૭૫ વર્ષે અરેબિક ભાષા શીખેલા આ દાદાજીને તો દાદ દેવી પડે

Published: Dec 04, 2019, 12:11 IST | Ruchita Shah | Mumbai

વડીલ વિશ્વઃ ભણતા રહો તો ક્યારેય ઘરડા ન થાઓ એવું માનનારા સાઉથ મુંબઈમાં રહેતા જિતેન્દ્ર શાહે તાજેતરમાં અરેબિક ભાષામાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ એ પ્લસ ગ્રેડ સાથે પાસ કર્યો છે.

જિતેન્દ્ર શાહ
જિતેન્દ્ર શાહ

મોટી ઉંમરે ભણવું અઘરું પડે કે મોટી ઉંમરે જ્ઞાન ન ચડે જેવી માન્યતાઓનો ધરાર છેદ ઉડાવીને ગ્રાન્ટ રોડ નજીક રહેતા ૭૫ વર્ષના જિતેન્દ્ર શાહે તાજેતરમાં અરેબિક ભાષા શીખી. મજાની વાત એ છે કે ભારત સરકારના એચઆરડી ડિપાર્ટમેન્ટના સબડિવિઝન ગણાતા કાઉન્સિલ ફૉર પ્રમોટિંગ ઉર્દૂ લૅન્ગ્વેજ અંતર્ગત ચાલતા આ કોર્સમાં ૧૦૦ જણે પોતાનું નામ નોંધાવ્યું હતું, જેમાંથી ૯૯ લોકો મુસલમાન હતા અને જિતેન્દ્રભાઈ એક માત્ર જૈન, ગુજરાતી હિન્દુ હતા. તેઓ કહે છે, ‘બે વર્ષનો કોર્સ હતો, જેમાં અરેબિક ભાષા જે કુરાનની ભાષા ગણાય છે એની ફંક્શનલ ટ્રેઇનિંગ અપાય છે. ડિપ્લોમા ઇન ફંક્શનલ અરેબિક કરવા આવેલા મારા સિવાયના તમામ વિદ્યાર્થીઓ ૪૦ વર્ષથી નાની ઉંમરના હતા. તમે અરેબિયન દેશમાં જાઓ અને ત્યાં બોલચાલમાં ડૉક્ટર પાસે, બૅન્કમાં, ઍરપોર્ટમાં એમ જુદા-જુદા સ્થળે જાઓ ત્યારે શું બોલશો? ધારો કે તમારે બૅન્કમાં લેટર લખીને કોઈ અરજી કરવાની છે, બીજા કોઈ સરકારી વિભાગમાં કાગળ લખવાનો છે તો એની ટ્રેઇનિંગ પણ અમને આપવામાં આવી છે. કોર્સ પૂરો થયો પછી ૭૦ લોકોએ એની પરીક્ષા આપી હતી જેમાં મને એ પ્લસ ગ્રેડ મળ્યો. દુનિયાના ૧૭ દેશમાં ૨૭ કરોડ માણસો આ ભાષા જાણે છે. હવે તો અમેરિકામાં પણ પ્રચાર વધી રહ્યો છે.’
આવો શોખ?
મૂળ પાટણના પણ મુંબઈમાં જ જન્મેલા અને ઊછરેલા જિતેન્દ્રભાઈનું એક સપનું હતું કે તેઓ ક્યારેક કોઈ ફૉરેનની ભાષા શીખે જે તેમણે ૭૪ વર્ષની ઉંમરે પૂરું કરવાનું શરૂ કર્યું. ૧૯૬૦માં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ હતાં એ સમયે તેમણે એસએસસીની પરીક્ષા આપી અને એમાં ૭૧.૪૨ ટકાએ પાસ થયા. તેઓ કહે છે, ‘એ સમયે રાજ્યમાં પહેલા સો વિદ્યાર્થીઓમાં મારો નંબર આવ્યો હતો. એ પછી સિવિલ એન્જિનિયર થયા પછી નોકરી ચાલુ કરી. હકીકતમાં એ જ સમયે મારે ફૉરેનની ભાષા ભણવી હતી. જર્મન કૉન્સ્યુલેટે એ સમયે જર્મન ભાષાના કોર્સ શરૂ કર્યા હતા. મારે પણ એ ભાષા શીખવી હતી, પરંતુ મારી ઑફિસના સમયને કારણે હું શીખી ન શક્યો. વિદેશી ભાષા શીખવાનું એ સપનું હવે જઈને પૂરું થયું. ભણવું એ મારો શોખ છે. મને ટીવી જોવાનો કે ક્રિકેટ રમવાનો કોઈ શોખ નથી. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે ભણવા માંડું છું.’
કંઠસ્થ છે ગ્રંથો
SSC પાસ કરે એ પહેલાં જ જિતેન્દ્રભાઈએ સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. તેમ જ ૧૯૬૬માં સિવિલ એન્જિનિયરિંગ અને ૪૪ વર્ષની ઉંમરે ૧૯૮૮માં એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો એક કોર્સ કરી લીધો અને મુંબઈ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં કામ કરતાં-કરતાં વધારાના સમયમાં ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોનું અધ્યયન શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેમણે જૈન ગ્રંથોમાં આવશ્યક સૂત્ર, સાત સ્મરણ, ત્રણ ભાષ્ય, વૈરાગ્યશતક, શાંત સુધારસ, જ્ઞાનસાર, યોગસાર, અધ્યાત્મગીતા, તત્ત્વસાર, સમાધિશતક,મહોપાધ્યાયાય, યશોવિજયજી રચિત સમતાશતક, આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ રચિત યોગવિંશિકા, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત સ્યાદ્વાદ મંજરીના બન્ને ભાગ એમ જૈનોના આટલા ગ્રંથોનો અભ્યાસ તેમણે વિવિધ મહાત્મા અને પંડિતની મદદથી કર્યો છે. તો સનાતન ધર્મના આદિ શંકરાચાર્યનો અદ્વૈત મકરંદ, ઈશા, કેન, કઠ, મંડૂક, પ્રશ્ન અને શ્વેતાશ્વેતર ઉપનિષદોનો તેમ જ આદિશંકરાચાર્યની ટીકા સહિત નાસદીય સૂત્રનો અભ્યાસ પણ કર્યો છે. ભારતીય વિદ્યાભવનમાં શ્રીમદ ભગવદ્ગીતાનો ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો છે અને એની પણ પરીક્ષાઓ સારા ગુણાંક સાથે પાસ કરી છે. જિતેન્દ્રભાઈ કહે છે, ‘હું પાટણનું પાણી છું અને ભણતર તો મારા લોહીમાં છે. મારી માતા અને નાનીના સંસ્કારો પણ એવા છે કે અમે અભ્યાસને ભરપૂર મહત્ત્વ આપતા રહ્યા છીએ, જે આજ સુધી ચાલુ છે. રોજના ત્રણથી ચાર કલાક અધ્યયન માટે આપું છું. ગીતાના ૭૦૦ શ્લોકમાંથી ૧૫૦ મને કંઠસ્થ છે. જૈનોનો ખૂબ અઘરો કહેવાય એવો જ્ઞાનસાર અને શાંત સુધારસ ગ્રંથ કંઠસ્થ છે અને લગભગ રોજેરોજ એનું પઠન-મનન કરી લઉં છું. ૩૫૦ ગાથાના (શ્લોક) જ્ઞાનસાર નામના ગ્રંથને મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજસાહેબ નામના મહાત્માએ દિવાળીના દિવસે ડભોઈ નામના ગામમાં પૂર્ણ કર્યો હતો એટલે દર દિવાળીએ સંપૂર્ણ જ્ઞાનસાર વાંચી જાઉં છું. એવી જ રીતે અર્ધમાગધી ભાષામાં લખાયેલો ૧૦૮ શ્લોકનો વૈરાગ્યશતક નામનો ગ્રંથ પણ નિયમિત વાંચું છું. સરસ્વતીમાતાની કૃપા છે અને જૈન દૃષ્ટિકોણથી કહું તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે.’
લગભગ દરેકેદરેક વિષયમાં પારંગત અને સતત વિદ્યાર્થી બનીને અભ્યાસ કરી રહેલા જિતેન્દ્રભાઈ આજે પણ રેઇન વૉટર હાર્વેસ્ટિંગ અને વૉટર ટ્રીટમેન્ટ માટે કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા છે. અત્યારે મુંબઈ અને પુણેમાં તેમની ઍડ્વાઇઝ અતંર્ગત બનેલા એક ડઝનથી વધારે વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. શિક્ષણ માટેના તેમના લગાવને કારણે તેમણે પાટણની યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સેન્ટર્સ અને વાંચનાલયમાં સારા પ્રમાણમાં અનુદાન પણ આપ્યું છે. પોતાના અનુભવ પરથી તેઓ કહે છે, ‘જેટલું મગજ કસાતું રહેશે એટલી શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાશે. ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મો આત્માને સ્વીકારે છે. તમારો અભ્યાસ અને સંસ્કારો જન્મોજન્મ સુધી સાથે રહેવાના છે. ભણવાની કોઈ ઉંમર નથી, બને એટલું ભણતા રહો એ તમારા હિતમાં છે.’ ભણવાની યાદીમાં હવે નેક્સ્ટ બૃહદ આરણ્યક અને માંડુક્ય ઉપનિષદ ભણવાની તૈયારીઓ તેમણે શરૂ કરી દીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK