Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાણો છો બૅન્કરોને શું મોટી ફરિયાદ છે કસ્ટમરોથી?

જાણો છો બૅન્કરોને શું મોટી ફરિયાદ છે કસ્ટમરોથી?

24 July, 2020 07:57 PM IST | Mumbai
Bhakti Desai

જાણો છો બૅન્કરોને શું મોટી ફરિયાદ છે કસ્ટમરોથી?

બૅન્કના કર્મચારીઓએ પણ લૉકડાઉન હતું ત્યારથી જીવના જોખમે સર્વિસ ચાલુ રાખી છે

બૅન્કના કર્મચારીઓએ પણ લૉકડાઉન હતું ત્યારથી જીવના જોખમે સર્વિસ ચાલુ રાખી છે


પોલીસ, ડૉક્ટર્સ, નર્સ, સફાઈ-કામદારોની જેમ બૅન્કના કર્મચારીઓએ પણ લૉકડાઉન હતું ત્યારથી જીવના જોખમે સર્વિસ ચાલુ રાખી છે. સતત લોકોના સંપર્કમાં આવતું રહેવું પડે એવી જૉબ હોવાને કારણે પ્યુન, ક્લર્ક, કૅશિયર, ઑફિસર એમ દરેક કર્મચારીઓએ અનેક મુશ્કેલીઓ વેઠી છે અને હજી વેઠી રહ્યા છે. એમાં ક્યાંકને ક્યાંક આપણે બૅન્કના કસ્ટમરો પણ જવાબદાર છીએ. કસ્ટમરો વગર કામે બૅન્કમાં જઈને બેસે, નાના અને ક્ષુલ્લક કામ માટે વારંવાર બૅન્કમાં જાય, માસ્ક પહેર્યા વિના જાય અને સૅનિટાઇઝેશનની પૂરતી કાળજી ન રાખતા હોવાથી હવે મોટી સંખ્યામાં બૅન્કરો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે ત્યારે જાણીએ બૅન્કના કર્મચારીઓનું શું કહેવું છે

ગ્રાહકોએ અમારી સમસ્યા સમજીને વલણ બદલવું જોઈએ : ઝલક શાહ



સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાની દાદર બ્રાન્ચમાં ક્લર્ક તરીકે કામ કરતાં ઝલક શાહ કહે છે, ‘લૉકડાઉનથી અમારી બૅન્કમાં અમારે એક દિવસ છોડીને એક દિવસ એમ જવાનું હતું. આ સમય દરમ્યાન ગ્રાહકોને માત્ર અત્યંત જરૂરી કામ જ કરી આપવાં જેથી અમારે ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવવાનું રહે એવી ગાઇડલાઇન હતી. લૉકડાઉનમાં જ્યારે પરિવહન સુવિધા નહોતી ત્યારે પોતાની રીતે વાહનની વ્યવસ્થા કરવાનો સમય આવ્યો. મીરા રોડથી આવનાર મારી એક સહકર્મચારીએ અને મેં ખૂબ મુશ્કેલીથી ગાડી અને ડ્રાઇવરની શોધ કરી. અમને બન્નેને જ બે અને ત્રણ વર્ષનાં બાળકો છે તેથી લોકોના સંપર્કમાં આવવામાં જોખમ પણ વધારે હતું. એવામાં અમને ગ્રાહકોની એક એવી નવી માનસિકતાનો પરિચય થયો કે તેઓ બૅન્કમાં આવીને પોતાના અકાઉન્ટનું બૅલૅન્સ જાણવા માગે અને અમારા ખબર-અંતર પૂછે. સામાન્ય દિવસોમાં તેમની આ ભાવના સમજી શકાય, પણ આવી કટોકટીના સમયમાં આવું વલણ અમારું જોખમ વધારી રહ્યું હતું. વાસ્તવમાં જરૂરી સેવા માટે આવનાર ગ્રાહકો માત્ર પચાસ ટકા જેટલા જ હતા. બૅન્કમાં સુરક્ષિતતાનાં પગલાં લેવાય છે, પણ ગ્રાહકો અંદર આવીને જો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે અને અમારી સલામતીનું પણ ધ્યાન ન રાખે તો આ જ માનસિકતા બૅન્કર્સને મુશ્કેલીમાં મૂકી દે છે. આવાં અનેક કારણોને લઈ અમે બૅન્કની સેવા આપતી વખતે પાણી પીવાનું કે જમવાનું પસંદ નથી કરતા. બધું કામ પત્યા પછી ઘરે જવા પહેલાં બધી ચોખ્ખાઈ સુનિશ્ચિત કરીને જ જમીએ છીએ. અમારી તરફ ગ્રાહકનો દૃષ્ટિકોણ બદલાવવો જરૂરી છે, કારણ કે અમે પણ તેમની સેવા જ કરી રહ્યા છીએ.’


અનેક કસ્ટમર્સ માસ્ક વિના બૅન્કમાં આવી જાય છે : ભાવના વકીલ

કાંદિવલીમાં રહેતાં ઑફિસર તરીકે કામ કરનાર ભાવના વકીલ કહે છે, ‘લૉકડાઉનથી લઈને શરૂઆતના દિવસોમાં બ્રાન્ચમાં પહોંચવામાં સમસ્યા થતી હતી. પછી અમે બસમાં જવાનું શરૂ કરી દીધું. બૅન્ક અને અમારી તરફથી અમે પૂરું ધ્યાન રાખીએ છીએ, પણ અમારું કામ બહારથી આવનારા ગ્રાહકો સાથે હોય છે તેથી કોરોના સંક્રમણનો ભય રહે છે. યુવાન ખાતેદારો પણ ઘણી વાર માસ્ક પહેર્યા વગર અંદર આવવાની કોશિશ કરે છે અને પૂછીએ તો કહે છે કે માસ્ક ગાડીમાં રાખ્યો છે. ઘણી વાર એવું પણ બન્યું છે કે અમુક જણ કામ થઈ ગયા પછી બૅન્કમાં સમય વિતાવ્યા કરે અથવા સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન માટે તેમને યાદ કરાવવું પડે. બૅન્કમાંથી જઈને વ્યવસ્થિત સૅનિટાઇઝેશનનાં પગલાં લીધા પછી ઘરનું કામ પણ મારે જ કરવાનું હોય તેથી આ સમય મહિલા માટે કપરો છે. કામ કરતી વખતે મનમાં એક વાતની ચિંતા રહે છે કે મારે કારણે મારા પરિવારને કોઈ સમસ્યા ન આવે.’


બૅન્કરોએ બે કલાક બસની લાઇનમાં ઊભા રહીને સર્વિસ આપી છે : લલિતા જોશી

ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લૉઈઝ અસોસિયેશન (એ.આઇ.બી.ઈ.એ.)ના વિમેન્સ કાઉન્સિલનાં નૅશનલ કન્વીનર તથા હાલની પંજાબ નૅશનલ બૅન્ક (પહેલાં યુનાઇટેડ બૅન્ક ઓફ ઇન્ડિયા)ની ફોર્ટ બ્રાન્ચમાં સિંગલ વિન્ડો ઑપરેટર તરીકે કામ કરતાં લલિતા જોશી બૅન્કર્સની સમસ્યાઓ વિશે કહે છે, ‘પહેલા લૉકડાઉનથી લઈને શરૂઆતના પંદર દિવસમાં જ્યારે બૅન્કના કર્મચારીઓને લાંબેથી પ્રવાસ કરીને પોતાની બ્રાન્ચમાં આવવું પડતું ત્યારે બૅન્કનું આઇ-કાર્ડ હોવા છતાં પણ નાકાબંદીમાં તેમને અટકાવવામાં આવતા, કારણ કે બૅન્કની એ સમયે એસેન્શિયલ સર્વિસમાં ગણતરી કરી નહોતી. માનસિક રીતે તેમની વાસ્તવમાં ખૂબ સતામણી થઈ હતી અને પછી બૅન્કે એસેન્શિયલ સર્વિસનું સ્ટિકર લગાડવાનું નક્કી કર્યું. બસની સર્વિસ શરૂ થયા પછી બૅન્કર્સ બબ્બે કલાક સુધી બસની રાહમાં ઊભા રહ્યા છે. પહેલી જૂનથી બૅન્ક ઑફ મહારાષ્ટ્રના સર્ક્યુલર મુજબ સૂચન કરવામાં આવ્યું છે કે ૧૦૦ ટકા સ્ટાફ સાથે બૅન્કે ફુલટાઇમ કામ કરવું, પણ અમે હજી પણ પાર્ટટાઇમ અને ૫૦ ટકા સ્ટાફની માગ કરી રહ્યા છીએ, કારણ કે લૉકડાઉનથી જ બૅન્ક પર કામનું દબાણ રહ્યું છે અને હવે તો દર દિવસે કોરોનાનું સંક્રમણ બૅન્કર્સમાં વધતું હોય એવી વાત ‍સામે આવી રહી છે. પહેલાં ગર્ભવતી સ્ત્રીને ઘરેથી કામ કરવાની અથવા કામ પર ન આવવાની છૂટ આપવામાં આવી હતી, પણ ઘણી બૅન્કમાં આ નિયમનું પાલન નથી થયું અને તેમણે કામ પર આવવું જ પડ્યું છે.’
તેઓ બૅન્કિંગ ક્ષેત્રમાં કોરોનાના સંક્રમણ વિશે કહે છે, ‘બૅન્કમાં કામ કરનારાઓમાંથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણથી વીસ બૅન્કર્સ મૃત્યુ પામ્યા છે, જેમાંથી આશરે ૧૭ બૅન્કર્સ તો મુંબઈના જ છે. સાથે જ કોરોનાથી સંક્રમિત બૅન્કર્સનો આંકડો બસો જેટલો છે. આ આંકડા દરરોજ બદલાય છે, કારણ કે હવે બૅન્કમાં ગ્રાહકોની જેમ-જેમ સંખ્યા વધે છે એમ દર બીજે દિવસે અમારે ત્યાં કોરોનાથી સંક્રમિત દરદીઓના આંકડામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા પંદર દિવસથી મુંબઈમાં સંખ્યા ખૂબ જ વધી રહી છે.’

કેટલાય ખાતેદારો સાવ નજીવા કામે ટાઇમપાસ માટે બૅન્કમાં આવી જાય છે : જિતેન્દ્ર જોશી

પંજાબ નૅશનલ બૅન્ક (ઈ-યુબીઆઇ)ની‍ બાંદરા શાખામાં હેડ કૅશિયર તરીકે કામ કરતા ૫૯ વર્ષના જિતેન્દ્ર જોશી મીરા રોડમાં રહે છે અને અનેક મુશ્કેલીઓ વેઠી બસની રાહ જોઈને બૅન્કમાં પહોંચે છે. તેઓ કહે છે, ‘હું નિવૃત્તિથી બહુ દૂર નથી, પણ આ કપરા સમયમાં મારી જવાબદારી નિભાવવી એને મારી ફરજ સમજું છું. જૂનના પહેલા અઠવાડિયામાં હું ઘરે આવતો હતો ત્યારે ઘરે આવવા પોણાબે કલાક બસની રાહ જોઈ, પણ બસ ન મળી પછી મને પ્રશ્ન પડ્યો કે હવે ઘરે કેમ પહોંચવું. પછી મેં મીરા રોડ રહેનાર મારા એક સહકાર્યકરને ફોન કર્યો. તેની પાસે ટૂ-વ્હીલર છે. તેથી હું ડબલ સીટમાં ઘરે આવ્યો. ખાતેદારો પણ ઘણી વાર નજીવા કામ માટે બૅન્કમાં આવે છે, પણ તેમને એ સમજ નથી પડતી કે આવું કરવાથી અમારા જીવને જોખમ કેટલું વધી શકે છે. સાચું કહું તો હું ઘરેથી નીકળીને પાછો ઘરે સહી સલામત આવું નહીં ત્યાં સુધી પરિવારજનોને ચિંતા રહ્યા કરે છે.’

સરકાર તરફથી બૅન્કમાં કામનું દબાણ વધી રહ્યું છે : દેવીદાસ તુળજાપુરકર

મહારાષ્ટ્ર સ્ટેટ બૅન્ક એમ્પ્લૉઈઝ ફેડરેશન (MSBEF)ના જનરલ સેક્રેટરી દેવીદાસ તુળજાપુરકર કહે છે, ‘બૅન્કમાં ખાતેદારો સતત આવ્યા જ કરે છે અને એમાં પણ મહિનાના પહેલા અઠવાડિયામાં જ્યારે પેન્શન આવે છે, સરકાર તરફથી સબ્સિડી અપાય છે અને પગાર થાય છે ત્યારે ગ્રાહકોની સંખ્યા વધારે રહે છે. કામનું દબાણ સતત વધતું જ રહ્યું છે. આ સમયમાં દરેક બૅન્ક અને બ્રાન્ચની પોતાની એક સમસ્યા છે. ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવાની અથવા સ્ટાફને એકાંતરે બોલાવવાની વાત દરેક બૅન્ક માટે શક્ય નથી થઈ. આ સમયમાં મહિલાઓની પરિસ્થિતિ વધારે ખરાબ છે, કારણ કે તેમને ડોમેસ્ટિક હેલ્પ ન હોવાને કારણે અને પરિવહન સુવિધાના અભાવમાં બૅન્કમાં કામ કરી ઘરે જઈને પૂર્ણપણે સૅનિટાઇઝ થઈ ગયા પછી પણ ઘરનાં બધાં કામ કરવાનાં જ હોય છે. બૅન્કે મહિલા-કર્મચારીઓને કોઈ પણ છૂટછાટો આપી નથી અને ઉપરથી વિવિધ વર્ગ માટે કરજ આપવાનું સરકાર તરફથી એટલું દબાણ છે કે મૅનેજરે પણ જે સ્ટાફ ઉપલબ્ધ છે તેમની પાસેથી કામ લેવું જ પડે છે. નજીકના સમયમાં જ નિવૃત્ત થનાર અમુક કમર્ચારીઓ રજા પૂરી કરવામાં પડ્યા છે તેથી બૅન્કમાં અન્ય કર્મચારીઓ પર કામનો ભાર વધે એ સ્વાભાવિક છે. બૅન્ક માટે આ કપરો સમય છે અને એ એટલો લંબાઈ રહ્યો છે કે અમુક કર્મચારીઓ રાજીનામાનો અથવા સ્વૈચ્છિક નિવૃત્તિનો પર્યાય પસંદ કરી રહ્યા છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 07:57 PM IST | Mumbai | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK