વેબ કા હૈ ઝમાના

Published: 3rd January, 2021 17:56 IST | Harsh Desai | Mumbai

થિયેટર્સ રાબેતા મુજબ ચાલુ થાય કે ન થાય, આ વેબ-શો અને ફિલ્મો તમને ઘરે બેઠાં-બેઠાં એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવામાં કચાશ નહીં રાખે

કોરોના વાઇરસની મહામારીમાં લોકોના મનોરંજન માટે ઘણી ફિલ્મો અને શોને ઑનલાઇન રિલીઝ કરવામાં આવ્યાં હતાં. ઑનલાઇન શોને કારણે ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ બેસીને એન્ટરટેઇન કરી શકાય છે. આ વર્ષે ઘણા શો અને ફિલ્મો ઑનલાઇન રિલીઝ થઈ રહ્યાં છે. વેબ-શો અને વેબ-ફિલ્મોનું ચલણ ઇન્ડિયામાં ખૂબ જ જોરશોરથી વધ્યું છે અને હજી વધતું રહેશે. આ વર્ષે પણ ઘણાં ટાઇટલ્સ આવી રહ્યાં છે એ વિશે આપણે થોડી માહિતી જોઈએ

ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા

અજય દેવગનની આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ હવે એને ડિઝની + હૉટસ્ટાર દ્વારા રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને સોનાક્ષી સિંહા પણ છે. ૧૯૭૧ દરમ્યાન ઇન્ડો-પાકિસ્તાન વૉર દરમ્યાન ઇન્ડિયન ઍરફોર્સના સ્કવૉડ્રન વિજય કાર્નિક દ્વારા બૉમ્બથી ઉડાડવામાં આવેલી ઍરસ્ટ્રિપને ફરી બનાવવામાં આવી હતી. એના પર આ ફિલ્મ આધારિત છે.

ધ વાઇટ ટાઇગર

પ્રિયંકા ચોપડા જોનસ અને રાજકુમાર રાવની ‘ધ વાઇટ ટાઇગર’ નેટફ્લિક્સ પર બાવીસમી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. અરવિંદ અડીગાની એ જ નામની બુક પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે; જેમાં ગરીબી, કરપ્શન, સર્વાઇવલ અને ક્લાસ સ્ટ્રગલ વિશે વાત કરવામાં આવી છે. અમેરિકન ડિરેક્ટર રમીન બેહરિન દ્વારા આ ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ ઘણા સમય બાદ ઇન્ડિયન ઑડિયન્સ એને ફરી સ્ક્રીન પર જોઈ શકશે.

ત્રિભંગા

કાજોલની વેબ-ડેબ્યુ ફિલ્મ ‘ત્રિભંગા’ ૧૫ જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ત્રણ જનરેશનની વાત કરવામાં આવી છે જે ૧૯૮૦ના દાયકાથી આજના દિવસ સુધીની સ્ટોરીને આવરી લેશે. મુંબઈમાં સેટ થયેલી આ સ્ટોરીમાં તેની સાથે તન્વી આઝમી અને મિથિલા પાલકર પણ જોવા મળશે જેને રેણુકા શહાણે દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં કાજોલ એક અલગ જ અવતારમાં જોવા મળશે.

દૃશ્યમ 2

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની ‘દૃશ્યમ 2’ને પણ ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને આ વર્ષે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. આ સિરીઝની પહેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ એના પરથી અજય દેવગનની એ જ નામની ફિલ્મ પણ બની હતી. જોકે આ ફિલ્મની સ્ટોરી જ્યાંથી અટકી હતી ત્યાંથી સીક્વલમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું ટીઝર હાલમાં રિલીઝ કરવામં આવ્યું છે.

તાંડવ

અલી અબ્બાસ ઝફરની તાંડવ ૧૫ જાન્યુઆરીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ રહી છે. આ એક પૉલિટિકલ ડ્રામા સિરીઝ છે, જેમાં સૈફ અલી ખાન લીડ રોલમાં છે. ૯ એપિસોડની આ સીઝનમાં તેની સાથે ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયા, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા, ગૌહર ખાન, અમાયરા દસ્તુર, ક્રિતિકા કામરા, મોહમ્મદ ઝિશાન ઐયુબ, હિતેન તેજવાણી અને અનુપ સોની જેવા ઘણા સારા-સારા ઍક્ટર્સ છે. આ શોને એકસાથે ૨૦૦ દેશમાં રજૂ કરવામાં આવશે. આ શોની કાસ્ટ અને એના પ્લૉટને કારણે શો ખૂબ ચર્ચામાં છે.

જીત કી ઝીદ

અમિત સાધની ‘જીત કી ઝીદ’નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે અને એની ખૂબ વાહવાહી થઈ રહી છે. અમિત સાધ માટે ૨૦૨૦નું વર્ષ ખૂબ સારું રહ્યું હતું. તેણે ‘જીત કી ઝીદ’નું શૂટિંગ પણ ૨૦૨૦માં જ શરૂ કર્યું હતું. આ શોમાં તે એક આર્મી ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છે, જે એક મિશન પર ઇન્જર્ડ થાય છે. તેણે વ્હીલચૅરનો સહારો લેવો પડે છે, પરંતુ તે ફરી પોતાના પગ પર ઊભો થઈને દેશની સેવા કરવા માગતો હોય છે. આ શોને બાવીસમી જાન્યુઆરીએ ઝીફાઇવ પર રિલીઝ કરવામાં આવશે.

મુંબઈ ડાયરીઝ 26/11

મુંબઈ પર ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલા પરથી આ શો બનાવવામાં આવ્યો છે. આ વિષય પર ઘણી ફિલ્મો અને શો બની ગયાં છે, પરંતુ આ શો ડૉક્ટર્સ અને તેમના જેવા ફર્સ્ટ રિસ્પૉન્ડર્સના આધારે બનાવવામાં આવ્યો છે. આ શોને નિખિલ અડવાણી અને નિખિલ ગોન્સાલિસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે જેમાં મોહિત રૈના, કોંકણા સેન શર્મા, ટીના દત્તા અને શ્રેયા ધન્વંતરી જોવા મળશે. આ શોને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર માર્ચમાં રિલીઝ કરવામાં આવશે એવી શક્યતા છે.

ધ ફૅમિલી મૅન 2

મનોજ બાજપાઈની ‘ધ ફૅમિલી મૅન 2’ બહુ જલદી રિલીઝ થવાની છે. પહેલી સીઝનને હિન્દીમાં સૌથી વધુ પસંદ કરનાર શો તરીકે ‘બુક માય શો’માં લોકોએ પસંદ કર્યો હતો. પહેલી સીઝન જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી બીજી સીઝન શરૂ કરવામાં આવશે. દિલ્હી પર કેમિકલ અટૅક થાય છે કે નહીં એ આ બીજી સીઝનમાં જોવા મળશે. પહેલી સીઝનમાં પ્રિયામણિ જોવા મળી હતી અને આ બીજી સીઝન દ્વારા સાઉથની ઍક્ટ્રેસ સામંથા રુથ પ્રભુ અકીનેની પણ ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. કોરોનાને કારણે આ શો લંબાયો હતો તેમ જ હવે આ શો વધુ મોટો બનવા જઈ રહ્યો છે. ઇન્ડિયાની વિવિધ ભાષાની સાથે એને અન્ય ૧૦ ઇન્ટરનૅશનલ લૅન્ગ્વેજમાં પણ ડબ કરવામાં આવી રહ્યો છે. આ કારણસર પણ એની રિલીઝ-ડેટ લંબાવવામાં આવી છે. આ શોમાં મનોજ બાજપાઈ, પ્રિયામણિ, શારીબ હાશ્મી, શ્રેયા ધન્વંતરી, શરદ કેળકર, દર્શનકુમાર, દલીપ તાહિલ અને સામંથા પણ જોવા મળશે.

ધ બિગ બુલ

હર્ષદ મહેતાના ૧૯૯૨ના સ્કૅમ પરથી આધારિત આ ફિલ્મને હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. ૨૦૨૦માં જ આ વિષય પર પ્રતીક ગાંધીનો શો ‘સ્કૅમ 1992’ બનાવવામાં આવી હતી. આ શોને લોકોએ ખૂબ પસંદ કર્યો હોવાથી અભિષેક બચ્ચન માટે ખૂબ મોટી ચૅલેન્જ છે. અજય દેવગન અને આનંદ પંડિત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને કુકી ગુલાટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે ઇલિઆના ડિક્રુઝ, રામ કપૂર અને સુમીત વ્યાસ પણ જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK