ગયા અઠવાડિયે વાત કરેલી કે આજકાલ સમજણપૂર્વકના પરિપક્વ પ્રેમસંબંધો ધરાવતા યુગલો ભાગ્યે જ જોવા મળે છે, પણ એ લેખ વાંચીને એક બહેને જવલ્લે જ જોવા મળે એવી પોતાની પ્રેમગાથા અમારી સાથે શૅર કરી. ભલે હવે પતિનો સાથ તેમને નથી રહ્યો, એમ છતાં તેમના જીવનમાંથી છલકતો પ્રેમ જરૂર દિલના ખૂણાને ભીંજવી જશે એની ગૅરન્ટી
ગયા મંગળવારનો લેખ વાંચીને એક વાચક બહેનનો ફોન આવ્યો અને કહ્યું કે ‘તમે આલેખ્યો છે એવો જ પ્રેમસંબંધ અમારો હતો. સાઠના દાયકાની અંતમાં અમારા વચ્ચે પ્રેમ થયો અને સિત્તેરમાં અમે લગ્ન કર્યાં. અમારું ખળખળ વહેતી નદી જેવું લગ્નજીવન છેંતાળીસ વર્ષ ચાલ્યું. ચાર વર્ષ અગાઉ ૨૦૧૭માં અચાનક મારા પતિનું મૃત્યુ થયું, પરંતુ આજે પણ તેમને મારી સાથે જ અનુભવું છું.’
તેમની વાત સાંભળીને મને થયું કે આમાં વળી નવું શું છે? એ પેઢીનાં લગ્નોમાં આવું ટકાઉપણું જોવા મળતું હતું. પરંતુ એ બહેનની પૂરી વાત સાંભળી ત્યારે થયું કે પેલી વિસરાતી વિરાસતની વાત કરી હતીને એવા પ્રેમનો મબલક ફાલ તેમના લગ્નજીવનમાં લહેરાયો હતો. પાર્લામાં રહેતી સોની સમાજની કોકિલા બચપણથી પોલિયોનો શિકાર બની હતી. તેનું એક બાજુનું અંગ પોલિયોગ્રસ્ત બની ગયું. એ બાજુનો પગ અત્યંત વીક એટલે તે લંગડાઈને ચાલે. પણ તેની સાથે પ્રેમમાં પડેલો આર્કિટેક્ચરલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હર્ષદ શાહ જૈન પરિવારનો સંપૂર્ણપણે ફિટ યુવાન હતો. ટૉલ, ડાર્ક અને હૅન્ડસમ હર્ષદનો દેખાવ, હોશિયારી, શિક્ષણ અને સ્ટેટસ બધું જ તેને પોતાના બરની જીવનસાથી અપાવવા પૂરતું હતું; પરંતુ તેને કોકિલાની આંતરબાહ્ય સુંદરતા સ્પર્શી ગઈ.
તેમના વચ્ચે પ્રેમ કેવી રીતે થયો એ સવાલના જવાબમાં કોકિલા શાહ કહે છે કે એમાં નિમિત્ત બન્યો હતો મારા પિતાનો ઍલ્સેશન ડૉગ રુડોલ્ફ. કોકિલા પાર્લા (ઈસ્ટ)માં રહેતી અને તેની સ્કૂલ પાર્લા (વેસ્ટ)માં. એટલે તેને પાર્લા સ્ટેશનનો બ્રિજ ક્રૉસ કરીને સ્કૂલે જવું પડતું. તે પોતાની બહેનપણીઓ સાથે ધીમે-ધીમે બ્રીજ
ચડતી-ઊતરતી અને સ્કૂલની આવન-જાવન કરી લેતી. એક દિવસ તે આ રીતે સ્કૂલ જવા નીકળી. એ દિવસોમાં તેનાં મમ્મી બહારગામ ગયાં હતાં. તે પાર્લા સ્ટેશને પહોંચી ત્યાં તો રુડોલ્ફ દોડતો તેની પાછળ-પાછળ તેની સાથે થઈ ગયો! પોતાની સાંકળમાંથી એ કેવી રીતે છૂટો થયો એની કોકિલાને ક્યારેય ખબર ન પડી, પરંતુ સ્ટેશન પર પોતાના મોટા ઍલ્સેશનને સમજાવી-ફોસલાવીને પાછો ઘરે દોરી જતી એ રૂપાળી પોલિયોગ્રસ્ત છોકરીની સૂઝ અને હિમ્મત પર એક યુવાન વારી ગયો. કોકિલાએ પોતાના ઇલાકાના એ યુવાનને તીરછી આંખે પોતાને નિરખતો જોઈ લીધો. એક દિવસ એ વિસ્તારના કેટલાક છેલબટાઉ યુવાનોએ કોકિલાની પગની ખોડને લઈને એ વિશે કંઈક અશિષ્ટ કમેન્ટ કરી અને પેલો હીરો પોતાની પ્રિય વ્યક્તિના સન્માનની રક્ષા કરવા દોડી આવ્યો. ત્યારથી બન્ને વચ્ચે દોસ્તી થઈ. સમય જતાં એ પ્રેમમાં પરિણમી. અભ્યાસ બાદ હર્ષદ અને કોકિલા જૉબ કરવા લાગ્યાં. બન્નેના પરિવારમાં તેમના સંબંધ વિશે વિરોધ હતો. ખાસ કરીને હર્ષદના પરિવારમાં. પોતાનો આવો બાહોશ અને
સાજો-સારો દીકરો પગે ખોડ ધરાવતી છોકરીને પસંદ કરે એ તેમને સ્વીકાર્ય નહોતું. હર્ષદે પોતાનો ફ્લૅટ છોડી દીધો.
આખરે બન્નેએ વડીલોની નારાજી વચ્ચે જ કેટલાક દોસ્તો-બહેનપણીઓ અને ઑફિસના સાથીદારોની હાજરીમાં આર્યસમાજની વિધિથી લગ્ન કરી લીધાં. કોકિલાબહેન કહે છે પંચોતેર રૂપિયાના ખર્ચે થયેલાં એ લગ્નએ છેંતાળીસ વર્ષનું સ્નેહ અને સમજણથી સભર સુખી દામ્પત્યજીવન આપ્યું. દરમિયાન થોડો સમય જતાં બન્ને પક્ષના વડીલોનો વિરોધ શમી ગયો અને તેમને અપનાવી લીધાં. શારીરિક મર્યાદા છતાં કોકિલાએ પોતાની ગૃહસ્થીની જવાબદારીઓ કુશળતાપૂર્વક સંભાળી લીધી. ફૂડી પતિ માટે જાતજાતની વાનગીઓ બનાવતી. જ્યારે પત્ની કે તમામ મહેમાનો માટે ગરમાગરમ ચા તો હર્ષદ જ બનાવે. બન્ને ખૂબ જ પ્રેમથી એકમેકનાં પૂરક બની ગયાં.
પહેરવા-ઓઢવાની શોખીન કોકિલાને બહાર જવું હોય ત્યારે તૈયાર થવા માટે હર્ષદની મદદ લેવી પડે. તો એ પણ હર્ષદ હસતે મોઢે અને રસથી કરે. હર્ષદને પરદેશમાં જૉબ મળી. પહેલી દીકરીના જન્મ પછી અઠવાડિયામાં હર્ષદને મસ્કત જવાનું હતું. ત્યારે પણ કોકિલાએ તેને હિમ્મતથી વિદાય આપી હતી અને એકલીએ ઘરની જવાબદારી ઉપાડી હતી. અલબત્ત, પતિની જુદાઈ બહુ કઠતી. તો તેણે એનો પણ ઉપાય શોધી કાઢ્યો. દર અઠવાડિયે તે લાંબા વિગતવાર પત્રો લખતી અને ઑડિયો કૅસેટમાં પોતાનાં ગીતો કે નાનકડી દીકરીના ઘૂઘવાટા રેકૉર્ડ કરીને પતિને મોકલતી. પતિ-પત્ની બન્નેએ આ રીતે દૂર રહ્યાં-રહ્યાં પણ એકમેકનું સાંનિધ્ય માણ્યું. પછી તો કોકિલા દીકરીને લઈને પતિ પાસે ગઈ. બીજી દીકરીના આગમન પછી વરસો સુધી તેઓ દુબઈ રહ્યાં. હર્ષદ અને કોકિલા બન્નેને દુનિયા ઘૂમવાનો શોખ હતો અને એ સપનાં પૂરાં થર્યાં. કોકિલાને વ્હીલ-ચૅરમાં બેસાડીને યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા બધેય ફેરવી.
કોકિલાબહેન અને હર્ષદભાઈ ભારત પાછાં ફર્યાં અને પુણે સેટલ થયાં. બન્ને દીકરીઓનાં લગ્ન થઈ ગયાં. એ અરસામાં એક વાર તેઓ શિર્ડી જતાં હતાં. એ માટે ક્વૉલિસ ગાડી ભાડા પર બોલાવી હતી. કોકિલાબહેન કહે છે કે મને વિચાર આવ્યો કે હું પણ આ રીતે ગાડી ભાડે આપું તો? અને તેમણે કાર રેન્ટલનો પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેમની આર્થિક સ્થિતિ તો બહુ સારી હતી એટલે આવી કોઈ પ્રવૃત્તિ કરવાની કોકિલાને જરૂર નહોતી, પરંતુ હર્ષદે આ બાબતે પણ કોકિલાને પ્રોત્સાહન જ આપ્યું. દસ વર્ષ સુધી કોકિલાએ સફળતાથી પોતાનો બિઝનેસ ચલાવ્યો. ચાર વર્ષ પહેલાં ૨૦૧૭માં એક દિવસ સવારે શૉપિંગ માટે ગયેલા હર્ષદભાઈને પાછા ફરતાં અચાનક જ મૅસિવ હાર્ટ-અટૅક આવ્યો અને તેઓ જીવતા ઘરે પાછા ન ફર્યા! બોંતેર વર્ષનાં કોકિલાબહેનનો અવાજ આજે પણ એ દિવસ યાદ કરતાં ગળગળો થઈ જાય છે. એ વખતે તેમનાં લગ્નને છેંતાળીસ વર્ષ થયાં હતાં. હર્ષદભાઈને લગ્નની ગોલ્ડન જ્યુબિલી ઊજવવાનું બહુ મન હતું. તે કહેતા હતા કે કોકી, ત્યારે તને ડોલીમાં બેસાડવી છે. એ સપનું તો સાકાર ન થયું પરંતુ હંમેશાં
હસતાં-હસાવતાં અને સ્વજનોને મદદરૂપ થવા એવર રેડી પતિની પ્રેમાળ યાદોની ડોલીમાં કોકિલાબહેન આજે પણ સવાર છે. તેમને ગમતાં અને સાથે ગાયેલાં ગીતો ગાય છે અને પોતાના ગ્રૅન્ડ ચિલ્ડ્રનને
નાના-નાનીની પ્રેમકહાણીના કિસ્સ્સા સંભળાવે છે. તેઓ કહે છે કે આજની યુવા પેઢીને એટલું જ કહેવું છે કે સુખ સાધનોમાંથી નહીં, સંબંધોમાંથી મળે છે. એટલે એની માવજત કરો. વૉટ્સઍપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લૅટફૉર્મ્સ પરના થોડાક શબ્દો કે તસવીરોને પોતાની જિંદગી બરબાદ કરવાનો પરવાનો ન આપો. અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ, પોતાની મર્યાદાઓથી હારવાનું નહીં કે એને તાબે પણ નહીં થવાનું. મારી જિંદગીમાં ક્યારેય મુસીબતોને મેં મારી મર્યાદા બનવા નથી દીધી. હું નૉર્મલ વ્યક્તિની જેમ જ રહી છું અને હર્ષદે પણ મને એમ જ રહેવા પ્રોત્સાહિત કરી હતી.
કોકિલાબહેનની પૂરી વાત સાંભળ્યા બાદ લાગ્યું કે આ લવ સ્ટોરી જરૂર જરા હટકે છે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)
સાચકલા પ્રેમ અને સમજદારીપૂર્વકના પરિપક્વ સંબંધની વીસરાતી વિરાસત!
16th February, 2021 11:31 ISTગુજરાતીઓની અધૂરી ઓળખ ભૂંસવાની જવાબદારી આપણી છે
9th February, 2021 14:20 ISTપ્રાપ્તિ માટે સાધના અનિવાર્ય છે, જરૂરી નથી એ સાધનાનું સ્વરૂપ એકસરખું હોય
2nd February, 2021 14:54 ISTએક અપમાનિત સ્ત્રીના જાગી ગયેલા આત્મસન્માનનું અજવાળું
26th January, 2021 15:26 IST