Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવા ગાંધી ફરી પ્રગટાવ

નવા ગાંધી ફરી પ્રગટાવ

04 October, 2020 06:47 PM IST | Mumbai
Hiten Aanandpara

નવા ગાંધી ફરી પ્રગટાવ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


બીજી ઑક્ટોબરે ગાંધી જયંતી ઊજવાઈ. આજે થોડી વાત તેમના વિશે અને થોડી એવા સિદ્ધાંતો વિશે જે આજે પણ પ્રસ્તુત છે. ગાંધી ક્યારેય જૂના નથી થવાના, બલકે જેમ-જેમ દાયકાઓ વીતે છે એમ-એમ તેમનો સંદેશ વધારે ને વધારે સાર્થક થતો જણાય છે. પ્લેગની મહામારી વખતે ગાંધીજીએ સ્વચ્છતાની ૨૧ મુદાની માર્ગદર્શિકા ઘડેલી. એ વાંચીએ તો આજે પણ એમાંથી ઘણી વાત બંધ બેસતી લાગે. પ્રવીણ શાહની સફાઈ સાંભળીએ...

દિલની આજે સફાઈ કરવી છે



સૌની થોડી ભલાઈ કરવી છે


કાચ ચમકી ઊઠે હીરાની જેમ જ

એટલી બસ ઘસાઈ કરવી છે


પથ્થર હીરો બને એ પ્રક્રિયા લાંબી હોય છે. પ્રારંભમાં ગાંધીજીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી નહોતું, પણ વાતોનું વજન એવું હતું કે પ્રભાવ ધીરે-ધીરે વિસ્તરતો ગયો. કોર્ટમાં દલીલ કરવામાં ગભરાઈ ગયેલા યુવા ગાંધીએ આગળ જતાં ગોરી સરકારને અહિંસા અને અસહકારનાં શસ્ત્રોથી ગભરાવી મૂકેલા. તેમણે લાઠી પકડી, પણ ઉગામી નહીં. હત્યાનો ડર હોવા છતાં તેમણે સત્યની લગામ ક્યારેય ન છોડી. અલ્પેશ પાગલની પંક્તિઓ સાથે અતીત અને વર્તમાનનો તંતુ સાધીએ...

હું છું સત્યનો એક નક્કર પુરાવો

મને લ્યો હવે શૂળી પર ચડાવો

નયનને ને ચહેરાને કિસ્સાઓ કહીને

તૂટેલા હૃદયનાં ન પોસ્ટર છપાવો

સત્ય તેમને માટે ઈશ્વરનું જ બીજું નામ હતું. તેમણે પ્રાર્થનામાં ઈશ્વરને સમર્પણ કર્યું અને સત્યની સાધના દ્વારા ઈશ્વરને પામવાનો પ્રયાસ કર્યો. તેમને માટે બકરી પણ અગત્યની હતી અને આઝાદી પણ અગત્યની હતી. સિંધુનું મહત્ત્વ કરતાં પણ તેમને આવડતું હતું અને બિંદુનું મહત્ત્વ પણ તેઓ કરી જાણતા હતા. સુધીર પટેલની વાત તર્કસંગત છે...

હોય જે કૈં શક્યમાં મળજો મને

સાવ પૂરા સત્યમાં મળજો મને

ના રહે અવકાશ કોઈ તર્કનો

શુદ્ધ એવા તથ્યમાં મળજો મને

ગાંધીજીની તસવીરોમાંથી પસાર થશો તો ઘણાં તથ્યો નજર સામે ઊભરી આવશે. એક તરફ શિસ્ત તો એક તરફ રમૂજ, એક તરફ મોટી-મોટી પરિષદો તો બીજી તરફ બાળકો સાથે ગેલ-મસ્તી. ચરખાની સાથે ન જાણે તેમણે કેટલીયે વૃત્તિઓને કાંતીને વસ્ત્રને પોતીકો રંગ આપ્યો. પોતાના અક્ષર ખરાબ હતા, પણ ભાષા પ્રત્યે એટલી સભાનતા કે શબ્દકોશ તૈયાર કરાવ્યો. ૧૯૨૦માં તેમણે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરેલી. આજે આ સંસ્થા ૧૦૦ વર્ષ પછી પણ ગાંધીજીની જ્યોત વહન કરી રહી છે. કીર્તિકાન્ત પુરોહિત અનેક વાતને આવરી લે છે...

ઘણું સાહિત્ય બદલાયું, કલેવર શબ્દનાં પલટી

પરા-અપરાને ભાષાજ્ઞાન દીધું એક ટહુકાએ

નવા ગાંધી ફરી પ્રગટાવ ભારત સત્યની ઓથે

કહીશું પાછલું અભિમાન દીધું એક ટહુકાએ

આપણી ભાષા માટે વિશેષ ગૌરવ ત્યારે થાય જ્યારે ગાંધીજી અને સરદારને એક જ તસવીરમાં જોઈએ. આ બે ગરવા ગુજરાતીઓએ દેશની આઝાદીમાં મોટો ફાળો આપ્યો હતો. નરેન્દ્ર જગતાપ નરેનના શેરમાં આ બન્ને વિભૂતિઓ તાદૃશ્ય થાય છે...

કલયુગે સરદાર જેવું જોઈએ

ગાંધી કે સરદાર જેવું જોઈએ

સાચને સીધેસીધું મૂકી શકો

જૂઠને શણગાર જેવું જોઈએ

સજેલીધજેલી દુલ્હનની જેમ જૂઠને આજકાલ પ્રસ્તુત કરવામાં આવે છે. પૅકિંગ એવું આકર્ષક હોય કે અંદરનું સત્ત્વ શું છે એ જોવાની દરકાર કોઈ રાખતું નથી. ખરેખરાં તથ્ય તો મુનિની જેમ શાંતચિત્તે બેઠાં હોય. તેમને સ્વમાં ન,હીં સૃષ્ટિમાં રસ હોય. અશોક જાની આનંદ કહે છે એવી હઠ દેશ માટે વરદાનરૂપ નીવડી શકે... 

હા, ક્વચિત એનીય પણ આવે અમાવાસ્યા કદી

સૂર્ય સામે એથી દીપ પ્રગટાવવાની હઠ કરી

પ્રેમ, આનંદ, દોસ્તી, શાંતિ, અહિંસા ને બધું

વારસામાં સૌને બસ આપી જવાની હઠ કરી

ક્યા બાત હૈ

 મૂર્ખને મુક્તિ મળે એ પણ નકામી હોય છે

તેની આઝાદી તો ઇચ્છાની ગુલામી હોય છે

 

દૃશ્ય જે દેખાય છે એવું જ છે એવું નથી

આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

 

આંખોના કાંઠે તો બસ બેચાર બિંદુ ઊભરે

મનના દરિયે જ્યારે એક આખી સુનામી હોય છે

 

સૂર્ય શો હું, આથમીને સત્ય એ સમજી શક્યો

માત્ર ઊગતા સૂર્યને સૌની સલામી હોય છે

 

નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે

આખરે જે જાય છે એ તો ન-નામી હોય છે

- હેમંત પુણેકર

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2020 06:47 PM IST | Mumbai | Hiten Aanandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK