Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > RTI કાયદાના ઉપયોગથી આવેલા નિરાકરણની આ ખૂબ જ રોમાંચક કથા છે

RTI કાયદાના ઉપયોગથી આવેલા નિરાકરણની આ ખૂબ જ રોમાંચક કથા છે

21 December, 2019 03:58 PM IST | Mumbai
Dheeraj Rambhiya

RTI કાયદાના ઉપયોગથી આવેલા નિરાકરણની આ ખૂબ જ રોમાંચક કથા છે

RTI

RTI


અંધેરીમાં રહેતા શિક્ષિત યુવાન વિનોદ મતલાની રાતના અંદાજે ૮.૧૫ વાગ્યે ૨૦૧૮ની ૬ જાન્યુઆરીએ કોટક બૅન્કમાં ATM (ઑટોમેટેડ ટેલર મશીન)માંથી ૧૦,૦૦૦ કઢાવવા જતાં થયેલી ઠગાઈની આ રોમાચંક કથા છે.

સામાન્યપણે  એટીએમ અને એમાં રહેલી રોકડ પુરાંતની સુરક્ષા માટે સિક્યૉરિટી ગાર્ડ તહેનાત હોય છે, પરંતુ કમભાગ્યે આવો સુરક્ષા પ્રબંધ નહોતો. વિનોદભાઈએ તેમની પાસેના એચડીએફસી બૅન્કના ડેબિટ કાર્ડને સ્વાઇપ કરી પાસવર્ડ ટાઇપ કર્યો. પરંતુ એટીએમની સ્ક્રીન પર આની કોઈ અસર દેખાઈ નહીં એથી સ્થિતપ્રજ્ઞને એમના હાલ પર છોડી વિનોદભાઈ બીજા એટીએમની શોધમાં નીકળી પડ્યા. માંડ બેએક મિનિટનો સમય પસાર થયો હશે અને મોબાઇલ પર તેમના બૅન્ક ખાતામાંથી ૧૦,૦૦૦ ડેબિટ થયાનો મેસેજ વીજળીની જેમ ઝબૂક્યો. વીજગતિએ જ્યાં ડેબિટ કાર્ડ સ્વાઇપ કર્યું હતું એ એટીએમ પર પહોંચ્યા. એટીએમ પાસે કોઈ જ નહોતું, માત્ર ૧૦,૦૦૦ રૂપિયા ડેબિટ થયાની રસીદ જાણે અટ્ટહાસ્ય કરતી પડી હતી. સિક્યૉરિટી ગાર્ડની શોધ આજુબાજુ કરી, પણ હોય તો મળેને? બેબાકળા થયેલા વિનોદભાઈ પૂછપરછ કરતાં બાજુમાં આવેલા પોલીસ-સ્ટેશન પર પહોંચ્યા. પોલીસ ૧૦,૦૦૦ની રકમ શોધી આપશે એ આશાએ ફરિયાદ નોંધાવી. પોલીસે બૅન્કમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી. જો બૅન્ક ફરિયાદ નોંધાવે તો જ પોલીસ ડિપાર્ટમેન્ટ ઇન્વેસ્ટિગેશન કરશે એવી માહિતી આપી. મળેલી સલાહ મુજબ એચડીએફસી બૅન્કનો સંપર્ક કર્યો, કારણ કે ૧૦,૦૦૦ તેમના એચડીએફસી બૅન્કના ખાતામાંથી ગાયબ થયેલા. એચડીએફસી બૅન્કે ડિસ્પ્યુટ ફૉર્મ આપ્યું અને એ ભરી આપવા જણાવ્યું. કોટક બૅન્કે તો રીતસરના હાથ જ ઉપર કરી દીધા.



એક દિવસ મિત્રો સાથે ઉપરોક્ત બનેલી ઘટનાની ચર્ચા દરમ્યાન એક ગુજરાતી મિત્રે તરુણ મિત્ર મંડળ સંચાલિત જનાધિકાર અભિયાનની માહિતી અને સંપર્ક નંબરો આપ્યા તથા તેમનો સંપર્ક કરી માર્ગદર્શન લેવાની સલાહ આપી.


મિત્રે આપેલા ફોનનંબર પર સંપર્ક કરી અપૉઇન્ટમેન્ટ અને ઍડ્રેસ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત થાણા કેન્દ્રના નિયામક રાજેન ધરોડ સાથે થઈ. રાજેનભાઈ તથા કેન્દ્રના અન્ય સાથીઓએ વિનોદભાઈની વિટંબણાની વાત શાંતિથી સાંભળી, કોટક તથા એચડીએફસી બૅન્કને ઉદ્દેશીને નીચેની વિગતે સવિસ્તર પત્ર બનાવી આપ્યા જે બન્ને બૅન્કોને ૨૦૧૮ની ૧૯ માર્ચે મોકલવામાં આવ્યા.

૧) ૨૦૧૮ની ૬ જાન્યુઆરીના રાતના ૮.૧૫ના અરસામાં લારામ સેન્ટર, એસ. વી. રોડ, અંધેરી (વેસ્ટ) સ્થિત કોટક બૅન્કના એટીએમ સેન્ટર ગયો જે સિક્યૉરિટી ગાર્ડ દ્વારા રક્ષિત નહોતું.


૨) હું જ્યારે સેન્ટર આગળ પહોંચ્યો ત્યારે સેન્ટરમાં રહેલા બે જણમાંથી એક બહાર આવ્યો અને મારી બાજુમાં ઊભો રહ્યો. અંદર રહેલો માણસ એટીએમથી પૈસા કઢાવવાનો ઢોંગ કરતો જણાયો.

૩) બહાર આવીને તેણે જણાવ્યું કે એટીએમમાં કોઈ ટેક્નિકલ ખામી જણાઈ રહી છે છતાં તમે પ્રયત્ન કરી જુઓ.

૪) એટીએમ સેન્ટરની અંદર જઈને એચડીએફસી બૅન્કનું ડેબિટ કાર્ડ સ્વાઇપ કરી ચાર અંકી એટીએમ પિન નાખી તો એટીએમ સ્ક્રીન પર કોઈ ગતિવિધિ દેખાઈ નહીં, એટીએમમાં પ્રૉબ્લેમ જણાતાં અને મને ઉતાવળ હોવાથી એટીએમ સેન્ટરમાંથી બહાર નીકળી ગયો. એટીએમની સ્ક્રીન પર એટીએમ પિન દેખાઈ ન હોવાથી એ કૅન્સલ કરવાની જરૂર ન જણાઈ.

૫) લારામ સેન્ટરમાં જ બીજા એટીએમની શોધખોળ કરી રહ્યો હતો અને માંડ બે મિનિટનો સમય વ્યતીત થયો હશે અને મારા મોબાઇલની સ્ક્રીન પર એચડીએફસી બૅન્કે મોકલેલા એસએમએસે દેખા દીધી જે વાંચતાં પગ તળેની ધરતી સરકતી લાગી. મારા બૅન્ક ખાતામાંથી ૧૦,૦૦૦ની રકમ કોઈએ કઢાવી લીધી હોવાનો એ સંદેશો હતો.

૬) સંદેશો વાંચીને હતપ્રભ થયેલા વિનોદભાઈ કોટક બૅન્કના એટીએમ સેન્ટર તરફ દોડ્યા, પરંતુ બન્ને બદમાશો ત્યાંથી ૧૦,૦૦૦નીરકમ સાથે છૂમંતર થઈ ગયેલા. માત્ર એટીએમના સ્લૉટમાં રસીદ પડી હતી. શૂન્યમનસ્ક થયેલા વિનોદભાઈ પંદરેકમિનિટ બાદ હોશમાં આવ્યા અને એચડીએફસી બૅન્કના કૉલ સેન્ટર પર ફોન લગાવ્યો. આ દરમ્યાન રાતના ૮.૩૦નો સમય થઈ ગયો હોવાથી ફોન ઑટો રિસ્પૉન્સમાં જતો રહ્યો. રિસ્પૉન્સ સાંભળવા ફોન કાન પર લગાવતાં સંભળાયું કે અમારો કાર્યકારી સમય સમાપ્ત થઈ ગયો છે. આવતી કાલે ફોન કરવા વિનંતી.

૭) હતોત્સાહી વિનોદભાઈ ડી. એન. નગર પોલીસ-સ્ટેશન, અંધેરી (વેસ્ટ) પર ફરિયાદ નોંધાવવા પહોચ્યા. ડ્યુટી પરના

પોલીસ-અધિકારીએ બનેલી ઘટનાનું વિવરણ લખી આપવા જણાવ્યું, જે લખી આપતાં ફરિયાદ પત્રની બીજી પ્રત પર સહીસિક્કા મેળવીને ત્યાંથી રવાના થયા. પોલીસે એચડીએફસી બૅન્કને પણ લેખિત ફરિયાદ પત્ર આપવા જણાવ્યું.

૮) ૨૦૧૮ની ૮ જાન્યુઆરીએ એચડીએફસી બૅન્કના કૉલ સેન્ટર પર ફરિયાદ નોંધાવી.

૯) ૧૦ દિવસ બાદ કૉલ સેન્ટરમાંથી ફોન આવ્યો કે આપનું ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થયું હોવાથી કોઈ રીફન્ડ આપવામાં આવશે નહીં. આપ આપની બ્રાન્ચમાં જઈ ડિસ્પ્યુટ ફૉર્મ ભરી થયેલા ટ્રાન્ઝેક્શન માટે ફરિયાદ નોંધાવી શકો છો.

૧૦) ૨૦૧૮ની ૧૮ માર્ચે એચડીએફસી બૅન્કના એસએમએસ દ્વારા જણાવવામાં આવ્યું કે આપની ફરિયાદ પર તપાસ કર્યા બાદ કોઈ કાર્યવાહી કરવાની રહેતી ન હોવાથી ફરિયાદ-ફાઇલ બંધ કરી દેવામાં આવી છે, જેની નોંધ લેશો.

ઉપરોક્ત વસ્તુસ્થિતિના કારણે નિર્માણ થયેલી પરિસ્થિતિનો સામનો કરવા આરટીઆઇ કેન્દ્ર પર ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી વિનોદભાઈ ૨૦૧૮ની બીજી એપ્રિલે પહોંચ્યા. સેવાભાવીઓએ એચડીએફસી બૅન્કના ગ્રીવન્સ સેલને ઉદ્દેશીને ફરિયાદ બનાવી આપી તથા ત્યાર બાદ કોટક મહિન્દ્રા બૅન્ક તેમ જ એચડીએફસી બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટરને ઉદ્દેશીને વિગતવાર ફરિયાદ પત્ર બનાવી આપ્યો. બન્ને બૅન્કોએ આ પત્રો પર ન તો કોઈ કાર્યવાહી કરી કે ન તો એનો જવાબ આપવાની તસ્દી લીધી.

આથી વિનોદભાઈ ફરીથી અપૉઇન્ટમેન્ટ મેળવી આરટીઆઇ સેવાકેન્દ્ર પર પહોંચતાં રાજેનભાઈએ મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનની સામે સ્થિત રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભાયખલા કાર્યાલયને ઉદ્દેશીને ધારદાર અરજી બનાવી આપી. એ આરબીઆઇ તથા એચડીએફસી બૅન્કના ગ્રીવન્સ સેલને કૉપી ૨૦૧૮ની ૧૩ જૂનના મોકલવવામાં આવી, જેની ધારી અસર થઈ. કાટ લાગેલા મશીનમાં જાણે તેલ પુરાયું. ૨૦૧૮ની ૧૦ જુલાઈએ એચડીએફસી બૅન્કમાંથી વિનોદભાઈને એસએમએસ આવ્યો, જે વાંચતાં આંખમાં ચમક તથા મોઢા પર હાસ્યની રેખાઓ અંકિત થઈ અને જાણે સોનાનો સૂરજ ઊગ્યો હોય એવી પ્રસન્નતા રોમ-રોમ વ્યાપી ગઈ, કારણ કે ચાર મહિનાની રઝળપટ્ટી અને માનસિક સંતાપ પૂરો થયાનો રોમાંચ અનુભવાયો, કારણ કે એચડીએફસી બૅન્કે તેમના સેવિંગ્સ ખાતામાં પૂરેપૂરા ૧૦,૦૦૦ જમા કરી દીધા હતા. તરુણ મિત્ર મંડળ સંચાલિત જનાધિકાર અભિયાનને સલામ કરતાં વિનોદભાઈના હાથ થાણા કેન્દ્રના નિયામક રાજેનભાઈ ધરોડના કર્તૃત્વથી જોડાઈ ગયા અને ફાઇટ ફૉર યૉર રાઇટની વિભાવનાનો જયજયકાર થયો.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2019 03:58 PM IST | Mumbai | Dheeraj Rambhiya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK