પરેશ પટેલ અને તેમની ટીમે ગોબરનો મૅક્સિમમ ઉપયોગ થઈ શકે એવા પ્રયોગો હાથ ધર્યા છે. ગણેશ ઉપરાંત સજાવટ પરેશ પટેલે ગણપતિને પ્રિય મૂષક પણ બનાવ્યા છે. એ ઉપરાંત અહીં સજાવટ માટેનાં આર્ટિકલ્સ, છોડનાં કૂંડાં, દીવડા, અન્ય ભગવાનની મૂર્તિઓ બનાવવાનું પણ શરૂ થઈ ગયું છે. આખેઆખું ઘર ગોબર-માટીનું જ બનેલું હોય એ માટે પરેશભાઈ અત્યારે પ્રયોગો કરી રહ્યા છે. છાણને સૂકવી, એને કૉમ્પ્રેસ કરીને એમાંથી ઇંટો બનાવવાનો પ્રયોગ થઈ રહ્યો છે. જો આ ઇંટ મજબૂતાઈની પરીક્ષામાં પાસ થશે તો એકલા છાણનું જ ઘર બને એવું સંભવ છે.

ગોબર ગણેશ મૂર્તિનું અભિયાન
ગાયના ગોબરની ગણેશમૂર્તિનું અભિયાન શરૂ કરનાર રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ. વલ્લભ કથીરિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘ગાય દૂધ, ગૌમૂત્ર અને ગોબર આપે છે અને એનાથી તેનો પાલક આર્થિક રીતે સક્ષમ બને છે. ગૌમૂત્ર અને ગોબર અનેક રીતે ઉપયોગી છે. દવામાં, ફર્ટિલાઇઝરમાં અને હવે તો અવનવાં આર્ટિકલ્સ બનાવવામાં એનો ઉપયોગ થવા લાગ્યો છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજીની પ્રતિમાનો ઉપયોગ કરવા જણાવ્યું છે ત્યારે આયોગ દ્વારા સમગ્ર ભારતમાં ગોબરવાળા ગણેશનું અભિયાન હાથ ધરાયું છે. ગાયના ગોબરમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડ્લી, પર્યાવરણરક્ષક શ્રીગણેશજીની મૂર્તિની ઘરે-ઘરે સ્થાપના અને પૂજન થાય એવી અપીલ અમે કરી રહ્યા છીએ. આમ થવાથી પૉલ્યુશન નહીં થાય, રોજગારી ઊભી થશે અને ગૌશાળાઓ સ્વાવલંબી બનશે. ગાયના ગોબરના વેચાણમાંથી ગૌશાળાઓ સ્વાવલંબી બનશે. નાગરિકો ગાયના ગોબરમાંથી મૂર્તિઓ બનાવી રોજગારી મેળવશે અને જે નાગરિકો ગોબરના ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરશે ત્યારે પૉલ્યુશન પણ નહીં થાય. જો તેઓ તેમના ઘરઆંગણે તુલસીના કુંડામાં કે બાગ–બગીચામાં છાણમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરશે તો એ ખાતર તરીકે ઉપયોગી થશે. ગોબરના ગણેશ ઉપરાંત ગોબરનાં આર્ટિકલ્સ બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. આ માટે તાજેતરમાં બે વેબિનાર પણ કર્યા હતા, જેમાં દેશનાં વિવિધ ગૌશાળાવાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા સંગઠનોએ ભાગ લીધો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 05:57 PM IST | Mumbai Desk | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK