Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ છે મોબાઇલની મહેરબાનીથી લાધેલું પરમ જ્ઞાન

આ છે મોબાઇલની મહેરબાનીથી લાધેલું પરમ જ્ઞાન

31 December, 2019 03:16 PM IST | Mumbai
Taru Kajaria

આ છે મોબાઇલની મહેરબાનીથી લાધેલું પરમ જ્ઞાન

મોબાઇલ

મોબાઇલ


ગયા અઠવાડિયે મોબાઇલ ફોનને અનલૉક કરવાની પૅટર્ન બદલી અને પછી એ નવી બદલેલી પૅટર્ન ભૂલી ગઈ! લગભગ એંસી જેટલી જુદી-જુદી પૅટર્ન અજમાવી જોઈ, પણ એકેય સાચી ન પડી. દર વખતે એ પૅટર્ન એન્ટર કરું અને મોબાઇલની સ્ક્રીન પર સંદેશો ચમકે : સૉરી. ખોટી પૅટર્ન છે. મોબાઇલ કંપનીમાં ફોન કર્યો તો પ્રતિનિધિએ કહ્યું કે હવે તો તમારા ડિવાઇસને ફૅક્ટરી સેટ મતલબ કે રીસેટ કરવું પડે. એટલે કે તમારા મોબાઇલમાં જે કંઈ પણ સામગ્રી ભેગી કરેલી પડી છે એ બધેબધ્ધી સફાચટ થઈ જશે! હા, એક શક્યતા છે જો તમારો મોબાઇલ નંબર તમારા ગૂગલ અકાઉન્ટ સાથે સિન્ક કરેલો હશે તો તમારા ગૂગલ અકાઉન્ટ પરથી એ બધો ડેટા તમે મેળવી શકો. તેનો જવાબ સાંભળીને મોબાઇલમાં જળવાયેલાં જથ્થાબંધ ફોટોઝ, ગીતો, ચૅટ્સ, નોટ્સ, ચિત્રો અને મહત્ત્વના સંદેશાઓ બે હાથ ઊંચા કરીને ચીસાચીસ કરતાં સંભળાયાં : અમને બચાવી લો, બચાવી લો! સાથે જ એક બીજું દૃશ્ય પણ દેખાયું. ચૅટ્સ અને મેસેજિસના પેલા સંદેશાઓના શબ્દો જાણે આંખ મીંચકારીને કહી રહ્યા હતા : બહુ દિવસો સુધી અમને કેદ કરીને રાખ્યા હતાને! લે લેતી જા હવે... અમે તો હવે આ ચાલ્યા. માત્ર એક જ સેકન્ડમાં બધા અલોપ થઈ જઈશું.

ખરેખર મોબાઇલને અનલૉક કરવા માટે એનો ડેટા ગુમાવી દેવાનો નિર્ણય ભારે કપરો હતો, પરંતુ એને કામ કરતો કરવા માટે એ નિર્ણય લેવો જ પડે એમ હતો. આખરે અત્યંત ભારે હૈયે કંપનીના ઑનલાઇન સર્વિસ આપતા પ્રતિનિધિને કહ્યું કે હા, ભલે બધું ભુંસાઈ જાય, મોબાઇલ ચાલુ કરી દ્યો! એ વખતે વિચાર આવ્યો કે આ દુનિયામાં વરસો સુધી રહ્યા હોઈએ અને આટઆટલા સંબંધો અને સામગ્રીઓ ભેગાં કર્યાં હોય છતાં એક દિવસ એ બધું છોડીને જવાની પળ આવે જ છેને! જિંદગીભરની એ મૂડી સામે આ ફોનના ડેટાની શું વિસાત? તો પછી એમાં દુ:ખી થવાની કોઈ જરૂર નથી. ઊલટું, આ ઘટનાને પેલી આખરી અને અલ્ટિમેટ પળ માટેની તાલીમની તક તરીકે કેમ ન ગણવી?



આ ઘટનામાંથી જિંદગીના સંદર્ભે બીજી પણ એક શીખ મળી. જિંદગીની પૅટર્ન બદલતાં પહેલાં પૂરતો વિચાર કરવો. કોઈ કહે છે કે કોઈ કરે છે એટલે આપણી જિંદગીની પૅટર્ન બદલી નાખવા લલચાવું નહીં. ક્યારેક ખરેખર જરૂર લાગે કે જીવનમાં કોઈ બદલાવ લાવવો જ છે તો એ ક્યાં લાવવો છે, શા માટે લાવવો છે અને કેવી રીતે લાવવો છે એ વિશે પૂરા સ્પષ્ટ રહેવું. એના પરિણામ માટે પણ તૈયાર રહેવું. કોઈ પણ બદલાવ લાવવા આંધળૂકિયાં કરવાં નહીં. વળી જે બદલાવ કરીએ એ પણ પૂર્ણપણે યાદ રાખવો, કેમ કે અગર એ આપણને સૂટ ન થાય તો એને બદલવા માટે પણ એ યાદ હોવો જરૂરી છે. બાકી તો આપણામાંથી મોટા ભાગના લોકોને કદાચ અનુભવ હશે કે કોઈ પણ ડિજિટલ ડિવાઇસ હોય, ઍપ હોય કે વર્ચ્યુઅલ રિયલિટી હોય; એક ખોટી કે બિનજરૂરી સ્વાઇપ અને મોટી ઊથલપાથલ થઈ જાય. અલબત્ત, એમાં એક ‘બૅક’ કે ‘રિવર્સ’ સ્ટેપની જોગવાઈ હોય છે. પરંતુ જિંદગીમાં જો આવો કોઈ ખોટો કે ન લેવો જોઈએ એવો નિર્ણય લેવાઈ જાય કે ભૂલ થઈ જાય તો એને રિવર્સ કરવાની તક એમાં નથી મળતી. એટલે આ બધાં ડિવાઇસ કે ટેક્નૉલૉજી સાથે જેટલા સાવધાન રહીએ છીએ એના કરતાં અનેકગણી સાવચેતીથી જિંદગીને હૅન્ડલ કરવી જોઈએ.


કેટલાક લોકોનાં જીવન એવી ભયંકર અરાજકતાથી ઘેરાઈ ગયેલાં જોયાં છે અને કેટલીય વાર આવા લોકોના મોઢે આ શબ્દો સાંભળ્યા છે કે ‘એે નિર્ણય મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી’ કે ‘પેલું પગલું મારે નહોતું ભરવું જોઈતું... કાશ તમે મને ત્યારે ગમે તેમ કરીને પણ રોક્યો હોત!’ એવા નિર્ણયો કે પગલાં એ પેલી આવેશમાં આવીને બદલી નાખેલી જિંદગીની પૅટર્ન કે ભૂલથી થઈ ગયેલી સ્વાઇપ અથવા ઉતાવળે ખોટા ઑપ્શન પર થઈ ગયેલું ક્લિક છે. પરંતુ કમનસીબે સાચકલી જિંદગીમાં એ મૂવને ડિલીટ કે રિવર્સ કરવાની સગવડ નથી હોતી. એટલે જ જિંદગીની કોઈ પણ સેટ થયેલી પૅટર્નમાં પરિવર્તન કરવું હોય તો ઉતાવળ કરવી નહીં. કોઈ પણ નિર્ણય લેતી વખતે આગળ-પાછળનો બધો વિચાર કરી લેવો. ક્યારેય કરવા ખાતર કે બીજાઓનું જોઈને પોતાની જિંદગીની પૅટર્ન બદલવા લલચાવું નહીં. મહેરબાની કરીને આને પરિવર્તન-વિરોધી માનસિકતા ન ગણી લેશો. આ તો મોબાઇલ જેવા ડિવાઇસની એક પૅટર્ન ભૂલી જવાને પરિણામે લાધેલું જ્ઞાન છે!

બાકી તો આપણે નાણાં ખર્ચીને લીધેલું મોબાઇલ જેવું એક ડિવાઇસ પણ જો એની એક વાત ન માનીએ તો આપણને આટલી તકલીફ પહોંચાડી શકે છે તો વિચાર કરો, ભગવાને આપેલી આ જિંદગીની હિન્ટ કે સલાહ ન માનીએ તો કેટલા હેરાન થવું પડે? યાને કે કાન જિંદગીનો અવાજ સંભળાય એટલા સરવા રાખવા અને મગજ એના શબ્દો સમજાય એટલું અલર્ટ રાખવું, બરાબરને?


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 03:16 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK