ક્યારેય હાર નહીં માનતું આ મહાનગર

Published: Aug 09, 2020, 18:30 IST | Kana Bantwa | Mumbai Desk

મુંબઈગરાનાં સપનાં રોજ ધૂળમાં રગદોળાઈ જાય તો પણ બીજા દિવસે ઊઠીને એ જ સપનાંને ફરી સાફ કરી, પાણી છાંટી, ધબકતાં કરીને છાતીમાં મૂકે છે અને એને સાકાર કરવા નીકળી પડે છે

અદ્ભુત શહેર છે આ મુંબઈ. એ ક્યારેય હાર માનતું નથી. એ ક્યારેય પીછેહઠ નથી કરતું. એ ક્યારેય નિરાશ થઈને બેસી નથી રહેતું. એ ક્યારેય હતાશામાં ડૂબી નથી જતું. એ ક્યારેય ડરતું નથી. એ ક્યારેય રડતું નથી. હાલાકીમાં હામ રાખવાની એની ફિતરત છે. વિપદા સામે વિશ્વાસ રાખવાની એની તાકાત છે. આફત સાથે બાથ ભીડવાની એની હિંમત છે. કોરોના અને લૉકડાઉન ઓછાં હોય એમ અનરાધાર વરસાદે આખા મુંબઈને પાણીમાં તરતું કરી દીધું. રસ્તાઓ પર નદીઓ વહી અને ગાડીઓ હોડકાની જેમ સરી. ઘરમાં,  હૉસ્પિટલમાં અને સ્ટેશનોમાં તથા દુકાનોમાં પાણી ઘૂસી ગયાં. બીજું કોઈ શહેર હોય તો બેઠું થતાં અઠવાડિયાં લાગી જાય. મુંબઈ બીજા જ દિવસે દોડતું થઈ ગયું. નહીં અટકવાના આશીર્વાદ અને સતત દોડતા રહેવાનો શાપ આ મહાનગરને છે એટલે મહામારી કે મહાપૂર એને અટકાવી શક્યાં નથી. મુંબઈનો આ સ્વભાવ મુંબઈગરાઓને લીધે બન્યો છે. અહીંનો માણસ ફરિયાદ નથી કરતો, રસ્તો કાઢી લે છે. આ લખનારને મુંબઈમાં લાંબો સમય રહેવાના અનુભવની સાથે જ ગુજરાતનાં તમામ મોટાં શહેરોમાં રહેવાનો પણ એક્સ્પીરિયન્સ છે. મુંબઈગરાઓની એક જ બાબત અન્ય શહેરોની તુલનામાં અલગ પડે છે ફરિયાદ કર્યા વગર પોતે મૅનેજ કરી લેવાનો ગુણ. બીજાં શહેરોના લોકોને ત્યાંની સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ સામે હજારો ફરિયાદ હોય છે. આમ નથી થતું અને તએમ નથી થતું. મુંબઈના લોકો આવી રાવ જવલ્લે જ કરે છે. વરસાદમાં પાણી ભરાઈ જાય એમાં જવાબદારી બીએમસીની જ છે, પણ મુંબઈના લોકો મેયરને કે કાઉન્સિલને ભાંડીને પોતે પગ વાળીને બેસી રહેતા નથી. અપના હાથ જગન્નાથ કરીને તે કામે વળગી જાય છે.
  લોકલ ટ્રેનમાં ખીચોખીચ ગિરદી વચ્ચે ફરિયાદ કરવાને બદલે તે હૅન્ડલના સહારે લટકતો-લટકતો ૪૦-૫૦ કિલોમીટરની મુસાફરી રોજ ખેંચી કાઢે છે. રસ્તા પર પાંચ કિલોમીટરનું અંતર કાપતાં અડધો કલાક લાગે એવો ટ્રાફિક સહન કરતી વખતે મુંબઈગરો અકળાઈ જતો નથી. નોકરી માટે કે ધંધા માટે રોજ ૫૦ કિલોમીટર અપડાઉન કરવું પડે એને તે સ્વાભાવિક ગણીને સ્વીકારી લે છે. નાના ઘરમાં સાંકડમૂંકડ સમાઈ જાય છે અને એક બાલદી પાણીમાં નાહી લે છે તો પણ મોઢું કટાણું નથી કરતો. ધંધામાં કાતિલ હરીફાઈનો સામનો કરતાં-કરતાં પણ તે પૈસા કમાઈ લે છે. સપનાં રોજ ધૂળમાં રગદોળાઈ જાય છે છતાં બીજા દિવસે ઊઠીને એ જ સપનાંને ફરી સાફ કરી, પાણી છાંટી, જીવતાં કરીને છાતીમાં મૂકે છે અને એને સાકાર કરવા બહાર નીકળી પડે છે. આખો દિવસ વેઠેલી હાડમારી લોકલ ટ્રેનના પ્લૅટફૉર્મ પર કે બસ-સ્ટેશન પર કે સોસાયટીના પાર્કિંગમાં જ દફન કરીને રાતે ઘરે આવે છે અને બીજી સવારે ફરીથી એ જ હાડમારીને સહન કરવા માટે હસતાં-હસતાં નીકળી પડે છે. આજે કરેલી મહેનત નિષ્ફળ જાય તો નિરાશ થઈને તે નિષ્ફળતા ઓઢીને રડવા બેસતો નથી. એ નિષ્ફળતાને સાંજે વડાપાંઉ વીંટાળવાના કાગળની સાથે કચરા- ટોપલીમાં ફેંકતો આવે છે, એને લઈને ઘરે જતો નથી, એને છાતીએ વળગાડીને સૂતો નથી. એની આંખો પર એવાં જાદુઈ ચશ્માં ચડેલાં છે કે તેને સફળતા જ દેખાય છે, નિષ્ફળતા દેખાતી નથી. તેને મંજિલ જ દેખાય છે, મુશ્કેલીઓ દેખાતી નથી.
  મુંબઈગરાનું લોહી જ અલગ છે. અથવા જેનું લોહી અલગ હોય એ જ આ શહેરમાં આવે છે. આ આખું શહેર આગંતુકોનું શહેર છે. માઇગ્રેટ થયેલાઓનું શહેર છે. અહીંના મૂળ નિવાસી તો મુઠ્ઠીભર ખારવા હતા, નાનકડા મુંબઈ ગામડાના થોડા ખારવાઓ. તેમના સિવાય અહીં આવેલા બધા જ અન્ય સ્થળેથી કમાવા માટે, સફળ થવા માટે, અરમાનો પૂરાં કરવા માટે મુંબઈ આવ્યા છે. મુંબઈ એવા જ લોકોને આકર્ષે છે જેનું ટિમ્બર અલગ હોય, જેને પડકારો ગમતા હોય, જેને કમ્ફર્ટ ઝોન છોડવો હોય. જેને પોતાની પાસે જે છે એનાથી સંતોષ નથી હોતો, જેને વધુ કશુંક મેળવવું છે, જેને રડવું નથી પણ લડવું છે તે આ શહેરમાં આવે છે. જેને પોતાનું નસીબ પોતે લખવું છે તે મુંબઈ આવે છે.
 નસીબની એક સુંદર કથા યાદ આવી ગઈ. એક નાનકડા છોકરાએ સાંભળ્યું કે દરેક માણસનાં નસીબ લખેલાં જ હોય. વિધાતા છઠ્ઠીના દિવસે આવીને લલાટે લેખ લખી જાય. વિધાતાના ચોપડામાં ભાગ્ય લખેલું હોય એવી અસંખ્ય વાતો તેણે સંભાળેલી. તેને થયું કે ખરેખર આવું હશે ખરું? જે મળે તેને તે પૂછે. મોટા ભાગના કહે કે આવું જ હોય છે, નસીબ લખેલાં હોય છે. કોઈ વળી એમ પણ કહે કે એવું કશું હોતું નથી, વિધાતા નસીબ લખવા આવતા નથી. છોકરો મૂંઝાયા કરે. તેને થયું કે ભગવાનને જ પૂછવું જોઈએ. એટલે તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે એટલે મળવું છે. એક દિવસ એ છોકરાને સપનું આવ્યું કે દેવદૂતો આવીને તેને સ્વર્ગના વિમાનમાં બેસાડીને સદેહે ઈશ્વર પાસે લઈ ગયા છે. ઈશ્વરને જોઈને પેલા છોકરાએ તો પોતાને લાંબા સમયથી સતાવતો પ્રશ્ન જ પૂછી નાખ્યો,  ‘હેં ઈશ્વરજી, એ વાત સાચી કે તમે બધા માણસોનાં નસીબ અગાઉથી જ ચોપડામાં લખી રાખો છો?’ ભગવાને કહ્યું, ‘હા બેટા, દરેક મનુષ્યનાં નસીબના ચોપડા અહીં હોય છે.’ છોકરાએ એ ચોપડા જોવાની ઇચ્છા કરી એટલે ભગવાન આંગળી પકડીને તેને એક વિશાળ ઇમારતમાં લઈ ગયા. ત્યાં કરોડો ચોપડા ગોઠવેલા હતા, પેલા છોકરાએ એક ચોપડો ઉઠાવીને પાનાં ફેરવ્યાં, બીજો લઈને પાનાં ઊથલાવ્યાં, ત્રીજો, ચોથો એમ કેટલાય ચોપડાનાં પાનાં તેણે વાંચી જોયાં. દરેક માણસના નામનું એક પાનું હતું, પણ આખું પાનું કોરું. બધાના નામનાં પાનાં સાવ કોરાં. પાનાના અંતે માત્ર એક જ શબ્દ લખેલો હતો. છોકરાએ આશ્ચર્યથી પૂછ્યું કે ‘બધાનાં પાનાં કોરાં જ છે. એમાં નસીબ લખેલાં જ છે નહીં. ભાગ્ય કેવાં રહેશે, ભવિષ્યમાં શું થશે, માણસ કેવો બનશે એવું કશું તો આમાં લખ્યું જ નથી. છેલ્લે એક જ શબ્દ લખેલો છે એનો અર્થ શું?’ ભગવાને હસીને કહ્યું, ‘દરેકનાં પાનાં શરૂઆતમાં કોરાં જ રાખવામાં આવે છે. એમાં તેણે પોતે જ પોતાનું ભવિષ્ય લખવાનું હોય છે. તેં જોયા એ બધા ચોપડા એવાં બાળકોનાં છે જેમનું ભવિષ્ય હવે શરૂ થવાનું છે. તેઓ પોતાનાં નસીબ લખશે. હું તો પાનાના અંતે માત્ર ‘તથાસ્તુ’  શબ્દ જ લખું છું. માણસ પોતાનું નસીબ લખે એ જ થશે એવું હું અગાઉથી લખી આપું છું.’
  મુંબઈમાં જે આવે છે તેઓ આવા પોતાનું નસીબ પોતાના હાથે લખવા માગતા લોકો હોય છે. અહીંનો માણસ કોઈના ટેકે નહીં, પોતાની તાકાતથી પોતાનું ભાગ્ય નિર્મિત કરવાની હામ સાથે આવે છે. અહીંનો બાશિંદો ખુદ્દાર છે, તેને લાચારી ગમતી નથી. તેને ભીખ ગમતી નથી. તેને માગવું ગમતું નથી.તે કામ માગે છે, તે પરિશ્રમ કરવા માગે છે અને સફળતાને પોતે કમાય છે. અહીં માણસ જે કશું મેળવે છે એ અર્ન કરે છે એ મેળવવાનો હકદાર બને છે. એટલે આ શહેરની તાસીર અલગ છે. આ શહેરની ઔકાત અલગ છે. આ શહેરની કુવ્વત અલગ છે. આ શહેર ભલે વરસાદમાં ડૂબ્યું, બે દિવસમાં તો ફરીથી દોડતું થઈ ગયું. ફરી એવું જ વાઇબ્રન્ટ થઈ ગયું. કોરોના અને લૉકડાઉનનો કાતિલ ફટકો પણ મુંબઈ સાવ આસાનીથી સહન કરી ગયું. જરાય વિચલિત ન થયું. થોડો સમય થંભી ગયું. થોડો સમય સ્થિર થઈ ગયું, પણ તરત જ પોતાની જાતને કલેક્ટ કરીને ફરી છાતી કાઢીને બેઠું થઈ ગયું. મુંબઈને એના અસ્સલ રંગમાં આવતાં વાર નથી લાગતી, કારણ કે એ રંગ એનો સ્થાયી ભાવ છે, સ્વભાવ છે, તેણે ઓઢેલો અંચળો નથી. આ શહેરની મજા એ છે કે તમામ ઝાકમઝોળ છતાં સંપૂર્ણ દંભરહિત છે. તે પોતાનું ઐશ્વર્ય પણ પૂર્ણપણે દર્શાવે છે અને એની પોતાની ખામીઓને પણ ખુલ્લી કરી બતાવે છે. એટલે જ અહીં ધારાવી અને લોખંડવાલા કૉમ્પ્લેક્સ બન્ને સાથે જીવી શકે છે. એટલે જ અહીં કામાઠીપુરાની વારાંગનાઓ અને બૉલીવુડની ઍક્ટ્રેસો બન્નેને કામ મળી રહે છે. આ બહુ જ ખુલ્લું જીવતું શહેર છે. એને છુપાવવા જેવું કશું જ નથી અને એટલે જ આ શહેર જીવંત છે, સતત વિકાસમાન છે, સતત પરિવર્તનશીલ છે.
  મુંબઈની આ જીવંતતા જ એને સફળતાની ભૂમિ બનાવે છે. આ શહેર ભૂતકાળને ઝડપથી ભૂલી જાય છે અને આગળ વધી જાય છે. અહીં બે જ કાળ છે, વર્તમાન અને ભવિષ્ય. એને લીધે અહીં જે થઈ ગયું એનો શોક કરવાને બદલે જે છે અને જે થવાનું છે એને માણી લેવાનો સ્વભાવ ડેવલપ થયો છે. પૂરની તારાજી મોટી છે, પણ મુંબઈને એ પાછળ ખેંચી નહીં શકે. આ શહેર ચાલતું રહેશે, સતત.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK