કચ્છ અને વાગડના વીર શ્રી કરસન લધુ નિસર

Published: Dec 31, 2019, 15:04 IST | Vasant Maru | Kutch

વાગડ પંથકના પેરીસ ગણાતા ગામ ખારોઈની આ કથા છે.

વાગડ પંથકના પેરીસ ગણાતા ગામ ખારોઈની આ કથા છે. ખારોઈના લધુભાઈ નિસર અને તેજબાઈને ત્યાં ૧૦૧ વર્ષ પહેલાં કરસન નામના દીકરાનો જન્મ થયો. કરસન હજી માંડ બે વર્ષનો થયો ત્યાં પિતા લધુભાઈનું અવસાન થયું અને માતા તેજબાઈ પર આફત ઊતરી પડી. સામાન્ય ખેતી અને બીજાં પરચૂરણ કામ કરી તેજબાઈ ઘર ચલાવવા પુરુષાર્થ કરવા લાગ્યાં. આ સંઘર્ષભર્યા દિવસોમાં પણ પોતાના દીકરા કરસન અને દીકરી મોંઘીને ધર્મ અને માનવ ધર્મના સંસ્કારોનું સિંચન કરતાં. સમય વીતતો ગયો અને બાળક કરસન જૈન સાધ્વી અમૃતબાઈના પરિચયમાં આવ્યો અને અમૃતબાઈને ગુરુપદે સ્થાપ્યાં.

મા તેજબાઈના સંઘર્ષને જોઈ અગિયારેક વર્ષના કરસને મુંબઈપૂરી જઈ પૈસા કમાવવાનું સ્વપ્ન જોયું. વિધવા માને માંડ-માંડ મનાવી મુંબઈ જવા ખારોઈથી ગાડામાં બેસીને હળવદ સુધી આવ્યો. હળવદથી મુંબઈનું ગાડીભાડું પાંચ રૂપિયા માએ ઊછીના લઈને આપ્યા હતા, પણ કરસનના શારીરિક બાંધાને જોઈ ટીસીએ અડધીને બદલે આખી ટિકિટ લેવાનું ફરમાન કર્યું. કિશોર કરસન હતાશ થઈ રડવા લાગ્યો ત્યારે હળવદના રસ્તા પરથી પસાર થતા અજાણ્યા સદ્ગૃહસ્થોએ ફાળો ઉઘરાવી નવ રૂપિયાની મદદ કરી. બાળક કરસનના મન પર આ અજાણ્યા સદ્ગૃહસ્થોની મદદની ઊંડી છાપ પડી. હળવદના એ અજાણ્યા સજ્જનોને યાદ રાખી એમણે જીવનભર કરોડો રૂપિયાની મદદ જરૂરિયાતમંદોને કરી. પ્રવાસ માટે અઢી રૂપિયાની મદદ લેનાર સમય જતા બે વર્લ્ડ ટૂર્સ કરી આખા વિશ્વમાં પોતાના ખર્ચે ફરી આવ્યા એ નસીબની કેવી અજબ ચાલ કહેવાય!

સમય જતા કરસનબાપાએ મુંબઈના હૃદયસમા દાદરમાં એવી એક ધાર્મિક જગ્યાનું નિર્માણ કર્યું જ્યાં ધર્મની સાથે-સાથે માનવધર્મનો ઉત્સવ રોજ ઊજવાય છે. એ જગ્યાનું નામ છે ‘શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ’ જેને કચ્છી પ્રજા ક. લ. નિસર હોલ તરીકે ઓળખે છે, અને બિન જૈનો ‘નવનીત જૈન હેલ્થ સેન્ટર’ તરીકે ઓળખે છે.

આ નવનીત જૈન હેલ્થ સેન્ટરમાં રોજ અંદાજિત બારસોથી પંદરસો દરદીઓ દવા, ચેક-અપ ઇત્યાદિ માટે આવે છે. સેન્ટર શરૂ થયું ત્યારે દવાના માત્ર પચાસ પૈસા લેવાતા અને આજે દસ રૂપિયામાં ત્યાં દવા અપાય છે. આજની તારીખે અઠવાડિયામાં સવાસો જેટલા નિષ્ણાત ડૉક્ટર્સ અને ૧૪૦ જેટલો સ્ટાફ માનવતાના મસીહા બની મધ્યમ અને ગરીબ વર્ગના દરદીઓની સેવા કરે છે.

આ ક. લ. નિસર હોલ ખાતે આ ફાટફાટ થતી મોંઘવારીમાં રોજનું અંદાજે આઠસોથી હજાર કિલો નાસ્તાનું વિતરણ પડતર કિંમતે થાય છે જેનો લાભ સમગ્ર મુંબઈ લઈ રહ્યું છે. એ જ રીતે ધંધા-રોજગાર માટે દૂરથી આવતા જૈન વ્યાવસાયિકોને મહિનાના માત્ર પાંચસો રૂપિયા લઈ સાત્વિક ભોજન પીરસાય છે. કચ્છીઓના દિલ પર રાજ કરતા ક. લ. નિસર હોલનો સૌથી મોટો ઉપયોગ પ્રાર્થનાસભા માટે થાય છે. વર્ષો પહેલાં કચ્છી સમાજમાં મૃત્યુ પ્રસંગે ગુડાવર પ્રથા હતી. પછી બેસણા અને ઉઠમણાં પ્રથા આવી, પછી સાદડી અને હવે પ્રાર્થનાસભા યોજાય છે. આ સાદડી અને પ્રાર્થનાસભા માટે  ક. લ. નિસર હોલ મુંબઈની મધ્યમાં હોવાથી સારું સ્થળ સાબિત થયું. મૃત્યુ પછી શોક પૂરો કરવા થતી વિધિ એટલે કે ‘સૂગ ઉતારવી’  કે  ‘બરવિધિ’ માટે પણ આ જગ્યા અનુકૂળ લાગવાથી સારો વપરાશ થાય છે. એટલું જ નહીં કચ્છ યુવક સંઘની એન્કરવાલા રક્તદાન શિબિરનું સમયાંતરે આયોજન રૂષભ મારુ અહીં કરી માનવતાનો મહોત્સવ ઊજવે છે. આ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (દાદર) કે ક. લ. નિસર હોલના પ્રણેતા અને સંસ્થાને મજબૂત બનાવનાર કચ્છ અને વાગડના વીર, લોકપ્રિય સમાજસેવક, શ્રી કરસન લધુ નિસરે પોતાના રક્ત-પસીનાનું સિંચન કરી સંસ્થાને વિશાળ વટવૃક્ષ બનાવ્યું છે. અત્યારના સૂત્રધાર શ્રી રામજીભાઈ ડાહ્યાલાલ ગાલા તથા શ્રી શાંતિભાઈ ડુંગરસી મારુ અને સાથીદારો બાપાના આ સ્વપ્ન સમી સંસ્થાનું સુચારુ સંચાલન કરી રહ્યા છે.

કરસનબાપાએ મુંબઈ આવ્યા બાદ શરૂઆતમાં વર્ષે રૂપિયા સાઠની નોકરી કરી, પછી એમના કાકા ધનજી જીવરાજના સાથથી કટલેરીની દુકાન શરૂ કરી. સમય જતા એક દુકાનમાંથી અસંખ્ય દુકાનો ખરીદી. કરસનબાપા રેડીમેડ ગારમેન્ટની ફૅક્ટરી નાખનાર વાગડમાં પ્રથમ હતા. યુવાનીમાં કરસનબાપા પર મહાત્મા ગાંધી અને ખાસ કરીને કસ્તુરબાના પ્રવચનોની ઊંડી અસર હતી એટલે સ્વરાજ્યની ચળવળમાં જોડાયા હતા. ખારોઈના કોરસીભાઈ નિસર, કચ્છી સમાજના ખીમજી માડણ ભુજપુરિયા, વેલજીબાપા ઇત્યાદિ સ્વતંત્રતાની ચળવળમાં એમના સાથીદાર હતા. કરસનબાપા ખારોઈમાં માંડ ચાર ધોરણ ભણ્યા હતા, પણ ભણતરનું મહત્ત્વ સમજી પોતાના ત્રણેય દીકરાઓને એન્જિનિયર બનાવ્યા. એમાંથી મોટા બે પુત્રોને ભણવા છેક જર્મની મોકલ્યા. વચેટ પુત્ર મેઘજીભાઈ જર્મનીમાં જ સેટલ થઈ ગયા. ત્યાં તેઓ દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનાં મશીન બનાવવા લાગ્યા. ભારતમાં હાલ કરસનબાપાની એકમાત્ર વંશજ એમની પૌત્રી ડૉ. કવિતા દેસાઈ નિસર દાદરમાં રેડિયોલોજિસ્ટ તરીકે પ્રખ્યાત છે. બાળપણમાં સચ્ચાઈ,  હિંમત અને નીતિના પાઠ ભણાવનાર દાદાની મીઠી યાદ ડૉ. કવિતા દેસાઈ નિસરને હજી સ્મરણમાં છે.

દાદરમાં ૨૫૦૦ સ્કવેર ફુટના ઘરમાં દોમદોમ સાહ્યબી વચ્ચે જીવતા કરસનબાપા તદ્દન નિર્મોહી હતા. અરે ! કપડા પણ જાતે ધોતા. ખપપૂરતું અંગ્રેજી શિક્ષણ મહાવીર વિદ્યાલયની નાઈટ સ્કૂલમાં શીખ્યા અને પત્ની પૂનઈબેનને ભણાવવા ઘરે ટીચર રાખ્યા. દાદર અને આસપાસમાં જે સમયે સ્થાનકવાસી જૈન સંપ્રદાયના લોકો માટે ધર્મક્રિયા કરવા કોઈ સ્થાન નહોતું ત્યારે પોતાના ઘરે સોએક વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી, પછી દાદરમાં સ્થાનકવાસી જૈન સંઘની સ્થાપના કરી, રૂપિયા સવા લાખમાં બંગલો ખરીદ્યો. એ સમયે અધધધ કહી શકાય એવી ૧૮ લાખની કિંમતે સ્થાનકનું મકાન બનાવ્યું. અત્યારે પણ ત્યાં જૈન સાધુ-સાધ્વીઓ સ્થિરવાસ કરે છે. વિહાર ન કરી શકતા વયોવૃદ્ધ

સાધુ-સાધ્વીઓ માટે વૈયાવચ્ચ કેન્દ્ર પણ ચાલે છે. એ મકાનની બાજુમાં કરસનબાપાએ માતબર દાન આપી ક. લ. નિસર હોલ સ્થાપ્યો. જ્યાં નવનીત હેલ્થ સેન્ટરમાં વર્ષે-દહાડે ચારથી પાંચ લાખ લોકો લાભ લે છે.

અત્યારે ક.વિ.ઓ. સ્થાનકવાસી જૈન મહાજન દોઢસો વર્ષની ઉજવણી ચાલી રહી છે, એ સંસ્થામાં વર્ષો સુધી ઉપપ્રમુખ અને ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. ભચાઉ બોર્ડિંગમાં ટ્રસ્ટી,  સંચાલક,  લાકડિયાની પૂનઈબેન જૈન કન્યા છાત્રાલયમાં પ્રમુખદાતા અને પ્રમુખ તરીકે,  ખારોઈ મિત્ર મંડળ,  દાદર મર્ચન્ટ અસોસિએશન,  દાદરની પ્રખ્યાત સુશ્રુવા હૉસ્પિટલમાં ટ્રસ્ટી, સમર્થ વ્યાયામશાળા ઇત્યાદિ ૩૫ સામાજિક કે ધાર્મિક સંસ્થાઓમાં દાનવીર અને સક્રિય કાર્યકરની ભૂમિકા અદા કરી છે.

આમ જોવા જઈએ તો કરસનબાપા આજીવન સમાજસેવાના ભેખધારી હતા. જે સંસ્થામાં જોડાયા એમાં ચીવટપૂર્વક,  માનવીય શ્રદ્ધા સાથે કાર્ય કરતા. કરસનબાપાએ સાથીદારો સાથે વર્ષો પહેલાં ખારોઈમાં છોકરાઓ માટે બોર્ડિંગ શરૂ કરી, સમય જતાં સમગ્ર વાગડ પથક એનો લાભ લઈ શકે એ માટે બોર્ડિંગ ભચાઉ ખાતે ખસેડાઈ. કરસનબાપા બોર્ડિંગની નાણાકીય સધ્ધરતા  માટે આદત મુજબ મુંબઈમાં ઘરે ઘરે ફરી બોણી ઉઘરાવતા, ગામડાઓમાં ફરીને ખળા બોણી ઉઘરાવવા જતા, એટલું જ નહીં બોર્ડિંગના વિકાસ માટે થોડાં વર્ષો મુંબઈના ધંધાપાણી કોરાણે મૂકી ભચાઉ બોર્ડિંગમાં રહેવા ચાલ્યા ગયા! એ જ રીતે વાગડની કન્યાઓ માટે લાકડિયામાં શ્રીમતી પૂનઈબેન કરસન લધુ કન્યા છાત્રાલય બાંધી એના વિકાસમાં સક્રિય રસ લીધો અને કન્યા છાત્રાલયને ધમધમતી કરી દીધી. મુંબઈમાં કન્યાઓ માટે ભાણબાઈ છાત્રાલયને સ્થાપવા અને એના વિકાસ માટે વીરજીભાઈ સાલીયા અને ભુજપુરિયા શેઠને અન્યોન્ય સહયોગ આપ્યો અને જીવનના અંત સુધી ભાણબાઈ છાત્રાલયની માવજતમાં સિંહફાળો આપ્યો. ચિંચપોકલીની વેલજી લખમશી નપુ હાઈ સ્કૂલ અને પ્રેમજી દેવજી કન્યાશાળામાં સક્રિય સહયોગ આપી કચ્છ અને વાગડ વચ્ચે સેતુ બની લોકપ્રિય થયા હતા. દેવલાલીમાં કચ્છીઓના વેકેશન માટે ઉપયોગી દેવજી ખેતસી આરોગ્યધામમાં પણ સક્રિય રહ્યા હતા.

કરસનબાપાએ કેળવણી અને સ્વાસ્થ્ય ક્ષેત્રે જેટલું કાર્ય કર્યું એટલું જ કાર્ય સમાજ સુધારણા માટે કર્યું. તેઓ ક્રાંતિકારી વિચારના હતા. પોતાના ઘરથી જ ઘૂંઘટ પ્રથાને તિલાંજલિ આપી ઘૂંઘટ પ્રથાનો વિરોધ આરંભ્યો. તેઓ વિધવા વિવાહના પ્રખર હિમાયતી તરીકે પ્રખ્યાત હતા. બાળપણથી જ કરસનબાપા પર જૈન સાધ્વી અમૃતબાઈનો પ્રભાવ હતો. એટલે જ જૈન તત્વજ્ઞાન સાધ્ય કર્યો હતો. મુંબઈ અને મુંબઈની બહાર અસંખ્ય સ્થાનકો એમના નામે છે. સાધુસંતો, મહાસતીઓના અભ્યાસ માટે પંડિતો નીમતા. સાધુ-સાધ્વીજીઓની નાની-મોટી જરૂરિયાત સ્વખર્ચે પૂરી કરતા. રાતે ૯ વાગે સૂઈને ૩ વાગે ઊઠી કસરત ઇત્યાદિ પતાવી પોતાની કાર લઈ વિવિધ સાધુ-સાધ્વીજીના દર્શનાર્થે રોજ નીકળી પડતાં. આ ક્રમ જીવનપર્યંત જાળવ્યો એટલે જ તેઓ સાધુ જગતમાં ‘અમ્મા પિયા’ના હુલામણા નામે ઓળખાતા. શૂન્યમાંથી સર્જન કરનાર કરસનબાપાને દીક્ષા લેવાનો ભાવ જાગૃત થયો, પરંતુ સંજોગોને આધીન એ શક્ય ન બનતાં બહુ નાની વયમાં પત્ની પૂનઈબેન સાથે સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રતના પચ્ચખાણ લઈ સંસારી સાધુ બની ગયા! ધર્મથી તરબતર કરસનબાપાએ યુવાવર્ગ અને નવી પેઢીમાં ધર્મના સંસ્કાર પડે માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા દાદર સ્થાનકમાં શરૂ કરી જે આજે લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચી છે.

આ કરોડપતિ સંસારી સંતનું જીવન એટલું સાદગીસભર હતું કે પોતાના કપડા તો જાતે જ ધોતા પણ સંઘ જમણમાં લોકોની એઠી પત્રાવડિયો કે થાળીઓ જાતે ઉપાડતા, કોઈ કારણસર કર્મચારી ન આવી શક્યો હોય તો જાતે ઝાડુ-પોતા કરી સ્થાનકને ચોખ્ખુંચણાક કરી દેતા. એમનામાં જેટલી સાદગી હતી એટલી જ બહાદુરી હતી. દાદરની દુકાનોની બહાર ફેરિયાઓની જબરી કનડગત હતી. જીવના જોખમે ફેરિયાઓની કનડગત દૂર કરવાના એમના અનેક કિસ્સાઓ વેપારીઓમાં પ્રચલિત છે. મૃત્યુપર્યંત તેમણે પોતાની કાર જાતે ચલાવી હતી. એક સમયે મુંબઈમાં આવવા જેમને અઢી રૂપિયા ઓછા પડ્યા હતા એમણે જર્મનીમાં કે જગતના કોઈ પણ ખૂણામાં ફરીને પોતાના નસીબને હરાવ્યું હતું. એમના અંગત મિત્ર મગનલાલભાઈ ધરોડના નામે દાદરમાં ચોકનું નામકરણ સુધરાઈએ કર્યું. નામકરણના એ ફંકશનમાં છેલ્લી વાર કરસનબાપા જાહેર જીવનમાં દેખાયા હતા. ત્યારબાદ થોડા સમયમાં આ જગતમાંથી વિદાય લઈ લીધી, પણ માનવતાની સુવાસ ચારે બાજુ ફેલાવી સમાજને મઘમઘતો કરી દીધો હતો. આ મહામાનવીની ખૂટતી માહિતી પૂરી પાડવા બદલ લવંગિકાબહેન સાવલા, અનિલભાઈ ધરોડ અને લીના કાંતિલાલ મારુનો આભાર માની, ‘મિડ-ડે’ના કચ્છી કૉર્નર વતી આ અવધૂતના ઓલિયાને વંદન કરું છું. અસ્તુ.

- લેખક અને કચ્છી નાટ્યકાર

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK