Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કુછ યૂં બીતે લૉકડાઉન કે દિન

કુછ યૂં બીતે લૉકડાઉન કે દિન

24 September, 2020 04:07 PM IST | Mumbai
Varsha Chitalia

કુછ યૂં બીતે લૉકડાઉન કે દિન

નીના ગુપ્તા, મસાબા ગુપ્તા

નીના ગુપ્તા, મસાબા ગુપ્તા


એક સમયની ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી નીના ગુપ્તા અને તેમની પુત્રી મસાબાની લાઇફ સ્ટોરી પર આધારિત ‘મસાબા મસાબા’ વેબસિરિઝ રજૂ થઈ ત્યારથી સિંગલ મધરની સ્ટ્રગલનો મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે. માનસિક, સામાજિક અને આર્થિક પડકારો વચ્ચે એકલપંડે સંતાનનો ઉછેર એ ખાવાના ખેલ નથી. એમાંય કોરોના સંક્રમણ બાદ વિશ્વભરના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે કદાચ તેમના જીવનમાં પણ ઘણાં પરિવર્તન આવ્યાં હશે. આજે આપણે મુંબઈની કેટલીક સિંગલ મધરને મળીને જાણીએ લૉકડાઉનમાં કેવી રહી તેમની સફર

ટીનેજ પુત્ર સાથે પહેલી વાર ઓપનઅપ થઈ : તોરલ ઘેલાણી, અંધેરી



mother
૧૩ વર્ષ પહેલાં બે વર્ષના પુત્ર આરહાનને લઈને હસબન્ડથી છૂટાં પડેલાં અંધેરીનાં એજ્યુકેટર તોરલ ઘેલાણીને તમે અન્ય ડિવૉર્સી મહિલાઓની તુલનામાં નસીબદાર સિંગલ મધર કહી શકો. પિયરનો સપોર્ટ અને હાઈલી ક્વૉલિફાઇડ હોવાના કારણે તેમના જીવનમાં આર્થિક ચડાવ-ઉતાર ખાસ આવ્યા નથી. પુત્રને મમ્મી અને ડૅડીનો એકસરખો પ્રેમ મળે એવી સુંદર વ્યવસ્થા કરી રાખી છે. આટલાં વર્ષથી મા-દીકરાનું જીવન સામાન્ય રીતે ચાલતું હતું. શિક્ષણક્ષેત્રે સંકળાયેલાં તોરલ સવારે ઘરેથી નીકળી જાય પછી છેક મોડી સાંજ સુધી આરહાન તેના નાનાજી પાસે રહે. બધાં પોતપોતાની રૂટીન લાઇફમાં વ્યસ્ત અને મસ્ત રહેતા હતા, પરંતુ લૉકડાઉને તેમની આ વ્યસ્તતા પર બ્રેક મારી દીધી. આ છ મહિનામાં તેમના જીવનમાં આવેલા પરિવર્તન સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘પહેલી વાર અમને એકબીજા સમક્ષ ઓપનઅપ થવાનો અવકાશ મળ્યો. થયું એવું કે એક દિવસ તેને જ્યોગ્રાફી ભણાવી રહી હતી. એમાં ટિમ્બર (લાકડું) શબ્દની જગ્યાએ ભૂલથી ટિન્ડર (ડેટિંગ સાઇટ) બોલાઈ ગયું. આમ જ હસતાં-હસતાં કહ્યું કે બેટા, આપણે બન્ને ડેટિંગ સાઇટ પર પાર્ટનર શોધતાં હોઈએ તો કેવું લાગે? આવું સાંભળીને પહેલાં તો ગુસ્સે થઈ ગયો કે મમ્મી તારે કોઈની સાથે ડેટ નથી કરવાનું. બસ, પછી વાત આગળ ચાલી. જીવનના દરેક તબક્કામાં વ્યક્તિની જરૂરિયાતો બદલાય છે એ બાબત હેલ્ધી ચર્ચા થઈ. લૅપટૉપ, સ્માર્ટ ફોન અને અન્ય ગૅજેટ્સ કરતાં લાઇફમાં હ્યુમન ટચ અને કોઈનો સાથ વધુ જરૂરી છે એવી સમજણ ડેવલપ થઈ. અમારે એકબીજા સાથે વધુ સમય વિતાવવો જોઈએ એનો અહેસાસ કોરોનાએ કરાવી દીધો. ટીનેજ સંતાન સાથે જુદા-જુદા વિષયો પર ચર્ચા કરવાથી બૉન્ડિંગ વધે છે. પુત્રના કારણે કિચનનાં કામો કરતાં શીખી. વાસ્તવમાં રસોઈ બનાવવાનું મને પહેલેથી ગમતું નથી. અમારા ઘરમાં મારા પપ્પા જ કિચન કિંગ છે. આરહાનને નાનાજી સાથે કિચનમાં કામ કરવાનો અનુભવ હોવાથી મને તેની હેલ્પ મળી. હવે નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં દીકરા સાથે ટાઇમ સ્પેન્ડ કરવો છે.’


લાઇફની ગાડી ફરી રિવર્સ ગિયરમાં ચાલી : વૈશાલી મહેતા, ગોરેગામ

single mother
દોઢ વર્ષ પહેલાં હસબન્ડને ગુમાવી દેનારાં ગોરેગામનાં વૈશાલી મહેતાને બહારની દુનિયાનો કોઈ અનુભવ નહોતો. હસબન્ડની મ્યુઝિકલ કમ્પોઝર તરીકે સફળ કારકિર્દી હોવાથી કોઈ ચિંતા નહોતી. ૧૦ વર્ષની આન્યા અને ૧૭ વર્ષના વિશેષને પણ પપ્પાનો ફુલ સપોર્ટ રહેતો. જોકે દરેક વ્યક્તિએ જીવનમાં મૂવ ઑન કરવું પડે છે. વૈશાલી કહે છે, ‘મારી લાઇફમાં તો ડ્રાસ્ટિક ચેન્જિસ આવ્યા છે. વર્ષોથી હાઉસવાઇફ તરીકે રહી હતી એટલે શરૂઆતમાં નોકરી કરવાનો ડર લાગતો હતો પરંતુ સંતાનોના એજ્યુકેશન અને જીવનનિર્વાહ માટે આવક ઊભી કરવી જરૂરી હોવાથી બાળકોને દાદા-દાદી પાસે મૂકી જૉબ કરવાનો નિર્ણય લેવો પડ્યો. બન્ને સંતાનો તેમના પપ્પાને બહુ મિસ કરે છે. ખાસ કરીને આન્યા ઉંમરમાં નાની હોવાથી તેને મારી ઘણી જરૂર હતી પણ સમય આપી શકતી નહોતી. બન્નેએ સ્વીકારી લીધું હતું કે હવે અમે વર્કિંગ મધરનાં બાળકો છીએ અને બધાં કામો જાતે કરવાનાં છે. મમ્મી બનાવીને ગઈ હોય એ રસોઈ જમી લેવાની ને જાતે સ્કૂલનું હોમવર્ક કરવાનું. નવી લાઇફસ્ટાઇલને સ્વીકારીને સામાન્ય રહેવાનો પ્રયાસ કરતાં હતાં ત્યાં લૉકડાઉન આવી ગયું. વર્ક ફ્રૉમ હોમ જેવો ઑપ્શન ન મળતાં કોરોનાએ છ મહિનામાં જ મને વર્કિંગ મધરમાંથી ફરી હાઉસવાઇફ બનાવી દીધી. લાઇફ આટલી જલદી રિવર્સ મારશે એવું તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. આવક બંધ થઈ જતાં વધુ અભાવો વચ્ચે જીવતાં શીખ્યાં. જોકે અત્યારે હું આન્યાને પૂરતો સમય આપી શકું છું. મમ્મીને ઘરે જોઈને રાજી-રાજી થઈ ગઈ છે ને આખો દિવસ મને વળગીને રહે છે. આ ગાળામાં સંતાનોને માની હૂંફ મળી તો હસબન્ડનું અધૂરું કામ પૂરું કરવાની મને તક સાંપડી. અમારા ઘરમાં નાનકડો સ્ટુડિયો બનાવેલો છે. સંગીતનો માહોલ જોયો હતો અને અવાજ સારો એટલે સિન્ગિંગ શીખીને પોતાનું આલબમ લૉન્ચ કર્યું. હાલમાં અનેક ચડાવ-ઉતાર સાથે જીવન વ્યતીત થઈ રહ્યું છે તેમ છતાં આશા છે કે અમારી લાઇફમાં બહુ જલદી સ્ટેબિલિટી આવશે.’


આ સમયમાં હું સંતાનોની સ્ટુડન્ટ  બની : બિન્દુ મલકાન, બોરીવલી

single mother
સિંગલ મધર તરીકેનો બિન્દુ મલકાનનો સંઘર્ષ દોઢ દાયકા જેટલો લાંબો ચાલ્યો. હસબન્ડે આર્થિક સલામતીનો બંદોબસ્ત કર્યો ન હોવાથી તેમને ઝીરોથી શરૂઆત કરવી પડી હતી. બે નાનાં બાળકો સાથે હાઉસવાઇફને ઘરમાંથી કાઢી મૂકવી એ જંગલમાં એકલાં છોડી દેવા બરાબર છે તેમ છતાં હિંમત હાર્યા વગર મક્કમ મનોબળ સાથે તેમણે ટીચિંગના ફીલ્ડમાં ઝંપલાવ્યું. તેઓ કહે છે, ‘લૉકડાઉન અમારા ત્રણેયના જીવનમાં વરદાન બનીને આવ્યું. અત્યારે અમે સૌથી શ્રેષ્ઠ સમય વિતાવીએ છીએ. મુંબઈ જેવા શહેરમાં બાળકોનો ઉછેર અને પોતાનું ઘર બનાવવું બહુ મુશ્કેલ છે. મારું ફોકસ શૂન્યમાંથી સર્જન કરવા તરફ રહ્યું એમાં સંતાનો ક્યાં મોટાં થઈ ગયાં ખબર ન પડી. બધા પોતપોતાની રૂટીન લાઇફમાં મસ્ત હોય ત્યાં દિલ ખોલીને વાતચીતનો કરવાનો સમય કોઈની પાસે નહોતો. અનેક પડકારોનો સામનો કરી બન્ને સંતાનો વિધિ અને હેતને સારું શિક્ષણ આપવામાં સફળ તો રહી પણ સંઘર્ષના દિવસોમાં તેમને સમય નહોતી આપી શકી એનો જે વસવસો હતો એ અત્યારે દૂર થઈ ગયો. સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં વેકેશન પિરિયડ હોવાથી હું થોડી ફ્રી હોઉં, પણ સંતાનો બિઝી હોય એટલે વાત ન થાય. આ વખતે ત્રણેય ઘરમાં હોવાથી એકબીજાને સારી રીતે ઓળખી શક્યાં. યુવાન સંતાનોના બિહેવિયર, ફીલિંગ્સ, વિચારો અને પસંદગીને નજીકથી જોવાની તક મળી. શરૂઆતમાં સાથે મળીને ઘરનાં કામ કર્યાં, બહુ મજા કરી પરંતુ લૉકડાઉન લંબાઈ જતાં ક્લાસિસ કેમ ચાલશે એની ચિંતામાં મને ડિપ્રેશન આવી ગયું. ઑનલાઇન સ્ટડીનો કોઈ અનુભવ નહીં અને ટેક્નૉલૉજીમાં સમજણ પડે નહીં. આગળ શું થશે? વિધિ અને હેતના સપોર્ટથી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરતાં શીખી. એક માતા જ્યારે સંતાનોની સ્ટુડન્ટ બને ત્યારે તેની અનુભૂતિને શબ્દોમાં વર્ણવી નથી શકાતી. લૉકડાઉને મને આ યાદગાર અનુભવ કરાવ્યો છે. એક સમયે સંતાનોને મોટાં કરવાની ચિંતા હતી, આજે તેમણે મને સંભાળી લીધી એનાથી વિશેષ પરિવર્તન શું હોઈ શકે?

લૉકડાઉનમાં પણ દીકરી મમ્મીને મિસ કરતી રહી : કંચન પરમાર, વિદ્યાવિહાર

single mother
અઢી વર્ષ પહેલાં દીકરી રિતિકાને લઈને હસબન્ડથી સેપરેટ થઈ ગયેલાં વિદ્યાવિહારનાં અકાઉન્ટન્ટ કંચન પરમારની લાઇફમાં પડકારો સિવાય જાણે કશું છે જ નહીં. એકમાંથી પાર ઊતરે ત્યાં બીજો પડકાર ઊભો હોય. તેઓ કહે છે, ‘પેરન્ટ્સના ઘરે આવી જાઓ એનો અર્થ એ નથી કે તમે આર્થિક રીતે સલામત છો. પિયરમાં બધાનો સપોર્ટ હોય તોય તમે ભાઈ-ભાભીના માથે બર્ડન બનીને ન જીવી શકો. પોતાનો અને સંતાનનો ખર્ચો ઉપાડવા જૉબ તો કરવી પડે. ૧૦ વર્ષની રિતિકાને મમ્મી-પપ્પા પાસે મૂકી હું ઓફિસ ચાલી જતી. પાછળથી તેને ગમે નહીં એટલે મારા મમ્મીના મોબાઇલમાંથી દર કલાકે ફોન કરીને પૂછે, ક્યારે ઘરે આવશો? જલદી આવો, મને તમારી બહુ યાદ આવે છે. આખો દિવસ વૉટ્સઍપ પર આઇ લવ યુ લખીને જુદા-જુદા ઇમોજીસ મોકલ્યા કરે. લૉકડાઉન આવતાં ઑફિસનું કામ બંધ થઈ ગયું. સૅલરી ઓછી મળતાં આર્થિક તકલીફમાં વધારો થયો છતાં એ વખતે થયું કે ચાલો મા-દીકરી સાથે રહીને મજા કરીશું. ત્યારે ઑનલાઇન સ્ટડી નહોતી તો તેને માતૃભાષા શીખવાડી. સાથે બેસીને ડ્રૉઇંગ બનાવ્યાં. ગેમ્સ રમીને સમય પસાર કર્યો. પોતાનાં કામો જાતે કરી શકે એવા હેતુથી તેને કબાટનાં ખાનાં ગોઠવતાં તેમ જ ઘરનાં નાનાં-મોટાં કામો શીખવાડ્યાં. ઘરમાં સતત મારી હાજરીથી તેને બહુ ગમવા લાગ્યું. જોકે અમે લાંબો સમય સાથે રહીએ એ કિસ્મતને મંજૂર નહોતું. મે મહિનામાં મારા પપ્પાની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા. ઑફિસની જગ્યાએ કલાકો સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું. દોઢ મહિનો તેઓ હૉસ્પિટલમાં રહ્યા ને હજી તાતા હૉસ્પિટલના ધક્કા ચાલે છે. હવે અઠવાડિયે એકાદ દિવસ મારે ઑફિસ જવું પડે છે. ઘરના તમામ મેમ્બરો વારાફરતી બહાર જવા લાગતાં સમજી ગઈ છે કે ફરી એકલાં રહેવાનું છે. સિંગલ મધરની લાઇફમાં ચડાવ-ઉતાર આવે એને સંતાનોએ જીરવતાં શીખવું પડે છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2020 04:07 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK