લૉકડાઉનની મુશ્કેલી વચ્ચે મુંબઈમાં જોવા મળી રહી છે આ પૉઝિટિવ અસર...

Published: May 16, 2020, 10:27 IST | Prakash Bambhrolia | Mumbai Desk

હૉસ્પિટલોમાં અન્ય બીમારીઓના ૮૦ ટકા દરદી ઘટી ગયા

વૃક્ષોમાં ચમક દેખાવાની સાથે શહેરની વચ્ચોવચ્ચ પક્ષીઓ ચહેકી રહ્યાં છે
વૃક્ષોમાં ચમક દેખાવાની સાથે શહેરની વચ્ચોવચ્ચ પક્ષીઓ ચહેકી રહ્યાં છે

બે મહિનાથી મુંબઈની રફતાર અટકી ગયા બાદ પર્યાવરણમાં જબરદસ્ત સુધારો થવાથી ટીબી, શ્વાસ સંબંધી તથા કેટલીક ગંભીર બીમારીવાળા લોકોની તંદુરસ્તીમાં સુધારો થતાં ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પડી રહી હવા શુદ્ધ થતાં ભરઉનાળે પણ શહેરમાં ઠંડક અનુભવાય છે : વૃક્ષોમાં ચમક દેખાવાની સાથે શહેરની વચ્ચોવચ્ચ પક્ષીઓ ચહેકી રહ્યાં છે

કોરોનાના સંકટને કારણે ભારતમાં લૉકડાઉન કરાતાં ૧૩૫ કરોડ ભારતવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. કામધંધા બંધ, મજૂરોની હિજરતથી સૌને ભવિષ્યની ચિંતા સતાવી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આપણા માટે સૌથી મહત્ત્વના એવા એક ન્યુઝ પર બહુ ઓછાનું ધ્યાન ગયું છે. એ છે વાતાવરણમાં મોટા પ્રમાણમાં ઓછું થયેલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ. ચાર દાયકા પહેલાં ભારત-મુંબઈમાં જેટલી હવા શુદ્ધ હતી એવું વાતાવરણ લૉકડાઉનને લીધે પાછું ફર્યું છે. કોરોનાની મુશ્કેલી વચ્ચે આપણે પર્યાવરણની દૃષ્ટિએ ચાલીસ વર્ષ પહેલાંના મુંબઈમાં પહોંચી ગયા છીએ.
મુંબઈની વાત કરીએ તો પર્યાવરણમાં જબરદસ્ત ફેરફાર થવાની સાથે લૉકડાઉનની સૌથી મોટી પૉઝિટિવ અસર દરદીઓને થઈ હોવાનું જાણવા મળ્યું છે. શહેરની વિવિધ હૉસ્પિટલોમાં બે મહિનાના સમયમાં ૮૦ ટકા જેટલા દરદીઓ ઘટ્યા છે.
સાંતાક્રુઝમાં ટ્રી શેડ તરીકે ઓળખાતું ક્લિનિક ધરાવતા તથા નૅશનલ સોસાયટી ઑફ ધ ફ્રેન્ડ્સ ઑફ ટ્રી સાથે સંકળાયેલા જાણીતા પીઢ પર્યાવરણશાસ્ત્રી ડૉ. અશોક કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ બે મહિનાથી થંભી ગયું હોવાથી અહીંના વાતાવરણમાં બદલાય દેખાય છે. જ્યાં સતત ઘોંઘાટ અને ઉકળાટ રહેતો ત્યાં અત્યારે ઠંડક છે. હવા શુદ્ધ થવાથી વૃક્ષોની ચમક વધવાની સાથે અનેક સ્થળે પક્ષીઓ જોવા મળી રહ્યાં છે. છેલ્લાં ૪૦ વર્ષથી મુંબઈ સહિત ભારતમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. લૉકડાઉનને લીધે એમાં બ્રેક લાગી છે.’
વસુંધરા ગ્રીન ક્લબના સ્થાપક અને પર્યાવરણવાદી જયેશ હરસોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનની સૌથી મોટી પૉઝિટિવ અસર અત્યારે મુંબઈમાં જોવા મળી રહેલું શુદ્ધ વાતાવરણ છે. છેલ્લાં કેટલાંય વર્ષોમાં શહેરમાં આટલી શુદ્ધ હવા નથી જોવા મળી. માણસ જ નહીં, વૃક્ષોમાં પણ જબરદસ્ત ફેરફાર દેખાઈ રહ્યો છે. ચારે બાજુ ચોખ્ખું વાતાવરણ થવાથી ઝાડમાં પણ ચમક દેખાઈ રહી છે. મોટાં-મોટાં અભિયાન ચલાવીને પણ બીચ સાફ નહોતા થતા એ અત્યારે એકદમ ક્લીન થઈ ગયા છે. અે બહુ સારી નિશાની છે.’
બોરીવલીમાં દૃષ્ટિ આઇ હૉસ્પિટલ ધરાવતા અને દહિસરથી કાંદિવલી સુધીના બોરીવલી મેડિકલ બ્રધરહુડ અસોસિએશનના પ્રમુખ ડૉ. નિમેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉનમાં દોડધામ બંધ થવાથી લોકો પરિવાર સાથે સમય વિતાવતા હોવાથી સ્ટ્રેસ-લેવલ ખૂબ જ ઓછું થવાથી નાની-મોટી બીમારી ગાયબ થઈ ગઈ છે. આને લીધે જ્યાં દરરોજ ૪૦ દરદીઓ આવતા હતા ત્યાં આજે ચારથી પાંચ દરદીઓ જ હૉસ્પિટલ કે ક્લિનિક પર જઈ રહ્યા છે. બીજું, કોરોનાના ડર વચ્ચે ઇમ્યુનિટી વધારવા ઘરમાં બનાવાયેલો સાત્ત્વિક ખોરાક ખાઈ રહ્યા હોવાથી લોકોની શારીરિક તંદુરસ્તીમાં સુધારો થયો છે.’
ઍપેક્સ મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલનાં ડિરેક્ટર ડૉ. તન્વી શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ચારમાંથી બે હૉસ્પિટલ કોવિડ-૧૯માં સમર્પિત કરવામાં આવી છે, જ્યારે બાકીની બે હૉસ્પિટલમાં લૉકડાઉન લાગુ કરાયા બાદથી દરદીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. ૯૦ ટકા ઑક્યુપન્સી સામે અત્યારે ૪૦ ટકા જેટલા દરદીઓ જ છે. ગંભીર બીમારી ધરાવતા કે ઇમર્જન્સી હોય તો જ લોકો હૉસ્પિટલમાં આવી રહ્યા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK